Friday, 26 July, 2024

માયાસુરની કથા

234 Views
Share :
માયાસુરની કથા

માયાસુરની કથા

234 Views

ભગવાન કૃષ્ણની વિશેષ અનુગ્રહશક્તિથી સંપન્ન થઇને એકવાર દેવતાઓએ યુદ્ધમાં અસુરો પર વિજય મેળવ્યો. એને લીધે હતપ્રભ તેમ જ દુઃખી થયેલા અસુરો મયદાનવના શરણમાં ગયા. મયદાનવ ખૂબ જ માયાવી ને માયાવી માનવો કે દાનવોનો ગુરુ હતો. એણે એમને માટે સોના, ચાંદી તથા લોઢાનાં ત્રણ વિમાનો તૈયાર કર્યા. એ ત્રણે વિમાનો ત્રણ નગર જેટલાં વિશાળ ને વિલક્ષણ હતાં. એમના આવાગમનની ખબર કોઇને પણ ના પડી શક્તી અને એમાં સુખોપભોગની અસીમ સામગ્રી ભરેલી.

અસુરોની પાસે એ વિલક્ષણ વિમાનો આવ્યાં એટલે એમનાં અહંકારનો અને આનંદનો પાર ના રહ્યો. તેઓ દેવતાઓ પ્રત્યેના પ્રતિશોધભાવથી પ્રેરાઇને ત્રણે વિમાનોમાં છુપાઇને એમનો જુદી જુદી યુક્તિપ્રયુક્તિ દ્વારા નાશ કરવા લાગ્યા.

ભયભીત બનેલા દુઃખી દેવતાઓએ ભગવાન શંકરના શરણમાં જઇને આતુર અંતરે પ્રાર્થના કરીને એમની મદદ માગી. એથી પ્રેરાઇને ભગવાન શંકરે એ ત્રણે નગરોનો નાશ કરવા માટે બાણ માર્યું. એમના એ એક બાણમાંથી સૂર્યમંડળમાંથી છૂટનારાં કિરણોની પેઠે બીજા અનેક બાણો નીકળવા માંડ્યા. એમાંથી જાણે ભયંકર અગ્નિજ્વાળા પ્રકટી. એને લીધે એ વિમાનો કે નગરો નિહાળી પણ ના શકાયા. એમની અંદર રહેલા સૌ કોઇ નિર્જીવ બનીને નીચે ઢળી પડ્યા. ભગવાન શંકરનો પુરુષાર્થ એવી રીતે સફળ થયો ખરો પરંતુ મયદાનવ અતિશય માયાવી હોવાથી એ પુરુષાર્થને નિષ્ફળ બનાવવા માટે તૈયાર થયો. દાનવોને ઉપાડી લાવીને એણે એના તૈયાર કરેલા અમૃતકૂપમાં નાખી દીધા. એના પરિણામે એ અલૌકિક અમૃતરસનો સ્પર્શ થવાથી એમનાં મૃત શરીરો પુનર્જીવન પામીને ખૂબ જ તેજસ્વી અને વજ્રસમાન સુદૃઢ બની ગયાં. એ યુદ્ધ કરવાના ને બદલો લેવાના ઉત્સાહ સાથે ફરી પાછા ઊભા થયા.

આજની સભ્યતા ખૂબ જ આગળ વધી છે, વધતી જાય છે, ને વિજ્ઞાન પણ નવા નવા વિક્રમોની પરંપરા સર્જતું જાય છે એમ કહેવામાં આવે છે, અને એવું પણ કહેવાય છે કે આવાં અને આટલાં બધા સંશોધનો કદાપિ નહોતાં થયાં, પરંતુ ભાગવતની આ કથા પરથી પ્રતીત થાય છે કે સભ્યતા, સુધારણા કે સંશોધનના ક્ષેત્રમાં હજુ આપણે ખૂબ જ પાછળ ને પંગુ છીએ. જે કાંઇક કરી શક્યા છીએ એને માટે આપણે ગૌરવ અવશ્ય લઇ શકીએ. એવું ગૌરવ લેવાનો અધિકાર આપણને જરૂર છેઃ તો પણ એ ગૌરવ આપણને વિવેકાંધ ને જડ ના બનાવી દે એ પણ એટલું જ આવશ્યક છે. મયદાનવ જે પુનર્જીવનવિદ્યામાં કુશળ હતો તે પુનર્જીવનવિદ્યા આપણા વૈજ્ઞાનિકો કે રસાયણશાસ્ત્રીઓ ક્યાં પામી શક્યા છે ? હજુ તો એમણે નમ્રાતિનમ્ર બનીને જીવન તથા મરણના ભેદ ઉકેલવા અને પ્રકૃતિનાં રહસ્યોની માહિતી મેળવવાનો પ્રયાસ કરવાનો છે. ઘણું થયું છે તો પણ ઘણું ઘણું કરવાનું શેષ રહે છે.

અને એ બધું કર્યા પછી પણ શું ? માનવ પોતે જ જો આગળ નહિ વધે તો ? ભૌતિક પ્રગતિની સાથે આત્મિક વિકાસ નહિ કરે તો ? એ સાચો આદર્શ માનવ બનવાની કોશિશ કરતાં સૌની સાથે સ્નેહ, સંપ, સેવાભાવ, સહકાર ને શાંતિથી શ્વાસ લેતાં નહિ શીખે તો ? એ જો અસુર જ રહેશે ને આસુરીવૃત્તિ તથા પ્રવૃત્તિનો અંત આણીને દૈવી વૃત્તિ તથા પ્રવૃત્તિની પ્રસ્થાપના નહિ કરે તો ? તો એ સંપૂર્ણ સુખી થઇને બીજાને સુખી બનાવી શક્શે ? ના. સવાલ વધારે ને વધારે શક્તિ પેદા કરવાનો જ નથી, જે થોડી ઘણી શક્તિ-સામગ્રી છે તેનો સંચય ને સદુપયોગ કરવાનો ને મધુમય માનવ તરીકે જીવતાં શીખવાનો છે. શક્તિ, સંપત્તિ, સત્તા ને સભ્યતાવાળો પુરુષ દાનવ ના હોય પણ માનવ હોય તે જરૂરી છે. ભાગવતની મયદાનવની આ નાનકડી કથા એવી રીતે જીવનોપયોગી મોટા સંદેશથી ભરેલી છે.

હવે એ કથા આગળ ચાલે છે. મયદાનવની માયાવી પ્રવૃત્તિની આગળ સફળ ના થઇ શકવાથી ભગવાન શંકર કાંઇક ખિન્ન બની ગયા એટલે ભગવાન કૃષ્ણે એમની સહાયતા કરવાનો સંકલ્પ કર્યો. એમણે એક ગાયનું રૂપ લીધું ને બ્રહ્માએ વાછરડાનું. બપોરના વખતે એ બંનેએ પેલાં નગરોમાં જઇને અમૃતકૂપનું પાન કરી લીધું. એથી સઘળું અમૃત સમાપ્ત થઇ ગયું. દાનવરક્ષકો એમને જોવા છતાં એમની માયાથી પ્રભાવિત કે મોહિત થઇને એમને એમ કરતાં અટકાવી ના શક્યાં.

મયદાનવને એની ખબર પડી ત્યારે એણે બીજાને આશ્વાસન આપતાં જણાવ્યું કે પ્રારબ્ધના વિધાનને કોઇ પણ નથી પલટાવી શકતું. માટે જે કાંઇ થાય છે ને થવાનું છે એનો શોક કરવો મિથ્યા છે.

ભગવાન કૃષ્ણની દૈવી મદદ મેળવીને ભગવાન શંકરે બાણના પ્રયોગથી એ ત્રણે દુર્ભેદ્ય વિમાનોનો નાશ કરી નાખ્યો. વિમાનો ભસ્મીભૂત થયાં એટલે એમના પર અલૌકિક પુષ્પવૃષ્ટિ થઇ. સર્વત્ર આનંદ આનંદ છવાઇ ગયો.

ભગવાન શંકર ત્યારથી પુરારિ કે ત્રિપુરારિ કહેવાયા.

એ કથાને આધ્યાત્મિક રીતે વિચારીએ તો સમજાશે કે દૈવી અને આસુરી સંપત્તિનો સંઘર્ષ માનવજીવનમાં અને એના અંતરતમમાં અહર્નિશ અખંડ રીતે ચાલ્યા કરે છે. કદીક દૈવી સંપત્તિ વિજયી બને છે તો કદીક આસુરી. મયદાનવ અવિદ્યારૂપી માયાનું પ્રતીક છે. એણે ત્રણ ગુણોનાં ત્રણ વિમાન અથવા પુર બનાવ્યા છે. એ ગુણોની પાર પહોંચવા માટે માનવની દૈવીવૃત્તિ સદ્દવિચારરૂપી શંકરનું શરણ લે છે પરંતુ સદ્દવિચારની સહાયતા શક્તિશાળી હોવાં છતાં પણ પૂરતી નથી થતી. આસુરીવૃત્તિઓ વિષયોના આકર્ષણ કે મોહકૂપમાં પડીને ફરી પાછી શક્તિશાળી બની જાય છે. એ મોહકૂપને સૂકવવા કે સમાપ્ત કરવા પવિત્રતમ પ્રજ્ઞાપૂર્વકની આત્મિક સાધનારૂપી ગાયની ને સંયમ અથવા શીલરૂપી વાછરડાની જરૂર પડે છે. એમની મદદથી વિષયની રસવૃત્તિ સંપૂર્ણપણે શાંત થતાં આસુરી સંપત્તિને નવું પોષણ મળતું બંધ થાય છે ને કલ્યાણકારક આત્માનુભવ દ્વારા માનવ ત્રિગુણાત્મિકા પ્રકૃતિની પાર પહોંચીને જીવનને કૃતાર્થ કરે છે. એ સર્વ પ્રકારે વિજયી બને છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *