ચિરોડી અને કાચા રંગોથી રંગોળી બનાવો
By-Gujju18-10-2023
ચિરોડી અને કાચા રંગોથી રંગોળી બનાવો
By Gujju18-10-2023
આનંદ અને આતશબાજીનું પર્વ એટલે દિપાવલી ફટાકડાની ધડામધૂડુમ કંડીલોનો ઝગમગાટ અને સદનની સજાવટ વચ્ચે આંગણને ઓપાવવાની કળા એટલી રંગોળી. રંગોળી એ આપણી સંસ્કૃતિનું એક અંગ છે. ભારતીય પ્રજાના સાંસ્કૃતિક જીવનમાં રંગોળી તાણાવાણાની જેમ વણાયેલી છે. ગુજરાતી હોય, મરાઠી હોય, પારસી હોય, બંગાળી હોય, દક્ષિણ ભારતીય હોય કે ઉત્તર ભારતીય હોય શુભ પર્વના દિને દરેક પ્રજા રંગોળીથી પ્રાંગણને સજાવે જ છે. ઘરમાં સારો પ્રસંગ હોય ત્યારે પણ આંગણને સજાવવાની આપણે ત્યાં પ્રથા છે. મનુષ્યની કલારસિકતાનું ફરજંદ છે. આ રંગોળી, ભીંતચિત્રના કળામાં ધાર્મિક પ્રતીકો ભળ્યા તે પછી તે એક શુભ કળા તરીકે ઓળખાવા લાગી છે. ભંીંતચિત્રમાં પાકા અને લાંબા સમય સુધી ટકે તેવા રંગોનો ઉપયોગ થતો હતો જ્યારે રંગોેળીમાં તો ગેરુના લીપણ પર કરવામાં આવેલી ધાર્મિક પ્રતિકો અને ભૌમિતિક આકૃતિઓ ઉપસાવવામાં આવે છે. પ્રાદેશિક વિશેષતાઓને પ્રતીક રૂપે રંગોેળીમાં સામેલ કરવામાં આવે છે. આથી દરેક પ્રદેશ અને વિસ્તારની રંગોેળીમાં પ્રાદેશિક ભાત આવે છે.
ગુજરાતમાં સાથિયા, મહારાષ્ટ્રમાં રંગોળી, રાજસ્થાનમાં સાઝી કે સતિયો, બંગાળમાં આલપના અને કેરળમાં પુકળમ તરીકે ઓળખાતી રંગોળીમાં સમયાંતરે વિવિધતા આવતી ગઈ છે. ચિરોડી અને કાચા રંગથી ગેરુના લીંપણ પર તૈયાર કરવામાં આવતી રંગોળીનું સ્થાન સમય જતાં ઓઈલ પેઈન્ટની રંગોળીએ અને તે પછી સ્ટિકરોએ સ્થાન લીધું છે. સમયના અભવાને લીધે રંગોની સજાવટવાળી સુંદરતમ્ ડિઝાઈનો પાંચ રૂપિયાથી માંડીને ૪૦-૫૦ રૂપિયામાં મળતાં સ્ટિકરો લઈને શહેરીજનો રંગોળીપૂર્યાનો અને આંગણને સોહાવ્યાના આનંદ લૂંટતા હોય છે. નોવેલ્ટી કે વેરાયટી કે સામ્પ્રત પ્રજાનો ક્રેઝ છે. ફ્લોર ડેકોરેશન પણ રંગોળીનું એક નવું સ્વરૂપ છે. રંગોળી કળાનાં પ્રદર્શનોમાં ફ્લોર ડેકોરેશન પણ રંગોળી તરીકે તૈયાર કરવામાં આવે છે.
ચિરોડી અને કાચા રંગની રંગોળી જ સાચી રંગોેળી ગણાય છે. પરંતુ તેનું આયુષ્ય ઓછું હોવાથી રંગોળી કરનારાઓએ બીજા ટકાઉ વિકલ્પો શોધ્યા છે. અલબત્ત, હજીય પારસી અને દક્ષિણ ભારતીયો મૂળ પરંપરાને વળગી રહીને પ્રતિદિન પ્રાતઃ કાળે આંગણું સજાવે છે. પારસીઓ જુદી જુદી તિથિ પ્રમાણે જુદા જુદા પ્રકારની રંગોેળી પાડે છે. બીજના ચંદ્રદર્શનના દિવસે તેઓ ચાંદનું ચિત્ર ઉપસાવે છે. સાદી છતાં સોહામણી રંગોળી એ તેમની વિશિષ્ટતા છે. દક્ષિણ ભારતીયો પણ દરરોજ બીજા રંગો ન મૂકી શકાય તો કંઈ નહિ સફેદ ચિરોડીથી મંગલ પ્રતિક દોરતા હોય છે.
આ રંગોળીઓમાં શરૂઆતમાં ભૌમિતિક આકૃતિઓ જોવા મળતી હતી. સમય જતાં ફૂલ, પાનની ડિઝાઈનોને તેમાં સ્થાન આપવામાં આવ્યું, સ્વસ્તિક, કુંભ જેવા મંગળ પ્રતીકો ઉપરાંત પશુ, પક્ષીનાં ચિત્રો, પ્રાણીના ચિત્રો, ભગવાનનાં ચિત્રો, પૌરાણિક ઘટનાઓ કે કથાચિત્રોને રંગોળીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. નેતાઓના ફોટા અને ફિલ્મી હસ્તીઓનાં ચિત્રોને પણ રંગોળીમાં સ્થાન મળ્યું છે.
એક નવીનતા રૂપે તરતી રંગોળી બનાવવાનું શરૂ થયું છે. આ રંગોળી બનાવવા માટે કલાકારમાં ધીરજ હોવી જરૂરી છે. સૌપ્રથમ તે બનાવવા માટે એક પાત્રમાં પાણી ભરવાનું હોય છે. પછી તેના પર કોલસાની ભૂકી પાથરવી દેવાની હોય છે. અનુકૂળ પડે તો તેના પર લાકડાનો વહેર (ભૂંસુ) પણ નાખી શકાય છે. આ કોલસાની ભૂકીનો વ્યવસ્થિત થર પાણી ઉપર લાગી જાય ત્યારે તેના પર જે ડિઝાઈન પાડવી હોય તે ડિઝાઈનનું પેપરકટિંગ ગોઠવી દેવાનું હોય છે. આ પેપરકટિંગની મદદથી કોલસાના થર પર ડિઝાઈનનો આકાર ઉપસાવી દેવાનો હોય છે. એકવાર આ આકાર ઉપસાવી લીધા પછી તે આકારમાં સામાન્ય રંગોળીની જેમ બધા જ રંગોે પૂરી શકાય છે.
અલબત્ત, રંગ પૂરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આકૃતિની બોર્ડરની બહાર રંગ વધુ પ્રમાણમાં પડી જાય તો સામાન્ય રંગોળીમાં થાય છે તેમ સફાઈ થઈ શકતી નથી. આ રંગોળી તૈયાર કરતી વેળાએ કે તૈયાર થઈ ગયા બાદ તે જે પાત્રમાં હોેય તે પાત્ર જરાય ન હલે તેની તકેદારી રાખવાની હોય છે. પાત્ર હલી જાય તો કલાકોની મહેનત એક જ પળમાં પાણીમાં ડૂબી જવાની શક્યતા રહેલી છે.