Sunday, 22 December, 2024

દ્રૌપદીનું વશીકરણ

327 Views
Share :
દ્રૌપદીનું વશીકરણ

દ્રૌપદીનું વશીકરણ

327 Views

{slide=Draupadi’s charm}

During Pandavas exile, Satyabhama along with Krishna paid a visit to their place.  Satyabhama wanted to know how Draupadi commanded such love and respect of all Pandavas. Did Draupadi has any secret like a mantra, a herb or something else. In response to her question, Draupadi said that there was no need of any herb or mantra for her. Women with bad character would only make such attempts to control their husband.  Draupadi said that she would not think about any other male besides Pandavas all the time; she would serve Pandavas with love and affection; should would not let her ego come in her way; she would eat after all Pandavas and would sleep after them; she would not keep company with women of bad character; she would herself serve Kunti, her mother-in-law and would always remain obedient to her etc.

Satyabhama was very happy at Draupadi’s explanation. Draupadi even advised her to follow certain things so that she would also be able to command love and respect of her husband, Krishna.  

મહાભારતના મહામહિમામય મંગલમય મહાગ્રંથમાં જુદાજુદા અનેક વિષયો પર પ્રકાશ પાથરવામાં આવ્યો છે. એ પ્રકાશ તે તે વિષયોના જિજ્ઞાસુઓ અથવા રસિકોને માટે અતિશય ઉપયોગી અને આશીર્વાદરૂપ ઠરે તેમ છે. વનપર્વના બસો તેત્રીસમા તથા બસો ચોત્રીસમા અધ્યાયમાં જે વિષયને આલેખવામાં આવ્યો છે તે વિષય ગૃહજીવનને સફળ તથા સુખશાંતિસંપન્ન બનાવવા માગતી પ્રત્યેક ગૃહિણીને માટે પ્રેરક અને મદદરૂપ છે. જે અપરણિતા હોય અને ભવિષ્યમાં લગ્નજીવનમાં પ્રવેશવાના સ્વપ્ના સેવતી હોય તેમને માટે પણ પરમશિક્ષાપ્રદ છે. એટલા માટે એનો ઉલ્લેખ કરી લઇએ.

પાંડવો વનવાસના વિપરીત વખતને બનતી સ્વસ્થતાપૂર્વક શાંતિથી વિતાવી રહેલા ત્યારે એકવાર દ્રૌપદીને એકાંતમાં મળવા માટે સત્રાજિતની સુપુત્રી, કૃષ્ણની ધર્મપત્ની સત્યભામા આવી પહોંચી.

એ ભગવાન કૃષ્ણ સાથે આવેલી.

એ દ્રૌપદીને મળીને પ્રસન્નતાને અનુભવતાં કહેવા લાગી કે તમે લોકપાલો જેવા અને દૃઢ નિયમપાલનવાળા વીર પાંડવો પર સત્તા ચલાવો છો અને એમને વશમાં રાખો છો, તેના રહસ્યને જાણવાની મને ઇચ્છા થાય છે. તે તમારા પર શા માટે કોપ નથી કરતા ? તે તમારે વશ રહે છે ને તમને જ જોયા કરે છે તેનું કારણ ? એનું કારણ કે રહસ્ય કોઇ વ્રતાચરણ, તપ, મંત્ર, ઔષધિ, વનસ્પતિ, વિદ્યા, જપ અથવા હોમમાં સમાયલું છે ? તમારા સુયશનું અને સૌભાગ્યનું મુખ્ય કારણ કયું છે તે હું જાણવા માગું છું. એથી હું પણ કૃષ્ણને વશ કરી શકીશ.

એટલું કહીને સત્યભામા શાંત રહી એટલે પરમભાગ્યવતી પ્રતિવ્રતા દ્રૌપદીએ સ્વસ્થચિત્તે શાંત સુમધુર સ્વરે જણાવ્યું કે તમે મને જે પ્રશ્ન પૂછયો છે તે ઉત્તમ સ્ત્રીઓના આચાર વિશેનો નથી પરંતુ અધમ સ્ત્રીઓના આચાર વિશેનો છે. મને એમના આચારમાં, એ આચારના રહસ્યમાં, અને એના શુભાશુભ પરિણામમાં કશો રસ નથી. તમે બુદ્ધિશાળી અને કૃષ્ણના પ્રિય પટરાણી છો. પોતાની પત્ની મંત્રોથી, ઔષધિથી, અને એવી બીજી બાહ્ય સાધનસામગ્રીથી પોતાની ઉપર પ્રભુત્વ પ્રસ્થાપવાનો પ્રયત્ન કરી રહી છે એવું જાણ્યા પછી પતિને ચિંતા, શંકા, અવિશ્વાસ અથવા ઉદ્વેગ થાય છે. એવા પુરુષને શાંતિ કેવી રીતે મળે અને સુખ પણ શી રીતે સાંપડી શકે ? પતિ મંત્રાદિ કર્મોથી પત્નીને આધીન થઇ શકે છે એવું હું નથી માનતી. એવાં કર્મોના પરિણામે કેટલીક વાર પતિને મહાભયંકર અથવા અસાધ્ય રોગો પણ થતા હોય છે. કેટલીક વાર તેજોદ્વેષી પ્રતિસ્પર્ધી શત્રુઓ ઔષધિઓ દ્વારા વિષપ્રદાન કરતા હોય છે. જીભથી ત્વચાથી સેવવાની વસ્તુઓમાં કોઇ વાર શત્રુઓ ચૂર્ણોને મેળવી દે છે. તે ચૂર્ણો ચોક્કસ રીતે અને સત્વર જીવ લઇ લે છે. એવી રીતે પતિને વશ કરવાના પ્રયત્નો કરવા જતાં સ્ત્રીઓ એમને જલોદર રોગવાળા, શ્વેત કેશવાળા, નપુંસક, મૂર્ખ અને બધિર બનાવી દે છે. એ અધમ સ્ત્રીઓ તે પછી અન્ય પુરુષોનો સંગ કરીને અધમ કર્મોને કરતી રહે છે, અને પોતાના પતિને પડતા મૂકે છે. મારાથી એવી અધમ સ્ત્રીઓના અનર્થકારક અશુભ આચારનું અનુરકણ કદાપિ ના કરી શકાય. એવું અનુકરણ કરવાની કલ્પના પણ ના કરી શકાય. સ્ત્રીએ સદા પોતાના પતિનું હિત સાધન કરવાનો જ આગ્રહ રાખવો જોઇએ.

દ્રૌપદી થોડાક સમય સુધી શાંત રહીને સત્યભામાને સંબોધીને એ જ વિષયના અનુસંધાનમાં આગળ કહેવા લાગી કે હું સદૈવ કામ ક્રોધ અને અહંકારને છોડીને પાંડવો અને તેમની પત્નીઓની એકાગ્રતાપૂર્વક સેવા કરું છું. ઇર્ષ્યાને દૂર રાખું છું. મનને સ્થિર રાખું છું. નિરભિમાનતા રાખું છું. પતિના ચિત્તની રક્ષા કરું છું અને તેમની સેવા કરું છું. મારા બોલવામાં, ઊભા રહેવામાં, જોવામાં, બેસવામાં, ચાલવામાં, અણસારમાં અથવા મારી ચેષ્ટામાં કોઇ અમંગલ ના આવે એની સદૈવ ચીવટ રાખું છું. અગ્નિ, સૂર્ય તથા ચંદ્ર સમાન, દૃષ્ટિ માત્રથી શત્રુઓનો નાશ કરી નાખનાર, મહા વીર્યવાન અને ઉગ્ર પ્રતાપધારી મહારથી પૃથાનંદનોની સેવા કરું છું. દેવ હો, મનુષ્ય હો, ગંધર્વ હો, યુવાન હો, સુંદર આભૂષણોવાળો હો, ધનવાન હો અને કામણગારો હો, પણ પતિ સિવાય કોઇ અન્ય પુરુષ મારા મનમાં નથી હોતો. પતિના જમ્યા પહેલાં હું જમતી નથી. તેમના વિલેપન કર્યા વિના હું વિલેપસ્નાન કરતી નથી, અને તેમના બેઠા પહેલાં બેસતી નથી. સર્વ સેવકાદિઓને જમાડયા પછી જ જમું છું. અને ત્યાર પછી જ શયન કરું છું. પતિ ખેતરથી, વનથી કે ગામથી ઘેર આવે છે, ત્યારે હું ઊભી થઇને તેમને આસન અને જળ આપીને તેમનું અભિવાદન કરું છું. વાસણકૂસણને ચકચકતાં રાખું છું. સમયસર ભોજન કરાવું છું. મનને નિયમમાં રાખું છું. ધાન્યની સાચવણી કરું છું, અને ઘરને વાળી ઝૂડીને સાફ રાખું છું.

હું તિરસ્કારભર્યું બોલતી નથી, તેમ દુષ્ટ સ્ત્રીઓનો સંગ કરતી નથી. સદૈવ આળસરહિત રહીને પતિને અનુકૂળ જ વર્તું છું. વિનોદના પ્રસંગ સિવાય હસતી નથી, વારે વારે બારણે આવીને ઊભી રહેતી નથી, અને ઘરના વાડાના ભાગમાં પણ લાંબા વખત સુધી રહેતી નથી. અતિહાસ્યને અને અતિરોષને છોડી દઉં છું. ક્રોધ થવાનું કારણ આપતી નથી. સદૈવ પતિસેવામાં પરાયણ રહું છું.

પતિનો વિયોગ મને રુચતો નથી. કુટુંબના કોઇ કાર્ય માટે પતિ પ્રવાસે જાય છે ત્યારે હું ફૂલમાળાઓને તથા અંગરાગોને અળગા રાખું છું, અને વ્રતચારિણી રહું છું. ત્યારે સ્વામી જેનું પાન કરતા નથી, સ્વામી જેનું સેવન કરતા નથી, અને સ્વામી જેનું ભોજન કરતા નથી, તે સર્વે સામગ્રીને હું છોડી દઉં છું. ત્યારે હું પતિના ઉપદેશ પ્રમાણે નિયમપૂર્વક વર્તું છું. સુંદર અલંકારો સજીને તથા અત્યંત સાવધાન રહીને પતિના પ્રિયહિતમાં પરાયણ રહું છું. વળી ભિક્ષા, બલિ, શ્રાદ્ધ અને પૂજ્યજનોને માનસત્કાર એ જે કુટુંબવિષયક ધર્મોને મારા સાસુએ મને પૂર્વે કહ્યા છે. તેમજ જે બીજાને હું જાણું છું, તે સર્વને જરા પણ આળસ કર્યા વિના રાતદિવસ અનુસરું છું. નિયમોને વિનયપૂર્વક ધારણ કરું છું.

સ્ત્રીને માટે પતિ દેવ છે, પતિ ગતિ છે, એના સિવાય બીજી કોઇ ગતિ જ નથી. ખાવાપીવાની કે બીજી કોઇ પણ બાબતમાં હું પતિની ઇચ્છાને ઓળંગતી નથી, તેમ ક્યારે પણ સાસુની નિંદા કરતી નથી. સદા નિયમવતી રહીને વર્તું છું. સાવધાની, નિત્ય કર્તવ્યશીલતા અને ગુરુજનોની સેવાને લીધે જ સ્વામી મારે વશ રહે છે. વીરજનની અને સત્યવાદિની મારાં સાસુ કુન્તીની હું પોતે જ સેવા કરું છું. હું જાતે જ તેમને ખાનપાન આપું છું અને વસ્ત્રોની વ્યવસ્થા કરું છું. વસ્ત્ર, ભૂષણ અને ભોજનની બાબતમાં હું એમની ક્યારે પણ ઉપરવટ જતી નથી. પૃથ્વી જેવાં એ પૃથાની હું ક્યારે પણ નિંદા કરતી નથી.

પૂર્વે યુધિષ્ઠિરભવને નિત્ય આઠ હજાર બ્રાહ્મણો સોનાના થાળમાં ભોજન કરતા હતા ત્યારે યુધિષ્ઠિર અઠયાસી હજાર સ્નાતક ગૃહસ્થીઓનું ભરણ પોષણ કરતા. ત્રીસ ત્રીસ દાસીઓ એ પ્રત્યેક બ્રાહ્મણની સેવામાં રહેતી વળી બીજા દસ હજાર ઊર્ધ્વરેતા યતિઓને સારી રીતે રાંધેલું અન્ન સોનાના થાળમાં ભરીને પીરસવામાં આવતું. તે સર્વ વેદવાદી બ્રાહ્મણોને હું વૈશ્વદેવ થયા પછીનું પ્રથમ અન્ન આપતી હતી. તેમજ વસ્ત્ર, ભોજન અને ખાનપાન આપીને તેમને યથાયોગ્ય સન્માનતી હતી. યુધિષ્ઠિરને ત્યાં ત્યારે એક લાખ દાસીઓ હતી. તે ચૂડીઓ તથા બાજુબંધો તથા સોનાની કંઠીઓ પહેરતી. સુંદર શણગારો સજતી, મહામૂલ્યવાન માળાઓ ધારણ કરતી. અતિમૂલ્યવાન ઘરેણાંઓ પહેરતી. વર્ણમાં સુંદર હતી. શરીરે ચંદનના લેપ કરતી. મણિઓ તથા સુવર્ણને ઝગઝગાવતી અને નૃત્ય તથા ગીતમાં નિપુણ હતી હું તે સૌનાં નામ, રૂપ, ભોજન, વસ્ત્રો અને કર્યા ન કર્યા કામ વિશે માહિતી રાખતી. બીજી એક લાખ દાસીઓ હાથમાં થાળ રાખીને રાત દિવસ અતિથિઓને જમાડતી હતી. યુધિષ્ઠિરરાજ ઇન્દ્રપ્રસ્થમાં રહેતા હતા ત્યારે એક લાખ ઘોડાઓ અને એક લાખ હાથીઓ તેમની પાછળ ચાલતા. મહારાજ યુધિષ્ઠિર જ્યારે પૃથ્વીનું પાલન કરી રહ્યા હતા ત્યારે આ બધું હતું. હું એ સૌની ગણતરી રાખતી, તેમને કામકાજ બતાવતી, અને તેમની ફરિયાદો સાંભળતી. રાણીવાસના સર્વ માણસોનાં, બહારના સર્વ સેવકોનાં, ગોવાળિયાઓનાં, તેમજ ભરવાડોનાં કર્યા ન કર્યા કામોની પૂરી સંભાળ રાખતી. યુધિષ્ઠિર અને પાંડવોના ઐશ્વર્યને તેમજ તેમની આવક જાવકને હું એકલી જ જાણતી હતી. એ ભરતશ્રેષ્ઠોએ કુટુંબનો સર્વભાર મને સોંપ્યો હતો, અને અસ્ત્રશસ્ત્રની વિદ્યામાં પ્રીતિવાળા એ સૌ એનો અભ્યાસ કર્યા કરતા. આમ દુરાત્માઓથી કેમે કરીને ના ઉપાડી શકાય એવો ભાર મારા ઉપર મુકાયો હતો અને હું સર્વ સુખોનો ત્યાગ કરીને તે ભારને રાતદિવસ વહ્યા કરતી. સદા ભરપૂર સાગર સમા અને કોઇથી લૂંટી ના શકાય એવા ખજાનાને હું જ સંભાળતી. દિવસ હોય કે રાત હોય, હું એ કુરુવંશીઓને સર્વ પ્રકારે સહાય કરું છું. તેમની સેવામાં મને રાતદિવસ સરખાં લાગે છે.

હું નિત્ય પ્રાતઃકાલે સૌથી વહેલી ઊઠું છું. અને સૌથી છેલ્લી સૂઇ જઉં છું. આ જ મારું વશીકરણ છે. સ્વામીને વશ કરનારા આ જ મહાન વશીકરણને હું કરી જાણું છું. હું દુરાચારી સ્ત્રીઓના આચાર કરતી નથી, તેમ તે આચારની ઇચ્છા પણ રાખતી નથી.
*
દ્રૌપદીએ એ પ્રમાણે ધર્મયુક્ત વચનો કહ્યાં ત્યારે સત્યભામાએ એ ધર્મચારિણીને સત્કારીને કહ્યું કે હું તમારે પગે પડું છું. તમે મને ક્ષમા આપો. કેમ કે સખીઓ તો પરસ્પર જાણી જોઇને મશ્કરીમાં આવું કેટલુંક કહી નાંખે છે.

દ્રૌપદીએ જણાવ્યું કે સ્વામીના ચિત્તને આકર્ષવા માટે હું તેમને જે માર્ગ કહું છું તે માર્ગને અનુસરશો તો તમે તમારા પતિને બીજી કામિનીઓથી છોડાવી શકશો. દેવોમાં અને બીજા સર્વ લોકોમાં સ્ત્રીઓને માટે પતિના જેવું એકે દૈવત નથી. પતિ પ્રસન્ન થાય છે, તો સર્વ મનોરથો ફળે છે. તે કોપવશ થાય છે તો સર્વનાશ આવે છે. પતિના પ્રસન્ન થવાથી સ્ત્રીઓને સંતાન, વિવિધ ભોગો, શય્યાઓ, આસનો, ઉત્તમ દર્શનો, વસ્ત્રો, માળાઓ, સુગંધો, સ્વર્ગલોક અને પુષ્કળ કીર્તિ મળે છે. આ સંસારમાં સુખ કાંઇ સુખપૂર્વક મળતું નથી. સાધ્વી સ્ત્રી દુઃખ ભોગવીને જ સુખના પ્રસાદને પામે છે. તો તમે નિત્ય હૃદય, પ્રેમ અને સેવાપૂર્વક કૃષ્ણનું આરાધન કરો. તેમને ઉત્તમ આસનો આપો. મનોહર ફૂલમાળાઓ પહેરાવો. સરળ સૌજન્યથી પ્રસન્ન કરો. આથી કૃષ્ણ તમને જ વળગી રહેશે.

બારણે આવેલા પતિનો રવ સરખો સંભળાય તો તમારે ઊઠીને ઘરની વચ્ચે ઊભા રહેવું. પતિ ઘરમાં પ્રવેશેલા જણાય એટલે તમારે તેમને આસન અને પગ ધોવાનું જળ આપીને તેમની સેવા કરવી. જો દાસીને કોઇ કામે મોકલી હોય તો તમારે પોતે જ ઊઠીને સઘળાં કામ કરી લેવાં. તમારા પતિ તમારી સમક્ષ કાંઇ પણ વાત કરે અને તે ગુપ્ત ના હોય તો પણ તમારે તેને પેટમાં જ રાખી મૂકવી. જેઓ તમારા પતિના પ્રિય હોય, ભક્ત હોય અને હિતકારી હોય, તેમને તમે વિવિધ ઉપાયોથી ભોજન કરાવજો. પણ જેઓ તમારા પતિના દ્વેષી હોય, ઉપેક્ષાપાત્ર હોય, અહિતકારી હોય, અને જેઓ કપટ કરવાને તૈયાર રહેતા હોય, તે સૌથી દૂર રહેજો. બીજા પુરુષો સાથે તમારે મદ તથા પ્રમાદને છોડીને મનને સંયમમાં રાખીને મૌન ધારણ કરીને વર્તન રાખવું. પ્રદ્યુમ્ન અને સાંબ તમારા પુત્રો છે તો પણ તમારે ક્યારે પણ એમની સાથે એકાંતમાં ના બેસવું. મોટા કુળવાળી, પાપરહિત અને સતી સ્ત્રીઓ સાથે જ સખાપણું રાખવું. ક્રુર, ઉદ્ધત, ચોર, દુષ્ટ અને કુમાર્ગગામિની સ્ત્રીઓનો સંગ જ ના રાખવો.

આ માર્ગ યશ દેનારો, સૌભાગ્ય વધારનારો, સ્વાર્થ સાધનારો અને શત્રુને સંહારનારો છે. તમે મહામૂલ્યવાન માળાઓ, મહામોઘા અલંકારો, ઉત્તમોત્તમ અંગરાગો અને સુંદરતમ સુગંધોને ધારણ કરીને પતિની આરાધના કરો.

દ્રૌપદીનો સત્યભામા સાથેનો એ વ્યક્તિગત વાર્તાલાપ સૂચવે છે કે પવિત્ર પ્રેમ, કર્તવ્યનિષ્ઠા, સેવાભાવના અને વિમળ વ્યવહાર, સ્ત્રીમાત્રને માટે મહામૂલ્યવાન વશીકરણનું કામ કરે છે. સ્ત્રીને માટે જ શું કામ, પુરુષને માટે પણ એ જ વશીકરણનું અકસીર અમોલ સાધન બને છે. આદર્શ આચરણમાં અનંત શક્તિ સમાયલી છે. એટલા માટે આચારને ઉદાત્ત બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

દ્રૌપદીનો વાર્તાલાપ સત્યભામાને માટે પ્રેરક થઇ પડયો.

સત્યભામાએ કૃષ્ણની સાથે રથમાં બેસવા માટે વિદાય લીધી ત્યારે દ્રૌપદીની પ્રશંસા કરીને હિંમતનાં, આશાનાં અને આશ્વાસનના વચનો કહ્યાં.

એણે દ્રૌપદીની પરમાદરપૂર્વક પ્રદક્ષિણા કરી.

યદુશ્રેષ્ઠ કૃષ્ણે પણ એને આશ્વાસન આપ્યું અને પાંડવોને પ્રેમપૂર્વક પાછા વાળ્યા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *