દેવર્ષિ નારદનો સમાગમ
By-Gujju29-04-2023
દેવર્ષિ નારદનો સમાગમ
By Gujju29-04-2023
પ્રહલાદની પરમપવિત્ર જીવનકથામાં બીજી એક હકીકતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યા વિના એ જીવનકથા અધુરી રહેશે. પોતાના સહપાઠી દૈત્યબાળકોને પ્રહલાદે પોતાને મળેલું જ્ઞાન દેવર્ષિ નારદ દ્વારા મળેલું છે એવું કહ્યું ત્યારે એમને ખૂબ જ આશ્ચર્ય થયું. એ આશ્ચર્યની અભિવ્યક્તિ કરતાં એ બાળકોએ એને પૂછ્યું કે આપણા વિદ્યાગુરુ સિવાય બીજા કોઇ ગુરુને તો આપણે ઓળખતાં જ નથી. તારી ઉંમર નાની છે ને તું જન્મથી જ રાજપ્રાસાદમાં તારી માતાની પાસે રહે છે. એ સંજોગોમાં દેવર્ષિ નારદનો સમાગમ તને ક્યારે થયો અને એમની દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થઇ ?
દૈત્યબાળકોની એ જિજ્ઞાસાના જવાબમાં પ્રહલાદે એમને એક સુંદર ઇતિહાસ કહ્યો. એને ઇતિહાસ કહીએ કે જીવનવૃતાંતનું નામ આપીએ બધું સરખું છે. એ ઇતિહાસનો સંક્ષિપ્ત સારભાગ આ રહ્યો : હિરણ્યકશિપુ મંદરાચલ પર્વતના પ્રશાંત પ્રદેશમાં તપ કરવા ગયો ત્યારે દાનવો પ્રત્યેના પુરાતન પ્રતિશોધભાવથી પ્રેરાઇને દેવોએ એમની સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી. એ યુદ્ધના સમાચાર સાંભળીને દાનવો ચિંતાતુર બન્યા ને ડરી ગયા. પોતાના પ્રાણની રક્ષા માટે એ નાસવા લાગ્યા. દેવોએ રાજમહેલને વિજયના ઉન્માદમાં આવીને લૂંટવા માંડ્યો અને એજ અરસામાં ઇન્દ્રે હિરણ્યકશિપુની પત્ની કયાધૂને કેદ કરી.
ઇન્દ્ર કલ્પાંત કરતી દુઃખી બનતી કયાધૂને લઇ જતો હતો એ જ વખતે એને માર્ગમાં દેવર્ષિ નારદનો મેળાપ થયો. નારદજીએ એને એના અનીતિપૂર્ણ અનુચિત કર્મને માટે ઠપકો આપ્યો ને કયાધૂ જેવી સતીસાધ્વી પરનારીનો તત્કાળ ત્યાગ કરવાનો આદેશ આપ્યો.
ઇન્દ્રે કહ્યું, મને આ સ્ત્રીનો મોહ નથી. સ્વર્ગમાં તો એકેકથી ચઢિયાતી અદ્દભુત લાવણ્યમયી અસંખ્ય અપ્સરાઓ છે. કયાધૂને કેદ કરીને લઇ જવા પાછળ મારો ભય કામ કરી રહ્યો છે. એના ઉદરમાં હિરણ્યકશિપુનો ભાવિ પુત્ર છે. એ પુત્રનો જન્મ થશે એટલે એનો નાશ કરીને હું આ સ્ત્રીને છોડી દઇશ.
નારદજીએ પોતાની દિવ્ય દૃષ્ટિથી કહી બતાવ્યું કે કયાધૂના ઉદરમાં જે પુત્ર છે તે કોઇ સાધારણ પુત્ર નથી પરંતુ ભગવાનનો પરમ પવિત્ર પ્રેમી અસાધારણ શક્તિશાળી ભક્ત છે. એનો નાશ કરવાની તારામાં શક્તિ નથી. એ ભગવદ્દભક્ત હોવાથી તારે કે બીજા કોઇએ એનો લેશ પણ ભય નથી રાખવા જેવો. ભગવદ્દભક્તોનું જીવન બીજાને ભયભીત કરવા માટે નથી હોતું, ભયમુક્ત કરવા માટે હોય છે.
દેવર્ષિ નારદની વાણીમાં વિશ્વાસ રાખી, એથી નિર્ભય ને નિશ્ચિંત બનીને, ઇન્દ્રે હિરણ્યકશિપુની પત્ની કયાધૂને છોડી દીધી. દેવર્ષિએ હિરણ્યકશિપુ તપ કરીને પાછો આવે ત્યાં સુધી કયાધૂને પોતાના આહલાદક આશ્રમમાં રહેવાની ભલામણ કરી. કયાધૂએ એમની ભલામણનો સહર્ષ સ્વિકાર કર્યો.
દેવર્ષિના આશ્રમમાં રહીને કયાધૂ ગર્ભસ્થ શિશુ પ્રહલાદની કલ્યાણકામનાથી પ્રેરાઇને શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને એમની સેવા કરવા માંડી. દેવર્ષિએ એની ઉપર અસાધારણ અનુકંપા કરીને એને ભાગવતધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ આપતી વખતે એમને પ્રહલાદનું ધ્યાન હતું. આશ્રમનું વાતાવરણ શાંત, સદ્દભાવપ્રેરક અને સાત્વિક હતું. એ ઉપરાંત ત્યાં રહેનારા અને ઇશ્વરેચ્છાથી પ્રેરાઇને અવારનવાર આવનારા સત્પુરુષોનો સુખદ સમાગમલાભ પણ સહજ રીતે જ થયો. પરંતુ સાથે સાથે એના ઉદરમાં રહેલા પ્રહલાદને પણ અમૂલખ લાભ થયો. પ્રહલાદના પૂર્વસંસ્કારો અત્યંત અસાધારણ અથવા પ્રબળ હોવાથી એને એ ઘટનાની ને જ્ઞાનની સ્મૃતિ રહી અને એ અલૌકિક જ્ઞાનનો સમગ્ર યશ એણે દેવર્ષિ નારદને આપ્યો. પ્રહલાદ એમની અંદર ગુરુભાવ રાખે અને એમને પરમ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે એ સુયોગ્ય ને સહેજે સમજી શકાય તેવું જ છે.
પ્રહલાદને સાંપડેલા દેવર્ષિ નારદના એવા સુસૂક્ષ્મ સમાગમની સુંદર કથા સાંભળી દૈત્યબાળકોને સંતોષ થયો. એમના મનનું સંપૂર્ણ સમાધાન થયું.
પ્રહલાદે પોતાના શ્રીમુખે વર્ણવેલો આ વૃતાંત આપણને કેટલીક મહત્વની વાતો કહી બતાવે છે. જીવનમાં જ્ઞાનપ્રાપ્તિની કે શુભાશુભ સંસ્કારોના સંચયની શરૂઆત ક્યારથી થાય છે ? માણસ સમજદાર થાય છે ત્યારથી ? ના. તો શું વિદ્યાલયમાં અભ્યાસ કરવા જાય છે ત્યારથી ? ના. ત્યારથી પણ નહિ. તો પછી માતા-પિતા, સ્વજનો કે ગુરુજનો એને કાંઇક જ્ઞાન કે સંસ્કાર જેવું આપવા માંડે છે ત્યારથી ? ના. ત્યારથી પણ નહિ. તો પછી એ જન્મે છે, જુવે છે, જુએ છે, ને વિચાર કરતાં કે બોલતાં શીખે છે ત્યારથી ? ના. એની જ્ઞાનપ્રાપ્તિ કે સંસ્કારવૃદ્ધિની શરૂઆત તો એના બાહ્ય જન્મની પણ પહેલાં–ઘણાં લાંબા વખત પહેલાં, એની માતાના ઉદરમાં, એ ઉદરમાં પ્રવેશ કરતાં પહેલાં અને એથીયે પહેલાં પૂર્વજન્મોની પરંપરાના અનુસંધાનરૂપે થતી હોય છે. બાહ્ય જન્મની પ્રાપ્તિ પછી માણસ ઘણું ધણું શીખે છે ને મહત્વનું શીખે છે તેની ના નથી, પરંતુ તેવા જન્મ પહેલાં પણ સૂક્ષ્મ સ્વરૂપે રહીને એ ઘણું ઘણું મેળવતો હોય છે. પ્રહલાદના જીવનવૃતાંતને રજૂ કરીને ભાગવત એમાં સૂર પુરાવે છે. પોતાના ઉદરમાં બાળક હોય ત્યારથી જ સ્ત્રીઓએ ખૂબ જ સાવધાન રહેવાની અને એની ઉપર પ્રતિકૂળ પ્રભાવ ના પડે એવી દિનચર્યાનો, વિચારધારાનો ને ભાવનાનો આધાર લેવાની અનિવાર્ય આવશ્યકતા છે. જીવનનો શિક્ષણક્રમ જન્મ જન્માંતરથી એકધારો અબાધિત રીતે ચાલ્યા જ કરે છે અને એનો કોઇયે કારણે, કોઇયે સંજોગોમાં અંત નથી આવતો. બાળકને સાત્વિક અને સુવિચારશીલ બનાવવા માટે એના જન્મ પહેલાં ને પછી માતાપિતાએ – ખાસ કરીને માતાએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે.