Saturday, 27 July, 2024

હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ

260 Views
Share :
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ

હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ

260 Views

જય ને વિજય સનત્કુમારોનો શાપને સાંભળીને ભયભીત બન્યા ને ધ્રુજવા લાગ્યા. એમને ખબર હતી કે ઋષિઓનો શાપ મિથ્યા નથી થતો. પોતે કરેલા અક્ષમ્ય અપરાધનું પણ એમને સ્મરણ હતું.

કોઇને થશે કે જયવિજયે ઋષિકુમારોને અટકાવીને પોતાના દ્વારપાલ તરીકેનાં કર્તવ્યનું જ પાલન કરેલું. એ કર્તવ્યપાલનને લીધે એમને શાપ આપીને અન્યાય કરવામાં આવ્યો એવું ના કહેવાય ? આપણે કહીશું કે ના. એવું ના કહેવાય. એમણે કર્તવ્યનું પાલન કર્યું હોત તો શાંત ને સ્વસ્થ ચિત્તે નમ્રતાપૂર્વક મીઠી વાણીથી ને સરસ વ્યવહારથી વર્તીને કર્યું હોત. પરંતુ એમની રીતભાત જુદી જ હતી. એ રીતભાત સહેજ પણ સારી નહોતી. એમણે કર્તવ્યપાલન કરવાને બદલે એ લોકોત્તર મહાત્મા પુરુષોનું અસાધારણ અપમાન કરેલું. એમને દંડપાત્ર સમજવામાં આવ્યા. કર્તવ્યનું પાલન પણ ઉદ્દંડ બનીને ઉધ્ધતાઇપૂર્વક ના કરવાનું હોય; પ્રેમ, શાંતિ અને નમ્રતાથી કરવું ઘટે; એ સમજી લેવાની આવશ્યકતા છે.

જય અને વિજયને એ સમજતાં વાર ના લાગી. તેથી તો તેઓ એ મહાપ્રતાપી મહાપુરુષોના ચરણમાં પડયા ને કહેવા લાગ્યા કે તમે અમને જે યોગ્ય હતો તે દંડ કર્યો છે. તમને તમે આપેલા શાપને માટે સહેજ પણ અફસોસ થતો હોય તો એ અસ્થાને છે. તમે અમારી ઉપર એટલી અનુકંપા અવશ્ય કરો કે અમે જે જે યોનિમાં જન્મ લઇએ તે તે યોનિમાં ભગવાનની સુમધુર સ્મૃતિથી વંચિત ના બનીએ.

સનત્કુમારોએ એમની માગણીને માન્ય રાખી. એ મહાપુરુષોને શાપ, અને એ પણ એવો ઘોર શાપ આપવા માટે અફસોસ અવશ્ય થયો હશે. ભાગવતમાં આવતા ઉલ્લેખ પરથી એ સ્પષ્ટ થાય છે. જયવિજયે એમને અપમાનપૂર્વક અંદર જતા અટકાવ્યા ત્યારે એ પોતાનો પરિચય પૂરો પાડીને કહી શક્યા હોત કે તમારા સ્વામીને પૂછી આવો. અમે એમને મળવા માગીએ છીએ. પરંતુ એને બદલે ઘટનાએ એવી વિચિત્ર રીતે વળાંક લઇ લીધો. જે કાંઇ થવાનું હતું તે થઇ ગયું.

એ આખીય ઘટનાની માહિતી મેળવીને ભગવાન ત્યાં લક્ષ્મીની સાથે આવી પહોંચ્યા. ઋષિઓએ એમને પરમપુજ્યભાવે પ્રેમપૂર્વક પ્રણામ કર્યા, અને એમની સ્તુતિ કરી. ઋષિકુમારોની શ્રદ્ધાભક્તિસંયુત સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા.

સ્વામી પોતાના સેવકોનો જ સદા પક્ષ લે અને સેવકોના દોષોને ઢાંકે તો તેને આદર્શ સ્વામી ના કહી શકાય. સ્વામીની એવી વૃત્તિ કે પ્રવૃત્તિથી સેવકો સુધરે નહિ પરંતુ બગડે ને સ્વામીના નામને પણ બગાડે. ભગવાન એવા નિર્બળ સ્વામી ન હતા. એમણે સનત્કુમારોને કહ્યું કે મારા આ બંને પાર્ષદોએ તમારું જે અસાધારણ અપમાન કર્યું છે તેને માટે તમે એમને કરેલો દંડ સર્વપ્રકારે યોગ્ય જ છે. તેમની દ્વારા થયેલું અપમાન મારી દ્વારા કરાયું એવું જ માનું છું. આવા સ્વચ્છંદી સેવકો મારે ત્યાં હોય તેથી મારી કીર્તિ ઘટે છે. સેવક પોતાના ઉત્તમ વર્તનથી સ્વામીની કીર્તિને વધારી પણ શકે છે અને અધમ વર્તન કરીને ઘટાડીને નષ્ટ પણ કરી શકે છે. હવે તમે એટલી વિશેષ કૃપા અવશ્ય કરો કે પોતાને સાંપડેલા શાપને વહેલી તકે ને થોડા સમયમાં પૂરો કરીને આ બંને પાર્ષદો પવિત્ર વૃત્તિ તથા વ્યવહારવાળા થઇને પાછા અહીં આવી પહોંચે.

ભગવાનના શબ્દો સનત્કુમારોના અંતરાત્માને આનંદ આપે એ સ્વાભાવિક હતું. સારી, સારવાહી, સુધામયી વાણી સૌ કોઇને આનંદ આપે છે તો આ તો ભગવાનની અલૌકિક વાણી હતી. સનત્કુમારોનું સર્વ કાંઇ એથી સાર્થક થયું. એમણે ભગવાનને શાપમાં જે કાંઇ છુટછાટ મૂકવી હોય તે મૂકવાની પ્રાર્થના કરી ત્યારે ભગવાને જણાવ્યું કે આ બંને પાર્ષદો અસુરયોનિની પ્રાપ્તિ કરી ત્યાં ક્રોધાવેશથી વધેલી એકાગ્રતાથી દૃઢ યોગાભ્યાસની રુચિને કેળવીને ફરી પાછા આવી પહોંચશે.

ઋષિકુમારો ભગવાનને ફરીવાર વંદન કરીને વૈકુંઠના દિવ્ય દર્શનનો આનંદ અનુભવીને વિદાય થયા એટલે ભગવાને જય તથા વિજયને આશ્વાસન આપ્યું. એ પછી જય તથા વિજય નિસ્તેજ બની ગયા અને વૈકુંઠમાંથી નીચે પડ્યા.

એ બંને પાર્ષદો દિતિના ઉદરમાંથી હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ બનીને પ્રકટ થયા. એમના જન્મની સાથે જ જગતમાં જાતજાતના અશુભ ઉત્પાતો થવા લાગ્યા. એથી પ્રજા પીડિત ને ભયભીત બની.

બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કરીને હિરણ્યકશિપુ અહંકારી બની ગયો. હિરણ્યાક્ષ નાનો હોવાં છતાં એનાથી કોઇ રીતે પાછો પડે તેવો ન હતો. એકવાર તે યુદ્ધની લાલસાથી હાથમાં ગદા લઇને સ્વર્ગલોકમાં પહોંચી ગયો. એને દેખીને દેવતાઓ ભયભીત થઇને છુપાઇ ગયા. ભાગવતમાં પ્રથમથી જ કહેવામાં આવ્યું છે કે હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ સુવર્ણના મુકુટની અણીથી છેક આકાશને સ્પર્શ કરતા. સત્તરમા અધ્યાયના સત્તરમાં શ્લોકના આરંભમાં એવું જ કહ્યું છે કે : ‘दिविस्पृशौ हेमकिरीटकोटिभिः’ એનો અર્થ શો ? અર્થ ગમે તે કરવામાં આવે પરંતુ ભાવાર્થ એજ છે કે એ બંનેને કેવળ આ પૃથ્વીની સંપત્તિમાં સંતોષ નહોતો લાગતો. એમની લાલસા, વાસના તથા તૃષ્ણા પૃથ્વીની ઉપર ઊઠીને છેક આકાશમાં પહોંચેલી ને સમસ્ત બ્રહ્માંડમાં છવાયલી. એમણે પરમાત્માના પવિત્ર પ્રેમના કે પ્રજ્ઞાના મુકુટો નહોતા પહેર્યા પરંતુ સ્થૂળ સુખ સંપત્તિ તથા સત્તાના લોભના, અનંત વિષય લાલસાના, મુકુટો પહેરેલા. એ મુકુટો એમને સાચા અર્થમાં સુશોભિત નહોતા કરતા ને શાંતિ અથવા આનંદ નહોતા આપી શક્તા.

દેવોને ભયભીત જાણીને હિરણ્યાક્ષ ત્યાંથી ગર્જના કરતાં પાછો ફર્યો. પરંતુ એને શાંતિ તો હતી જ નહિ. એટલે એણે વરસો સુધી સમુદ્રમાં ઉપદ્રવ મચાવ્યો અને પછી એ વરુણદેવની વિભાવરી નગરીમાં જઇને આતંક ફેલાવવા લાગ્યો. એણે વરુણદેવની પાસે યુદ્ધની માગણી કરી ત્યારે વરુણદેવે શાંતિથી જણાવ્યું કે તારી સાથે સારી રીતે યુદ્ધ કરવાની શક્તિ મને ભગવાન વિના બીજા કોઇનામાં નથી દેખાતી, તું તે ભગવાન પાસે જા તો તે તને અહંકાર-રહિત કરી દેશે. તે ભગવાન તારા જેવા દુષ્ટોનો નાશ કરવા ને સત્પુરુષોની સુરક્ષા કરવા જ અવતાર લે છે.

એ પછી એણે વરુણ ભગવાન સાથે યુદ્ધ કરીને પોતાનો નાશ નોતરી લીધો એ આગળપર આવી જ ગયું છે.

સંસારમાં શ્વાસ લેનારા માનવોના ત્રણ પ્રકાર છે. એક પ્રકારના માનવો બીજાના સુખ દુઃખને દેખીને તદ્દન તટસ્થ રહે છે ને બીજાને ઉપયોગી થવા કશું જ નથી કરતા. બીજા પ્રકારના માનવો બીજાને પીડા પહોંચાડે છે અને અનેક જાતના અનર્થો કરીને બીજાની સુખાકારીનો અને શાંતિનો નાશ કરે છે. એમનાં કર્મો જગતને માટે કલ્યાણકારક નથી હોતાં. ત્રીજા પ્રકારના માનવો જરાક જુદા હોય છે. એ સ્વયં દુઃખ ભોગવીને કે વિપત્તિ વેઠીને પણ બીજાને સુખ શાંતિ પહોંચાડવાના પ્રયત્નો કરે છે ને બીજાને ભૂલેચૂકે પણ હાનિ નથી પહોંચાડતા. બીજા પ્રકારના માનવો રાક્ષસ જેવા છે ને ત્રીજા છેલ્લા પ્રકારના દેવતા જેવા. એમનાથી પણ વધારે ઊંચા. એમનાં જીવન સાચા અર્થમાં સફળ છે. એ ત્રણે પ્રકારના માનવોમાં કયા પ્રકારના થવું એ માનવના હાથની વાત છે. અત્યારે પોતે એ પ્રકારોમાંથી કયા પ્રકારમાં છે ને કેવું જીવન જીવી રહ્યો છે તેનો નિર્ણય પણ એ પોતે કરી શકે છે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *