Tuesday, 19 November, 2024

ગંગાસતી અને પાનબાઇ

749 Views
Share :
gangasati and panbai

ગંગાસતી અને પાનબાઇ

749 Views

મેરુ તો ડગે પણ જેના મનડાં ડગે નહિ પાનબાઇ,
મરને ભાંગી પડે ભરમાંડ રે….
વિપત્તી પડે તોયે વણસે નહિ, સોઇ હરિજનના પરમાણ રે….

ભાગતી રાત હોય, ગિરનારી પવન વાતો હોય, જગત આખું નિદ્રામાં સરી પડ્યું હોય ત્યારે રામમંદિરે બેઠેલા ગામના વૃધ્ધો અને સંતો ધીમી અને ગહન સરવાણીમાં આ ભજન ગાતા હોય ! આખા જગતની મુશ્કેલીઓ સામે અડીખમ રહેવાની ભાવના સાથે ગવાતા આ ભજનથી તો કોણ અજાણ હશે ? આ અને આવા જ અતિ લોકપ્રિય ભજનોના રચયિતા એટલે – ગંગાસતી.

ગંગાસતીએ પાનબાઇને ઉદ્દેશીના લખેલા આ ભજનો આજે ચોરે ને ચૌટે ગવાય છે. આવા બેનમુન ભજનોના રચયિતાનું જીવન પણ એવું જ આદર્શવાન હોય એમાં શંકા નથી.

ગંગાસતીનો જન્મ ઇ.સ.૧૮૪૬માં ભાવનગરના પાલીતાણા નજીક આવેલ રાજપરા ગામમાં રાજપુત કુટુંબમાં થયો હતો. પિતાનું નામ – ભાઇજી સરવૈયા અને માતા રૂપાળીબા. નાનપણથી ગંગાસતિ ઇશ્વરમય હતાં. તેમના સંસ્કાર ઉચ્ચ હતાં. વળી,એવું કહેવાય છે કે તેમણે વાવેલો એક લીમડો હજી તેના આંગણામાં ઊભો છે !!

ગંગાસતીના લગ્ન ભાવનગરના ઉમરાળા તાલુકા સમઢિયાળા ગામે કલભા ગોહિલ અને વખતુબાના પુત્ર કહળસંગ ગોહિલ સાથે થયાં હતાં. એવું કહેવાય છે કે કહળસંગ “ભગતબાપુ” તરીકે પ્રસિધ્ધ હતાં. તેઓ પણ ઇશ્વરના અનન્ય ભક્ત હતાં. એ વખતે એવું કહેવાતું કે કહળસંગ બાપુ ઇશ્વર કૃપાથી અમુક ચમત્કારો પણ કરી બતાવતા. એવી એક વાત છે કે, કહળસંગ બાળપણમાં એકવાર સસલાનો શિકાર કરીને આવતા હતાં ત્યારે રસ્તામાં તેને ગિરનારના એક યોગી – રામેતવનનો ભેટો થઇ જાય છે. તે કહળસંગને સમજાવે છે કે, ક્ષત્રિયોનો સાચો ધર્મ મારવામાં નહિ, જીવાડવામાં છે. બસ,રામેતવનના આ ઉપદેશથી કહળસંગનું જીવન ભક્તિના ટ્રેક પર ચડી જાય છે.

તે વખતે ક્ષત્રિય રાજપુત કુટુંબોમાં એવો રિવાજ હતો કે દિકરી સાસરે જાય ત્યારે સાથે તેની સારસંભાળ માટે એક દાસીને મોકલવી. ગંગાસતીના માતા-પિતાએ રાજપરાના જ હમીરભાઇ પઢિયારની પુત્રી પાનબાઇને વડારણ તરીકે ગંગાસતી સાથે મોકલી. પાનબાઇ અને ગંગાસતી ખરેખર તો બહેનપણી જેવા જ હતાં. વળી ગંગાસતીને ચાર ભાઇઓ હતાં પણ બહેન નહોતી એટલે પાનબાઇને તેમના બહેન જેવા જ કહો તો ચાલે. ગંગાસતીના સંગે એમનામાં પણ પ્રભુભક્તિના પવિત્ર સંસ્કારોનું સિંચન થયું હતું.

આ પછી તો સમઢિયાળાના દરબાર ગઢમાં ભક્તિનો ત્રિભેટો જામે છે. એક વિરલ સ્મરણ જેવી લાગતી આ ભક્તિમાં ત્રણે પ્રભુભક્તિમાં લીન બને છે. પાનબાઇ પણ એવા જ શુધ્ધ ચારિત્ર્યવાન હતા. તેઓ પણ પ્રભુભક્તિમાં ખોવાઇ જવા લાગ્યા. દરબારગઢમાં સંતોની આવન જાવન થવા લાગી. લોકો આ ભક્તિને નમન કરવા લાગ્યા.

એવામાં કહળસંગના પિતાજી કલભા ગોહિલનું અવસાન થયું. તે પછી કહળસંગે ભક્તિ ખાતર દરબાર ગઢ છોડી દીધો અને સમઢિયાળાની સીમમાં આવીને નાનકડો આશ્રમ બાંધ્યો ! સીમમાં પરમ શાંતિ હતી. અનેક વૃક્ષોની ઘટામાં થતો પંખીઓને કલશોર, તૃપ્ત કરવાને વાતો ટાઢો પવન અને કોઇ જાતનો કલશોર નહિ ! એક રાજના ધણીએ ભક્તિ ખાતર પોતાનું રાજ જાતુ કરવાના દાખલા બહુ ઓછા છે અને તેમાનો આ એક છે.

સમઢિયાળાની સીમમાં સત્સંગની છોળો ઉડવા માંડી. એવામાં એકવાર સવારમાં કહળસંગ બાપુ પોતાના નિત્યક્રમ પ્રમાણે સમઢિયાળાના પાદરમાં વહેતી કાળુભાર નદીમાં સ્નાન કરી અને ત્રાંબાનો લોટો ભરી સીમ ઢાળા જઇ રહ્યાં હતા, તેવામાં ગામમાંથી કેટલાક હરિજન લોકો મરેલી ગાયને ઉપાડીને આવતા હતાં. ગાય મરી ગઇ હતી અને આ લોકો તેને ગામની દુર મુકવા આવતા હતાં. બરોબર તે વખતે ચોરે ગામના લોકો બેઠા હતાં. ગામના બધા સરખા ન હોય ! અમુક અદેખા હોય જ, જે બીજાની ચડતી દેખી ના શકતા હોય ! કહળસંગ બાપુ ત્યાંથી નીકળ્યાં એટલે ચોરે બેઠેલામાંના એક જણે પેલા હરિજનોને કહ્યું -” એલાવ ગાયને આંય મેલી દો, એ તો કહળસંગ બાપુ પાછી બેઠી કરી દે છે ! “એની આ રમુજથી બાજુમાં બેઠેલા અમુક એના જેવા ભાઠાંઓ હસવા લાગ્યાં. કહળસંગ બાપુ માથે જબરી કસોટીનો કાળ આવ્યો. પોતાની સિધ્ધીઓ કોઇને દેખાડવા માટે ન હોય એ છતાં આજે સતનું પારખું થઇ રહ્યું હતું !

“મુકી દો ગાયને.” કહળસંગે પેલાં હરિજન લોકોને કહ્યું. ગાય નીચે મુકાણી. કહળસંગ બાપુ નજીક ગયા અને હાથમાંના લોટામાંથી પાણીની અંજળિ ભરી ગાય પર છાંટી અને એ જ ક્ષણે ગાય ઠેકડો મારીને બેઠી થઇ ગઇ !

જોતજોતામાં તો આ વાત વાયુવેગે કેટલાય ગામોમાં પ્રસરી ગઇ. લોકોને જાણ થઇ કે કહળસંગ બાપુ તો મરેલાનેય જીવતા કરે છે ! આથી લોકો પોતાપોતાના દુ:ખો દુર કરવા સમઢિયાળાની સીમમાં ઉતરી પડ્યાં. હવે કહળસંગ બાપુને જીવવું યોગ્ય ન લાગ્યું કેમ કે, પોતાની સિધ્ધી વડે તે કુદરતના ક્રમમાં દખલ કરવા નહોતા માંગતા. આવી રીતે તો તે કેટલાકના દુ:ખ દુર કરે ! અને દુ:ખનો ક્યાં કોઇ પાર હોય છે ! કહળસંગે સમાધિ લેવાનો નિશ્વય કર્યો. ગંગાસતીએ પણ સમાધિની તૈયારી બતાવી. પણ બાપુએ એને વાર્યા કારણ કે પછી પાનબાઇનું કોણ ? એને તો હજી પ્રભુભક્તિના પ્યાલા પાવાના હતાં ને ! આખરે ઇ.સ.૧૮૯૪ [ વિક્રમ સંવત ૧૯૫૦] પોષ મહિનાની પુનમને રવિવારના દિવસે કહળસંગ બાપુએ દેહત્યાગ કર્યો. રાજપુતોએ તેને અગ્નિદાહ દીધો પણ જમણો હાથ ના બળ્યો. માટે તેને સમાધિ અપાઇ. આજે પણ સમઢિયાળાના આશ્રમમાં કહળસંગ બાપુના જમણાં હાથની સમાધિ છે.

અને કહળસંગ બાપુના દેહત્યાગ પછી શરૂ થયો એ બાવન દિવસના પરમજ્ઞાનનો દોર કે જે દોરમાં રચાયેલા ભજનો સદાને માટે આ સૃષ્ટિ પર અમર બની જવાના હતાં !

ગંગાસતીએ પાનબાઇને પરમ બ્રહ્મનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. હવે પાનબાઇ વડારણ મટી શિષ્યા બની ગયાં ! સતત બાવન દિવસ સુધી કાયમને માટે ગંગાસતી એક નવા ભજનની રચના કરી પાનબાઇને સંભળાવતા અને પાનબાઇ તેમાંથી સંસાર અને આત્માનું પરમજ્ઞાન પ્રાપ્ત કરતાં. વળી,આ ભજનોમાં ગંગાસતીએ સાચા સંતોનું અને સદગુરુનો ઉલ્લેખ પણ કર્યો છે. આજે અતિ પ્રચલિત તેમના ભજનો આ બાવન દિવસના ગાળામાં જ લખાયા હતાં ! આજે કલ્પના માત્ર કરી શકાય કે એ બાવન દિવસ ખરેખર જીંદગી આખી જીવી લીધાં છતાં ન મળે એવા અમુલ્ય હશે !

બાવન પદ“થી પાનબાઇને જ્ઞાન આપ્યા પછી ત્રેપનમે દિવસે એટલે કે ઇ.સ.૧૮૯૪ [ વિક્રમ સંવત ૧૯૫૦ ] ના ફાગણ સુદ આઠમના રોજ ગંગાસતિએ સમાધિ લીધી. એની પાછળ પાનબાઇએ પણ અમુક કાર્યો પુરાં કરી ફાગણ સુદ તેરસના દિવસે સમાધિ લીધી. પાનબાઇ આજીવન કુંવારા રહ્યાં હતાં ! એના ભક્તિમય અને સેવાભાવી જીવનને વંદન કરવા ઘટે. એ વાતમાં કોઇ શક નથી કે એણે પણ ગંગાસતી અને કહળસંગ બાપુ જેવી જ આધ્યાત્મિક ઊંચાઇ પ્રાપ્ત કરી લીધી હતી.

આતમના એકરારનો સાક્ષાત્કાર કરીને આ ત્રિપુટી સ્વર્ગલોકમાં સિધાવી ગઇ. કેવું અદ્ભુત જીવન હશે આ ત્રણેય મરજીવાઓનું !! આજે પણ સમઢિયાળામાં આવેલ આ આશ્રમ ગુજરાતભરમાં પ્રસિધ્ધ છે. અહિં મોરારીબાપુએ કરેલી રામકથા એકદમ ભવ્ય હતી અને જ્ઞાનરૂપી પટારાઓ ઠલવાયા હતાં.

આજે પણ વિજળીને ચમકારે મોતી પ્રોય લેતો પ્રોય લે જેવી આતમજ્ઞાનની સરવાણી વહાવતું ગંગાસતીનું ભજન “વીજળીને ચમકારે મોતીડાં પરોવો ને પાનબાઇ…..”અતિ લોકપ્રિય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *