Tuesday, 10 September, 2024

છેવટનો સંદેશ

270 Views
Share :
છેવટનો સંદેશ

છેવટનો સંદેશ

270 Views

સ્વનામધન્ય શુકદેવનો છેવટનો સંદેશ એ જ છે. માનવને મૃત્યુનો ભય શા માટે લાગે છે ? એક તો એટલા માટે કે એ પોતાને શરીર સમજે છે ને બીજું એટલા માટે કે એને દુન્યવી પદાર્થો, વિષયો તથા ભોગોની રાગાસક્તિ છે. એ આસક્તિ ના હોય તો એ શરીર છોડીને શાંતિથી જઇ શકે અને રડે કે ભયભીત ના બને. શરીરભાવનાને છોડીને આત્મભાવમાં સ્થિતિ કરવાથી પણ એ શક્ય બને છે. મરણ આત્માનું નથી થતું, શરીરનું થાય છે, અને માનવ મૂળભૂત રીતે વિચારતાં શરીર નથી પરંતુ અવિનાશી આત્મા છે. આત્માને લીધે શરીરાદિ સક્રિય બને તેનું નામ જીવન છે અને આત્માના અભાવથી શરીરાદિ અક્રિય બને તેનું નામ મરણ. જીવન અને મરણના એ અસાધારણ રહસ્યને જે જાણે છે તે તો સમજે છે કે જીવન એક શરીરના છૂટવા પછી પણ ચાલુ રહે છે. જ્યાં સુધી એ પૂર્ણ, મુક્ત અથવા વાસનારહિત ના થાય અને એની પાછળનું પ્રયોજન પૂરું ના થાય ત્યાં સુધી એનો અંત નથી આવતો. શરીરનો પરિત્યાગ કરવાની ક્રિયા તો માત્ર વચગાળાની પ્રક્રિયા છે. એ પ્રક્રિયા સુદીર્ઘ સમયથી ચાલ્યા કરે છે. એને સરળ, સાર્થક કે શાંત કરવી હોય તો આત્મવિચાર દ્વારા આત્મામાં કે પરમાત્મામાં સ્થિતિ કરવાની આવશ્યકતા છે. ભારતવાસીઓને માટે એ વિચારધારા નવી અથવા અપરિચિત નથી. એનો અમલ કેટલા પ્રમાણમાં થાય છે કે થયો છે એ વાત જુદી છે પરંતુ એ એક વાસ્તવિકતા છે. આત્માની અમરતાની શોધ કરવાનો અને એ શોધ સંસાર સમક્ષ મુકવાનો સૌથી પ્રથમ યશ ભારતને મળે છે.

શુકદેવે પરીક્ષિતને બુદ્ધિને વિશુદ્ધિ અને વિવેકવતી બનાવીને પરમાત્મભાવમાં પ્રતિષ્ઠિત થઇને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો આદેશ આપ્યો. ને જણાવ્યું કે તક્ષકથી ડરવાનું કારણ કશું જ નથી. તમે તો કાળના પણ મહાકાળ છો. એક તક્ષક તો શું, અનેકો તક્ષકો પણ તમને કરડી કે ભસ્મીભૂત નહિ કરી શકે. તમે શરીર નથી એટલું સમજી લો એટલે થયું. ‘હું બ્રહ્મ અથવા પરબ્રહ્મ છું’ એવું મનન કરતાં પોતાના મૂળભૂત એકરસ અનંત અખંડ સનાતન સ્વરૂપમાં સ્થિતિ કરી લો. પછી કોઇયે પ્રકારની શંકા કે ચિંતાનું કારણ નહિ રહે.

પરીક્ષિતે શુકદેવના ચરણોમાં પ્રણામ કરીને પોતાની કૃતજ્ઞતા ને કૃતકૃત્યતાને પ્રગટ કરતાં એમની પૂજ્યભાવે પ્રેમપૂર્ણ પ્રશસ્તિ કરી. અને કેમ ના કરે ? એમના અસાધારણ અલૌકિક અનુગ્રહને લીધે તો એમના અજ્ઞાનાંધકારનો અંત આવેલો. ડૂબતા માણસને હાથ પકડીને સમુદ્રમાંથી બચાવે ને બહાર કાઢે એમ એમણે એમને બચાવીને બહાર કાઢેલા. ભગવાનના ગુણસંકીર્તનના શ્રવણથી એમની કાયાપલટ થયેલી અને એમને અભિનવ અવતાર મળેલો.

પરીક્ષિતે છેલ્લે વાણીને બંધ કરીને પરમાત્મામાં મનને વિલીન કરીને શરીરને છોડવાની અનુમતિ માગી. એ જ એક અગત્યનું કાર્ય હવે શેષ રહેલું.

એમણે શુકદેવની પૂજા કરી.

શુકદેવનું સમસ્ત કાર્ય પૂરું થયું હોવાથી એ ત્યાંથી શાંતિપૂર્વક ચાલી નીકળ્યા. પરીક્ષિતે ગંગાના પાવન તટપ્રદેશ પર કુશાસન પર વિરાજીને મનને પરમાત્મામાં જોડીને પરમાત્માના સંસ્પર્શ દ્વારા પરમાત્મ સ્વરૂપ બનીને જીવનને કૃતાર્થ કર્યું. ભાગવતનો સદુપદેશ એવી રીતે સાર્થક કે સફળ થયો. એમના અણુઅણુમાંથી શુકદેવને સંભળાવેલા શબ્દોના જાણે કે પડછંદા પડવા માંડ્યા :

‘તમે પરમ કરુણાની મૂર્તિ છો. તમે મારા પર કૃપા કરીને અનાદિ, અનંત ભગવાન હરિની લીલાઓનું મારી આગળ જયગાન કર્યું છે. એને સાંભળીને હું પરમકૃપાપાત્ર ને ધન્ય બન્યો છું. સંસારના ઘોર અજ્ઞાનંધકારમાં અટવાતાં ત્રિતાપથી તપેલાં પ્રાણીઓ પર તમારા જેવા પરમાત્મામય મહાપુરુષો જે અનુગ્રહની વર્ષા વરસાવે છે એ કાંઇ આશ્ચર્યકારક નથી. એમને માટે એ એક સહજ પ્રક્રિયા હોય છે. એમનો સ્વભાવ જ એવો ઉદાત્ત અને અનુકંપાવાળો હોય છે.’

ભાગવતનું શ્રવણમનન એટલા માટે જ કરવાનું છે. અવિદ્યાની, શોકની ને વાસનાની નિવૃત્તિ તથા પરમાત્માની અલૌકિક એકતાની અનુભૂતિ માટે. માનવને કાળરૂપી તક્ષકનો ભય છે. એ ભય ક્યારે મટે ? ભગવાનની ભક્તિનો અને એના પરિણામે પ્રાપ્ત થનારા અનુભવાત્મક આત્મજ્ઞાનનો આવિર્ભાવ થાય ત્યારે. પરીક્ષિતની પેઠે ભાગવતના વક્તા તથા શ્રોતાને પણ અનુભવ થવો જોઇએ, એમ લાગવું જોઇએ કે મારું અજ્ઞાન નષ્ટ થયું છે, મને નિર્વાણ મળ્યું છે, ને પરમાત્મદર્શન થયું છે. તો જ ભાગવતના વ્યક્તવ્યની ને શ્રવણની સાર્થકતા કહેવાય. એટલું બધું કદાચ ના થઇ શકે ને પરમાત્માનો પ્રેમ પ્રકટે ને લૌકિક-પારલૌકિક લાલસાઓ મટે તો પણ એનું શ્રવણમનન સફળ છે એવું કહી શકાય. ભાગવતના ચિંતનમનન તથા શ્રવણથી એવી રીતે જીવનના સુધારમાં ને વિકાસમાં મહત્વની મદદ મળવી જોઇએ. એવી મહત્વની મદદ મેળવવાનું સૌ કોઇએ ધ્યાન રાખવું જોઇએ. ખાસ કરીને ભાગવતના પ્રેમીઓએ.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *