ગોકર્ણોપાખ્યાન – 5
By-Gujju29-04-2023
ગોકર્ણોપાખ્યાન – 5
By Gujju29-04-2023
ભાગવતની પ્રશંસાના અનેકવિધ ઉદ્દગારો કાઢીને ધુંધુકારીએ સંતોષાનુભવ કર્યો.
એ વખતે ત્યાં વૈકુંઠવાસી દિવ્ય પાર્ષદો સાથેનું એક વિમાન ઉતર્યું. એને લીધે આજુબાજુનું વાયુમંડળ આલોકિત બની ગયું. ધુંધુકારી સમુપસ્થિત સર્વે શ્રોતાઓના દેખતાં એમાં વિરાજમાન થયો. એ જોઇને કાંઇક આશ્ચર્યચકિત બનેલા ગોકર્ણે પાર્ષદોને પૂછયું કે અહીં અસંખ્ય શુદ્ધચિત્ત શ્રોતાઓ હોવા છતાં તમે તેમને માટે વિમાનો ના લાવ્યા અને કેવળ ધુંધુકારીને માટે જ લાવ્યા એ શું બરાબર કે ન્યાયોચિત છે ? સૌએ સમાન રીતે કથાશ્રવણ કર્યું હોવા છતાં ફળપ્રાપ્તિમાં આટલો બધો મોટો ભેદ કેમ દેખાય છે ?
પાર્ષદોએ એ પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે જણાવ્યું કે સૌનું શ્રવણ બહારથી જોતાં સમાન છે એ સાચું પરંતુ એણે વિશેષમાં મનન પણ કરેલું છે. શ્રવણ મનનથી જ શોભી ઊઠે છે ને સફળ બને છે. ધુંધુકારીએ સાત દિવસ સુધી અનશન કરીને અતિશય ઉત્કટતાપૂર્વક શ્રવણ કર્યું છે અને એનું મનન તથા નિદિધ્યાસન પણ કરી લીધું છે. એથી એનું જ્ઞાન સુદૃઢ બન્યું છે. જે જ્ઞાન સુદૃઢ નથી બનતું તે પરિપૂર્ણ ફળ પ્રદાન નથી કરતું. ધ્યાન સિવાયનું શ્રવણ નિષ્ફળ જાય છે, સંદેહથી મંત્રનો નાશ થાય છે, અને એકાગ્રતાપૂર્વક જપનો આધાર ના લેવાથી એનો પણ જોઇતા પ્રમાણમાં લાભ નથી મળતો.
પાર્ષદોના એ વચનો ખરેખર વિચારવા જેવા છે. આજે ભાગવતની કથાનો આશ્રય લેવાય છે પરંતુ મોટે ભાગે કેવી રીતે લેવાય છે ? રુઢિ અથવા પરંપરાના પાલન માટે, પિતૃઓ કે સ્વજનોના સમુદ્ધારને માટે, અથવા પુણ્યપ્રાપ્તિના આશયથી, દેખાદેખી કે શોખને ખાતર. પોતાના જીવનસુધારની સાત્વિકી ઇચ્છાથી પ્રેરાઇને જીવનના ઉત્તરોત્તર આધ્યાત્મિક અભ્યુત્થાનને માટે એનો આધાર લેનારા કેટલા ? પ્રમાણમાં ઘણા જ થોડા. પિતૃઓના અથવા સ્વજનોના સમુદ્ધારની ઇચ્છા અમંગલ નથી, મંગલ છે; અશુભ નથી, શુભ છે; અને અનાવકારદાયક નથી પરંતુ આવકારદાયક છે. છતાં પણ એ શુભેચ્છાનું સેવન કરનારે સમજવું જોઇએ કે પોતે પણ પોતાના જીવનમાં સમુન્નતિ સાધીને સદ્દગતિની પ્રાપ્તિ કરવાની છે. રુઢિ કે પરંપરાના પાલનને માટે, પુણ્યપ્રાપ્તિના પ્રયોજનથી, અથવા દેખાદેખી કે શોખને ખાતર ભાગવતનો આશ્રય લેનારે જીવનવિકાસની દૃષ્ટિને મહત્વની માનીને એ દિશામાં આગળ વધવા તથા પરમાત્માની પ્રેમભક્તિને પ્રકટાવીને પરમાત્માના અસીમ અનુગ્રહનો અનુભવ કરવા એનો આશ્રય લેવો જોઇએ અને એ પણ ઉત્કટ સાચી શ્રદ્ધાભક્તિ અથવા લગનીથી પ્રેરાઇને, તો જીવનની ધન્યતાનું દિવ્ય વિમાન જરા પણ દૂર ના રહે. વૈકુંઠનો, પરમાત્માની સુખદ સંનિધિનો અથવા જીવનમુક્તિનો લાભ આજ દેહ દરમિયાન આ પાર્થિવ પૃથ્વી પર જ મળી રહે. એવા વિશાળ સંદર્ભમાં વિચારતાં ભાગવતનું શ્રવણ, મનન અને અધ્યયન એક અમોઘ સાધના છે.
ભાગવતનું શ્રવણ પોતાના દોષોને દૂર કરવાની ભાવના તથા પ્રવૃત્તિ સાથે જે એકાગ્રતા અને નિષ્ઠાપૂર્વક કરે છે તે ધુંધુકારીની પેઠે પુનરાવતાર પામે છે એમાં સંદેહ નથી.
ભગવાનના પાર્ષદોની સુચના પ્રમાણે શ્રાવણ માસમાં ગોકર્ણે એ જ શ્રોતાઓને ભાગવતના સપ્તાહશ્રવણનો ફરી વાર લાભ આપ્યો. એની પરિસમાપ્તિ સમયે સૌને પરમાત્માનો સાક્ષાત્કાર થયો. ભાગવતી ચેતના સર્વત્ર ફરી વળી. સૌને પરમાત્માની સુરદુર્લભ સંનિધિનો સ્વાદ સાંપડ્યો. સૌએ સારી રીતે શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરેલું એટલે જ એવું ઉત્તમોત્તમ ફળ મળી શક્યું. ગોકર્ણ પોતે તો પરમાત્મામય બની જ ગયા પરંતુ બીજા બધાને પણ જીવનની ધન્યતાની પ્રાપ્તિ થઇ. ગોકર્ણની કૃપાથી એ દિવ્ય વિમાનોમાં વિરાજીને એમણે ભગવદ્ ધામમાં પ્રવેશ કર્યો.
જેની ગતિ કુંઠિત નથી, જે સર્વસ્થળે ને સર્વે કાળે છે તે વૈકુંઠ. માટે જ પરમાત્મા પરમ વૈકુંઠરૂપ છે. એમનું અનુસંધાન સાધનાર, એમનો આશ્રય લેનાર અને એમને તથા એમના આસાધારણ અનુગ્રહને અનુભવનાર અહર્નિશ વૈકુંઠમાં જ વસે છે. વૈકુંઠ એનાથી એક ક્ષણને માટે પણ દૂર નથી થતું.
વાયુ, જલ અને પાંદડાનું સેવન કરવાથી ને શરીરને સૂકવી દેવાથી, સુદીર્ઘ સમય સુધી ઘોર તપશ્ચર્યા કરવાથી તથા યોગાભ્યાસથી પણ જે સર્વોત્તમ સદ્દગતિ નથી સાંપડતી તે સપ્તાહશ્રવણથી સહેલાઇથી સાંપડી શકે છે. આ પવિત્ર કથાનકના શ્રવણથી પવિત્ર થવાય છે. એનો નિત્યપાઠ કરવાથી ભગવદ્દભક્તિ વધતાં ને ભગવદ્દદર્શનનો લાભ મળતાં અશાંતિ મટે છે ને અવિદ્યામાંથી મુક્તિ મળે છે.