Gandani Vanjar Lyrics in Gujarati
By-Gujju02-05-2023
Gandani Vanjar Lyrics in Gujarati
By Gujju02-05-2023
ગાંડાની વણઝાર, એનો ગણતા ના આવે પાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
શુક ગાંડો, ધ્રુવ ગાંડો, અને ગાંડો ત્યાં શ્રવણકુમાર.. જી
નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યા નહિ ઘર બાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
ગાંડા હનુમંત, ગાંડા વિભીષણ, ગાંડી શબરી નાર.. જી
ગાંડા ગુહ્ય હે પગ ધોઈ ને, પ્રભુ ઉતાર્યા પાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વ્યવહાર.. જી
બંસી નાદે ચાલી નીકળી, સુતા મેલી ભરથાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
સુદામા ના ગાંડપણે તો વેઠયા ભૂખ અંગાર.. જી
પાંચ પાંડવ એવા ગાંડા, જેણે છોડ્યા નહિ કિરતાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
વિદુર પત્ની ગાંડી થઈને, રટે નંદકુમાર.. જી
છબિલાને છોતરા આપ્યા, ગર્ભ ફેંક્યા બહાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
બોડાણાનાં ગાંડપણે તો કામ કર્યું હદપાર..જી
દ્વારિકાનો ઠાકોર આવ્યા, ડાકોર ગામ મોજાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
કબીર, તુલસી, સુર ગાંડો અને રોહિદાસ ચમાર..જી
દાસી જીવણ તો ગાંડા થઈ ને, ગાંડો કીધો સંસાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
ધનો ગાંડો, ધીરો ગાંડો અને ગાંડો પ્રીતમ પ્યાર..જી
સખુમીરાં અને કરમા ગાંડી, જેણે છોડ્યા જગ થી તાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
દાદુ ગાંડો, પીપો ગાંડો અને અખૈ યો એ સોનાર..જી
પંઢર પૂર માં, ગોરો ગાંડો, ઈતો ભાઈ માટીનો ખુંદનાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
નામો , ગામો, સૂકો, ગાંડો અને મૂળદાસ લોહાર ..જી
જલારામ ની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
જુનાગઢ નો નાગર ગાંડો, ઈ તો નાચ્યો થૈ થૈ કાર..જી
બાવન કામ, કર્યા પ્રભુ એ, એના છતાં આવ્યો નહિ અંહકાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
થયા ઘણા અને હાલમાં પણ છે, અને ભવિષ્યે પણ થનાર ..જી
ભક્ત કુળનો નાશ નથી, એ બોલ્યા જગત આધાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
દુનિયા એ જેને ગાંડા ગણ્યા પણ હરિ ને મન હોંશિયાર..જી
ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડુ, ને ગાંડા સાંભળ નાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી
ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર
જો જો ભાઈ ગાંડાની વણઝાર….જી