Sunday, 22 December, 2024

ગોકર્ણોપાખ્યાન – 2

329 Views
Share :
ગોકર્ણોપાખ્યાન – 2

ગોકર્ણોપાખ્યાન – 2

329 Views

 

બંને બાળકો કાળક્રમે મોટા થયા પરંતુ બંનેના સ્વભાવો જુદા થયા. ધુન્ધુકારી દુષ્ટ પ્રકૃતિનો નીકળ્યો ને ગોકર્ણ પંડિત, જ્ઞાની તથા દૈવી સંપત્તિવાળો થયો. ધુન્ધુકારી આચારવિચાર રહિત હતો તથા ખાનપાનનો કશો ખ્યાલ ના રાખતો. એ ક્રોધી પણ ઘણો હતો. એ ચોરી કરતો, બીજા પર દ્વેષ રાખતો, બીજાના ઘરોને સળગાવી દેતો, બીજાનાં બાળકોને રમતાંરમતાં તેડીને કૂવામાં નાખી દેતો, હિંસા કરતો, શસ્ત્રો સાથે ફરતો, ને દીનદુઃખીને પરેશાન કરતો રહેતો. મોટો થતાં એણે વેશ્યાઓના મોહમાં પડીને આત્મદેવની સમસ્ત સંપત્તિનો નાશ કરી નાખ્યો, અને એક દિવસ માતાપિતાને મારીને ઘરમાંથી બધા વાસણો પણ ઉપાડી ગયો.

એનું વર્તન જોઇને આત્મદેવના શોકનો અંત ના રહ્યો. એને થયું કે આના કરતાં તો સંતાન વગરના રહેવાનું હજાર દરજ્જે સારું હતું. જે ઘરમાં કુપુત્રો પાકે છે તે ઘરની દશા દુઃખદ થઇ પડે છે. આત્મદેવ દુઃખના દરિયામાં ડૂબીને વિવિધ પ્રકારના વિલાપો કરવા લાગ્યો અને જીવનને અભિશાપ માનવા માંડ્યો ત્યારે જ્ઞાની ગોકર્ણે એની પાસે પહોંચીને સાંત્વના આપતાં કહ્યું કે સંસાર અસાર, દુઃખરૂપ અને મોહમાં નાંખીને મૂઢ બનાવનારો છે. પુત્ર ને ધનસંપત્તિનો મોહ નકામો છે. એમાં શાશ્વત સુખ કે શાંતિ નથી. ઇન્દ્ર કે ચક્રવર્તી રાજાને પણ સાચું ને સંપૂર્ણ સુખ નથી સાંપડતું. સુખ તો કેવળ વિરક્ત, એકાંતવાસી મુનિને જ મળી શકે છે. પુત્રના મોહનો પરિત્યાગ કરો. મોહથી નરકની પ્રાપ્તિ થાય છે. સંસારની આસક્તિનો અંત આણીને જીવનનું સાર્થક્ય સાધવા સારું સર્વ કાંઇ છોડીને વનમાં વસો એ જ બરાબર છે.

ઘરમાં રહીને અશાંતિપૂર્વક જીવવું અને અનેક પ્રકારનાં કષ્ટો ભોગવવાં એ કરતાં તો વનમાં વસવું વધારે સારું છે. ગોકર્ણના શબ્દો સાંભળીને આત્મદેવે વનમાં વસવાનો સંકલ્પ કર્યો.

મનુષ્યો અસ્થિ, માંસ અને રુધિરના માળખા જેવા શરીરને અજ્ઞાનને લીધે પોતાનું સ્વરૂપ સમજે છે અને એની અંદર આસક્તિ કરીને એમાં રહેલા આત્માનું દર્શન નથી કરતા. એને લીધે પોતાના ને બીજાના શરીરમાં બંધાઇ જાય છે ને દુઃખી થાય છે. વિવેકી પુરુષ શરીરના મોહમાંથી મનને ધીમે ધીમે ઉપરામ કરે, શરીરથી આત્માને અલગ જાણે, સંસારની ક્ષણભંગુરતાનો રોજ રોજ વિચાર કરે, અને કોઇ પણ પદાર્થમાં પ્રીતિ અથવા રાગ ના કરે. અત્યાર સુધી સંસારના વિનાશશીલ વિષયોનો રસ તો ચાખ્યો જ છે, પરંતુ હવે એ રસનો પરિત્યાગ કરીને વૈરાગ્યના રસનો આસ્વાદ લઇને ભક્તિના રંગથી રંગાઇ જાય.

વનમાં વસનારે કે વસતિમાં શ્વાસ લેનારે જીવનના શ્રેયને માટે એની સાથે બીજું શું કરવું જોઇએ ? સમસ્ત લૌકિક ધર્મોનો અથવા લૌકિક ખટપટોનો પરિત્યાગ કરવો જોઇએ. પરમાત્માના સાક્ષાત્કાર સારુ ભગવદ્ ભજનરૂપી ધર્મનું સેવન કરવું જોઇએ. એની સાથે સાથે સત્પુરુષોના સમાગમનો લાભ પણ લેવો જોઇએ. ગોકર્ણ આત્મદેવને કહે છે કે તમે પણ બધી લૌકિક લાલસાઓ અને ઉપાધિઓને તિલાંજલિ આપીને પરમ શ્રદ્ધાભક્તિપૂર્વક ભગવદ્દભજનમાં લાગી જાવ. બીજાના ગુણદોષના ચિંતનને છોડી દો ને ભગવાનની સેવા તથા કથાના રસનું જ પાન કરો.

धर्मं भजस्व सततं त्यज लोकधर्मान् सेवस्य साधुपुऱुषांजहि कामतृष्णान् ।

आन्यस्य द्रोषगुणचिंतनमाशु मुकत्वा सेवाकथारसमहो नितरां पिब त्वम् ।।

(અધ્યાય ૪શ્લોક ૮0)

ભાગવતના અમર સુંદર સારગર્ભિત સાહિત્યભંડારમાં આ શ્લોકનો સમાવેશ સહેલાઇથી કરી શકાય છે. આ શ્લોક કંઠસ્થ કરવા જેવો અથવા વારંવાર વિચારવા યોગ્ય છે.

જીવ શિવનું સાચું શાશ્વત શરણ ક્યારે લઇ શકે ? જ્યારે એનું મન સંસારના પરિવર્તનશીલ પદાર્થો અથવા વિષયોમાંથી ઉપરામ બન્યું હોય, અને શિવનો મહિમા સહેજ પણ સમજાયો હોય, અથવા એના અંતરમાં સદ્દબુદ્ધિનો સૂર્યોદય થયો હોય ત્યારે. એને જ્યારે ભાન થાય છે કે જીવનના આ રંગીન રસમય રંગમંચ પર હું પ્રકૃતિના હાથમાં પરવશ બનીને મર્કટની પેઠે ઘણુંયે નાચી ચૂક્યોઃ હવે મારે આત્મનિષ્ઠ બનીને, સર્વતંત્ર સ્વતંત્ર થઇને આ નર્તનનો અંત આણવો જોઇએઃ ત્યારે એની અંતરંગ વેદના વધી જાય છે. એનું હૃદય અને રોમરોમ રડી ઊઠે છે અને અણુએ અણુ ઇશ્વરના અલૌકિક અનુગ્રહ અથવા પાવન પ્રકાશને માટે ઝંખવા કે પ્રાર્થવા માંડે છે.

સંસારના અનેકવિધ અનુભવોમાંથી, ઘટનાઓના અનુકૂળ અને પ્રતિકૂળ પ્રવાહોમાંથી પસાર થઇને, સુચારુરૂપે, મને કે કમને, નાચ નાચી ચૂકેલા આત્મદેવના આત્મિક અભ્યુત્થાનનો સ્વર્ણ સમય છેક જ સમીપ આવી પહોંચ્યો હોવાથી, ગોકર્ણના આદેશને અનુસરીને એણે વનગમન કર્યું. એ વખતે એની ઉંમર સાઠ વરસની થઇ ચૂકેલી છતાં પણ બુદ્ધિ સ્વસ્થ હતી. સાઠ વરસે આત્મસાધના સારુ જાગવાનું લૌકિક રીતે આમ તો ઘણું મોડું કહેવાય તો પણ માણસ કુંભકર્ણની પેઠે અવિદ્યારૂપી ઘોર નિદ્રામાંથી જીવનભર જાગે જ નહિ એના કરતાં મોડે મોડે પણ જાગે એ આવકારદાયક છે જ. યુવાનીમાં જે જાગે જ નહિ તે વૃદ્ધાવસ્થામાં પણ ના જ જાગી શકે અને એની જાગૃતિ કલ્યાણકારક ના થાય એવું તો ના જ કહી શકાય. માણસ જાગીને ધર્માચરણ કરે તેનું મહત્વ છે. એવું અલ્પ ધર્માચરણ પણ ઉપયોગી ઠરે છે. એવું ધર્માચરણ કરતાં શરીર છૂટી જાય તો પણ એ મિથ્યા નથી થતું. નવા જન્મમાં એ નવા વારસાના રૂપમાં પ્રાપ્ત થઇને ઉત્તરોત્તર વધે છે ને ફળે છે.

આત્મદેવે અરણ્યમાં રહીને ભગવદ્દભજનમાં ને ભગવાનના ચિંતનમનન તથા નિદિધ્યાસનમાં મનને લગાડી દીધું. એણે નિત્ય નિયમપૂર્વક ભાગવતના ભગવાન કૃષ્ણના માહાત્મ્યથી મંડિત અને મઘમઘતા દશમ સ્કંધનો પાઠ પણ કરવા માંડ્યો. પરિણામે એની બુદ્ધિ, વૃત્તિ ને દૃષ્ટિ નિર્મળ તેમજ દૈવી બની, એમાં પરમાત્માની પવિત્રતમ પ્રીતિનો પ્રકાશ થયો, અને એને ભગવાન કૃષ્ણના દેવદુર્લભ દર્શન અને અનુપમ અનુગ્રહનો લાભ મળ્યો. એનું સમસ્ત જીવન ધન્ય બન્યું.

આત્મદેવ અનાત્મદેવ મટીને સાચા અર્થમાં આત્મદેવ બન્યો. આત્મદર્શી અને આત્માનિષ્ઠ થયો. આ કથા પ્રત્યેક માનવને મહત્વનો સંદેશ પ્રદાન કરે છે. માનવ એવી જ રીતે આત્મસ્વરૂપ છે. દેવોનો પણ દેવ આત્મદેવ છે. પરમાત્માની સાથે એનો અવિભાજ્ય અખંડ અબાધિત શાશ્વત સંબંધ છે. પરંતુ એ સંબંધનું એને વિસ્મરણ થયું છે. સંસારની વિષયાસક્તિને લીધે એ આત્મદેવને બદલે અનાત્મદેવ બની ગયો છે. એ વિષયાસક્તિનું, વિસ્મૃતિનું ને ભ્રાંતિનું મૂળભૂત મહત્વનું કારણ એની દુર્બુદ્ધિ અથવા અવિદ્યા છે. એ દુર્બુદ્ધિ જ એની સહચરી ધુન્ધુલી છે. એ પ્રજ્ઞાના પાવન પ્રકાશથી રહિત અને અંધકારમય હોવાથી એને સાચી સલાહ નથી આપી શકતી. તુંગ એટલે ઊંચા અનુપમ મહિમાવાળા અને ભદ્રા એટલે અખંડ સચ્ચિદાનંદસ્વરૂપ મંગલમય પરમાણુ કે સ્પંદનોવાળા શાંતિરૂપી સરિતાના તટવર્તી પ્રદેશમાં વસતો હોવા છતાં એ આત્મદેવ અત્યારે દુઃખી છે. સંસારમાં આસક્ત છે. એને ધુન્ધુકારી પુત્રની પ્રાપ્તિ થાય છે. ધુન્ધુલી જડ બુદ્ધિ કે વૃત્તિ અને આસુરી સંપતિપ્રાપ્ત વિપરીત દૃષ્ટિ જ આપી શકે. એ દૃષ્ટિ દુઃખદાયી ઠરે. એ જ ધુંધુકારી. ભેદદૃષ્ટિ. એ આત્મદેવને ગોકર્ણ પણ આવી મળે છે. એના કર્ણ ગાયના જેવા છે એટલે એ બહુશ્રુત છે. શાસ્ત્રજ્ઞ ને શાસ્ત્રાનુસાર સદાચારને માર્ગે ચાલવાનો આગ્રહ સેવનારી ભગવદ્દવૃત્તિ-પ્રજ્ઞા તે જ ગોકર્ણ છે. સંતની કૃપાથી એને એની પ્રાપ્તિ થાય છે. એની મદદથી એને જીવનનું સત્ય સમજાય છે અને એ પરમાત્મામાં પ્રતિષ્ઠિત થવાની આરાધનાના આધાર લઇને આખરે ધુન્ધુલીને-અવિદ્યાજન્ય જડતાને પરિત્યાગીને સર્વ પ્રકારે કૃતાર્થ થાય છે. કથાનું મુખ્ય તાતપર્ય એ જ છે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *