Tuesday, 12 November, 2024

ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી

350 Views
Share :
ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી

ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી

350 Views

During their stay in the town of Ekchakra, Pandavas came across a person who was fond of traveling. He narrated to them an interesting life story of King Drupada:

After his humiliating defeat at the hands of Drona, Drupada was burning with flames of revenge. Drona’s annihilation became the sole aim of his life. For the same purpose, he started looking for someone blessed with extraordinary spiritual powers. Drupada’s intention was to perform rituals and get a son who can kill Drona with his might. His search did not go in vain.

At the banks of holy Ganges, he came across two Brahmin sages, Yaja and Upyaja. They had great spiritual powers. King Drupada won their goodwill by serving them wholeheartedly and in return, requested them to bless him with a son who would be cause of Drona’s destruction. With the help of the sages, King Drupada performed rituals. From this sacrifice, he obtained a son, Dhrishtadhyumna, who would slay Drona in battle, and a daughter, Draupadi, who would wed Arjuna.

પાંડવો માતા કુંતી સાથે એકચક્રા નગરીમાં રહેતા હતા ત્યારે તેમને એક દિવસ અચાનક એક પ્રવાસના રસિયા પુરુષનો મેળાપ થયો.

એ પુરુષે પાંડવોએ પૂછવાથી પોતાના પ્રવાસની જુદા જુદાં સંસ્મરણો સાથે માહિતી આપી. એ માહિતીવર્ણન દરમિયાન રાજા દ્રુપદની જીવનકથા પણ સ્વાભાવિક રીતે જ કહેવામાં આવી.
એના સારભાગનું વિહંગાવલોકન કરવા જેવું છે.

‘હાર્યો જુગારી બમણું રમે’ એવી પરંપરાગત પ્રચલિત કહેવત પ્રમાણે, દ્રોણના હાથે કારમો પરાજય પામીને અસાધારણ અપમાન વેઠયા પછી દ્રુપદે એ અસાધારણ અપમાનને ને ઘોર પરાજયને યાદ રાખીને, એનો બદલો લેવાની ઇચ્છાથી પ્રેરાઇને, જુદા જુદા પ્રદેશોનો પ્રવાસ કરવા માંડયો. એના પ્રવાસનું આયોજન કોઇ સર્વોત્તમ ધર્મકર્મસિદ્ધ પુરુષપ્રવરની શોધનું હતું.

એવા પુરુષપ્રવરના અદભુત ધર્મકર્મથી અને અસીમ અનુગ્રહથી પોતાને પરમપ્રતાપી પુત્રરત્નની પ્રાપ્તિ થાય અને એવા સુપુત્રની શકવર્તી શક્તિની સહાયતાથી દ્રોણને દંડ દઇ શકાય એવી એની મહેચ્છા હતી.

યુદ્ધ એક પ્રશ્નને કદાચ કામચલાઉ સમયને માટે ઉપર ઉપરથી શાંત કરે છે પરંતુ બીજા પ્રશ્નોને પેદા કરે છે. પોતાની પાછળ કટુતા તથા વિદ્વેષ મૂકી જાય છે.

દ્રોણે દ્રુપદને યુદ્ધમાં પરાજિત કર્યો પરંતુ દ્રુપદના અંતરમાં અવનવો વિદ્વેષ અને પ્રતિશોધભાવ પેદા થયો. દ્રુપદનું પરિભ્રમણ એનું પરિણામ હતું.

ગંગાતટવર્તી પવિત્ર પ્રદેશમાં પરિભ્રમણ કરતાં તે કલ્માષપાદ નગરની પાસેના એક આશ્રમમાં પ્રવેશ્યો.

એ આશ્રમમાં એણે યાજ અને ઉપયાજ નામે બે ઉત્તમ વ્રતપરાયણ બ્રહ્મર્ષિઓને જોયા.

તે બંને બ્રહ્મર્ષિઓ મનના સંપૂર્ણ સંયમવાળા, પરમાત્માપરાયણ, વેદની સંહિતાના અધ્યયનમાં રત, સૂર્યના ઉપાસક અને સુંદર સ્વરૂપવાળા હતા.

દ્રુપદે ઉપયાજની શ્રદ્ધાભક્તિપૂર્વક વિશેષ સેવા કરી, એમની સઘળી કામનાઓને સંતોષીને જણાવ્યું કે તમે મને દ્રોણનું મૃત્યુ લાવે એવા પ્રતાપી પુત્રની પ્રાપ્તિ થાય તેને માટે જે કાંઇ યોગ્ય લાગે તે કરો તો તમને એક અબજ ગાયો આપીશ.

દ્રુપદે એટલી બધી ગાયોને આપવાની તૈયારી બતાવી એના પરથી દેશમાં એ વખતે અગણિત ગોધન હશે એવું ચોક્કસ અનુમાન કરી શકાય છે.

ઉપયાજની બીજી બધી કામનાઓને સંતોષવાની પણ બાંયધરી આપી. પરંતુ ઉપયાજ એવું કાર્ય કરવા તૈયાર ના થયા. એમણે મોટા ભાઇ યાજને પ્રાર્થવાની ભલામણ કરી.

દ્રુપદે યાજ ઋષિના આશ્રમે પહોંચીને તેમને પૂજીને દ્રોણનો નાશ કરી શકે એવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કરવાની પ્રાર્થના કરી.

યાજે ઉપયાજને મનાવીને તેમની સહાયતાથી સંયુક્ત રીતે યજ્ઞકર્મને કરવાની તૈયારી કરી.

દ્રુપદે એ યજ્ઞકર્મની સિદ્ધિ માટે ઉપયોગી સામગ્રીને મેળવવા માટે મદદ કરીને પ્રતાપી પુત્રને માટે સંકલ્પ કર્યો.

યાજે યજ્ઞનો આરંભ કર્યો.

યજ્ઞના અગ્નિમાંથી દેવસદૃશ, અગ્નિજ્વાળા જેવા સ્વરૂપવાળો, ભયંકર કુમાર પ્રગટયો. એણે મુકુટ અને કવચને ધારણ કરેલાં. એના હાથમાં ધનુષ, બાણ તથા તલવાર હતાં. એ સિંહનાદ કરી રહેલો.

એ સુંદર સર્વોત્તમ રથમાં બેસીને સત્વર વિદાય થવા લાગ્યો ત્યારે એને અવલોકીને પાંચાલો પ્રસન્નતાસૂચક ઉદગારો કાઢવા લાગ્યા.

એ વખતે આકાશવાણી સંભળાઇ કે આ ભયભંજન રાજકુમાર પાંચાલોના યશને વિસ્તારશે, રાજાના શોકને શમાવશે, અને દ્રોણના નાશ માટે નિમિત્ત બનશે.

એ યજ્ઞવેદીમાંથી જ સર્વોત્તમ સદભાગ્યશાલિની, સુદર્શના, અતિશય આકર્ષક અને સુંદર, શ્યામ લોચનવાળી, નીલ વાંકડિયા વાળવાળી, ઊંચા તામ્રરંગી નખવાળી, સરસ ભ્રમરવાળી, અને ભરાવદાર છાતીપ્રદેશથી સુશોભિત હતી – સાક્ષાત્ દેવકન્યા માનવવેશમાં પ્રગટી હોય તેવી.

એના આવિર્ભાવ વખતે આકાશવાણી થઇ કે આ સકળ સુંદરીઓમાં શ્રેષ્ઠ સુકુમારી કૃષ્ણા ક્ષત્રિયોના નાશ માટે જન્મી છે. એ સમુચિત સમયે તે કાર્યને કરશે. એનાથી કૌરવોને મહાન ભય પેદા થશે.

એ સાંભળીને પાંચાલો સિંહના સમૂહ જેમ ગર્જવા લાગ્યા.

દ્રોણે ધૃષ્ટદ્યુમ્નને પોતાની પાસે બોલાવીને અસ્ત્રવિદ્યા શીખવી એ પણ ખાસ ઉલ્લ્ખનીય છે.

ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી એવી અલૌકિક રીતે યજ્ઞકુંડમાંથી પ્રગટયાં એવી કથા કેટલાક વિદ્વાનોએ રુચિકર ના લાગવાથી એ એવું અર્થઘટન પણ કરે છે કે એ બંનેનો જન્મ યજ્ઞાનુષ્ઠાનના પરિણામે પરંતુ સામાન્ય રીતે જ થયેલો. અયોનિજ જન્મની વાત એમને વિશ્વસનીય કે માનવા જેવી નથી લાગતી. છતાં પણ મહાભારતનું એ વર્ણન નોંધપાત્ર તો છે જ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *