Friday, 6 December, 2024

ગુરુ પૂર્ણિમા નું મહત્વ

396 Views
Share :
ગુરુ પૂર્ણિમા નું મહત્વ

ગુરુ પૂર્ણિમા નું મહત્વ

396 Views

હિંદુઓની સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મના લોકો દ્વારા પણ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ વિનાનું જીવન અધૂરું છે. હિંદુ ધર્મ અનુસાર બૃહસ્પતિ દેવ તમામ દેવતાઓ અને ગ્રહોના ગુરુ ગણાય છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આ૫ણને જ્ઞાન આપે છે.

ગુરુનું જ્ઞાન અને શિક્ષણ એ જીવનનો આધાર છે. તો ચાલો આજે આ૫ણે ગુરૂ અને શિષ્યના ૫વિત્ર સબંઘને મજબુત કરતા તહેવાર ગુરુ પૂર્ણિમા વિશે નિબંધ, સ્પીચ, અહેવાલ, લેખન કરીએ.

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સબંધોને ઉજાગર કરતો તહેવાર છે. ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ, હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર, માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે. આ તહેવાર આપણા દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.

આપણી સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયથી લઈને આજ સુધી ગુરુને હમેશાં શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જિંદગીનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે. આચાર્ય દેવો ભવ. ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે. ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ શિષ્યના પ્રેમને ઉજાગર કરતો દિવસ છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજના સમયમાં શાળા કોલેજોમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીની શરૂઆત ગુરુવંદનાથી કરવામાં આવે છે. ગુરુનો મહિમા સમજાવતા ભજનનું ગાન કરવામાં આવતું હોય છે. ગુરુ પૂર્ણિમા અને ગુરુના માહાત્મ્ય અંગે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ પોતાના ગુરૂજનોના આશીર્વાદ લઈને જીવનમાં પ્રગતિ કરવાનો સંકલ્પ કરે છે. જીવનમાં સફળ થયેલા લોકો પોતાના જીવનમાં આવેલા શ્રેષ્ઠ ગુરુઓને યાદ કરીને ધન્યતા અનુભવે છે તેમજ ક્યાંક ભૂતપૂર્વ ગુરુજીઓના સન્માન સમારોહ પણ યોજવામાં આવે છે.

गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥

ગુરુ શબ્દ બે શબ્દો મળીને બનેલો છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર. ગુરુ એટલે જીવનના અંધકાર માંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર. શિષ્યોના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. ગુરુ દીપકની જેમ જાતે જલીને શિષ્યોના જીવનમાં પ્રકાશ પાથરે છે. જીવનના ખરાબ માર્ગેથી બહાર લાવીને સાચો માર્ગ બતાવે એ ગુરુ. બીજા શબ્દોમાં કહીએ તો ગુરુ એટલે સાચા પથદર્શક, સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક. 

“ગુરુ ગોવિંદ દોનો , ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

ઉપરોક્ત દુહામાં સંત કબીરજી એ ગુરુનો મહિમા બતાવ્યો છે. ગુરુનો મહિમા બતાવતાં કહ્યું છે કે, એક બાજુ ગુરુ અને બીજી બાજુ સાક્ષાત ભગવાન ઊભા હોય તો આપણને દુવિધા છે કે પહેલાં કોને પગે લાગું. ત્યારે પહેલાં ગુરુને જ વંદન કરવા જોઈએ જેમણે તમને જ્ઞાનરૂપી પ્રકાશથી સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો. આપણે ગુરુના હંમેશા આભારી છીએ કે જેમણે આપણને જીવનનો સાચો માર્ગ બતાવ્યો છે.

પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ જંગલમાં આશ્રમ બનાવીને રહેતા હતા. શિષ્યો ગુરુના આશ્રમમાં વિદ્યા મેળવવા જતા હતા. જીવનનાં શરૂઆતના પચ્ચીસ વર્ષ સુધી શિષ્યો ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા. આસપાસના વિસ્તારોમાંથી ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા. કોઈ લાકડાં કાપી લાવતા તો કોઈ જીવન જરૂરી વસ્તુઓ અને ફળો એકત્ર કરીને લઈ આવતા હતા.

ગુરુ પોતાના શિષ્યોને જીવન ઉપયોગી જ્ઞાન આપતા હતા. આ સમયે આશ્રમોમાં શાસ્ત્રોના અભ્યાસ સાથે સાથે શિષ્યોને ધનુર્વિદ્યા જેવું શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપવા આવતું હતું. સાથે સાથે જીવન ઉપયોગી વિવિધ કળાઓમાં શિષ્યોને નિપુણ બનાવવામાં આવતા હતા. રોજિંદા જીવનમાં ઉપયોગી કાર્યોની પણ તાલીમ આપવમા આવતી હતી.

ગુરૂ પૂર્ણિમાના દિવસે શિષ્યો ગુરુને પોતાની શક્તિ મુજબ ગુરુદક્ષિણા આપતા હતા. જેમાં ફળો, ઔષધિઓ કે પોતાની મનગમતી વસ્તુ અપાતાં પણ ખચકાતા નહીં. પ્રાચીન સમયની ગુરુશિષ્ય પરંપરાને યાદ કરીએ એટલે અનેક શિષ્યોને નામ આપણા માનસપટ પર ઉપસી આવે. ગુરુભક્ત એકલવ્યને આપણે કઇ રીતે ભૂલી શકીએ.  એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા માટે ગયો હતો, પરંતુ પોતાની જાતિના લીધે દ્રોણાચાર્યે તેને પોતાના આશ્રમમાં આવવા દીધો નહીં.

આ ઘટનાથી પણ તેની ગુરુભક્તિ ઓછી થઈ નહોતી. તેણે જંગલમાં ગુરુની પ્રતિમા બનાવીને જાતે ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી અને પારંગતતા મેળવી હતી. ધનુર્વિદ્યામાં અર્જુન  કરતા પણ  પારંગત એકલવ્યની પ્રશંસા સાંભળી ગુરુ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચ્યા હતા. તેમને ગુરુ દક્ષિણામાં એકલવ્યનો જમણા હાથનો અંગૂઠો માંગ્યો હતો. જેમણે તેને શિષ્ય તરીકે સ્વીકાર નહોતો કર્યો એવા ગુરુંપ્રત્યે પણ એને અપાર આદર હતો.. એક પણ ક્ષણ વિચાર કર્યા વગર તેણે પોતાના હાથનો અંગુઠો કાપીને ગુરુ દક્ષિણામાં આપી દિધો હતો, નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય. ગુરૂ દક્ષિણા – સામાન્ય રીતે ગુરૂ દક્ષિણાનો અર્થ ઈનામના અર્થમાં લેવામાં આવે છે. પરંતુ તેનો અર્થ વધુ વ્યાપક છે. 

બાળકના પ્રથમ ગુરુ એની જન્મદાતા માતાને માનવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે, ” એક માટે સો શિક્ષકની ગરજ સારે છે.” જીવનનો શરૂઆતનો સમય તે માતા પાસે જ વિતાવે છે અને એ સમયમાં ઘણું બધું શીખી લેતો હોય છે. બાળકના ઉછેર અને સંસ્કારોના સિંચનમાં માતાનું અનેરું સ્થાન રહેલું હોય છે. બાળપણમાં આપેલા સંસ્કારોની અસર એના જીવનમાં હંમેશા રહેતી હોય છે.

કુમળા છોડને જેમ વાળવામાં આવે એમ વળી જાય છે એમ નાના બાળકને જે શીખવવામાં આવે છે  તે જીવનભર ભૂલતો નથી. આ સમયે બાળકમાં સારા સંસ્કારો અને જીવનના આદર્શ માતા પાસેથી જ શીખે છે. સાચું બોલવાની આદત, બીજાનો આદર કરવો, વડીલોને વંદન કરવા, ચોરીના કરવી, અપશબ્દો ના બોલવા, પૌષ્ટિક આહાર લેવો જેવી અનેક સારી આદતો બાળપણથી જ કેળવવી એ માતાની ફરજ બને છે. 

આજના સમયમાં શિક્ષણ વ્યવસ્થા બદલાઈ છે. ગુરુનું સ્થાન શિક્ષકોએ લીધું છે અને પ્રાચીન આશ્રમોનું સ્થાન આજની શાળા કોલેજોએ લીધું છે. બાળક પાંચ વર્ષનો થાય ત્યારથી શિક્ષક પાસે અભ્યાસ માટે જાય છે. શિક્ષકો દ્વારા બાળકોને અક્ષરજ્ઞાનની સાથે સાથે વિવિધ કળાઓ જેવી કે સંગીત, નાટ્યકલા, નૃત્ય, ચિત્રકામ જેવી જીવનજરૂરી કલાઓનું જ્ઞાન આપવામાં આવે છે. બાળકોને અભ્યાસની સાથે સાથે શિસ્ત અને સારી ટેવો શીખવવામાં આવે છે. 

અભ્યાસના એકમોની સાથે સાથે મૂલ્યશિક્ષણના પાઠો અને જીવનના  આદર્શનું સિંચન કરવામાં આવે છે. બાળકોને પ્રકૃતિ પ્રેમ અને પ્રાણીઓ પ્રત્યે કરુણાના પાઠ શીખવવામાં આવે છે. વૈશ્વિક એકતા, વિશ્વ શાંતિ અને સ્ત્રી પુરુષ એકતાના પાઠો શીખવવામાં આવે છે. બાળકને પાયાના જ્ઞાનથી લઈને વિવિધ ટેકનિકલ અને અલગ અલગ શાખાઓનું જ્ઞાન આપવામાં આવે છે. એક ડોક્ટર બીજો ડોક્ટર તૈયાર નથી કરી શકતો, એક વકીલ બીજો વકીલ તૈયાર નથી કરી શકતો, એક એન્જિનિયર એક એન્જિનિયર નથી બનાવી શકતો પણ  એક શિક્ષક જ છે જે આ બધાને તૈયાર કરી શકે છે. એટલે જ હંમેશા ગુરુ કે શિક્ષકનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે અને હંમેશા રહેશે. 

ખરેખર આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ગુરુનું સ્થાન સૌથી શ્રેઠ માનવામાં આવે છે. આપણે હંમેશા ગુરુનો આદર કરવો જોઈએ. સાચી ગુરૂ દક્ષિણા એ જ છે કે તમે તમારાં ગુરૂ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો. અને તેનો સાચો ઉપયોગ કરી, સમાજ ઉપયોગી કાર્યો કરો, પ્રકૃતિ અને દેશની રક્ષા કરો. માનવ માનવ પ્રત્યે તેમજ પ્રકૃતિ પ્રત્યે કરુણાની ભાવના રાખો. ગુરૂદક્ષિણા ગુરૂ પ્રત્યે સમ્માન અને સમર્પણ ભાવ બતાવે છે.

ચાલો હવે આપણે ગુરૂ પૂર્ણિમા વિશે સ્પીચ જોઇએ આ સ્પીચ તમને ગૂરૂ પુર્ણિમાના અવસર પર વકતુત્વ આપવા માટે ખૂબ જ ઉપયોગી થશે, તમે બીજા વિધાર્થીઓ કરતાં કંઇક વિશેષ રીતે બોલી શકશો.

મારા સર્વે ગુુુરૂઓના ચરણોમાં વંદન સાથે નમસ્કાર

ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અહમ ભાગ છે.

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય. બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય

ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે. તેઓ આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાનો સંચાર કરે છે. ગુરુ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે જે આપણને જીવનના અનેક પડકારો સામે લડવાની શક્તિ અને સાચી સમજ આપે છે.

આજે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ અને માન આપીએ છીએ જે આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે. ગુરુ તે છે જે આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે જે આપણા શિક્ષણ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આજની દુનિયામાં, આપણને આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં એક સાચા ગુરૂૂૂની જરૂર અવશ્ય પડે છે. શિક્ષણ હોય, સંગીત હોય, કલા હોય, રમતગમત હોય, વેપાર હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, આપણને એક સારા ગુરુની જરૂર છે જે આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપી શકે.

આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે બધા એકબીજાના શિક્ષક છીએ. આપણા જીવનમાં જે લોકો આપણને જ્ઞાન, અનુભવ અને સંવેદનશીલતા આપે છે તે આપણા ગુરૂ જ છે.

અંતે, હું ગુરુ પૂર્ણિમા પવિત્ર અવરસર પર તમને બધાને વિનંતી કરું છું કે ગુરુનો આદર કરો અને તેમનો આભાર વ્યક્ત કરો. આ એક નાનકડું પગલું છે જે આપણને ગુરુઓ પ્રત્યે આદર અને સન્માનની અનુભૂતિ કરાવે છે.

આભાર સાથે ફરી મારા સર્વે ગુુુરૂઓને વંદન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *