એક ખેડૂતની આત્મકથા નિબંધ
By-Gujju05-10-2023
એક ખેડૂતની આત્મકથા નિબંધ
By Gujju05-10-2023
મારો જન્મ ગામડાના એક ખેડૂતકુટુંબમાં થયો હતો. અમારા ગામમાં મારા પિતાનું એક મોટું કાચું મકાન હતું. તેના એક ખૂણામાં કોઢ બનાવેલી હતી. તેમાં બળદો અને ભેંસો બાંધવામાં આવતી. મારા પિતાજી ખેતી અને પશુપાલન કરતા હતાં.
અમારા ગામમાં દસ ધોરણ સુધીની નિશાળ હતી. મેં એમાં દસ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું. હું મારા પિતાનો એકનો એક દીકરો. આથી તેમણે મને આગળ ભણવા માટે શહેરમાં મોકલ્યો નહિ. અને હું મારા પિતાજીની સાથે ખેતીના કામમાં જોડાઈ ગયો. ખેતીકામમાં મને શ્રમ કરવાની તથા પ્રકૃતિના ખોળામાં રહેવાની ખૂબ મજા પડતી.
એકવીસ વર્ષની ઉંમરે મારાં લગ્ન થયાં. મારા પિતાજીને દમની બીમારી હતી. મારાં લગ્ન બાદ તેમનું અવસાન થઈ ગયું. ત્યારપછી ખેતીકામની પૂરેપૂરી જવાબદારી મારે શિરે આવી પડી. હું દરરોજ સવારે ખેતરે જતો અને ખેતીકામ કરતો. પહેલાં અમે હળથી ખેતર ખેડતા હતા. હવે અમે એક ટ્રેક્ટર વસાવી લીધું છે. ખેતર ખેડવા માટે અમે ટ્રૅક્ટરનો ઉપયોગ કરીએ છીએ.
મારાં બાળકો અને મારી પત્ની મને ખેતીના કામમાં મદદ કરે છે. મેં બે નોકરોને પણ મારી મદદ માટે રોકી લીધા છે. અમે બી વાવવાનું, ધરુ રોપવાનું, ક્યારા બનાવવાનું, ક્યારાઓમાં પાણી પાવાનું અને નીંદણનું કામ કરીએ છીએ. બપોરે મારી પત્ની અમારા માટે ભાતું લઈને આવે છે. હું બપોરે બળદોને ચારો આપ્યા પછી જમવા બેસું છું. બપોરે થોડો આરામ કર્યા પછી અમે ફરીથી ખેતીકામમાં લાગી જઈએ છીએ.
શ્રમ એ જ મારું જીવન છે. કડકડતી ઠંડી હોય, પ્રખર ગરમી હોય કે ધોધમાર વરસાદ વરસતો હોય, અમારું ખેતીકામ સતત ચાલતું જ રહે છે. ક્યારેક અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પણ થાય છે. એ વખતે ખેતરોમાં અનાજ પાકી શકતું નથી. ખેતરોમાં પશુપંખીઓ અને ચોરનો રંજાડ પણ રહે છે. અમારે આવી બધી મુશ્કેલીઓનો સામનો કરતાં રહેવું પડે છે.
આપણી સરકારે ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. હવે ખેડૂતોને સિંચાઈ, સારાં બિયારણો, રાસાયણિક ખાતર વગેરેની સગવડ મળવા લાગી છે. હવે અમારે શાહુકારોની પાસેથી કરજ લેવું પડતું નથી. ખેતીની નવી પદ્ધતિઓ અપનાવવાને લીધે અમે અનાજનું વધુ ઉત્પાદન કરી શકીએ છીએ. મેં ગામમાં પાકું અને મોટું મકાન બનાવી લીધું છે. મેં મારા ઘરમાં ટી.વી., ફ્રિજ, ટેપરેકર્ડર, પંખા વગેરે વસાવી લીધાં છે.
ખેડૂત અનાજ ઉત્પન્ન કરીને જગતનું પોષણ કરે છે. તેથી લોકો તેને ‘જગતનો તાત’ કહે છે. ખેતીકામમાં શ્રમ કરવાનો આનંદ મળે છે. જ્યારે મબલક પાક થાય અને એ પાકને વહેતા પવનમાં હું લહેરાતો જોઉં છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે. હવે હું વૃદ્ધ થયો છું, પરંતુ મને મારા શ્રમિક જીવન જીવ્યાનો સંતોષ અને આનંદ છે.