Sunday, 22 December, 2024

Bodh katha in Guajarati

598 Views
Share :
બોધ-વાર્તા-ગુજરાતી-moral-story-in

Bodh katha in Guajarati

598 Views

બોધદાયક વાર્તા: સંઘર્ષ

એક વેપારી ઘણા વર્ષોથી સર્કસ ચલાવતો હતો. તેની પાસે કોઈ કુટુંબ ન હતું, તેથી તેણે બંધ કરવાનું નક્કી કર્યું કારણ કે તેનું સર્કસ ખરીદવામાં કોઈને રસ ન હતો. તેમણે કર્મચારીઓને રાહત આપી અને પાળેલા પશુઓને વેચી દીધા. જો કે, જંગલી પ્રાણીઓને કોઈ ખરીદશે નહીં, તેથી તેણે તેમને જંગલમાં મુકત કરવા પડ્યા.

તેણે 4 વાઘ અને 6 સિંહોને જંગલમાં છોડ્યા. વાઘ અને સિંહોઓને રાહત અનુભવાતી હતી. જો કે, એક અઠવાડિયામાં 3 વાઘ અને 4 સિંહો મૃત્યુ પામ્યા! તે જાણીને વધુ આશ્ચર્ય થયું કે આ જંગલી પ્રાણીઓને જંગલી કૂતરાઓએ માર્યા હતા! જંગલી કૂતરાઓ આ વિકરાળ પ્રાણીઓને મારી શક્યા તેનું કારણ એ હતું કે આ વિકરાળ પ્રાણીઓને તૈયાર ખોરાક ખાવાની ટેવ પડી હતી! તેઓને ક્યારેય તેમના આંતરિક શક્તિને સમજવાની તક આપવામાં આવી ન હતી.

આજે, મોટા ભાગના માતા-પિતા તેમના બાળકોને તૈયાર થાળીમાં સુવિધાઓ આપીને લાડ લડાવે છે જેના કારણે બાળક ટકી રહેવા અને આગળ વધવા માટે સંઘર્ષ કરવાની આદતો ભૂલી જાય છે.

તમારા બાળકોને લાડ લડાવવાની ભાવનાઓને મર્યાદિત કરો.

બે ભિખારીઓ

એક રાજા દરરોજ મંદિર જતા હતા તેમણે મંદિરની બહાર બે ભિખારી જોયા. બંને ભિખારીઓ સામસામે બેસતા હતા. ડાબી બાજુ વાળો ભિખારી હંમેશા બોલતો હતો – તમે રાજા છો – મને ભિક્ષા આપો. જમણી બાજુ વાળો ભિખારી હંમેશા બોલતો હતો – ભગવાન મહાન છે – મને ભિક્ષા આપો. રાજાને જમણી બાજુના ભિખારી વિશે ખૂબ જ ખરાબ લાગ્યું કારણકે તે તેમના કરતાં ભગવાનને વધુ મહત્વ આપતો.

રાજાએ જમણી બાજુના ભિખારીને પાઠ ભણાવવા, ડાબી બાજુના ભિખારી માટે તેના સૈનિક સાથે ખીરની એક મોટી તપેલી મોકલી જેમાં સોનાનો સિક્કો હતો. ડાબી બાજુનો ભિખારી ખીરનો વાટકો મેળવીને ખૂબ ખુશ થયો અને ખાવા લાગ્યો.

પેટ સંતોષાય ત્યાં સુધી તેણે ખીર ખાધી અને પછી તેણે જમણી બાજુના ભિખારીને ખીરની તપેલી આપી દીધી. જમણી બાજુનો ભિખારી ખીરની તપેલી તેના ઘરે અને તેના પરિવાર સાથે ખાવા માટે લઈ ગયો.

બીજા દિવસે જ્યારે રાજા મંદિરએ આવ્યા ત્યારે ડાબી બાજુના ભિખારીએ ખીર માટે રાજાનો આભાર માન્યો. રાજાએ જમણી બાજુનો ભિખારી જોયો નહિ. તેણે ડાબી બાજુના ભિખારીને પૂછ્યું કે તે ક્યાં છે? ડાબી બાજુના ભિખારીએ કહ્યું – મેં ગઈકાલે તેને બાકી રહેલી ખીરની તપેલી આપી અને પછી તે પાછો આવ્યો નથી.

રાજાને સમજાયું કે સોનાનો સિક્કો તે ભિખારી પાસે ગયો છે – જે માનતો હતો કે ભગવાન મહાન છે! મિત્રો, હંમેશા ભગવાન પર વિશ્વાસ રાખો.

સિંહ અને કઠિયારો

લાભુ નામનો એક કઠિયારો હતો. રોજ જંગલમાં જતો. બપોર સુધી લાકડાં કાપતો અને તેનો ભારો બાંધી પોતાના ગામમાં પાછો ફરતો. એ લાકડાં ગામના બજારમાં વેચી એમાંથી જે કાંઈ મળે તેનાથી રસોઈનો સામાન લઈ પોતાને ઘેર જતો. આમ તેની જિંદગી માંડમાંડ ગરીબીમાં પસાર થતી હતી.

એક દિવસની વાત છે. રોજની માફક તે જંગલમાં ગયો. એક ઝાડ આગળ દોરડું અને અંગૂઠો લટકાવી કુહાડીથી ડાળ કાપવા જતો હતો ત્યાં જ તેને કોઈ પ્રાણીના કણસવાનો અવાજ સંભળાયો. તેણે અવાજની દિશામાં નજર નાખી. કોઈ પ્રાણી દર્દથી કણસી રહ્યું હતું. લાભુ એ તરફ જવા લાગ્યો.

તળાવથી થોડે દૂર તેણે જોયું કે એક સિંહ દર્દથી કણસી રહ્યો હતો. બાપ રે … આ તો સિંહ … જંગલનો રાજા … . એની પાસે ના જવાય. ત્યાં જ સિંહની નજર તેના પર પડી. સિંહની આંખોમાં લાચારી હતી. લાભુ હિંમત કરી તેની નજીક ગયો. તેણે જોયું કે સિંહનો આંગલો પણ લોહીલુહાણ હતો ત્યાં તીર વાગેલું હતું.

સિંહે કહ્યું – ‘ ભાઈ , મારી મદદ કરો. મને પગમાં તીર વાગ્યું છે, તે જલ્દી કાઢો ‘

લાભુને દયા આવી છતાં ગભરાતા ગભરાતા તે નજીક ગયો. સિંહના પગમાંથી તીર કાઢયું. તળાવ થોડે દૂર હતું તે ત્યાં ગયો. પોતાનો અંગૂછો ભીનો કર્યો. પછી સિંહ પાસે આવી ભીના અંગૂઠાથી ઘા સાફ કર્યો. જંગલમાં જંગલી ઔષધીના ઘણા છોડ હોય છે. ઔષધીના એક છોડ પરથી પાંદડાં લાવી, બે હથેળીમાં મસળી સિંહના ઘા ઉપર લૂગદીબનાવી લગાવી. સિંહે જણાવ્યું કે તે પાણી પીવા તળાવ આવ્યો ત્યારે કોઈ શિકારીએ તેને તીર મારી તેનો શિકાર કરવા પ્રયત્ન કર્યો હતો.

તીર વાગ્યું છતાં છલાંગ લગાવી માંડ માંડ ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો. ભલે સિંહ હિંસક પ્રાણી હતો પણ લાભુને તેની દયા આવી. દિવસ દરમ્યાન લાકડા કાપતા કાપતા થોડી થોડી વારે તેની તપાસ કરી તો સાંજ પડવા આવી ત્યારે લાભુએ ફરી તેના ઘા ઉપર ઔષધી લગાવી આપી. બીજા દિવસે લાભુ રોજ કરતાં વહેલો જંગલમાં ગયો. જોયું તો સિંહ ત્યાંથી ચાલીને તળાવની પાળે પાણી પી રહ્યો હતો. સિંહે કહ્યું રાત્રે તેને સરસ ઊંઘ આવી. ચાર – પાંચ દિવસમાં સિંહને સારું થઈ ગયું.

છતાં લાભુ ઘા તપાસી ઔષધી લગાવતો રહ્યો. હવે સિંહ બરાબર ચાલી શકતો હતો. એક સાંજે લાભુ લાકડાનો ભારો લઈ ઘેર પાછો ફરતો હતો ત્યારે સિંહે કહ્યું – “ તેં મારી ઘણી સેવા કરી છે. લાવ, આ લાકડા પીઠ ઉપર મૂકી દે . હું તને તારા ગામના પાદર સુધી છોડવા આવું છું.”

આમેય લાભુ થાકેલો તો હતો જ ! તેણે ભારો સિંહની પીઠ ઉપર મૂકી દીધો. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો . લાભુ લાકડાનો ભારો તૈયાર કરતો અને સિંહ ગમે ત્યાંથી સમયસર આવી જતો . તેને રોજ ગામના પાદરે મૂકી જતો . જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ લાભુનો લોભ પણ વધવા લાગ્યો . એક ભારામાંથી બે થયા . બેના ચાર થયા , તેની પાસે પૈસા પણ વધારે ભેગા થવા લાગ્યો.

ગામમાં પણ વાતો વહેતી થઈ. ગ્રામજનો લાભુને સિંહની સાથે જોવા ઠેઠ પાદર સુધી ભેગા થવા લાગ્યા. ગામમાં લાભુ અને તેની પત્નીનું માન વધવા લાગ્યું. સૌ તેની પાસે સિંહની વાતો સાંભળવા એકઠા થવા લાગ્યા. સિંહ જેવો જંગલનો રાજા … પણ લાભુ પાસે બકરી … … બનીને તેની દરેક વાત માને.

જેમ જેમ માન વધતું ગયું , લાભુનો અહંકાર પણ વધતો ગયો. ઘણીવાર તો પાતળી સોટીથી સિંહને ફટકારતો ! જલ્દી જલ્દી ચાલ … આમ ગધેડાની માફક શું ધીમે ધીમે ચાલે સિંહ એક માણસના ઉપકારને વશ હતો. તેનાથી લાભુનો ઉપકાર ભૂલાતો નો’તો. તેથી નાછૂટકે ગમે તેવું અપમાન સહન કરી રહ્યો હતો. મહિનો … બે મહિના … ત્રણ મહિના …

માનવસહજ મોટાઈ પામવાનો સ્વભાવ લાભુમાં દિવસે દિવસે વધતો ગયો. તે એ પણ ભૂલી ગયો કે તે જેનું વાતે – વાતે અપમાન કરે છે , લાકડી ફટકારે છે , વધારેને વધારે ભાર લાદે છે એ કોઈ ગધેડો નથી – સિંહ છે.

એક દિવસ સિંહે કહ્યું – ‘‘ લાભુ , તારા હાથમાં આ કુહાડી છે ને ! એક કામ કર … મારી પીઠ ઉપર કુહાડીનો ઘા કર !!! ’ લાભુ તો દંગ રહી ગયો. સિંહ … આ શું બોલે છે ?
છતાં સિંહે કહ્યું. “ તું ચિંતા ના કર , હું કહું છું ને , તારી કુહાડીથી એક ઘા કર. ‘‘ લાભુએ ઘા કર્યો. લોહી નીકળ્યું. પણ સિંહે સ્હેજ પણ ઊંહકારો ના કર્યો.

ત્રણ – ચાર દિવસ પછી સિંહે લાભુને પૂછ્યું – “ જરા જો તો ખરો ! પેલો ઘા તે પાડ્યો હતો ત્યાં રૂજ આવી કે નહિ ? ’’

લાભુએ જોયું ઘા રૂજવા આવ્યો હતો. ત્યારે સિંહે કહ્યું – જોયું ! લાભુ … તારી કુહાડીથી પડેલો ઘા પણ રૂજાઈ ગયો. તે દિવસે તીરના ઘા ઉપર ઔષધી લગાવી તેનો ઉપકાર હું ભૂલ્યો નો’તો. તેના બદલામાં અત્યાર સુધી મેં તારી ઘણી સેવા કરી. હું રાહ જોતો હતો કે મોટાઈ પામવાનો તારો માનવ સ્વભાવ સુધરે છે કે નહિ ? પણ એ ના બન્યું. કુહાડીનો ઘા તો સહન થઈ જાય પણ તારા કડવાં વેણ, ગામ લોકોની વચ્ચે લાકડીના ફટકારે થતું મારું અપમાન , સિંહ જેવા સિંહને ગધેડાની માફક હાંકવાનો તારો ઘમંડ ..

લાભુ … તમે કઈ જાતના માણસ છો ? કોઈની સેવાય મનથી નથી કરી શકતા ! એમાંય બદલાની ભાવના રાખો છો ? હવે કાલથી હું તને નહિ મળુ મારી આશા ના રાખીશ. જતાં જતાં એક વાત કહું તે યાદ રાખજે. કુહાડીનો ઘા તો ગમે ત્યારે રૂજાઈ જાય છે પણ કડવાં વેણથી પડેલો ઘા નથી રૂજતો.

અને સિંહ ચુપચાપ જંગલમાં જતો રહ્યો.

સત્યવાદી

એક દિવસ વર્ગમાં શિક્ષક ભણાવતા હતા તે વખતે વિદ્યાર્થીઓ અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા તેમાં નરેન્દ્ર પણ હતા. શિક્ષક બધાને ઉભા કરીને પોતે શું ભણાવતા હતા તે વિશે પૂછયું તો કોઈ વિદ્યાર્થી જવાબ આપી શકયા નહી. પરંતુ નરેન્દ્રએ જવાબ આપ્યો. ભલે તે વાતો કરતો હતો પણ સાથે સાથે શિક્ષક શું ભણાવે છે. તેમાં પણ એનું ધ્યાન હતું.

આથી શિક્ષકે એના સિવાય બધા છોકરાઓને ઉભા રહેવાની સજા કરી ત્યારે નરેન્દ્રએ કહ્યું, સાહેબ મને પણ સજા થવી જોઇએ કારણ કે હું પણ વાતો કરતો હતો. એમ કહીને તે પણ ઉભો જ રહ્યો. આજ સત્યવાદી છોકરો નરેન્દ્ર આગળ જતાં સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા.

બોધ : મિત્રો ભલે આપણે સજાને પાત્ર બનીયે પણ સાથ હંમેશા સત્યનો જ આપવો જોઈએ.

હંમેશા સત્યનો સાથ આપવો

ગુજરાતના એક પ્રાંતમાં સ્કૂલ હતી ત્યાં એક દિવસ અચાનક એક નિર્ણય સંભળાવવામાં આવ્યો કે જે પણ વિદ્યાર્થી ત્યાં ભણી રહ્યા છે, તેઓ પુસ્તકો પણ તે જ સ્કૂલમાંથી ખરીદશે. બહારની દુકાનોમાંથી કોઈપણ પુસ્તક ખરીદશે નહીં. તેની પાછળ કારણ હતું કે, આવું કરવાથી સ્કૂલ અને ટીચર્સને આર્થિક લાભ થઈ રહ્યો હતો.

બધા જ વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો સ્વીકાર કર્યો. બધા જ સ્કૂલમાંથી જ પુસ્તકો ખરીદવા માટે તૈયાર થઈ ગયા પરંતુ એક વિદ્યાર્થી એવો પણ હતો, જેણે સ્કૂલના આ નિર્ણયનો વિરોધ કર્યો. પુસ્તકો ખરીદવાની ના પાડી દીધી. અનેક પ્રકારની વાતો સંભળાવી. સમજાવવામાં આવ્યો. ધમકાવવામાં પણ આવ્યો પરંતુ તે વિદ્યાર્થી સહેજ પણ માન્યો નહીં. સ્કૂલ મેનેજમેન્ટ પોતાના નિર્ણય પર અડગ હતાં અને વિદ્યાર્થી પોતાના વિરોધ પર અડગ હતો. વાત વધારે આગળ વધી.

વિદ્યાર્થીએ સ્કૂલમાં આંદોલન શરૂ કર્યું. ધીમે-ધીમે તેમા અન્ય વિદ્યાર્થી અને માતા-પિતા પણ જોડાતા ગયાં. આંદોલન તે સ્તરે પહોંચી ગયું કે સ્કૂલ મેનેજમેન્ટે પોતાનો નિર્ણય બદલવો પડ્યો. સ્કૂલ મેનેજમેન્ટ અને ટીચર્સ વિરૂદ્ધ આંદોલન કરવાની હિંમતથી તે વિદ્યાર્થીના ખૂબ જ વખાણ થયાં તેને શાબાશી પણ આપવામાં આવી. તે વિદ્યાર્થીનું નામ વલ્લભ ભાઈ પટેલ હતું. જે ભવિષ્યમાં સરદાર પટેલ બન્યાં.

સરદારના સ્વભાવમાં આ વાત બાળપણથી જ હતી કે જ્યાં પણ કશુંક ખોટું જોવે, ત્યારે તેના વિરોધમાં ઊભા થઈ જતાં હતાં. તેમણે કહ્યું કે શિક્ષક આપણા ગુરુ છે, સન્માનનીય છે પરંતુ પુસ્તકો સ્કૂલથી વેચવાનો જે નિર્ણય હતો, તેની પાછળ લાલચ હતી. જો આપણાં સન્માનનીય અને ગુરુજન પણ ખોટું કરી રહ્યા હોય તો તેમનો વિરોધ કરવામાં કોઇ મુશ્કેલી આવવી જોઈએ નહીં. જો પુસ્તકો આ પ્રકારે સ્કૂલમાંથી જ વેચવામાં આવે તો જે શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચવું જોઈએ તે પહોંચી શકશે નહીં.

બોધપાઠ : બાળકોમાં શરૂઆતથી જ એવા સંસ્કાર હોવા જોઈએ કે તેઓ ખોટી વાતોનો વિરોધ કરી શકે. અભ્યાસનું મહત્ત્વ ત્યારે જ છે. જો આપણાં વડીલો પણ કશુંક ખોટું કરી રહ્યા હોય તો તેમનો પણ વિરોધ થવો જોઈએ.

બે બહાદુર મિત્રો

તમે વડોદરા ગયા હશો અને કમાટીબાગમાં તો જોયો જ હશે ને ? આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતાં ડાબી તરફ બે પૂતળાં જોવા મળશે. આ પૂતળાં બે યુવાન છોકરાઓનાં છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોનાં ? એ છોકરાઓ કઈ રાજકુમાર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયાં બાંધેલ છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે.

આ પૂતળાં હરિ અને અરજણ નામના બે યુવાન છોકરાનાં છે તે સુખપુર ગામ ધારી તાલુકો (અમરેલી) વતની હતા. તે જોઈએ તો એમ થાય કે ક્યાં વડોદરાને ક્યાં અમરેલીનું સુખપુર. એમનાં પૂતળાં કમાટીબાગમાં કેમ ? આની પાછળ એક બહાદુરીભરી કથા છે. આજથી લગભગ ઘણા સમય પહેલાની આ વાત છે.

તે સમયે વડોદરામાં મહારાજા સયાજીરાવ રાજાનું રજવાડું હતું. તેઓ એક વાર કાંગસા ગામ પાસેના જંગલમાં સિંહના શિકાર માટે ગયા હતા. શિયાળાની શરૂઆત હતી એટલે દિવસ જલદી આથમી જતો હોય છે.

કાંગસા ગામ નજીક એક વોકળો હતો (વોકળો એટલે નાનું નદી જેવું ઝરણું). આ વોકળા પર સાંજના સમયમાં જંગલમાંથી પ્રાણીઓ પાણી પીવા આવતાં. કાંગસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું. શિકારી લોકો વોકળા પાસે માંચડો બાંધી પ્રાણીઓનો શિકાર કરતા. માહારાજાએ માંચડો બંધાવ્યો. મહારાજા માંચડા પર તેમના મદદનીશો સાથે ગોઠવાયા. બાજુમાં સુખપુર નામનું એક ગામ હતું. હરિ અને અરજણ નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા.

મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા. બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા. તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું. સૂરજ આથમી ગયો. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. એટલામાં વોકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો. મહારાજે નિશાન લઈ ગોળી છોડી,પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પડ્યું.

ગોળી ખાલી ગઈ અને બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો. તેની નજર માંચડા પર પડી. માંચડા પર શિકારીઓ ને જોતાં તે વીફર્યો. છલાંગ લગાવી માંચડા નજીક પહોંચી ગયો. માંચડાને ભોંયભેગો કરવા તે એને ઝંઝેડવા લાગ્યો. માંચડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા. મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂધબૂધ ન રહી.

આ કટોકટીની પળે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અરજણ નામના જુવાનિયાં વહારે આવ્યા. તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા. અવાજ કરી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા. થોડે દૂર સાક્ષાત મોત જેવો સિંહ એમના તરફ ફર્યો તે ખિજાયેલો તો હતો જ.

માંચડો હલતો બંધ થયો, મહારાજા હવે શાંત થયા. સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી. સિંહ તે તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો ને ત્યાં મહારાજાએ ગોળી છોડી. આ વખતે ગોળી નિશાન ન ચૂકી. તે સિંહને વાગી, સિંહ મૃત્ય પામ્યો. આ બધું ખૂબ ઝડપથી બની ગયું. મહારાજા માંચડા પરથી નીચે ઊતર્યા. જો હરિ અને અરજણ હિંમત કરી મદદે ન આવ્યા હોત તો મહારાજા ન બચ્યા હોત.

મહારાજા તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા. તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા. મહારાજા તો ઊંચા ગજાના માણસ હતા. જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોની એમણે કદર કરી. તેમને વડોદરા બોલાવી બહુમાન આપ્યું. તેમની કાયમી યાદગીરી રહે તે માટે કમાટીબાગમાં એ બંનેના પૂતળાં ઊભાં કર્યા. તમે હવે વડોદરા જાઓ તો કમાટીબાગની અવશ્ય મુલાકાત લેજો.

બોધ : તમારા જીવનમાં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ અને લોકોની મદદ કરવી જોઈએ જેના લીધે તમે બહાદુર બની શકો.

બે સગા ભાઈઓ

બે સગા ભાઈઓ હતા.

એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.

ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને………
……..એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’

‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા દારૂડિયાએ જવાબ આપ્યો, ‘એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ એટલો જ ઢીંચતા. રોજ રાત્રે ઘરે આવીને મારી માને મારતા. અમારામાંથી કોઈક ઝાપટે ચડી જાય તો અમનેય ઢીબી નાખતા. હવે તમે જ કહો ! આવું દષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! મારા કિસ્સામાં પણ એમ જ બન્યું !’ પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. ત્યાર બાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.

હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
‘અરે ! એમ જ છે. સાચું કહું છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘જુઓ ! હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણી વાર અમારો વારો પણ પાડી દેતા અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે ! એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે આવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !

દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !

-ડૉ. આઈ. કે. વીજળીવાળા

વિનમ્રતા

એક વાર નદીને પોતાના પાણીના પ્રચંડ વહેણ ઉપર અભિમાન થયું. તેને લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ વગેરે બધાંને વહાવી લઈ જઈ શકું છું.

તેણે ઘણાં ગર્વીલા સ્વરે સમુદ્રને કહ્યું, “કહો જોઈએ, તમારા માટે શું તાણી લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ! “

સમુદ્ર ને સમજાઈ ગયું કે નદીને અભિમાન આવી ગયું છે. તેણે નદીને કહ્યું, “જો તું મારા માટે કંઈક લાવવા જ ચાહતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ.”

નદીએ તોરમાં કહ્યું, “બસ, આટલું જ માંગ્યું! હમણાં જ લઈ આવું.”

નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું. પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં! નદીએ અથાગ પ્રયત્નો કર્યાં, પણ વ્યર્થ. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી, “હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું પણ જ્યારે જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે ત્યારે એ નીચે તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે.”

સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું, “જે પહાડ અને વૃક્ષની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય, તેને પ્રચંડ આંધી – તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. “

જીવનમાં ખુશીનો અર્થ લડાઈઓ લડવી એમાં નથી, બલ્કે એમનાથી બચવામાં છે. કુશળતા પૂર્વક પીછેહઠ પણ ક્યારેક જીતનું કારણ બને છે. અભિમાન ફરીશ્તાઓને પણ શેતાન બનાવી દે છે અને વિનમ્રતા સાધારણ મનુષ્યને પણ ફરીશ્તો બનાવી દે છે.

જીવનમાં સંયમનુ મહત્વ

બોધ વાર્તા : જીવનમા સંયમનું મહત્વ

એક વેપારી પોતાના ઘરાકને મધ આપતો હતો. અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપર ઉપરથી લઇ શકાય એટલું મધ લઇ લીધુ બીજુ જમીન પર જ પડી રહ્યુ.

મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઇ. મીઠું મીઠું મધ એમને ખુબ જ ભાવતું હતું આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઇ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પુરે પુરુ પેટ ભરાઇ ગયુ અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી.

પોતાની જાતને બચાવવા ખુબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઇ બેઠી. અરે આશ્વર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે જુની માખીઓની દુર્દશા જોતી જ હતી આમ છતા પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી.

બોધ પાઠ : જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણસર ભાન ન હોય તો જીવન બરબાદ થતા બીલકુલ વાર ન લાગે.

ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું

એક શનિવારે નાનકડો છોકરો શાળાએથી ઘેર આવ્યો અને તેણે પોતાના પિતાને કહ્યું, “મારા શિક્ષકે અમને ઘરકામમાં એક કામ સોંપ્યું છે – દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું કે ‘ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું’. 

તેના પિતાએ કહ્યું, “કંઈ વાંધો નહીં. હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં તું આ કામ પતાવી શકીશ. છોકરો બીજે દિવસે સવારે ઉઠી, અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો, “ચાલો પપ્પા હવે મોલમાં જઈએ ! બહાર ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો એટલે પિતાએ કહ્યું, “બેટા, થોડી વાર રહી ને જઈશું ? અત્યારે આટલાં વરસાદમાં મોલમાં કોઈ નહીં હોય. 

પણ છોકરાએ તો જીદ જ પકડી. આથી પિતાએ તેની બાળહઠ આગળ ઝૂકી જઈ, તેને ભારે વરસાદ વચ્ચે પણ કાર હંકારી મોલમાં લઈ જવો પડ્યો. તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો અને છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો. 

હવે તેના પિતાએ કહ્યું, “બેટા વરસાદ ઘણો વધી ગયો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ચાલ ઘેર પહોંચી જઈએ. છોકરો તેનો દસ જણને ભેટવાનો લક્ષ્યાંક પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે તેણે પિતાની વાત માની અને તેઓ ઘેર પાછા ફરવા કારમાં બેઠાં. 

તેઓ થોડાં જ આગળ વધ્યાં હતાં ત્યાં એક ઘર માર્ગમાં સામે જ દેખાયું તેના તરફ આંગળી ચીંધતા છોકરાએ પપ્પાને કાકલૂદી કરી કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું  “પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો. મારે એક જ જણને ભેટવાનું બાકી છે. મને ચોક્કસ એ ઘરમાં કોઈક મળી જશે અને હું મારું ઘરકામ પૂરું કરી શકીશ. પિતાએ પોતાના નાનકડાં પુત્રની ઈચ્છા પૂરી કરવા કાર બાજુએ લીધી અને થોભાવી. 

છોકરાએ તે ઘર પાસે જઈ દરવાજાની ઘંટડી દબાવી. થોડી વાર પછી એક મહિલાએ બારણું ખોલ્યું, જે ખૂબ ઉદાસ દેખાતી હતી. છોકરાને જોઈ તેને થોડી નવાઈ લાગી. તેણે પ્રેમથી પૂછયું, “બેટા, તારે કોનું કામ છે ? આંખોમાં ચમક અને ચહેરા પર મોટા સ્મિત સાથે એ નાનકડાં છોકરાએ કહ્યું,” મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા કહ્યું છે અને તેમને એમ જણાવવા કહ્યું છે કે ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું. હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક જ જણ ને ભેટવાનું બાકી છે. શું હું તમને ભેટી શકું છું અને મારા શિક્ષકનો સંદેશો પાઠવી શકું છું ?” તે મહિલા નાનકડાં છોકરાને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી. 

આ જોતાં છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં અને તેમણે મહિલાને પૂછયું કે શું તેમને કોઈ સમસ્યા છે ? મહિલાએ પોતાની જાતને સંભાળી લીધી. પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું, “મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું છે અને એ પછી હું સાવ એકલી પડી ગઈ છું. આજે તો હદ થઈ ગઈ. સવારથી મને થતું હતું કે બસ હવે મારે પણ મારા જીવનનો અંત આણી દેવો જોઈએ. થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા જ તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી વાગી. 

મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું નથી તો પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે ? મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે ‘ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું.’ મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે મને આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે. મારી મરવાની ઈચ્છા અને ઉદાસી ગાયબ થઈ ગયાં અને હવે મને જીવવા એક નવું બળ મળ્યું છે. 

યાદ રાખો : હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું એક માધ્યમ બની શકશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *