હનુમાન સ્તુતિ
By-Gujju18-05-2023
હનુમાન સ્તુતિ
By Gujju18-05-2023
જે ભક્તરક્ષક કાજ જગમાં પ્રેમથી જાગ્રત રહે,
જે જ્ઞાનભક્તિયોગ બક્ષે તેમ ધર્મકથા કહે,
જે રિદ્ધિ-સિદ્ધિ અર્પનારા સર્વ સંકટને હરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
જે વાયુપુત્ર પ્રબલ છતાંયે વાયુથી ગતિ જેમની,
જે રામભક્ત છતાંયે ભક્તિ શીઘ્ર ફળતી જેમની,
જે વજ્રદેહી સ્વર્ણસુંદર દુષ્ટને દમતાં ખરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
જે બ્રહ્મચારી પૂર્ણજ્ઞાની ગુણતણાં ભંડાર છે,
જે શાંતિસાગર પ્રેમભીના દુષ્ટનાં અંગાર છે,
કલ્યાણ કાજે વિશ્વના જે આદિથી સાધન કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
જે રામના ચરણાનુરાગી રામમાં રમનાર છે,
જે રામસીતા કૃપાપાત્ર કૃપાતણાં કરનાર છે,
જે રામમાં રાખી રહેલા પ્રાણ આશ બધી પૂરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
સુગ્રીવને મૈત્રી કરાવી રામ સાથે જેમણે,
રાજા કર્યા ને રામનાં કાર્યો કર્યા કંઈ તેમણે,
તનમન મુકીને રામની દિન-રાત જે સેવા કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
ઓળંગતા સાગર ગયા સીતાતણી જે શોધમાં,
લંકા પ્રજાળી, કૈંક માર્યા અસુર જેણે ક્રોધમાં,
જે વિભિષણનાં પૂજ્ય, પૂજ્ય ગણી જનો જેને સ્મરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
સંજીવની લાવી ઉગાર્યો વીર લક્ષ્મણ જેમણે,
લંકામહીં યુદ્ધે ચઢીને કરી સેવા જેમણે,
તે અંજનીના વીરને સ્મરતાં નહીં તે શું કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
રે ચિત્ત તું હનુમાનને ભજ દુઃખ તે સૌ ટાળશે,
સૌ તાપ ટાળીને ખરેખર મોતને પણ મારશે,
એવી સમજ રાખી સુજન પણ જેમની ભક્તિ કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
જેનો પ્રતાપ અખંડ કલિયુગમાં તપે સૂરજ સમો,
તેનાં જ સેવનથી લભીયે સર્વવિધ મંગલ અમે,
જેના વિશે એવી કથા અનુભવ તણી જ્ઞાની કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
દોડ્યા સૂરજને જે પકડવા ફળ સમજતાં જન્મતાં,
જેની કૃપાની યાદથી બંધન બધાંયે કંપતા,
જે પ્રતાપીનું પૂચ્છ યે ના ભીમથી હાલ્યું ખરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
જે તેલ ને સિંદૂરથી બળ તેજની શિક્ષા ધરે,
જેની ગદા દિનરાત સાચા ભક્તની રક્ષા કરે,
વિદ્વાન પણ જે વીરનાં ગુણગાન પૂરાં ના કરે,
ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.
આ રામનાં પરમધામ મહીં કરું છું,
આ પ્રેમગાન હનુમંત પ્રભુ તમારું,
ગોદાવરી તટ પરે તમને સ્તવું છું,
તો કાર્ય સિદ્ધ કરજો સઘળુંય મારું.
આ દિવ્ય સ્થાન પ્રિય પંચવટી તણું છે,
તે રામસ્પર્શ લભતાં મધુરું થયું છે,
ત્યાં વાસ હોય નિત વીર સદા તમારો,
એથી જ આ સ્તવન મેં રસથી કર્યું છે.
સ્તવે જે તમને પ્રેમે તેની આશ બઘી પૂરો,
બની પ્રસન્ન તો આવી ક્લેશ મારા બધાં હરો.
– શ્રી યોગેશ્વરજી