Saturday, 27 July, 2024

ધર્મવ્યાધનો મેળાપ

214 Views
Share :
ધર્મવ્યાધનો મેળાપ

ધર્મવ્યાધનો મેળાપ

214 Views

{slide=Meeting with Dharmavyadh}

After a tiring journey, Sage Kaushik reached Mithila and met Dharmavyadh. Sage Kaushik was shocked, as contrary to his belief, Dharmavyadh was a butcher and when Sage reached there, Dharmavyadh was selling meat in the market. From his outward appearance Sage Kaushik doubted him yet remained seated to have a conversation with him. Later, Dharmavyadh revealed to Sage Kaushik that the lady made him come to Mithila to visit his place. Sage Kaushik was surprised at this revelation.

Dharmavyadh took Sage Kaushik to his place and introduced him to his parents. Dharmavyadh also added that there is nothing greater than serving one’s parents. He also advised the Sage to serve his parents, who had become blind and badly needed his assistance and service. Sage Kaushik realized his folly and after saluting Dharmavyadh, set off for his place.

The morale of the story is that one should not relegate his worldly duties in search for God. Serving one’s parents is serving God himself.

કેટલાંય વન, ગામડાં તથા નગરમાંથી પસાર થતો તપસ્વી કૌશિક છેવટે લાંબા વખતના પ્રવાસ પછી, મિથિલા નગરમાં આવી પહોંચ્યો.

મિથિલા નગરીમાં રાજા જનકનું રાજ્ય હતું.

એ નગરી અતિશય સુંદર હતી. એમાં ધર્મપરાયણ મનુષ્યો વાસ કરતા ને ઠેરઠેર ધર્મ સંબંધી મોટા મોટા મંગલ ઉત્સવો થતા,

ધર્મવ્યાધની માહિતી મેળવીને એ એમના સ્થાન પર પહોંચ્યો તો એને ભારે નવાઇ લાગી. અને પોતાની કલ્પના કરતા જુદું જ ચિત્ર જોવા મળ્યું.

એ નક્કી ના કરી શક્યો કે, ધર્મવ્યાધ આ જ હશે કે બીજા ? પેલી પતિવ્રતા સ્ત્રીએ આમની જ એક મહાપુરુષ તરીકે આટલી બધી પ્રશસ્તિ કરી હશે ?

એમનું બાહ્ય સ્વરૂપ જરા ભ્રાંતિજનક હતું. છતા પણ ધર્મવ્યાધ તો એ જ હતા. કસાઇ ખાનામાં બેસી એ માંસ વેચી રહ્યા હતા.

કૌશિક, મનમાં ભાતભાતની ને જાત જાતની શંકા-કુશંકા સાથે, એક તરફ એકાંતમાં બેસી ગયો.

એના આગમનનું પ્રયોજન જાણીને ધર્મવ્યાધે તરત જ એની પાસે આવીને વિનયપૂર્વક કહેવા માંડયું : ‘ભગવન ! હું તમારું સ્વાગત કરું છું. તમારા ચરણમાં મારા પ્રણામ છે. તમે જેની શોધમાં આટલે સુધી આવવાનું કષ્ટ કર્યું છે તે ધર્મવ્યાધ હું જ છું. તમારું મંગલ હો ! હું તમારી શી સેવા કરું તેને માટે મને આજ્ઞા આપો. તમે અહીં શા માટે આવ્યા છો તે હું જાણું છું. પેલી પતિવ્રતા, ધર્મપરાયણ સ્ત્રીએ જ તમને અહીં મોકલ્યા છે તેની પણ મને ખબર છે.’

ધર્મવ્યાધના વચનને સાંભળીને બ્રાહ્મણ કૌશિક ભારે વિસ્મયમાં પડયો. એને થયું કે આ વળી બીજી નવાઇની વાત કહેવાય. ધર્મવ્યાધ પણ પેલી સ્ત્રીની જેમ જ દૈવી દૃષ્ટિથી સંપન્ન છે એ વાતની આ પ્રસંગ પરથી પ્રતીતિ થાય છે. એમનો પરિચય કરાવવા બદલ પોતે ઇશ્વરનો ઉપકાર માન્યો ને પોતાની જાતને બડભાગી માની.

ધર્મવ્યાધે કૌશિકને પોતાને ઘેર લઇ જઇને સમુચિત સત્કાર કર્યો. એના ચરણ ધોયા અને એને ઉત્તમ આસન આપ્યું.

આસન પર બિરાજમાન થઇને પોતાના મનની શંકાને રજૂ કરતા કૌશિકે કહ્યું કે માંસ વેચવાનું ઘોર કર્મ તમારે ના કરવું જોઇએ. એ કામ જોઇને મને ભારે દુઃખ થઇ રહ્યું છે. ત્યારે ધર્મવ્યાધે એનું સ્પષ્ટીકરણ કરતાં કહેવા માંડયું કે આ કામ મેં મારી મરજીથી શરૂ નથી કર્યું. હું પોતે ધર્મથી વિરુદ્ધનું કોઇ કામ નથી કરતો. પરંતુ આ ધંધો મારા કુટુંબમાં મારાં બાપદાદાના વખતથી ચાલ્યો આવે છે. આ કામ કરવા છતાં પણ હું મારા વૃદ્ધ માતાપિતાની સેવા કરું છું. સાચું બોલું છું, મારા ગજા પ્રમાણે દાન આપું છું, કોઇની નિંદા નથી કરતો, તથા દેવતા, અતિથિ અને સેવકોને જમાડીને જે કાંઇ બચે છે તેનાથી મારું જીવન ચલાવું છું. જનક રાજાના આખા રાજ્યમાં કોઇ માનવ ધર્મથી વિરુદ્ધ આચરણ નથી કરતો. બધા પોતપોતાના ધર્મનું પાલન કર્યા કરે છે. ધર્મથી વિરુદ્ધ ચાલનાર જો પોતાનો પુત્ર હોય તો એને પણ રાજા જનક કઠોર દંડ દે છે, એટલે અધર્મના આચરણ માટે અવકાશ જ નથી રહેતો. હું પોતે કોઇ જીવની હિંસા નથી કરતો. બીજાએ મારેલા પ્રાણીઓનું માંસ વેચું છું. પરંતુ હું પોતે કદી પણ માંસ નથી ખાતો. સ્ત્રીસંગ પણ ઋતુકાળ દરમ્યાન જ કરું છું. દિવસે ઉપવાસ કરું છું તથા રાત્રે ભોજન. કોઇ મારી પ્રશંસા કરે છે, કોઇ નિંદા કરે છે, પરંતુ હું તો સૌની સાથે સારો વ્યવહાર કરીને સૌને પ્રસન્ન રાખું છું. ધર્મમાં દૃઢતા રાખવી. દ્વંદ્વોને સહન કરવા અને સૌ કોઇનું તેમની યોગ્યતાનુસાર સન્માન કરવું, એ મનુષ્યોચિત ગુણો ત્યાગના વિના નથી આવી શકતા.

કૌશિકને ધર્મવ્યાધનાં શાસ્ત્રસંમત ને વિવેકયુક્ત વચનો સાંળીને ઘણો જ સંતોષ થયો. એ પછી કૌશિકે ધર્મવ્યાધને ધર્મ, તત્વજ્ઞાન તથા લૌકિક વ્યવહાર વિષે કેટલાક પ્રશ્નો પૂછયા. મૃત્યુ પછીની જીવની ગતિ વિષે પણ પૂછી જોયું. સત્વ, રજ ને તમ – ત્રણે ગુણોના સ્વરૂપ વિષે પણ પૂછી જોયું, અને એના પરિણામરૂપે કૌશિકને જ્યારે સંપૂર્ણ સંતોષ થયો ત્યારે જેમના લીધે સિદ્ધિ અને શાંતિ મળી છે તે મારાં માતાપિતા ઘરમાં છે, ચાલો તેમનાં પણ દર્શન કરાવું. એવું કહીને ધર્મવ્યાધ ઊભા થયા.

કૌશિક બ્રાહ્મણે ધર્મવ્યાધની સાથે ઘરમાં પ્રવેશ કર્યો તો ચાર ખંડવાળું, તાજો ચૂનો લગાડેલું ઘર જોઇને તે મુગ્ધ બની ગયો. ઘરમાં દેવોની સુંદર મૂર્તિઓ પણ હતી. ધૂપ તથા કેસરની સુવાસ ફેલાઇ રહી હતી. એક સુંદર આસન પર શ્વેત વસ્ત્રધારી, ધર્મવ્યાધના માતાપિતા ભોજનથી નિવૃત થઇને બેઠાં હતાં. ચંદન તથા પુષ્પોથી એમની પૂજા કરવામાં આવી હતી.

ધર્મવ્યાધે તેમના ચરણ પર મસ્તક મૂકીને દંડવત પ્રણામ કર્યા. એમણે એને આશીર્વાદ આપ્યા.

તે પછી વ્યાધે પોતાના માતપિતાને કૌશિકનો પરિચય કરાવ્યો. એમણે પણ કૌશિકનું સન્માન કર્યું, તથા કૌશિકના ખબરઅંતર પૂછયા.

ધર્મવ્યાધે કહ્યું : “આ માતાપિતા જ મારા મુખ્ય દેવતા છે. એમને માટે હું બનતું બધું જ કરું છું. મારે માટે ચાર વેદ તથા યજ્ઞ – બધું મારાં માતાપિતા જ છે. સ્ત્રી તથા સંતાનો સાથે હું એમની સેવા કરું છું. એમની કૃપાથી મારું જીવન સુખી છે અને મારા પર ઇશ્વરની કૃપા છે. તમે વેદોનો સ્વાધ્યાય કરવા માટે તમારા માતાપિતાની આજ્ઞા વિના જ ઘરનો ત્યાગ કર્યો છે, તે ઘણુ અનુચિત થયું છે. તમારા વિયોગથી તે વૃદ્ધ માબાપ આંધળા બની ગયા છે. માટે ઘેર જઇને તેમને પ્રસન્ન કરો. તમે તપસ્વી, મહાત્મા અને ધર્માનુરાગી છો, છતાં માતાપિતાની સેવા વિના બધું વ્યર્થ છે. માતાપિતાની સેવા જેવો કોઇ મોટો ધર્મ નથી. એ વાતમાં વિશ્વાસ રાખો.”

કૌશિકની આંખ ઊઘડી ગઇ. એણે કહ્યું : “મારું સૌભાગ્ય છે કે હું અહીં આવ્યો ને મને તમારો સત્સંગ સાંપડયો. તમારા જેવા ધર્મપરાયણ પુરુષો સંસારમાં સાચે જ વિરલ છે. તમે મારો ઉદ્ધાર કર્યો છે. હવે હું તમારી સૂચના પ્રમાણે મારાં માતાપિતાની સેવા જરૂર કરીશ. અત્યાર સુધી હું મારા સાચા કર્તવ્યધર્મથી ભ્રષ્ટ થયો હતો.”

કૌશિકે ધર્મવ્યાધની પ્રદક્ષિણા કરી અને ત્યાંથી પ્રસ્થાન કર્યું.

ઘેર જઇને એણે પોતાનાં વૃદ્ધ માતા-પિતાની સેવા કરી.

માતા-પિતા એથી પ્રસન્ન થયાં ને કૌશિકને શાંતિ મળી.

મહાભારતમાં માર્કેંડેય મુનિએ યુધિષ્ઠિરને કહેલા આ આખ્યાનનો સાર એટલો જ છે કે તપ, ત્યાગ, ભક્તિ, યોગ કે લોકસેવાના નામે માણસે પોતાના સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલા કર્તવ્યથી વિમુખ નથી થવાનું. સિદ્ધિ, જરૂરી કર્મના કે ફરજોના ત્યાગમાં નથી સમાઇ, પરંતુ એમના અનુષ્ઠાનમાં સમાયેલી છે. આપણી ધર્માનુરાગી પ્રજા આ વાતને યાદ રાખશે ખરી ? એ વાતને યાદ રાખવાથી માણસને પોતાને તો લાભ થશે જ, પરંતુ બીજાને પણ મદદ મળશે. આપણાં ઘર, કુટુંબ તથા સમાજજીવનને ધર્મ કે ત્યાગને નામે બચાવી શકાશે. કૌશિક જેવાં સ્ત્રીપુરુષો આ વાતને ખાસ યાદ રાખે, એનો અમલ કરે, એ ખાસ ઇચ્છવા જેવું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *