Friday, 26 July, 2024

દ્રોણાચાર્ય મૃત્યુ પામ્યા

255 Views
Share :
દ્રોણાચાર્ય મૃત્યુ પામ્યા

દ્રોણાચાર્ય મૃત્યુ પામ્યા

255 Views

{slide=Drona breath his last}

Drona was commander-in-chief of Kauravas after Bhishma’s fall. With his exceptional archery, Drona remained invincible in the battlefield. He killed many soldiers on Pandavas side. Pandavas were clueless as what should they do to stop him. Krishna knew that it was impossible to get rid of Drona with bow and arrows still in his hand. He therefore devised a plan to make Drona give up his arms. Pandavas also knew that if Drona would hear about his son Aswatthama’s death, he would give up his weapons.

Incidentally, Bhim killed King Indravarma’s elephant, named Aswatthama, so he went in front of Drona and shouted that Ashwatthama got killed. Drona doubted for a while but ignored it. Drona continued his fight and annihilated Pandavas army by using Brahmastra. Sages appeared and told Drona that it was inappropriate for him, being a Brahmin, to kill innocent soldiers using mighty Brahmastra. Drona saw Dhristadhyumna in front of him. When King Drupada performed yagna with an intention to have a son who could kill Drona, Dhristadhyumna was born out of sacrificial fire. Drona knew that his life was coming to an end. He asked Yudhisthir to make sure the news about his beloved son, Aswatthama. Yudhisthir reaffirmed that Ashwatthama got killed, but slowly added that he wasn’t sure whether it was Drona’s son or an elephant. Drona did not hear the later part and gave up his arms. Dhristadhyumna grabbed the opportunity and took Drona’s life.

મહાભારતના મહાભયંકર સંગ્રામ દરમિયાન દ્રોણાચાર્યની સાથે યુદ્ધ થયું ત્યારે રાતે પણ યુદ્ધવિરામ ના થયો. રાતે દીપક પ્રગટાવીને યુદ્ધને ચાલુ રાખવામાં આવ્યું. એ ઘટના આશ્ચર્યકારક હોવા છતાં પણ સાચી હતી.

દેવાસુર સંગ્રામમાં કોપાયમાન ઇન્દ્રે જેમ દાનવોનો સંહાર કરી નાખેલો તેમ દ્રોણાચાર્યે પોતાની ધનુર્વિદ્યાના પાર વિનાના પ્રયોગો કરીને અને અન્ય અનેક શસ્ત્રાસ્ત્રો દ્વારા પાંચાલોનો ક્ષય કરી નાખ્યો.

એમના અદૃષ્ટપૂર્વ અદભુત પરાક્રમથી પાંડવો પણ નિરાશ તથા ભયભીત બની ગયા અને ચિંતા કરવા લાગ્યા.

દ્રોણાચાર્યનો પ્રતિકાર અને પરાજય સહજ ના લાગ્યો.

ભગવાન કૃષ્ણ પણ એમના પરાક્રમને પેખીને વિચારમાં પડયા.

એ પાંડવોના પરમહિતૈષી હોવાથી મનોમન વિચારીને અર્જુનને કહેવા લાગ્યા કે શિશિર ઋતુની આખરે પ્રદીપ્ત બનેલો પાવક જેમ ઘાસની ગંજીને બાળી નાંખે છે તેમ ઉત્તમોત્તમ શસ્ત્રાસ્ત્રોથી સુપરિચિત દ્રોણાચાર્ય સૌનો નાશ કરી નાખશે. યુદ્ધમાં કોઇપણ યોદ્ધો દ્રોણાચાર્યની સામે એકીટસે અવલોકવા પણ સમર્થ નથી તો તેમની સાથે યુદ્ધ કરીને તેમને જીતી શકે તેમ નથી. ધનુર્ધરોમાં શ્રેષ્ઠ દ્રોણાચાર્યના હાથમાં જ્યાં સુધી ધનુષ્ય છે ત્યાં સુધી ઇન્દ્ર સહિત દેવો પણ તેમને સંગ્રામમાં જીતી શકે તેમ નથી. પરંતુ જો તેમને સંગ્રામમાં શસ્ત્રરહિત કરવામાં આવે તો સામાન્ય શસ્ત્રસજ્જ માનવ પણ તેમનો નાશ કરવા શક્તિમાન બની શકે. માટે ધર્મના પ્રચલિત વિચારોને પડતા મૂકીને વિજયના ઉપાયને શોધી કાઢવો જોઇએ. અશ્વત્થામાનું મૃત્યુ થયું છે એવી માહિતી મળે તો પોતાના પુત્ર અશ્વત્થામા પર અતિશય પ્રેમ અને મમતા હોવાથી, દ્રોણાચાર્ય યુદ્ધ નહિ કરે. એટલે આપણામાંના કોઇએ એમની પાસે પહોંચીને જણાવવું જોઇએ કે અશ્વત્થામા યુદ્ધમાં મરાયો છે.

શ્રીકૃષ્ણનો એ પ્રસ્તાવ અર્જુનને પસંદ પડ્યો નહીં.

યુધિષ્ઠિરને પણ એમની વાત ઉત્તમ અથવા અનુકરણીય ના લાગી.

બીજા યોદ્ધાઓને એ યુક્તિ ગમી ગઇ.

ભીમસેનને એ યુક્તિ સ્વીકાર્ય લાગી. એને સાંભળીને એની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં.

એ પછીનું ઘટનાચક્ર બન્યું પણ એવું કે ભીમસેને યુદ્ધમેદાનમાં અશ્વત્થામા નામના એક મહાબળવાન હાથીને ગદાના પ્રહારથી મારી નાખ્યો.

એ હાથી માલવદેશના ઇન્દ્રવર્મા નામના રાજાનો હતો અને શત્રુઓનો સંહાર કરવા માટેના પ્રખર પરાક્રમવાળો.

એનો નાશ કરીને ભીમ રણમેદાનમાં અતિશય સંકોચ સાથે દ્રોણાચાર્ય પાસે પહોંચીને મોટેથી બૂમો પાડીને કહેવા લાગ્યો કે અશ્વત્થામા હણાયો; અશ્વત્થામા હણાયો.

ભીમસેનના એ અપ્રિય શબ્દોને સાંભળીને દ્રોણાચાર્યને અતિશય સંકોચ થયો. એમનું મન નિરાશ થઇ ગયું અને શરીર શિથિલ બન્યું.

પરંતુ એકાદ ક્ષણ પછી તે સ્વસ્થચિત્ત બનીને વિચારવા લાગ્યા કે ભીમની વાત અસત્ય હોવી જોઇએ. અશ્વત્થામા અસાધારણ પરાક્રમી હોવાથી સંગ્રામમાં સહેલાઇથી મૃત્યુ ના પામી શકે. એ હજુ જીવતો જ હોવો જોઇએ.

એમણે પુનઃ સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને પોતાના આક્રમણનો આરંભ કર્યો.

પોતાના કાળસ્વરૂપ ધૃષ્ટધુમ્નને મારી નાખવાની ઇચ્છાથી એ આગળ ધસ્યા અને એમણે એક હજાર તીક્ષ્ણ બાણોની તેના પર વૃષ્ટિ કરી. સામેથી પાંચાલોના વીસ હજાર શૂરા યોદ્ધાઓ પણ સંગ્રામમાં એ રીતે ઘૂમી રહેલા દ્રોણાચાર્ય પર સર્વ તરફથી બાણવૃષ્ટિ કરવા લાગ્યા.

પરન્તુ મહારથી શત્રુતાપન દ્રોણાચાર્યે પાંચાલોનાં તે સર્વ બાણોનો નાશ કરી નાખ્યો, અને તે શૂરવીર પાંચાલોનો સંહાર કરી નાખવા માટે બ્રહ્માસ્ત્રને પ્રગટ કર્યું.

એ અસ્ત્રથી સર્વ સૈનિકોનો સંહાર કરતા તે દ્રોણાચાર્ય અતિશય તેજસ્વી દેખાવા લાગ્યા.

એ જોઇને હવ્યવાહ આદિ ઋષિઓ ત્યાં સત્વર આવી પહોંચ્યા. વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, ગૌતમ, વસિષ્ઠ, કશ્યપ, અત્રિ, સિક્ત, પૃશ્નિ, ગર્ગ, વાલખિલ્ય, મરીચિપ, ભૃગુ, અંગિરા અને સૂક્ષ્મ તથા બીજા કેટલાક મહર્ષિઓ દ્રોણાચાર્યને બ્રહ્મલોકમાં લઇ જવાની ઇચ્છાથી ત્યાં આવી પહોંચ્યા.

એ દ્રોણાચાર્યને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે તમે અધર્મથી યુદ્ધ કર્યું છે. હવે તમારો અંતકાળ સમીપ છે. માટે રણમાં આયુધનો ત્યાગ કરો તમે વેદો અને વેદોનાં અંગોને યથાર્થ જાણો છો, સત્યધર્મમાં આસક્ત રહેનારા છો, અને બ્રાહ્મણ છો; માટે તમને આવું ક્રૂર કર્મ ઘટતું નથી. આ મનુષ્યલોકમાં રહેવા માટેનો તમારો સમય હવે પૂરો થયો છે. તમે અસ્ત્રને નહીં જાણનારા સંખ્યાબંધ પુરુષોને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને રણભૂમિ પર બાળી નાખ્યા છે. તમારું તે કર્મ ઉત્તમ નથી.

મહર્ષિઓનાં વચનોને સાંભળી, ભીમસેનના વચનનો વિચાર કરીને, અને પોતાના કાળસ્વરૂપ ધૃષ્ટધુમ્નને સામે ઊભેલો જોઇને દ્રોણાચાર્યનું મન ઉત્સાહરહિત બની ગયું. પોતાના પુત્રના મરણ સંબંધમાં તેમને સંદેહ થયો. તેમને ગભરામણ થવા લાગી. તેમણે યુધિષ્ઠિરને પૂછયું કે શું અશ્વત્થામા હણાયો છે ?

દ્રોણાચાર્યને વિશ્વાસ હતો કે યુધિષ્ઠિર ત્રિલોકના ઐશ્વર્ય માટે પણ કદી અસત્ય નહીં બોલે.

પરન્તુ શ્રીકૃષ્ણ અને ભીમસેનની સૂચનાથી યુધિષ્ઠિર દ્રોણાચાર્ય સાંભળે તેમ મોટા સ્વરથી બોલ્યા કે અશ્વત્થામા હણાયો છે; પરન્તુ પાછળથી અતિશય ધીમેથી અસ્પષ્ટ રીતે બોલ્યા કે માનવ અથવા હાથી પણ હોય.

રાજા યુધિષ્ઠિરનો રથ પ્રથમ સત્યના પ્રભાવથી પૃથ્વીથી ચાર ચાર આંગળ ઊંચો રહીને ચાલતો હતો; પણ તેમણે અસત્ય ભાષણ કર્યું એટલે તરત જ તેમનો રથ પૃથ્વીનો સ્પર્શ કરી રહ્યો, અને તેમના ઘોડાઓ પણ પૃથ્વીનો સ્પર્શ કરી રહ્યા.

યુધિષ્ઠિરના શોકજનક શબ્દોને સાંભળીને દ્રોણાચાર્ય પુત્રના વિરહદુઃખને લીધે સંતાપ પામ્યા અને ખૂબ જ નિરાશ થયા. તેમનું ચિત્ત અત્યંત ઉદાસ થઇ ગયું. એ એટલા બધા ઉદ્વિગ્ન બન્યા કે ધૃષ્ટધુમ્નને સામે ઊભેલો જોઇને પણ પ્રથમની પેઠે યુદ્ધ કરી શક્યા નહીં.

દ્રોણાચાર્યને પરમ ઉદવેગ પામેલા અને શોકથી ખિન્ન થયેલા જોઇને, ધૃષ્ટધુમ્ન તેમની સામે આવ્યો. ધૃષ્ટધુમ્નને રાજા દ્રુપદે મહાયજ્ઞમાં દ્રોણાચાર્યનો વિનાશ કરવા માટે પ્રદીપ્ત અગ્નિ પાસેથી પ્રાપ્ત કરેલો.

એણે ધનુષ્યમાં અગ્નિની પેઠે ચળકતા અને સર્પની પેઠે ઝેરી દિવ્ય અજર બાણને ચઢાવ્યું.

ધૃષ્ટધુમ્ને ચઢાવેલા એ દિવ્યબાણને જોઇને દ્રોણાચાર્ય પોતાના શરીરનો અંત આવેલો માનવા લાગ્યા.

તેનો પ્રતિકાર કરવા માટે એ પોતાનો બનતો પ્રયત્ન કરવા લાગ્યા. પરન્તુ એમનાં અલૌકિક દિવ્ય અસ્ત્રો એ વેળા પ્રકટ ના થયાં.

દ્રોણાચાર્યને લડતાં લડતાં ચાર દિવસ તથા એક રાત્રિ વીતી ગઇ હતી. પાંચમા દિવસનો ત્રણ મુહૂર્ત જેટલો કાળ વ્યતીત થયો ત્યાં તેમનાં બાણો ખૂટી પડયાં.

દ્રોણાચાર્યે અને ધૃષ્ટધુમ્ને એકમેકની સાથે ભયંકર રીતે લડવા માંડયું ત્યારે ભીમસેને ફરી વાર જણાવ્યું કે ધર્મરાજાએ તમને તમારા પુત્રના મરણ વિશે જે વાક્ય કહ્યું છે તે સત્ય છે, તેમાં શંકા કરવી ઉચિત નથી.

ભીમસેનના શબ્દોને સાંભળીને દ્રોણાચાર્યે ધનુષ્યને ફેંકી દીધું.

તેમણે પોતાનાં સર્વ શસ્ત્રોનો ત્યાગ કર્યો અને અશ્વત્થામાને મોટેથી બોલાવવા માંડયા. પછી છેવટે યોગધારણાનો આશ્રય કરીને તે રથની બેઠક પર બેસી ગયા અને તેમણે સર્વને અભય પ્રદાન કર્યું. એ અવસરનો લાભ લઇને ધૃષ્ટધુમ્ન બાણ સાથેના પોતાના ધનુષ્યને રથમાં મૂકી દઇને નીચે ઊતર્યો અને હાથમાં તલવાર લઇને દ્રોણાચાર્યની સામે ધસી ગયો.

દ્રોણાચાર્યે યોગમાર્ગનો આશ્રય કરીને ભગવાન વિષ્ણુનું શરણ લીધું.

ધૃષ્ટધુમ્ને તેમના મસ્તકને તલવારથી અલગ કર્યુ એટલે મસ્તકહીન બનેલું તે ધડ રણભૂમિ પર ગબડી પડયું.

દ્રોણાચાર્યનો વિનાશ કરીને ધૃષ્ટધુમ્ન હર્ષમાં આવી ગયો અને તલવારને ઘુમાવતો સિંહનાદો કરવા લાગ્યો.

દ્રોણાચાર્યની ઉંમર પંચ્યાશી વર્ષની હતી. તેમને કાન સુધી પળિયાં આવી ગયાં હતાં, અને તેઓ રંગે શ્યામ હતાં.

દ્રોણાચાર્યના મૃત્યુની મહાભારતમાં કહેવાયેલી એ કથા અતિશય કરુણ છે. એમાં બે વસ્તુઓ ખાસ લક્ષમાં લેવા જેવી લાગે છેઃ એક તો દ્રોણાચાર્યે ભીમસેનના અશ્વત્થામાના મરણના સમાચારને ચકાસ્યા નહિ, યુધિષ્ઠિરની વાતને પણ વધારે પડતા વિશ્વાસને લીધે માની લીધી તે વસ્તુ; અને બીજી વસ્તુ મહર્ષિઓએ પણ દ્રોણાચાર્ય પાસે પ્રગટીને બ્રહ્માસ્ત્રના પ્રયોગને સ્થગિત કરવા કહ્યું ત્યારે એમને એમનો પ્રતાપી પુત્ર અશ્વત્થામા નથી હણાયો એ સંબંધી સહેજ પણ સંકેત ના આપ્યો તે. શ્રીકૃષ્ણ, ભીમસેન અને યુધિષ્ઠિરની પ્રવૃત્તિ તો પ્રત્યક્ષ છે. તેનું પરિણામ પણ સ્પષ્ટ છે. મહાભારતકાર સંશયરહિત શબ્દોમાં સ્પષ્ટ રીતે નોંધે છે કે યુધિષ્ઠિરનો રથ સત્યપાલનવ્રતના પ્રભાવથી પહેલાં પૃથ્વીથી ચાર આંગળ ઉપર ચાલતો પરંતુ અસત્યભાષણને લીધે, કુદરતે દંડ દીધો હોય તેમ, પૃથ્વી પર ચાલવા લાગ્યો અને એમના રથના ઘોડાઓ પણ પૃથ્વીને સ્પર્શીને ચાલવા લાગ્યા. યુધિષ્ઠિરનો યશરૂપી રથ પણ એવી રીતે ગગનગામી જેવો હતો તે થોડોક નીચે, અપયશની ધરતી પર ઊતરી ગયો.

મહાભારતકાર એવી રીતે અસત્યનું અનુમોદન નથી કરતા, અસત્યનો મહિમા કે યશ પણ નથી ગાતા; પરંતુ એથી ઊલટું, અસત્યથી થતી હાનિને દર્શાવે છે, અસત્યાચરણના અશુભ પરિણામ અસંદિગ્ધ ભાષાપ્રયોગ દ્વારા સુનિશ્ચિત અંગુલિનિર્દેશ કરે છે, અને વ્યક્તિગત તથા સમષ્ટિગત જીવનમાં સત્યની સંપ્રતિષ્ઠાને માટે પ્રાણવાન પ્રેરણા પૂરી પાડે છે. સમર્થન અથવા સંકીર્તન અસત્યનું નહિ કિન્તુ સત્યનું જ કરે છે. એ દૃષ્ટિબિંદુ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *