Friday, 26 July, 2024

કોરોના વાયરસ નિબંધ 

82 Views
Share :
કોરોના વાયરસ નિબંધ 

કોરોના વાયરસ નિબંધ 

82 Views

“વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, 
પશુ છે , પંખી છે , પુષ્પો , વનોની છે વનસ્પતિ.”

આ પૃથ્વીની રચના , જીવસૃષ્ટિનું આગમન અને માનવ જતિનો ઉદ્દભવ – આટલી બાબતો જ માત્ર પૃથ્વીના અસ્તિત્વને જીવંત રાખવા પર્યાપ્ત હતી . હજારો વર્ષોની સાંસ્કૃતિક જીવનની માનવયાત્રા છેલ્લી બે – ત્રણ સદીથી ઔદ્યોગિક ક્રાન્તિના નામે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રભુત્વ હેઠળ જાણે કે ઘોડાદોડની સ્પર્ધાની જેમ દોડી રહી છે . માનવ આ સૃષ્ટિનો અધિપતિ બની રહ્યો હતો ત્યાં તેણે અવકાશ તરફ મીટ માંડી છે. પણ,

‘ન જાણ્યું જાનકી નાથે , સવારે શું થવાનું છે!” 

માનવની વિકાસયાત્રામાં આજ સુધી ઓરી , અછબડા , શીતળા , ફલૂ , ઈબોલા , સાર્સ , ડેન્ગ્યુ , બર્ડફ્લૂ જેવા અનેક વાઇરસ વિઘ્ન નાખ્યાં અને માનવે તેના પર અંકુશ મેળવવામાં સફળતા પણ મેળવી હતી . પરંતુ અચાનક ડિસેમ્બર ૨૦૧૯ માં ચીનના વુહાન પ્રાંતના એક વાઇરસે જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધું , જેની સામે માનવ વામણો પુરવાર થયો . તે વાઇરસ એટલે કોરોના વાઇરસ . 

“કાળમુખે કોહરામ મચાવ્યો , કરિયો કાળો કેર કોરોના.”

 કોરોના વાઇરસનો અર્થ : 

કોરોના વાઇરસનું નામ લેટિન શબ્દથી મળેલું છે. લેટિન ભાષામાં કોરોનાનો અર્થ ક્રાઉન અથવા મુકુટ થાય છે. આ વાઇરસ ગોળ છે અને તેની સપાટી પર શાખાઓ ઉગેલી છે. આથી તેનું નામ કોરોના વાઇરસ રાખવામાં આવ્યું છે . કોરોના વાઇરસનું બીજું નામ છે COVID – 19 . જેનો અર્થ થાય છે કેં,

CO – CORONA 
VI – VIRUS 
D – DISEASE 
19 – YEAR – 2019 

કોરોના વાઇરસે થોડા જ સમયમાં આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું , મોટી મહાસત્તાઓ અને મેડીસીન ક્ષેત્રે ખૂબ જ સફળતા મેળવનારા દેશોના હથિયાર હેઠા પડ્યાં . આ વાઇરસને લીધે વિશ્વમાં મોતનો વરસાદ શરૂ થયો . આ જોતાં WHO ( વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ) એ આ વાયરસને વૈશ્વિડ મહામારી જહેર કરી છે . સાથે સાથે આ વાઇરસનાં લક્ષણોની અસર અને વેક્સીન ના બને ત્યાં સુધી તેનાથી બચવાના ઉપાયો પણ જણાવ્યા . 

કોરોના વાઇરસનાં લક્ષણો અને તેની અસર : 

કોરોના વાઇરસ બીજા બધા વાઇરસની કક્ષામાં ખૂબ જ ખતરનાક છે . બાહય રીતે જોઈએ તો માણસના માથાના વાળ કરતાં પણ ૯૦૦ ગણો નાનો છે , છતાં એની અસર અણુબોમ્બ કરત પણ ખતરનાક છે . આ વાઇરસ જાનવરોની કેટલીક પ્રજાતિઓમાં જોવા મળે છે . આ વાઇરસ હવા કરતાં પણ ઝડપી વાતાવરણમાં ફેલાય છે . માનવીના શરીરમાં ફેલાયેલા વાઇરસને ઓળખવા WHO એ રોગનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યા છે: 

“ખાંસી , ઉધરસ , તાવ છે તમને ? દવા કરાવો ઢીલ કરો ના,
નહિતર એક બેદરકારીથી લેશે લાખો જીવ કોરોના.” 

શરદી થવી , જીર્ણ તાવ આવવો , ઘીમે ધીમે તેમાં વધારો થવો , સૂકી ઉધરસ આવવી , માથું અને શરીર દુ : ખવું , ગળામાં સતત દુ : ખાવો થવો , શ્વાસ લેવામાં તકલીફ પડવી , સ્વાદ અને ગંધનો કોઈ અનુભવ ન થવો , સ્નાયુઓમાં દુ : ખાવો થવો અને ખૂબ જ થાક લાગવો વગેરે કોરોના વાઇરસનાં લક્ષણો છે . ઘણી વખત કોઈક દર્દીમાં આ લક્ષણો જોવા ન મળે તો પણ તે સંક્રમિત થયેલો જોવા મળ્યા છે. 

જીવલેણ એવા આ વાઇરસની અસર પણ ખતરનાક રીતે થયેલી જોવા મળે છે . આ વાઇરસે સમગ્ર વિશ્વના લોકોની રીતભાતને જીવન જીવવાની પદ્ધતિને બદલી નાખી છે . તમામ લોકોનું જીવન લોકડાઉન નામની પિંજરામાં કેદ થઈ ગયું . લોકો ડરના માહોલમાં નજરકેદ બની ગયા , ગરીબ— લોકોને ભૂખે મરવાના દિવસો આવ્યા , શાળાઓમાં બાળકોના કોલાહલ વિના સન્નાટો છવાઈ ગયો , સરકારી ઓફિસો , વ્યાપાર – ધંધા , ટ્રેન , બસ સૂમસામ બની ગયા , જાણે સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ હતી . કોરોના સંક્રમિત વ્યક્તિ પ્રત્યે લોકોનું અછૂત જેવું વર્તન માનવતાને કલંકિત કરી ગયું . 

કોરોના વાઇરસથી બચવાના ઉપાયો : 

“વાત મૂકો કે ક્યાંથી આવ્યો ? વાત કરો ક્યાં પહોચ્યો છે, 
રોકી દેવા પડશે નહિતર , ભારે પડશે આજ કોરોના.”

રોનાને લાધે વિશ્વમાં મોતનો આંકડો વધવા લાગ્યો ત્યારે લોકડાઉનનો એક શ્રેષ્ઠ ઉપાય અમલમાં મૂકાયો . કેમ કે આ વાઇરસ ચેપી છે , સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ તેનો ફેલાવો વધે છે . ભારત જેવા દેશમાં વસ્તી ગીચતા વધુ હોવાથી લોકડાઉન અતિ આવશ્યક શસ્ત્ર બની ગયું .

કોરોના સંક્રમિત વ્યકિતને આઈસોલેટ કરી , દવાખાનામાં દાખલા કરી . અંતર જાળવવા પ્રયત્નો કરવામાં આવ્યા . દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધે તેવી દવાઓ આપવામાં આવી , આયુર્વેદિ ઉકાળા અને ઘરગથ્થુ ઉપચારો થવા લાગ્યા , નાના બાળકો અને વૃદ્ધો સાથે જીવલેણ બીમારીથી પીડાતા લોકોની તકેદારી લેવી ફરજિયાત બની . હાથ મિલાવવાને બદલે નમસ્તે કહીને દો ગજની દૂરી રાખવામાં આવી.

આ સિવાય વારંવાર હાથ ધોવા , હાથ સેનેટાઈઝ કરવા , માસ્ક ફરજિયાત પહેરવાની ફરજ પાડવી , છીંક કે ઉધરસ આવે નો રૂમાલ મોં આગળ લાવવો , કોરોના સંક્રમિત વ્યકિતના વિસ્તારને સેનેટાઈઝ કરવો , સોશિયલ ડિસ્ટન્સ રાખવા , મેળા , મેળાવડા , લગ્ન જેવા પ્રસંગો ટાળવા પર ભાર મૂકવામાં આવ્યો . કોરોના વાઇરસની સાંકળ તોડવા સરકાર દ્વારા WHO ના આદેશોનું ચુસ્ત પાલન કરાવવા ભાર મૂકવામાં આવ્યો.

ભીડભાડવાળી જગ્યાએ જ્વાનું ટાળવું , બહારથી લાવેલ વસ્તુઓ પાણીમાં બરાબર ધોયા પછી ઉપયોગમાં લેવી , બહારથી આવેલ વ્યકિતનાં કપડાં ગરમ પાણીથી ધોવાં અને ફરજિયાત સ્નાન કરીને જ ઘરમાં આવવું , રોગની ગંભીરતા સમજીને ઘરમાં જ રહેવું વગેરેનું ચુસ્ત પાલન ફરજિયાત કરવામાં આવે તો કોરોના વાઇરસના સંક્મણથી બચી શકાય છે. 

“સરકારશ્રીનો આદેશ માનો , ક્યારેય એનો ભંગ ના કરો, 
રાખીશું આપણે સાવચેતી તો , વાળ ન વાંકો કરે કોરોના.” 

કોરોના વોરિયર્સની જિંદાદિલી : 

કોરોના વોરિયર્સ એટલે કોરોના વાઇરસ સામે લડનારા . અડગ યોદ્ધાઓ , લોકડાઉનની સ્થિતિમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકોનું સ્વાસ્થ્ય જાળવવા માટે કારોના વોરિયર્સ સતત કાર્ય કરી રહ્યા છે.

“મંદિર – મસ્જિદ બંધ છે આજે, હોસ્પિટલ ખુલ્લી છે આજે,
માનવજાતની રક્ષા કાજે , માનવો તૈનાત છે આજે.” 

ડૉક્ટર , નર્સ , પેરામેડિકલ સ્ટાફ , પોલીસ , સુરક્ષા જવાનો , સફાઈ કામદારો , સરકારી કર્મચારીખો , NGO , સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ , ખેડૂતો , દુકાનદારો , પત્રકારો , વૈજ્ઞાનિકો , સેવાભાવી લોકો વગેરે કોરોના કાળની વૈશ્વિક મહામારીમાં પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. 

સફેદ, ખાખી કે અન્ય વસ્ત્રોમાં સજ્જ કોરોના વોરિયર્સ ભગવાન બનીને પોતાના સમયનું દાન આપી રહ્યા છે . ડૉક્ટર, નર્સ, પોલીસ, જ્વાનો સફાઈ કામદારો ચોવીસ કલાક લોકોની, દેશની રક્ષા કરી રહ્યા છે. પત્રકારો, ખેડૂતો, દુકાનદારો પણ યથાશક્તિ સહયોગ આપી રહ્યાં છે. 

પોતાની કે પોતાના કુટુંબની પરવા કર્યા વિના સતત કામગીરી કરી રહેલા કોરોના વોરિયર્સનું સરકાર અને સમાજના લોકો દ્વારા જુદી જુદી રીતે સન્માન કરીને તેમનો જુસ્સો વધારવામાં આવી રહ્યો છે . તો ક્યાંક કેટલાક અણઘડ લોકો દ્વારા તેમના પર પથ્થરમારો કે અપશબ્દો બોલવામાં આવે છે તે જાણીને હૈયું રડી ઊઠે છે . છતાં કોરોના વોરિયર્સનો જુસ્સો નરમ પડતો નથી . માટે કહેવાનું મન થાય કે, – 

ભલે મંદિર મસ્જિદ- ગુરુદ્વારા-ચર્ચ બંધ હોય,
જયાં સફેદ – ખાખી વસ્ત્રોમાં સ્વયં ભગવાન હાજર હોય,
ત્યા આપણને કોરોનાનો ખતરો શા માટે હોય?” 

ઉપસંહાર : 

કોઈપણ મહામારી મર્યાદિત હોય છે , કાયમી હોતી નથી . પરંતુ આ મુશ્કેલીમાં માત્ર સરકાર , અધિકારીઓ કે માત્ર કોરોના વોરિયર્સની જ્વાબદારી છે, એ સમજું ભૂલ ભરેલું છે. જો આ મહામારીમાંથી મુક્ત થવું છે તો દેશના તમામ નાગરિકોએ માનવતાની મશાલ બનીને જાગૃત થવું પડશે , સરકારના આદેશોનું ચુસ્ત પાલન કરવું પડશે. આપણે સૌએ સહિયારા પ્રયાસોથી આ કોરોના વાઇરસરૂપી જીવલેણ મહામારીમાંથી દેશને બચાવવો પડશે. માટે સૌ –

“ જાગૃત બનો , સમજદાર બનો,
સ્વચ્છતા રાખો, સુરક્ષિત રહો, 
સાવધાની રાખો, નિયમો પાળો,
ઘરમાં જ રહો, સ્વસ્થ રહો.”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *