Saturday, 27 July, 2024

ગ્રાહ અને ગજેન્દ્રનું પૂર્વજીવન

195 Views
Share :
ગ્રાહ અને ગજેન્દ્રનું પૂર્વજીવન

ગ્રાહ અને ગજેન્દ્રનું પૂર્વજીવન

195 Views

મૃત્યુ વખતે મગરનું આખું રૂપ બદલાઇ ગયું. એણે આશ્ચર્યકારક અલૌકિક શરીર ધારણ કર્યું. એનું કારણ બતાવતાં ભાગવતકાર કહે છે કે મગર એના પૂર્વજન્મમાં હૂહૂ નામે ગંધર્વ હતો. દેવલના શાપથી એને મગરની યોનિની પ્રાપ્તિ થયેલી. હવે એને મુક્તિ મળી. એણે ભગવાનને પ્રણામ કરીને એના દિવ્ય લોક પ્રતિ પ્રયાણ કર્યું.

ગજેન્દ્રના પૂર્વજન્મનો પરિચય કરાવતાં ભાગવતકાર કહે છે કે ગજેન્દ્ર પોતાના પૂર્વજન્મમાં દ્રવિડ દેશનો પાંડ્યવંશી રાજા હતો. એનું નામ ઇન્દ્રદ્યુમ્ન હતું. એને ભગવાનની ઉપાસના પ્રત્યે પ્રેમ હતો. એકવાર એણે એકાંતમાં ઇશ્વરોપાસના કરવાના પ્રયોજનથી પ્રેરાઇને રાજ્યનો પરિત્યાગ કરીને મલય પર્વત પર રહેવા માંડ્યું. એણે તપસ્વીનો વૈરાગ્યપ્રધાન વેશ ધારણ કર્યો. એક વાર સ્નાનાદિથી નિવૃત થઇને એ મનને સ્થિર કરીને ઇશ્વરની વિધિપૂર્વકની આરાધના કરી રહેલો તે વખતે મહામુનિ અગસ્ત્ય ત્યાં શિષ્યો સાથે આવી પહોંચ્યા. એમણે એને પ્રજાપાલન અને અતિથિસત્કાર જેવાં ઉત્તમ કર્મોમાંથી ચ્યુત થયેલો જાણીને એકાએક શાપ આપ્યો કે આ રાજાએ સદ્દગુરુઓ પાસેથી જ્ઞાન નથી મેળવ્યું અને એટલા માટે પરહિતની પ્રવૃત્તિનો પરિત્યાગ કરીને સ્વેચ્છાનુસાર જીવી રહ્યો છે. એની બુદ્ધિ હાથીના જેવી જડ હોવાથી એને હાથીની યોનિની પ્રાપ્તિ થાવ.

રાજા ઇન્દ્રદ્યુમ્ન એકાંતવાસ દરમિયાન ઇશ્વરની આરાધનામાં મગ્ન હોવા છતાં એની એ પ્રવૃત્તિને આદર્શ અથવા અભિનંદનીય ના માનીને મહામુનિ અગસ્ત્યે એને શાપ આપ્યો એ હકીકત ઘણાને એટલી બધી સારી કે પ્રશંસનીય નહિ લાગે. મુનિએ એને સહાનુભૂતિથી સમજીને એની સાથે થોડોક વધારે મૃદુલ વ્યવહાર કરવો જોઇતો હતો એવું પણ એમને જણાયા વિના નહિ રહે. એમના એ અભિપ્રાયના ગુણદોષની ચર્ચાવિચારણામાં ઉતરવાનું આ સ્થાન નથી. મહત્વની મૂળભૂત હકીકત એ છે કે રાજાને શાપ મળી ચૂક્યો.

અગસ્ત્ય મુનિ શાપ આપીને વિદાય થયા. ઇન્દ્રદ્યુમ્ને પોતાનું પ્રારબ્ધ સમજીને એ શાપનો કોઇ પણ પ્રકારના વિરોધ, ક્લેશ કે બડબડાટ વગર શાંતિથી સ્વીકાર કર્યો. વખતના વીતવાની સાથે એને હાથીની યોનિની પ્રાપ્તિ તો થઇ પરંતુ ઇશ્વરોપાસનાના સુસૂક્ષ્મ સંસ્કારોના પ્રભાવથી સુયોગ્ય સમયે એને ઇશ્વરની સ્મૃતિ થઇ.

ગજેન્દ્ર ભગવાનના અલૌકિક અનુગ્રહથી રહ્યાસહ્યા અજ્ઞાનથી મુક્તિ પામ્યો, અને ભગવદ્દસ્વરૂપ બની ગયો.

સાચું છે. આધ્યાત્મિક રીતે વિચારતાં એ સંપૂર્ણ સાચું લાગે છે. પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી માનવ મૃત્યુંજય બને છે, પોતાના અવિનાશી આત્મસ્વરૂપને ઓળખે છે, અને વિષયોની રહીસહી રસવૃત્તિમાંથી સદાને માટે સંપૂર્ણ મુક્તિ મેળવે છે. જે ભગવાને ઓળખે છે તે ભગવાનથી અલગ નથી રહી શક્તો.

*

મહામુનિ અગસ્ત્યે રાજા ઇન્દ્રદ્યુમ્નને ગજયોનિમાં જવાનો શાપ આપ્યો એનો અર્થ એવો પણ કરી શકાય કે એ વખતે માનવોની કોઇક ગજ નામની વિશિષ્ટ જાતિ હશે અને ઇન્દ્રદ્યુમ્નનો જન્મ એમાં થયો હશે. એ જાતિ જડબુદ્ધિની હશે. ઇન્દ્રદ્યુમ્નનો જન્મ ખરેખર હાથીની જ યોનિમાં થયેલો માનીએ તો પણ કશી હરકત નથી. ભરત મુનિના જીવનમાં એમને મૃગની યોનિમાં પુનર્જન્મ લેવો પડ્યો એ વાત આવે જ છે. એનો ઉલ્લેખ આપણે કરી જ ગયા છીએ. એક અસાધારણ અપવાદ તરીકે રાજા ઇન્દ્રદ્યુમ્ને શાપ દ્વારા પ્રાપ્ત થયેલા ગજેન્દ્રના શરીરમાં પૂર્વસંસ્કારના પરિણામે સાત્વિકી બુદ્ધિ કે વૃત્તિ મેળવી એવું માનવું વધારે પડતું નથી. જુદી જુદી મનુષ્યેત્તર યોનિઓના જીવોને પૂર્વસંસ્કારોના પરિણામે કેટલીક નોંધપાત્ર વિલક્ષણતાઓ આવી મળતી હોય છે. એ સ્વાભાવિક રીતે આશ્ચર્યકારક લાગે તો પણ અશક્ય તો નથી જ.

ગજેન્દ્રનો પ્રસંગ અહીં પૂરો થાય છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વ પ્રકારના પ્રમાદ, મોહ તથા મમત્વમાંથી મુક્તિ મેળવીને માનવને પરમાત્માભિમુખ કરવાનો છે. કથાશ્રવણની સાચી સફળતા એમાં જ છે. શાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન અથવા ચિંતનમનન કે પારાયણ પણ એટલા માટે જ છે કે ગજેન્દ્ર જેવો સંસારાસક્ત જડ જીવ પરમાત્માના પરમપવિત્ર પ્રેમથી પરિપ્લાવિત બનીને પરમાત્માનો થઇ જાય. સૌ કોઇએ એ જ મહત્વનું મહામૂલ્યવાન મંગલ મહાકાર્ય કરી લેવાનું છે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *