બ્રાહ્મણ, વાઘ અને ચતુર શિયાળ
By-Gujju27-10-2023
બ્રાહ્મણ, વાઘ અને ચતુર શિયાળ
By Gujju27-10-2023
રતનપુર ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. સવારથી સાંજ સુધી એ ભિક્ષાવૃત્તિ કરતો. પરંતુ કુટુંબનું પૂરું નહિ કરી શકતો. બાળકોને ખવડાવ્યા પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી અડધુંપડધું ખાઈને સૂઈ જતાં. કોઈ પ્રસંગ હોય ત્યારે જ તેઓને ભરપેટ જમવા મળતું.
પોતાની દરિદ્રતાથી બ્રાહ્મણ ખૂબ જ કંટાળી ગયો હતો. આથી તેણે પરગામ જવા વિચાર કર્યો. બ્રાહ્મણીને પણ થયું કે, પરગામ જવાથી જગ્યા બદલાશે અને કદાચ નસીબનું પાંદડું ફરે તો બે પૈસા પતિ કમાઈ લાવશે.
સારું મુહૂર્ત જોઈને બ્રાહ્મણ ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં એ એક જંગલમાં આવ્યો. ત્યાં એક મોટું પિંજરું પડેલ હતું અને અંદર એક વાઘ આંટા મારી રહ્યો હતો. વાઘની નજર બ્રાહ્મણ પર પડી. તે મસ્તક ઝુકાવી બ્રાહ્મણને કહેવા લાગ્યો :
‘પ્રણામ ! મહારાજ ! ક્યાં જઈ રહ્યા છો ?’
‘બાજુના શહેરમાં.’ બ્રાહ્મણે જવાબ આપ્યો.
‘મારું એક કામ ન કરો ?’
‘શું ?’
‘એક શિકારી મને આમાં પૂરી ગયો છે. હવે એ આવવાની તૈયારીમાં જ હશે. એ આવશે એટલે મને મારી નાખશે. તમે દયા કરીને આ પિંજરું ખોલી નાખો, જેથી હું મારા પ્રાણ બચાવી શકું.’
‘ના, ભાઈ ! તારું પિંજરું ખોલું અને તું બહાર નીકળ્યા પછી મને જીવતો છોડે કે ?’ બ્રાહ્મણે જવા માટે પગ ઉપાડ્યો.
‘અરે, મહારાજ ! મારી પૂરી વાત તો સાંભળો !’
બ્રાહ્મણ અટકી ગયો.
‘તમે મને છોડશો તેના બદલામાં હું તમારો જીવ લઉં એવો નગુણો નથી. મારી પાસે એક ખજાનો છે. તે હું તમને આપી દઈશ.’
ખજાનાની વાત સાંભળી બ્રાહ્મણના પગ અટકી ગયા.
તેને થયું, ખજાનો મળી જાય તો આગળ જવું મટશે.
શાંતિથી મારું કુટુંબ ખાઈ-પીને લહેર કરશે અને એ માટે આ વાઘને આ પિંજરામાંથી બહાર કાઢવાનું જોખમ તો ઉઠાવવું જ રહ્યું. એ પીગળી ગયો.
એણે કહ્યું, ‘સારું. હું તને બહાર કાઢવા તૈયાર છું. પણ પછી તું મને મારી તો નહિ નાખે ને ?’
‘મારો વિશ્વાસ કરો, ભૂદેવ ! બ્રહ્મહત્યાનું પાપ વહોરીને હું કયા ભવે છૂટવાનો હતો !’
લાલચને વશ થયેલા તે બ્રાહ્મણે લાંબો વિચાર ન કર્યો અને પિંજરાનું બારણું ખોલી નાખ્યું. તે સાથે જ વાઘ બહાર કૂદી પડ્યો. પિંજરું નાનું હોવાથી તેનું શરીર જરા અકડાઈ ગયું હતું. એટલે બહાર નીકળીને એણે બે-ત્રણ આળસ મરડી. અને પછી એણે બ્રાહ્મણ સામે જોયું. પેટમાં કકડીને ભૂખ લાગી હતી. સામે માનવદેહ હતો. હવે કેમ રહેવાય ! વાઘે શિકારી નજરે બ્રાહ્મણ સામે જોઈ તરાપ મારવાની તૈયારી કરી.
બ્રાહ્મણ તેની આંખ જોઈને સમજી ગયો કે, વાઘ તેના પર કૂદવાની તૈયારી કરે છે. ‘અરે ભાઈ ! મને તારી નિયત બદલાયેલી લાગે છે. તું મને મારી તો નહિ નાખે ને ! મને પહેલાં ખજાનો બતાવ.’
‘મહારાજ ! હું બહુ ભૂખ્યો છું. મને ક્ષમા કરો. તમે સામે છો એટલે હવે મને કંઈ યાદ આવતું નથી. બસ ભૂખ યાદ આવે છે.’
બ્રાહ્મણે વિચાર્યું, આ વાઘ પર વિશ્વાસ કરીને મેં ઘણી ભૂલ કરી. પણ હવે શું થાય ? આ નિર્જન જંગલમાં કોઈ છે નહિ જે મારી મદદ કરે. ત્યાં એની નજર એક શિયાળ પર પડી. તે એ બન્નેને આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. એના મનમાં આશા જાગી. એણે શિયાળને બૂમ મારી : ‘ઓ શિયાળભાઈ ! જરા અહીં આવો ! અમારો એક ન્યાય કરી આપો ને !’
વાઘ ચમક્યો. શિયાળ ! ચાલો બે ભોજન મળશે. તેણે પણ શિયાળને આવકાર આપ્યો. શિયાળ નજીક આવ્યું. એટલે બ્રાહ્મણે પોતાની વાત કરી અને કહ્યું, ‘શિયાળભાઈ ! અમારો ન્યાય કરો. આ વાઘે મને વાત થયા મુજબ ખજાનો આપવો જોઈએ ને !’
શિયાળ સમજી ગયું કે, આ વાઘે બિચારા આ ગરીબ બ્રાહ્મણને ફસાવ્યો છે. એને બચાવવો જોઈએ. શિયાળે કહ્યું, ‘અરે ભૂદેવ ! તમારી મતિ ફરી ગઈ લાગે છે ! તમે બન્ને મને બનાવતા લાગો છો. આટલા નાના પિંજરામાં કંઇ આ વાઘ સમાઈ શકે !’
વાઘને થયું, ‘કમાલ છે ! હું આ પિંજરામાં હતો એ વાત સ્વીકારવા જ શિયાળ તૈયાર નથી !’ વાઘ જરા મૂર્ખ હતો. એ કહે,
‘અરે ! મૂર્ખ શિયાળ ! હું તને હમણાં જ બતાવું છું કે હું આ પિંજરામાં કેવી રીતે હતો ? કહીને વાઘ પિંજરામાં ઘૂસ્યો. તે જ ક્ષણે શિયાળે બ્રાહ્મણને ઈશારો કર્યો. અને તે જ ક્ષણે બ્રાહ્મણે પિંજરાનો દરવાજો બંધ કરી દીધો. વાઘ એકદમ ઉછળ્યો. પણ પિંજરાના બંધ દરવાજા સાથે અથડાઈને નીચે પડ્યો.
‘વાઘમામા ! હવે હું માનું છું કે, તમે આ પિંજરાંમાં સમાઈ શકો છો.’
‘તો હવે મને બહાર કાઢોને !’
બ્રાહ્મણ કહે, ‘ના, ભાઈ ! મારે ખજાનોયે જોઈતો નથી અને તને બહાર પણ કાઢવો નથી. તારા જેવો દગાબાજ તો પિંજરામાં જ સારો.’ પછી બ્રાહ્મણે શિયાળનો આભાર માન્યો અને બન્ને ચાલતાં થયાં.
વાઘ પોતાની મૂર્ખાઈ પર પિંજરામાં પંજા પછાડવા લાગ્યો.
‘હે કુમારો ! અજાણી જગ્યાએ ભયનો સો વાર વિચાર કરવો. એવું અવળું સાહસ ન કરવું જે આપણા માટે ઘાતક બની જાય.’