Thursday, 21 November, 2024

ગુણવત્તાનો આદર

271 Views
Share :
ગુણવત્તાનો આદર

ગુણવત્તાનો આદર

271 Views

Most of the Indian scriptures were transmitted by oral recitation. Mahabharat is no exception to it. On the command of Sage Vyas, Vaishampayan (Vyasa’s disciple), first narrated this story to Janmejay, son of Parikshita. Among many listener, Ugrasrava was one of them. He belonged to lower caste (Sut Putra), yet he was not differentiated on that count. Moreover, he later propagated the message of Mahabharat to the assembly of Rishies at Naimisharanya.

This shows that caste was not a barrier in those days. It was the later day pundits, who segragated society and reserved religious text for selected few on the basis of their caste.

મહાભારત મહાગ્રંથના રસિક ભાવિક શ્રોતાએ અથવા મહાભારતની કમનીય કલ્યાણકથાના ભોક્તાઓ પેલી પ્રસિદ્ધ કવિતાપંક્તિથી સુપરિચિત હશે. એ લોકપ્રિય કવિતાપંક્તિ ઠેરઠેર ગવાતી સંભળાય છે.

“વૈશંપાયન એણી પેરે બોલ્યા સુણ જનમેજય રાય,
વિસ્તારી તુજને કહું છું હું કથાતણો મહિમાય.”

એ પંક્તિઓનું શ્રવણ કરનારને સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પેદા થાય કે વૈશંપાયન કોણ હશે અને એમણે જો કહી હોય તો રાજા જનમેજયને મહાભારતની કલ્યાણકારિણી કથા ક્યારે કયા સંજોગોમાં કહી ?     

મહાભારતના આદિપર્વના આરંભમાં એના પર પર્યાપ્ત પ્રકાશ પાડતાં કહેવામાં આવ્યું છે કે-

“માતા સત્યવતીની આજ્ઞાથી તથા પ્રજ્ઞાશીલ ગંગાપુત્ર ભીષ્મ પિતામહની સલાહથી વીર્યવાન અને ધર્માત્મા કૃષ્ણદ્વૈપાયને વિચિત્રવીર્યની પત્નીઓમાં ત્રણ અગ્નિસમાન અલૌકિક કૌરવપુત્રોને ઉત્પન્ન કરેલા. પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર.”

“એમના જન્મ પછી મહામેઘાવી મહર્ષિ વ્યાસ તપશ્ચર્યા કરવા ફરીવાર એકાંતમાં ગયા.”

“તે ત્રણે વયોવૃદ્ધ બનતાં પરલોકવાસી થયા ત્યારે મહર્ષિ વેદવ્યાસે મહાભારત રચ્યું.”

“એ પછી પરીક્ષિતપુત્ર જનમેજયે અને અન્ય અનેક વિદ્વાનોએ મહાભારતના શ્રવણની ભાવના પ્રદર્શાવવાથી મહર્ષિ વ્યાસે પાસે બેઠેલા પોતાના શિષ્ય વૈશંપાયનને એ મહાન કલ્યાણકારક ગૌરવગ્રંથને સંભળાવવાનો આદેશ આપ્યો. એ આદેશને અનુસરીને વૈશંપાયન મુનિએ યજ્ઞકર્મના અવકાશ વખતે, વારંવાર પ્રેરણા પામીને, સભાસદો સાથે બેસીને સૌને મહાભારત સંભળાવવા માંડ્યું.”

આદિપર્વના આરંભમાં પ્રથમ અધ્યાયમાં મહાભારત મહાગ્રંથના એક અન્ય વક્તાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમનું નામ ઉગ્રશ્રવા અથવા સૂત.

એમના કથાકાર તરીકેના કલ્યાણકર્મ સંબંધી કહેવામાં આવ્યું છે કે-

“એક સમયે લોમહર્ષણના પુત્ર, સૂતવંશી, પુરાણોના પ્રખર અભ્યાસી, સૂતકુળને આનંદ આપનારા ઉગ્રશ્રવા નૈમિષારણ્યના પવિત્ર તપઃપૂત તીર્થમાં કુલપતિ શૌનકના બાર વરસના સત્રમાં દીક્ષિત બનેલા અને પરમ સુખ સહિત વિરાજેલા બ્રહ્મર્ષિઓ પાસે પહોંચી ગયા. એમને અતિશય વિનયપૂર્વક આશ્રમમાં આવેલા અને નૈમિષારણ્યના નિવાસી તપસ્વીઓ એમની પાસેથી કથાશ્રવણ કરવા એમની આજુબાજુ બેસી ગયા.

“સૂતપુત્રે એમને પ્રેમાદરપૂર્વક પ્રણામ કરીને એમની તપશ્ચર્યાના સમાચાર પૂછયા.”

“એ બધા બ્રહ્મર્ષિઓએ તથા તપસ્વીઓએ પણ એમનો અતિશય સ્નેહ અને સન્માનપૂર્વક સત્કાર કર્યો.”

“એમને બેઠેલા જોઇને કોઇ ઋષિએ એમનું શુભાગમન ક્યાંથી થયું અને અત્યાર સુધી ક્યાં વિરાજતા હતા તે વિશે પૂછયું.”

“એમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સૂતપુત્ર ઉગ્રશ્રવાએ જણાવ્યું કે

મહાનુભાવ રાજર્ષિ જનમેજયના સર્પયજ્ઞમાં વૈશંપાયન મુનિએ રાજરાજેન્દ્ર પરીક્ષિતના પરમપ્રતાપી પુત્ર જનમેજયને મહર્ષિ વેદવ્યાસે કહેલી વિવિધ પ્રકારની મનોહર પુણ્યકથાઓ વિધિપૂર્વક સંભળાવેલી. એ સઘળી અપૂર્વ અર્થોવાળી મહાભારત કથાઓ સાંભળ્યા પછી વિવિધ તીર્થો તથા દેશોમાં કરીને હું બ્રાહ્મણોથી સેવાયેલા સમંતપંચક નામના પવિત્ર સ્થાનમાં ગયો. ત્યાં પહેલા કૌરવો, પાંડવો અને બીજા રાજાઓનું યુદ્ધ થયેલું, ત્યાંથી હવે આ આશ્રમે આવ્યો છું તમારી ઇચ્છા હોય તો હું તમને પુરાણોની ધર્મ અને અર્થથી ભરપૂર કથાઓ તથા મહાન નરેશો અને ઋષિમુનિઓનો ઇતિહાસ સંભળાવું.”

“ઋષિઓએ કહ્યું કે પરમર્ષિ દ્વૈપાયન મુનિએ જે પુરાણ કહ્યું છે, તે સાંભળીને દેવો તથા બ્રહ્મર્ષિઓએ ભારે પ્રશંસા કરી છે. આખ્યાનોમાં શ્રેષ્ઠ, વિચિત્ર પદવાળા અને પર્વોથી યુક્ત, સુક્ષ્મ અર્થનું પ્રતિપાદન કરનારા, તેમજ ન્યાયયુક્ત અને વેદોના અર્થોથી અલંકૃત તે ભારત ઇતિહાસની સંહિતા અર્થભરી છે, અનેક શાસ્ત્રોના આશયથી યુક્ત છે, પવિત્ર છે, સંસ્કારશુદ્ધ છે, અને વળી વૈશંપાયને ભગવાન વ્યાસની આજ્ઞાથી જનમેજયના સર્પસત્રમાં તેને વિધિપૂર્વક ને પ્રસન્નતાથી સંભળાવી છે તે ચારે વેદોના અર્થોને સિદ્ધ કરનારી છે. પાપનો ભય હરી લેનારી છે, પુણ્યવતી છે, અને અદભુત કર્મના કરનારા વ્યાસે રચી છે. તે અમે સાંભળવા ઇચ્છીએ છીએ.”

ઋષિઓની એવી આકાંક્ષાના અનુસંધાનમાં સૂતપુત્ર ઉગ્રશ્રવાએ એમને મહાભારતની અદભુત કથા સંભળાવવા માંડી.

એ કથાપ્રસંગમાં સૌથી ઉલ્લેખનીય અગત્યની હકીકત પ્રત્યે અંગુલિનિર્દેશ કરવાનું આવશ્યક લાગે છે. બ્રહ્મર્ષિઓની સભામાં સૂતપુત્ર પહોંચ્યા ત્યારે એ બ્રહ્મર્ષિઓએ એમનું સમુચિત સન્માન કર્યું, એમને ઉચ્ચ આદરણીય આસન આપ્યું, અને એમના શ્રીમુખથી કથાશ્રવણ કરવાની ઇચ્છા પ્રદર્શાવી. એ સઘળું સૂચવે છે કે પ્રાચીન ભારતમાં જાતિ, કુળ કે એવી અન્ય બાહ્ય ઉપાધિની દૃષ્ટિએ કોઇને હલકા કે પછાત માનવા-મનાવવાની પ્રથાનો આશ્રય નહોતો લેવાતો. જાતિ, કુળ કે એવી અન્ય વસ્તુને બદલે ગુણવત્તા કે યોગ્યતાનો આદર થતો. યોગ્યતા જ મહત્વની મનાતી. ગુણો જ પૂજાપાત્ર ગણાતા.ઉગ્રશ્રવા સૂતપુત્ર હોવા છતાં એમની અસાધારણ યોગ્યતાને લીધે વ્યાસપીઠ પર વિરાજીને મહાભારત જેવા મહાન ગ્રંતરત્નના ઉપદેશક બની શક્યા. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતાને વિચારવા જેવી છે. આમાં થયેલું વર્ણાશ્રમપ્રથાનું પ્રવર્તન કોઇને ઉચ્ચ-નીચ, ઉત્તમ અથવા અધમ, માનવા માટે નહોતું થયું પરંતુ સામાજિક સુવ્યવસ્થા માટે થયેલું એ ખાસ યાદ રાખવા જેવું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *