Saturday, 27 July, 2024

ગોવર્ધનધારણ

203 Views
Share :
ગોવર્ધનધારણ

ગોવર્ધનધારણ

203 Views

ગોવર્ધનધારણની લીલા ભગવાન કૃષ્ણના જીવનની મહત્વની સમાજોપયોગી લીલા છે. એ લીલાનું સ્મરણ કરાવતાં ચિત્રો પણ આપણે કેટલેક ઠેકાણે જોઇએ છીએ જેમાં એમણે ગોવર્ધનગિરિને પોતાની ટચલી આંગળીના આધારે ઉપાડ્યો છે. ભાગવતના દસમા સ્કંધની એ નોંધપાત્ર ઘટના છે. દસમા સ્કંધના ચોવીસથી સત્તાવીસમા અધ્યાય સુધીના અધ્યાયોમાં એનું વર્ણન ખુબ જ વિશદ રીતે કરવામાં આવ્યું છે.

એ વર્ણન પરથી લાગે છે કે ભગવાન કૃષ્ણ પોતાના જમાનાના મહાન ક્રાંતિકારી હતા. એમણે એમના જમાનાની જડ પ્રથાઓનો વિચારપૂર્વકનો મીઠો વિરોધ કર્યો અને તત્કાલીન તથા સર્વકાલીન સમાજને નવી દૃષ્ટિનું દાન કર્યું. એમણે આવશ્યકતાનુસાર પ્રાચીન પરંપરાઓનો એમની ગુણવત્તાને ઓળખીને પુરસ્કાર કર્યો અને જ્યાં જ્યાં એની જરૂર જણાઇ ત્યાં ત્યાં નીરક્ષીર વિવેકથી પ્રેરાઇને એમની સામે અભિનવ વિચારસરણીની રજૂઆત કરી. એમના જીવનના ગોવર્ધનધારણના પ્રસંગ પરથી એ વિચારસરણીનો સારી પેઠે પરિચય થાય છે અને આપણને એમની જીવનોપયોગી દૃષ્ટિનો લાભ લેવાનો અવસર મળે છે.

એમના જીવનકાળ દરમિયાન એક વાર નંદે તથા બીજા ગોપોએ એક મહાન યજ્ઞ કરવાની તૈયારી કરી. એ યજ્ઞ લગભગ પ્રત્યેક વરસે કરવામાં આવતો ઇન્દ્રયજ્ઞ હતો. એ ઇન્દ્રની પ્રસન્નતા માટે નિયમિત રીતે કરવામાં આવતો. ભગવાન કૃષ્ણને એ યજ્ઞની અને યજ્ઞના પ્રયોજનની માહિતી હોવા છતાં એમણે નંદને તથા બીજા ગોપોને એના વિશે પૂછી જોયું તો એમણે કહ્યું કે ઇન્દ્ર વૃષ્ટિ કરનારા વાદળનો સ્વામી છે. એ વાદળ એક રીતે એના જ સ્વરૂપ જેવાં છે. એ સઘળાં પ્રાણીઓને તૃપ્ત કરનારું ને જીવનદાન આપનારું પાણી વરસાવે છે. એ દૃષ્ટિએ જોતાં એનો ઉપકાર ઘણો જ મોટો છે. એટલે અમે એની યજ્ઞની મદદથી પૂજા કરીએ છીએ ને બીજા પણ પૂજા કરે છે. એ યજ્ઞના અનુષ્ઠાન પછી જે કાંઇ બચે છે તેનો અમે ઉપભોગ કરીએ છીએ. ઇન્દ્ર જ ખેતી, ગોપાલન જેવા વ્યવસાયોના ફળને પ્રદાન કરે છે. એની પ્રસન્નતાથી જ સૌના જીવન સુખી અને સમુદ્ધ બને છે. એટલા માટે એને સારુ યજ્ઞ કરવાનું સર્વપ્રકારે શ્રેયસ્કર છે. એ યજ્ઞની પ્રથાનો પરિત્યાગ કરવાથી અમંગલ થવાની આશંકા છે.

ભગવાન કૃષ્ણે નંદ તથા બીજા ગોપોની વિચારસરણીની પાછળ રહેલી આશંકા અને ભીતિને સમજી લીધી. એ આશંકા અને ભીતિ એમને આધાર વિનાની અને અસ્થાને લાગી. એમણે એનો અંત આણવાનો નિર્ણય કર્યો. એમણે એમની અભિનવ વિચારસરણીને વ્યક્ત કરતાં કહ્યું કે પ્રાણીઓનાં સુખદુઃખનો આધાર ઇન્દ્ર પર કે એવા બીજા કોઇક નાના મોટા દેવ પર નહિ પરંતુ પોતાના કરાયેલાં સારાંનરસાં કર્મો પર છે. પ્રાણી કર્મને અનુસરીને જ જન્મે છે તથા કર્મને લીધે જ મરે છે. ઇશ્વરમાં વિશ્વાસ રાખીએ તો પણ એ ઇશ્વર કર્મને લક્ષમાં લઇને જ ફળ આપે છે. એટલે ઇન્દ્રથી ગભરાવાનું કે ડરવાનું કોઇ જ કારણ નથી. મનુષ્યનું જીવન એના કર્મના સંસ્કારોનો અનુસરીને ચાલ્યા કરે છે. આપણા સાચા અને પ્રત્યક્ષ દેવો તો એ છે જેમને લીધે આપણું વ્યક્તિગત અને સમષ્ટિગત જીવન સુખશાંતિ તથા સમૃદ્ધિથી સંપન્ન બને છે અને જે આપણા જીવનના અવિભાજ્ય અંગ જેવાં બની ગયાં છે. એમની અંદરની દિવ્યતાનું દર્શન કરી, એમની ઉપયોગિતાને તેમ જ ઉપકારકતાને ઓળખીને, એમનું સમુચિત સન્માન અને પૂજન કરીએ. પરોક્ષને બદલે પ્રત્યક્ષને સેવતાં શીખીએ. આપણા પ્રત્યક્ષ દેવો કોણ છે ? ગાયો, બ્રાહ્મણો તથા સમાજના બીજા દીનદુઃખી અભાવગ્રસ્ત અથવા સુખી સમૃદ્ધ માનવો અને ગિરિરાજ ગોવર્ધન. એ ગિરિરાજની છત્રછાયામાં આપણે સુખી છીએ. એમાંથી નીકળતાં ઝરણાં આપણને અને આપણા પશુધનને આનંદ આપે છે, એનાં વિવિધ વિશાળ વૃક્ષો આપણને બનતી બધી જ રીતે મદદરૂપ બને છે, અને એનું ઘાસ આપણા પશુઓને માટે આશીર્વાદરૂપ ઠરે છે. ગાયોને તો આપણા વ્યક્તિગત તથા સમષ્ટિગત જીવનમાંથી બાદ કરી શકાય તેમ જ નથી. એ તો આપણા જીવનમાં તાણા ને વાણાની પેઠે મળી ગઇ છે. એમના વિના આપણે માટે જીવન જીવવાનું મુશ્કેલ થઇ પડે તેમ છે. એ બધી દેવીઓ છે. આપણને શિક્ષણ તથા સંસ્કાર આપનારા, શાસ્ત્રોને સુરક્ષિત કે સજીવ રાખનારા ને સદાચારનાં મૂલ્યોને ટકાવવામાં કે વધારવામાં મદદરૂપ થનારા બ્રાહ્મણો પણ દેવો જ છે. એ ઉપરાંત હજારો દીન, દુઃખી, પતિત કે પદદલિતોના રૂપમાં એ દેવતા જ રમી રહ્યા છે. જેમની પાસે ખાવાપીવાના પૂરતા પદાર્થો નથી, પહેરવા માટેનાં પર્યાપ્ત વસ્ત્રો નથી, ઘર નથી, સંસ્કાર કે શિક્ષણ અને જીવનોપયોગી સંપત્તિ કે સામગ્રી નથી, તે દેવો જ છે. એમનામાં શું દેવત્વ નથી દેખાતું ? એમનામાં દિવ્યતાનું દર્શન કરીને એમની સેવા-પૂજા કરીએ અને એમને બનતી બધી રીતે મદદરૂપ બનીએ એથી વિશેષ યજ્ઞાનુષ્ઠાન બીજું કયું હોઇ શકે ? આપણે ઇન્દ્રના પેલા પરંપરાગત યજ્ઞને મૂકીને આવો નૂતન છતાં વધારે કલ્યાણકારક યજ્ઞ શરૂ કરીએ.

કૃષ્ણના વિચારો વર્તમાનકાળના કોઇક સમાજવાદી વિચારકે રજૂ કર્યા હોય એવા આધુનિક છે તો પણ એ વિચારો એમણે આજથી હજારો વરસો પહેલાં પ્રકટ કર્યા છે એના પરથી સહેલાઇથી સમજી શકાય છે કે એમના વિચારો કેટલા બધા મૌલિક, સ્વતંત્ર અને એમના જમાના કરતાં કેટલા બધા આગળ હતા. એથી વધારે સુંદર, સર્વોત્તમ અને આદર્શ વિચારધારા–સમાજવાદી વિચારધારા બીજી કઇ હોઇ શકે ? ભગવાન કૃષ્ણે સમાજવાદની નાની કે મોટી છાપ લગાડવાને બદલે એ વિચારો તદ્દન સહજ રીતે જ વ્યક્ત કરેલા. એ વિચારો એ જમાનાને માટે નવા હોવા છતાં સૌને ગમી ગયા એટલું જ નહિ પરંતુ આદર્શ અને અનુકરણીય લાગ્યા. એમણે કહ્યું કે ઇન્દ્રયજ્ઞને માટે જે સામગ્રી એકઠી થઇ છે એ સામગ્રીથી સમાજસેવાનો યજ્ઞ કરીએ, ભાતભાતનાં ભોજન બનાવીએ, હવન કરીએ અને દાન તથા દક્ષિણા આપીએ.

એ ઉપરાંત ચાંડાલ, પતિત તથા કુતરાઓને પણ જરૂરી વસ્તુઓ આપીને, ગાયોને ઘાસ તથા બીજા પદાર્થો ખવડાવીને, ગિરિરાજ ગોવર્ધનને ભોગ ધરાવીએ.

ભગવાન કૃષ્ણના એ છેલ્લા શબ્દો કેટલા બધા સુંદર છે ? એમની દિવ્ય દૃષ્ટિ અથવા વિશાળ સેવાભાવના ચાંડાલ, પતિત, કુતરા, ગાયો અને ગોવર્ધન પર વસતા બીજા નાનામોટા જીવોને પણ ઘેરી વળે છે. એ એમનો વિચાર કર્યા વિના નથી રહી શક્તી. એ ભાવના ખરેખર સ્તુત્ય છે. સમાજસેવકના કે રાષ્ટ્રનાયકના જીવનમાં એવી નિઃસ્વાર્થ સર્વવ્યાપક સેવાભાવના ફરી વળે તો સૌને માટે હિતકારક ઠરે એમાં સંદેહ નથી.

0                                           0                                           0

નંદ તથા બીજા ગોપોએ એ ભાવનાને સમજીને સ્વીકારી લીધી. એમણે કૃષ્ણના કહ્યા પ્રમાણેનો સેવાયજ્ઞ શરૂ કર્યો. એ એક રીતે મહાન, મંગલ, સાચો સેવાયજ્ઞ હતો. એથી સમાજના સર્વ પ્રકારના જીવોને મદદ મળી. સૌના જીવનમાં સુખશાંતિ, સમૃદ્ધિ, સદ્દભાવના તથા પ્રસન્નતા ફરી વળી. ભગવાન કૃષ્ણની કૃપાથી સૌ એકમેકને ઓળખતાં શીખ્યા, એકમેકની પાસે પહોંચ્યા, અને પરસ્પર પ્રેમભાવ પ્રકટાવીને આત્મીયતાને અનુભવવા લાગ્યાં. એ સુંદર, શ્રેષ્ઠ, સર્વહિતકારક સેવાયજ્ઞની પુર્ણાહુતિ પ્રસંગે ભગવાન કૃષ્ણ ગિરિરાજ ગોવર્ધન પર એક બીજું વિશાળ શરીર ધારણ કરીને પ્રકટ થયા ને ગિરિરાજને સમર્પેલી સામગ્રીનો સૌના આશ્ચર્ય અને આનંદ વચ્ચે ઉપભોગ કરવા લાગ્યા. સમાજની વ્યાપક સેવાનો એ યજ્ઞ એવી રીતે સફળતાપૂર્વક પૂરો થયો. કૃષ્ણે એ દ્વારા સમસ્ત સમાજને યજ્ઞની એક નવી દૃષ્ટિ પૂરી પાડી.

પરંતુ ઇન્દ્ર પોતાનો યજ્ઞ બંધ થયાના સમાચાર સાંભળીને એ બધા ગોપો, નંદ તથા કૃષ્ણ પર અતિશય ક્રોધે ભરાયો. એણે એ બધાને દંડ દેવાનો નિશ્ચય કર્યો. સંસારમાં નવી ને પુરાણી બંને પ્રકારની દૃષ્ટિવાળા માનવો મળે છે. એક નવાનું સ્વાગત કરે છે તો બીજા એનો વિરોધ. સારીનરસી વૃત્તિ તથા પ્રવૃત્તિવાળા પુરુષો પણ મળે છે. એક રચનાત્મક કાર્યો કરે છે તો બીજા ભંજનાત્મક. ઇન્દ્ર બીજી શ્રેણીનો હોવાથી સૌનો વિનાશ કરવા તૈયાર થયો.

એના આદેશને અનુસરીને પ્રલયના ભયંકર મેઘ વ્રજની ભૂમિ પર તૂટી પડ્યા. ચપલાઓના ચમકાર તથા વાદળોના ઘોર ગગડાટ સાથે વરસાદની ધારાઓ ધરતી પર ઢળવા લાગી. તોફાની પ્રબળ પવને એમને મદદ કરી. સર્વત્ર પાણી ભરાઇ ગયું ને હાહાકાર થઇ ગયો એટલે સૌ કૃષ્ણને શરણે ગયાં. કૃષ્ણ બધું સમજી ગયા. અત્યાર સુધીની પરંપરાગત યજ્ઞપૂજાનો ઇન્દ્રે આવી રીતે જાણે કે બદલો આપવા માંડ્યો. એમણે એના ઘમંડને દૂર કરવાનો ને વ્રજની રક્ષા કરી બતાવવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પથી પ્રેરાઇને એમણે ગોવર્ધનને પોતાના હાથની મદદથી ઉપાડી લીધો. એ પછી વ્રજવાસીઓને એમની ગાયો તથા બીજી સામગ્રી સાથે એની નીચે આવીને આશ્રય લેવાનો આદેશ આપ્યો.

સૌએ એમના આદેશનું પાલન કર્યું.

એવી રીતે એમણે ગિરિરાજ ગોવર્ધનને એમના અનંત યોગબળથી સતત સાત દિવસ સુધી ઉપાડેલો રાખીને સૌની રક્ષા કરી. એમની અનિર્વચનીય અચિંત્ય યોગશક્તિનો એવો અસાધારણ ચમત્કૃતિપૂર્ણ પ્રભાવ જોઇને ઇન્દ્રને આશ્ચર્ય થયું. એની યોજના પૂરી ના થવાથી એનો ઘમંડ ઓગળી ગયો. એણે મેઘોને વરસાદ ના વરસાવવાની આજ્ઞા કરી. વરસાદ બંધ થયો એટલે વ્રજવાસીઓ પોતાની ચરાચર સામગ્રી સાથે પોતપોતાનાં સ્થાનો પર કૃષ્ણની સુચનાનુસાર પાછા ફર્યા. એ પછી એમણે ગિરિરાજને જોતજોતામાં એના મૂળ સ્થાને મૂકી દીધો.

વ્રજવાસીઓના જીવનમાં એ પ્રસંગ ચિરસ્મરણીય બની રહ્યો. એને કેમે કરીને ક્યારેય ભૂલી શકાય તેમ ન હતું.

0                                         0                                   0

ભગવાન કૃષ્ણના એવા અલૌકિક પ્રભાવોત્પાદક સામર્થ્યને પેખીને વ્રજવાસીઓને આશ્ચર્ય થાય એ સાવ સ્વાભાવિક હતું. એ આશ્ચર્યની અભિવ્યક્તિ એમણે કરી બતાવી પણ ખરી. કૃષ્ણના આજ સુધીના અનેક અસામાન્ય અસુરનાશના ને બીજા જીવનપ્રસંગોનાં એ સાક્ષી હતાં. એ પ્રસંગો એમને અત્યંત આશ્ચર્યકારક લાગવા માંડેલા. એમાં આ અદ્દભુત પ્રસંગથી એકનો વધારો થયો.

એમના આશ્ચર્યને શમાવવાનો પ્રયાસ કરતાં નંદે મહર્ષિ ગર્ગનું કથન કહી બતાવ્યું. મહર્ષિ ગર્ગે એમને એમની અલૌકિક દૃષ્ટિ તથા શક્તિથી કહેલું કે તમારો આ બાળક-કૃષ્ણ પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે. એ તમારું પરમ કલ્યાણ કરશે. એની મદદથી તમે બધાં મોટી મોટી વિપત્તિઓને પાર કરી જશો. ગુણ, ઐશ્વર્ય, સૌન્દર્ય, કીર્તિ તથા પ્રભાવ ગમે તે દૃષ્ટિએ જોતાં કૃષ્ણ ભગવાન નારાયણ જેવો છે.

નંદના એ શબ્દોને સાંભળીને વ્રજવાસીઓનો વિસ્મય મટી ગયો. એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો.

ભગવાન કૃષ્ણના અસાધારણ સામર્થ્યને નિહાળીને ઇન્દ્રનો ધમંડ ઓગળી ગયો. એણે ભગવાન કૃષ્ણની પાસે પહોંચીને એમની ક્ષમાયાચના કરતાં પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરી. ભગવાને એને ક્ષમા આપીને કહ્યું કે તારા ઐશ્વર્ય અને અધિકારને લીધે પેદા થયેલા મદને દૂર કરવા માટે જ મેં તારે માટેના યજ્ઞને બંધ કરાવેલો. હું જેના પર પણ કૃપા કરું છું તેના મિથ્યાભિમાનનો નાશ કરી નાખું છું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *