Saturday, 27 July, 2024

ધર્મવ્યાધનો જન્માંતર વૃતાંત

217 Views
Share :
ધર્મવ્યાધનો જન્માંતર વૃતાંત

ધર્મવ્યાધનો જન્માંતર વૃતાંત

217 Views

{slide=Story of Dharmavyadh’s previous births}

Sage Kaushik had no doubt that Dharmavyadh was an extraordinary soul. He, however wondered how Dharmavyadh ended up being a butcher. To satisfy Sage Kaushik’s curiosity, Dharmavyadh narrated his story.

Dharmavyadh was a Brahmin in his pre-birth and had very good friendship with the king. Once, they went together into the forest for hunt. By mistake, one of Dharmavyadh’s arrow hit a Sage living in nearby Ashram. When Dharmavyadh came to know about it, he apologized. The sage cursed him that he would take birth in his next life in a lower caste. Dharmavyadh repented for his misdeed and again asked for forgiveness. The sage then told Dharmavyadh that he would feel satisfaction by serving his parents in that birth and would also remember his previous birth. After that life, Dharmavyadh would once again regain his status and would take birth as a Brahmin. That’s how Dharmavyadh ended up being born in a lower caste.

કૌશિકમુનિને સત્ય ધર્મના સદુપદેશ દ્વારા સાર્થક કરનારા ધર્મવ્યાધ એક અસાધારણ આત્મદર્શી દિવ્ય દૃષ્ટિસંપન્ન સિદ્ધ સત્પુરુષ હતા. એમના સ્વાનુભવસિદ્ધ વિશુદ્ધ જીવનવ્યવહારે અને અલૌકિક ધર્મોપદેશે કૌશિકને જે મંગલ માર્ગદર્શન આપ્યું. એને લીધે કૌશિકની ભ્રાંતિ ટળી ગઇ, કૌશિકને જીવનના અભિનવ દર્શનની પ્રાપ્તિ થઇ. એણે ઘેર જઇને પોતાનાં વૃદ્ધ માતાપિતાની સેવા કરવાનો સંકલ્પ કર્યો.

ધર્મવ્યાધની અદભુત મેધા અને આત્મનિષ્ઠાને અવલોકીને એને આશ્ચર્ય થયું એ આશ્ચર્યની અભિવ્યક્તિ કરતાં એણે ધર્મવ્યાધને જણાવ્યું કે તમારું આત્મજ્ઞાન અત્યંત અલૌકિક છે. હું તમને શૂદ્ર નથી સમજતો. કારણ કે સંસ્કારહીન શીલરહિત શૂદ્રની અંદર સૂક્ષ્મ સનાતન ધર્મનો ઉપદેશ આપવાની શક્તિ નથી હોતી. તમને કોઇક વિશેષ કારણને લીધે શૂદ્ર યોનિની પ્રાપ્તિ થઇ લાગે છે. એ કારણ પર તમારી દિવ્ય દૃષ્ટિની મદદથી પ્રકાશ પાડી શકશો તો મને સંતોષ થશે.

 તપસ્વી કૌશિકની વિવેકયુક્ત વાત સાંભળીને ધર્મવ્યાધે પોતાના પૂર્વજન્મના વૃત્તાંતની રજૂઆત કરવા માંડી. એમણે પ્રસન્નતાપૂર્વક જણાવ્યું : કૌશિક ! પૂર્વજન્મમાં હું બ્રાહ્મણ હતો. મારા શાસ્ત્રજ્ઞાનસંપન્ન પૂજ્ય પિતાની પેઠે હું વેદવેદાંગમાં પારંગત હતો. તો પણ નિર્દોષ જીવન જીવી શક્યો નહીં. એ જન્મમાં ધનુર્વેદના નિષ્ણાત એક રાજા સાથે મારી મિત્રતા બંધાયલી. એમના સહવાસને લીધે મને પણ ધનુર્વિદ્યાના પૂર્ણ પ્રભુત્વની પ્રાપ્તિ થઇ. એકવાર એ રાજા પોતાના પ્રધાન યોદ્ધાઓ અને મંત્રીઓ સાથે વનમાં શિકાર માટે નીકળ્યા. મને પણ એમણે મારે માટેની મમતાને લીધે સાથે લીધો.

વનમાં વિહાર કરતાં અમે એક આહલાદક એકાંત આશ્રમ પાસે આવી પહોંચ્યા. એની આસપાસ રમનારાં અસંખ્ય મૃગોનો અમે શિકાર કર્યો. એ વખતે મારા અચાનક છૂટેલા બાણથી એક પરમ તપસ્વી ઋષિ ભયંકર રીતે ઘાયલ થયા ને ધરતી પર ઢળી પડયા. એમના મુખમાંથી કરુણ આર્ત ઉદગારો નીકળ્યા : મેં કોઇનો કોઇ પણ પ્રકારનો અપરાધ નથી કર્યો તો પણ આ ક્રૂર કુકર્મ કોણે કર્યું તે મને નથી સમજાતું.

મારા બાણથી કોઇક મૃગ મરાયું છે એવું માનીને હું એની પાસે ગયો તો ઋષિને ઘવાયલા જોઇને મને ખૂબ જ દુઃખ થયું. મારા પરિતાપનો ને મારી પીડાનો પાર રહ્યો નહીં. મારું હૃદય અને રોમરોમ રડવા લાગ્યું. મેં એ તરફડી રહેલા ઋષિની પશ્ચાતાપપૂર્વક ક્ષમા માગી. ઋષિએ અભિશાપ આપ્યો કે તું વ્યાધ થઈને શૂદ્ર યોનિમાં જન્મ લઇશ.

મેં એમની ક્ષમા માગતાં એમનાં અનુગ્રહની ફરી ફરી કામના કરી ત્યારે એમણે દયાથી દ્રવીભૂત બનીને જણાવ્યું કે મારો શાપ મિથ્યા તો નહિ થાય, પરંતુ શૂદ્ર યોનિમાં જન્મીને માતાપિતાની એકનિષ્ઠ સેવાના પ્રભાવથી પરમસિદ્ધિની પ્રાપ્તિથી તું તારા જીવનની ધન્યતાને અનુભવીશ. તને પૂર્વજન્મની સ્મૃતિ રહેશે, અને એ યોનિની સમાપ્તિ પછી પુનઃ બ્રાહ્મણશરીરની પ્રાપ્તિ થશે.

ઋષિના શરીરમાંથી બાણને બહાર કાઢીને મેં એમને આશ્રમમાં પહોંચાડયા. સદભાગ્યે એ મૃત્યુ પામવાને બદલે બચી ગયા. એથી મને શાંતિ થઇ.

ધર્મવ્યાધના પૂર્વજન્મનો એ વૃત્તાંત સૂચવે છે કે પૂર્વજન્મ તથા પુનર્જન્મ છે અને એમની માહિતી મળી શકે છે. સઘળું કર્માધીન હોવાથી માનવે ભૂલેચૂકે પણ કુકર્મમાં પ્રવૃત્ત ના થવું જોઇએ. ધર્મવ્યાધે પોતાના પૂર્વજીવનમાં પાપકર્મમાં પ્રવૃત્તિ કરી તો તેનું પરિણામ પ્રતિકૂળ અને પીડાજનક આવ્યું. એ હિંસક પાપપ્રવૃત્તિ – નિર્દોષ, નિસર્ગને ખોળે ખેલનારા, પશુઓની હત્યાની પ્રવૃત્તિ – સંગદોષના પરિણામે પેદા થયેલા બુદ્ધિદોષને લીધે, સ્વધર્મ કે કર્તવ્યભાનના વિસ્મરણથી થયેલી. એટલે સમજુ માનવે સદા સાવધ રહીને ને સદસદબુદ્ધિથી સમલંકૃત બનીને સંગદોષથી બચવું જોઇએ, એવો ગર્ભિત સારસંદેશ પણ ધર્મવ્યાધના એ જન્માંતર વૃત્તાંતમાં સમાયેલો છે. એ સંદેશ આજે પણ કામનો છે. સર્વકાળને સારુ શ્રેયસ્કર છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *