Sunday, 8 September, 2024

ધર્મવ્યાઘની ધર્મવાણી

242 Views
Share :
ધર્મવ્યાઘની ધર્મવાણી

ધર્મવ્યાઘની ધર્મવાણી

242 Views

{slide=Dharmavyadh’s sermon}

Dharmavyadh gave invaluable sermon to Sage Kaushik. The essence of his teachings were to serve one’s parents with love and affection, to follow truth, to serve others and to lead a spiritual life.

મિથિલાનગરીમાં ધર્મરાજે તપસ્વી કૌશિકને જે વિસ્તૃત ધર્મોપદેશ આપ્યો એનો સમાવેશ મહાભારતના વનપર્વના બસો સાતથી તેરમા અધ્યાય સુધીમાં સુચારુરૂપે કરવામાં આવ્યો છે. એની રજૂઆત છેક જ સંક્ષેપમાં કરીએ તો અસ્થાને નહિ લેખાય. એ ધર્મવાણીનો સારાંશ આ રહ્યો :

હે ભગવન્ ! હું તમને વંદન કરું છું. હે દ્વિજવર ! તમે ભલે પધાર્યા. હું વ્યાધ છું. તમારું શું મંગલ કરું ? મને આજ્ઞા આપો. તે પતિવ્રતા સાધ્વીએ તમને કહ્યું હતું કે તમે મિથિલા જાઓ એ હું જાણું છું. વળી તમે જે અર્થે અહીં આવ્યા છો એ સઘળું હું જાણું છું.

આ મારો કુળપરંપરાનો ધંધો છે. હું મારા સ્વધર્મમાં રત રહું છું. તો તમે ક્રોધ કરશો નહિ. વિધાતાએ પહેલેથી મારે માટે જે સ્વકર્મ નિર્માણ કર્યું છે તેનું હું પાલન કરું છું, અને પ્રયત્નપૂર્વક વૃદ્ધ ગુરુજનોની સેવા કરું છું. હું સત્ય બોલું છું, કોઇની ઇર્ષ્યા કરતો નથી, અને શક્તિ પ્રમાણે દાન આપું છું. દેવો, અતિથિઓ, સેવકો આદિને ભોજન આપ્યા પછી વધેલું અન્ન જમું છું. કોઇના છિદ્રો ઉઘાડતો નથી અને કોઇની નિંદા કરતો નથી.

અહીં જનકના રાજમાં કોઇ પણ માણસ વિપરીત કર્મ કરનારો નથી. ચારે વર્ણ સ્વકર્મમાં તત્પર રહે છે. જનકરાજ તો પોતાનો પુત્ર પણ દુરાચારી અને શિક્ષાપાત્ર હોય તો તેને પણ સજા કરે છે. તે ધાર્મિક માણસને કશો ત્રાસ આપતો નથી. એ રાજાએ દૂતોની સુંદર વ્યવસ્થા કરી છે અને એ દૂતો દ્વારા તે સર્વની ધર્મપૂર્વક સંભાળ રાખે છે.

 હું જાતે હિંસા કરતો નથી. નિત્ય બીજાઓએ મારેલાં ભૂંડો અને ભેંસોને વેચું છું. હું માંસ ખાતો નથી. ઋતુકાલે જ સ્ત્રીગમન કરું છું, અને માત્ર રાત્રે જ ભોજન લઉં છું.

શીલરહિત જણાતો માણસ પણ શીલવાન હોઇ શકે છે. પ્રાણીની હિંસા કર્યા કરતો માણસ પણ ધાર્મિક હોઇ શકે છે.

અહિંસા અને સત્યવચન પ્રાણીમાત્રને માટે પરમ હિતકારી છે. અહિંસા પરમધર્મ છે અને તે સત્યમાં સ્થિત રહે છે. સર્વ પ્રવૃત્તિઓ સત્યમાં સ્થિત કરીને જ રહે છે. સત્ય જ શ્રેષ્ઠ છે.

તૃપ્ત થયેલો માણસ જેમ સુખે સૂવે છે, અથવા પવનવિહોણા સ્થાનમાં કુશળ રીતે સળગાવેલો દીવો જેમ એકસરખો જલે છે, તેમ નિર્મળ થયેલા ચિત્તવાળો માણસ વૃત્તિક્ષોભને પામતો નથી પણ શાંત રહે છે; એ ચિત્તશુદ્ધિનું લક્ષણ છે.

વિશુદ્ધચિત્ત પુરુષે પહેલી તથા પાછલી રાતે મનને સદૈવ પરમાત્મામાં જોડવું, અલ્પ આહાર રાખવો, અને પોતાના અંતરમાં આત્માના દર્શન કરવાં. તે જેમ ઝગમગ બળતા દીવાથી બીજી વસ્તુઓને જુએ છે, તેમ મનરૂપી દીપકથી આત્માને જુએ છે. આમ નિર્ગુણ આત્માનાં દર્શન પામતાં જ તે મુક્તિ પામે છે.

દયા પરમધર્મ છે. ક્ષમા પરમબલ છે. આત્મજ્ઞાન પરમજ્ઞાન છે, અને સત્ય પરમવ્રત છે.

કોઇપણ પ્રાણીની હિંસા કરવી નહીં. સૌ કોઇ સાથે મૈત્રીમય રીતે વર્તવું અને કોઇની સાથે કોઇ રીતે વેર બાંધવું નહીં.

અજિત પરમાત્માને જીતવા ઇચ્છતા મુનિએ નિત્ય તપપરાયણ રહેવું, ઇન્દ્રિયદમન કરવું, અને ભોજ્ય પદાર્થો વિષે અનાસક્તિ રાખવી.

જે મનુષ્ય સુખ અને દુઃખ બંનેને ત્યાગે છે અને અત્યંત અનાસક્તિથી વર્તે છે, તે બ્રહ્મને પામે છે.

વનપર્વના બસો ચૌદમા અને બસો સોળમા અધ્યાયની ધર્મવાણી સંક્ષેપમાં આ પ્રમાણે છે :

માતાપિતા મારાં પરમ દેવરૂપ છે. દેવો પ્રત્યેનું મારું જે કર્તવ્ય છે તે તેમના પ્રત્યે બજાવું છું. જેમ ઇન્દ્ર આદિ તમામ તેત્રીસ દેવો સર્વલોકને માટે પૂજ્ય છે તે રીતે માતાપિતા મારે માટે પૂજ્ય છે. પંડિતો જે અગ્નિઓ, યજ્ઞો અને ચાર વેદો કહે છે તે સર્વ મારે માટે મારાં માતાપિતા છે.

પુત્ર અને પત્ની સાથે હું નિત્ય તેમની સેવા કરું છું. હું જ એમને સ્નાન કરાવું છું. ભોજન કરાવું છું. એમના ચરણને ધોઉં છું. એમને અનુકૂળ હોય એવાં જ વચનો બોલું છું. એમને માઠું લાગે તેવું વચન બોલતો નથી. એમને પ્રિય કાર્ય કરું છું. હું સર્વદા આળસરહિત બનીને એમની સેવા કરું છું.

અભ્યુદયને ઇચ્છનારાઓ માટે પાંચ ગુરુઓ હોય છે. પિતા, માતા, અગ્નિ, આત્મા અને ગુરુ. જે મનુષ્ય એ પાંચ ગુરુઓ સાથે યથાયોગ્ય વર્તન રાખે છે તેણે નિત્ય અગ્નિઓની સેવા કરી છે એમ ગણાય. ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓ માટે આ સનાતન ધર્મ છે.

મનુષ્યે મનનું દુઃખ બુદ્ધિથી દૂર કરવું, અને શરીરનું દુઃખ ઓસડથી દૂર કરવું; પણ બાળકની જેમ મૂઢ થઇને બેસી ના રહેવું. અલ્પબુદ્ધિવાળા મનુષ્યો અનિષ્ટનો યોગ થતાં અને ઇષ્ટનો વિયોગ થતાં મનમાં દુઃખ કરે છે. સુખ આદિ સત્વાદિ ગુણોનાં કાર્યોને લીધે સર્વ પ્રાણીઓને સંયોગ અને વિયોગ થાય છે; પરંતુ એ માટે શોક કરવો યોગ્ય નથી.

માણસે ક્યારેય મનમાં ખેદ ના કરવો. કારણકે વિષાદ તો ભારે ઝેરી વિષ છે. ક્રોધી સર્પ જેમ બાળકને મારી નાખે છે તેમ ખેદ અજ્ઞાની મનુષ્યને મારી નાખે છે.

દુઃખમાંથી છૂટવાનો ઉપાય જ શોધવો જોઇએ. ખેદ કરવાને બદલે મનુષ્યે ઉપાય કરવા માટે લાગી જવું જોઇએ. દુઃખથી મુક્ત થઇને સુખી થવું જોઇએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *