દેવ દિવાળી 2023
By-Gujju10-10-2023
દેવ દિવાળી 2023
By Gujju10-10-2023
દિવાળીના પંદર દિવસ પછી દેવ દિવાળીનો તહેવાર આવે છે. દિવાળી એ સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવ દિવાળી’ એ આ મહાપર્વનું સમાપન છે. કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવ દિવાળી’નાં દિવસે શ્રદ્ધાળુઓ મંદિરોમાં તુલસી વિવાહ કરે છે અને આજના દિવસથી જ લગ્નો માટેનું શુભ મુહૂર્ત નીકળે છે. આ જ દિવસ શીખ લોકોમાં ‘ગુરુ નાનક જયંતિ’ તરીકે ઉજવાય છે.
ત્રિપુરાસુરનો વધ:-
અન્ય તહેવારોની જેમ દેવ દિવાળીના તહેવાર સાથે પણ એક પૌરાણિક કથા જોડાયેલી છે. ચાલો જોઈએ આ કથા. ત્રિપુર નામનો એક મહારાક્ષસ પ્રયાગક્ષેત્રમાં તપ કરતો હતો. તેણે કરેલ ઉગ્ર તપશ્ચર્યાનાં તેજ અને પ્રભાવથી ત્રિભુવન બળવા માંડ્યા. આ રાક્ષસને સંમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા, પરંતુ તે વિચલિત થયો નહીં. તે કામ, ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં. તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વ માગ્યું. ત્યારે બ્રહ્માજી બોલ્યા, ‘હે વત્સ! મારું પણ મરણ થાય છે તો પછી અન્યની તો શી વાત કરવી? શરીર ધારણ કરનારાઓ માટે મરણ અનિવાર્ય છે. એટલે મારી પાસેથી અન્ય વરદાન માગી લે.’
ત્રિપુર બોલ્યો: ‘હે પિતામહ! દેવથી, મનુષ્યથી, રાક્ષસથી, સ્ત્રીઓથી કે રોગથી મારું મૃત્યુ થાય નહીં એવું મને શ્રેષ્ઠ વરદાન આપો.’ આથી ‘તથાસ્તુ’ કહીને બ્રહ્મદેવ સત્યલોકમાં ગયા. ત્રિપુરાસુરને વરદાન પ્રાપ્ત થયું છે એ સમાચાર સાંભળી, અનેક દૈત્યો એની પાસે આવ્યા. ત્રિપુરાસુરે દૈત્યોને આદેશ આપ્યો કે, ‘આપણા વિરોધી દેવોને હણી નાખો. એમ ન થાય તો એમની પાસેની સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો.’
દૈત્યરાજ ત્રિપુરની આજ્ઞા થતાં, સર્વ દૈત્યોએ સર્વ દેવોને, સર્પોને અને યક્ષોને બંદીવાન બનાવી ચોતરફ હાહાકાર મચાવી દીધો. વિશેષમાં ત્રિપુરનાં વચનોને અનુસરતા વિશ્વકર્માએ ત્રિપુરની રચના કરી. જે તેજ ગતિથી ઉડનારાં ધાતુનાં વિમાન જેવાં ત્રણ પુર હતાં. ત્રિપુરાસુર એક પુરથી પાતાળમાં, એક પુરથી સ્વર્ગમાં અને એક પુરથી પૃથ્વી પર ઈચ્છાનુસાર વિચરતો અને વિનાશ સર્જતો. દેવો ત્રસ્ત અને લાચાર બન્યા. કથા અનુસાર ઈન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ તેમજ નારદમુનિ સૌએ ભેગા થઈ શિવજીને મળી ત્રિપુરાસુરના સંહાર માટે તેમનું શરણ સ્વીકાર્યું.
દેવર્ષિ નારદજીની માયાથી ભ્રમિત ત્રિપુરાસુરે કૈલાસ પર આક્રમણ કર્યું. ત્રણ દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરાસુરે મહાયુદ્ધ કર્યુ અને કાર્તિક માસની શુકલ પક્ષની પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ બાણથી ત્રિપુરાસુરને મારી નાખ્યો. એટલે સર્વ દેવો પ્રસન્ન થયા હર્ષોલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો. આથી આ દિવસને ‘દેવદિવાળી’ તરીકે ઓળખવામાં આવે છે, તેમજ ત્રિપુરાસુરનો વધ આ દિવસે થયો હોવાથી એને ‘ત્રિપુરારિ પૂર્ણિમા’ પણ કહેવાય છે.
દેવદિવાળીનું મહત્ત્વ:-
કાર્તિક પૂર્ણિમા, ‘દેવ દિવાળી’ ના દિવસે પરમાત્માનું સ્મરણ કરી સાતસોવીસ દીવા કરીએ તો સર્વ પાપોમાંથી મુકત થાય છે. આ દીપ પ્રાગટય અને તેનાં દર્શન થકી તેને સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે. ‘દેવદિવાળી’ની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણવિરામ પામે છે અને તે સાથે જ શરૂ થાય છે ‘લગ્નોત્સવ’. ચાર મહિના સુધી રહેલા બંધનો દૂર થાય છે અને લગ્નોત્સુક યુવક-યુવતીઓના પરિવારોમાં શુભ મુહૂર્ત-દિને તોરણો બંધાય છે, મંગળગીતો ગવાય છે, ઢોલ ઢબૂકે છે અને વરકન્યા પ્રભુતામાં પદાર્પણ કરે છે.
નરકાસુરનો વધ:-
દેવ દિવાળી તહેવારોનો રાજા છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી છોડાવેલી તેની સ્મૃતિમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે. ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા, તેથી જૈનધર્મીઓ માટે પણ દિવાળીનો તહેવાર ખૂબજ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.
દેવતાઓનું પૃથ્વી ભ્રમણ:-
એવું કહેવામાં આવે છે કે દેવ દિવાળીના દિવસે સર્વ દેવતાઓ પૃથ્વી પર આવીને ગંગાના ઘાટ પર એકઠા થાય છે. તેઓ દીપ પ્રગટાવી ગંગામાં વહેતાં મૂકે છે અને પોતાની ખુશી વ્યકત કરે છે. આથી જ દેવ દિવાળીના દિવસે દીવડા પ્રગટાવી ગંગાના પાણી પર તરતાં મૂકવાથી દીપદાન કરવાનું પુણ્ય મળે છે. ઉપરાંત જો દેવદિવાળીનાં દિવસે કરવામાં આવેલ દીપદાન દીર્ઘાયુ બક્ષે છે. ઉપરાંત, ભગવાન વિષ્ણુએ પોતાનો મત્સ્ય અવતાર પણ આજનાં દિવસે જ ધારણ કર્યો હતો.
ભારતભરના તમામ ધર્મોના લોકો આ તહેવાર ભારે ઉત્સાહથી અને ઉલ્લાસથી ઉજવે છે.
મેરાયું:-
દેવ દિવાળીમાં ‘મેરાયું‘ જે દક્ષિણ ગુજરાતમાં ‘દિવાળીનું મેરીયું’ તરીકે ઓળખાય છે એનું પણ એટલું જ મહત્ત્વ છે. આમાં શેરડીના નાનાં ટૂકડા પર નાનો ખાડો કરી તેમાં પૂમડુ મૂકી થોડું ઘી પૂરવામાં આવે છે. ત્યારબાદ આ દીવો પ્રગટાવી આખા ઘરમાં ફરવામાં આવે છે.
અરવલ્લી જિલ્લામાં 13 ફૂટ ઊંચુ સવા મણ ઘી સમાય તેવા તાંબાના કોડિયાવાળું મેરાયું વર્ષોથી અડીખમ છે. સમય બદલાતા, સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગામડામાં એ સંસ્કૃતિનો વારસો આજે ટકાવી રાખ્યો છે, જે આપણને પૂર્વજોએ આપ્યો છે. મોડાસા તાલુકાનાં શામપુર નજીક કુંઢેરા ડુંગર પર ૧૩ ફૂટ ઉંચુ મેરાયું પ્રગટાવી દિવાળીની ઉજવણી કરાશે.
શામપુર કુંઢેરા મહાદેવના મહંત શ્રી શિવાનંદ મહારાજના જણાવ્યા અનુસાર મહાભારતના સમયથી અહીં મેરાયું પ્રગટાવાની પરંપરા ચાલી આવી છે. જે આજે પણ ગ્રામજનોએ દ્વારા જાળવી છે. જે પરંપરા હાથમાં મેરાયું લઈને તેલ પૂરવાની છે. ડુંગર પર ચઢાણ કરીને પણ ગ્રામજનો દેવ દિવાળીના દિવસે મેરાયું પ્રગટાવા પહોંચી જાય છે. શામપુરાના ડુંગર પર પ્રગટાવાયેલા મેરાયુંનો પ્રકાશ અરવલ્લીની ગીરીમાળાઓમાં રેલાતા નયનરમ્ય નજારો જોવા મળતો હોવાની સાથે મેરાયાનો પ્રકાશ આસપાસના રામપુર, ગઢડા, ખંભીસર, સરડોઈ, મેઢાસણ, લાલપુર, નવા, દાવલી સહિતના ગામમાં જોવા મળે છે.
દિવાળી આવે એટલે નાના કસ્બા અને નગરોમાં મેરાયા પ્રગટાવી તેલ પૂરવાની પ્રથા જોવા મળતી હોય છે, પણ ધીરે ધીરે આ પરંપરા પણ લુપ્ત થઈ રહી છે.
આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવવાની જવાબદારી આપણી જ છે. માટે પરંપરાગત તહેવારો અને ઉત્સવોની માત્ર ઉજવણી કરી તેની મજા લેવાને બદલે આજની પેઢીને એ તમામ ઉજવણી પાછળનું મહત્ત્વ પણ સમજાવવામાં આવે તો તેઓ પશ્ચિમી સંસ્કૃતિની પાછળ ઘેલા થવાને બદલે આપણી સંસ્કૃતિને પસંદ કરશે અને આપણી સંસ્કૃતિ બચાવી શકાશે.