ગુજરાતના G20 કનેક્ટ પર વિશેષ સત્ર યોજાયું, જાણો ઉદ્યોગપતિઓએ શું આપી પ્રતિક્રિયા
By-Gujju10-01-2024
ગુજરાતના G20 કનેક્ટ પર વિશેષ સત્ર યોજાયું, જાણો ઉદ્યોગપતિઓએ શું આપી પ્રતિક્રિયા
By Gujju10-01-2024
ભારતની G20 અધ્યક્ષતા સત્તાવાર રીતે 1 ડિસેમ્બર, 2022ના રોજ શરૂ થઇ. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિવિધ સ્થળોએ કુલ 15 G20 મીટિંગોની યજમાની કરવા માટે તૈયાર છે. તેમાંની પ્રથમ ઇવેન્ટ ‘બિઝનેસ20 (B20) ઇન્સેપ્શન મીટિંગ’ આજે સવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ હતી.
આજે ‘ગુજરાતના G20 કનેક્ટ’ પર એક વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનકારી પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સત્ર દરમિયાન, તેમાં ભાગ લેનારા પાર્ટિસિપન્ટ્સને ગુજરાતની જીવંત કલા અને સંસ્કૃતિ તેમજ રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને રાજ્યએ આટલા વર્ષોમાં કરેલા વિકાસને દર્શાવતી એક ફિલ્મ બતાવવામાં આવી હતી.
ઊર્જામંત્રી કનુભાઈ દેસાઇએ તેમના સંબોધનમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે ડિજિટલ પેમેન્ટ્સ, મોબાઈલ આધાર વગેરે જેવી પહેલો દ્વારા પરિવર્તનકારી બદલાવો જોયા છે. ડીબીટી મારફતે, વચેટિયાઓને બાદ કરીને, ગરીબ ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને અન્ય સંબંધિત લાભાર્થીઓના ખાતામાં 200 બિલિયન રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ, ભારત, મેક ઇન ઇન્ડિયા, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ, વોકલ ફોર લોકલ વગેરે જેવી પહેલો સાથે, વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી કરી રહ્યું છે. ભારત જ્યારે 2026-27 સુધીમાં 5 ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને હાંસલ કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પોતાનું નોંધપાત્ર યોગદાન આપશે. આ માટે, રાજ્ય 2026-27 સુધીમાં 500 બિલિયન યુએસ ડોલર અને 2030-32 સુધીમાં 1 ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા રાખે છે.
TDS લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર હિસાનોરી તાકાશીબાએ કહ્યું કે, સુઝુકી ગ્રુપ અને તેના ભાગીદારોએ ગુજરાતમાં રૂ.23,000 કરોડના રોકાણો કર્યા છે અને 47,000 જેટલી રોજગારીનું સર્જન કર્યું છે. અમે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી, ઇલેક્ટ્રિક વ્હીકલ માટે બેટરી પ્લાન્ટ અને વ્હીકલ રિસાયકલિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રૂ.10,000 કરોડનું રોકાણ કરી રહ્યા છીએ. ગુજરાત ભારતની નેટ ઝીરો કાર્બન જર્નીનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છે.
ઝાયડસ લાઇફ સાયન્સીસના ચેરમેન પંકજ પટેલે તેમની ઓપનિંગ રિમાર્ક્સમાં જણાવ્યું કે, ભારતની G20 અધ્યક્ષતા બહુ મહત્વપૂર્ણ સમયે આવી છે અને તમામની સુખાકારી માટે સામૂહિક સહયોગ દ્વારા વૈશ્વિક પ્રાથમિકતાઓ અને પડકારોનો સામનો કરવાની નોંધપાત્ર તક પૂરી પાડે છે. વડાપ્રધાનને હાઇલાઇટ કર્યા મુજબ, આ અધ્યક્ષતા અમૃતકાળની શરૂઆતને ચિહ્નિત કરે છે, જે એક સમાવિષ્ટ, સમૃદ્ધ અને વિકસિત ભારતના ભાવિ તરફ દોરી જાય છે જે માનવ-કેન્દ્રિત અભિગમ સાથેનું એક વિશિષ્ટ ભારત હશે.
અરવિંદ લિમિટેડના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર કુલીન લાલભાઈએ તેમની ક્લોઝિંગ રિમાર્ક્સમાં કહ્યું કે, ગુજરાત હંમેશાંથી ભારતના વિકાસમાં એક લીડીંગ એન્જિન રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે એશિયામાં સૌપ્રથમ એક અલાયદા ક્લાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરી હતી. દેશનો સૌપ્રથમ સોલાર પાર્ક મોઢેરામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો, જે ભારતનું 24X7 સૌર ઊર્જા સંચાલિત ગામ છે. ગ્રીન મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની વિશેષ પહેલ ગુજરાતને ગ્લોબલ વેલ્યુ ચેઇન સાથે જોડવામાં મદદ કરશે.