Wednesday, 11 September, 2024

જડભરત અને રાજા રહુગણ

278 Views
Share :
જડભરત અને રાજા રહુગણ

જડભરત અને રાજા રહુગણ

278 Views

ભાગવતના પાંચમા સ્કંધના દસમા અધ્યાયથી પ્રારંભીને તેરમા અધ્યાયપર્યંત ચાર અધ્યાયોમાં જડભરત અને રાજા રહૂગણના પ્રસંગને અંકિત કરવામાં આવ્યો છે. એ પ્રસંગ પણ સુખ કે દુઃખ જે આવે તેને કોઇ પણ પ્રકારના પ્રતિકાર વિના ઉદાસીનતાપૂર્વક શાંતિથી સહન કરવાની જડભરતની વિશિષ્ટ દૃષ્ટિ તથા પદ્ધતિનો પરિચાયક છે. સાથે સાથે એમના અસાધારણ આત્મજ્ઞાનને પણ રજૂ કરે છે.

તત્વજ્ઞાનની જિજ્ઞાસાથી કપિલ ઋષિના આશ્રમ તરફ જઇ રહેલા સિંધુ તથા સૌવીર દેશના રાજા રહુગણની પાલખી ઉપાડવા માટે એક પુરુષની આવશ્યકતા હોવાથી ઇક્ષુમતી નદીના તટ પર પાલખી ઉપાડનારાના અધિકારીએ એવા પુરુષની શોધ કરવા માંડી. માર્ગમાં મળેલા જડભરતને સર્વ પ્રકારે સુયોગ્ય સમજીને એણે પાલખી ઉપાડવાના કામમાં લગાડ્યા. જડભરતે મૂંગામૂંગા એ કામ કરવા માંડ્યું તો ખરું પરંતુ જીવનમાં પ્રથમવાર જ એવું કામ કરતા હોવાથી એ એને ન્યાય ના કરી શક્યા. પાલખી ઘડીમાં ઊંચી તો ઘડીમાં નીચી થવા લાગી. જડભરત કોઇ જીવની હિંસા ના થાય એ માટે ખૂબ જ સંભાળપૂર્વક ચાલતા હોવાથી બીજા કરતાં પાછા પડી જતા. એ જોઇને રાજા રહુગણે એમને ક્રોધે ભરાઇને ઠપકો આપતાં કહેવા માંડ્યું કે તું જીવતાં જ મરી ગયો લાગે છે. જેમ યમદેવ મનુષ્યોને શિક્ષા કરે છે તેમ મારે પણ તારા પ્રમાદને માટે તને ભયંકર શિક્ષા કરવી પડશે. તે સિવાય તારી બુદ્ધિ ઠેકાણે નહિ આવે.

રહુગણે એવું તો કેટલુંય કહ્યું ત્યારે જડભરતે શાંતિપૂર્વક સ્મિત કરતાં એને ઉત્તર આપ્યો. એ ઉત્તર જ્ઞાનથી ભરપુર હોવાથી ખાસ ઉલ્લેખનીય છે. એનો સારાંશ સમજવા જેવો છે. જડભરતે જણાવ્યું કે તારું કથન સત્ય છે. ભાર નામે કોઇ પદાર્થ નથી. તેને દેહની સાથે સંબંધ નથી, અને દેહની સાથે મારે સંબંધ નથી. તેં કહ્યું કે ‘તું પુષ્ટ નથી’ એ પણ સત્ય છે, કારણ કે જ્ઞાનીઓ ચેતનને પુષ્ટ નથી માનતા. સ્થૂળતા, કૃશતા, વ્યથા, ક્ષુધા, તૃષા, ભય, કલહ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા, નિદ્રા, મૈથુન, ક્રોધ, અહંકાર, મદ તથા શોક દેહની સાથે જન્મેલાને હોય છે; મને નથી: વિકારવાળા બધા પદાર્થો જીવતાં મરેલા જેવા જ છે. રાજા તથા સેવકના ભેદ કેવળ વ્યવહારિક છે, વાસ્તવિક નથી. તું મને શિક્ષા કરવાની વાત કહે છે પરંતુ હું તો સ્વરૂપને પામી ચૂક્યો છું. એટલે મને મુક્તને શિક્ષાની અસર શી થવાની ? કદાચ હું મુક્ત ના હોઉં ને જડ હોઉં તો પણ મને શિક્ષાદિ કરવાનું વ્યર્થ છે.

એવા જ્ઞાનયુક્ત શબ્દો સંભળાવીને જડભરત ફરી પાછા પાલખી ઉપાડવા લાગ્યાં. જીવનમુક્ત જ્ઞાની પુરુષો વ્યક્તિગત માનપાન કે સુખદુઃખથી અલિપ્ત રહે છે. એને એ એટલું બધું-અજ્ઞાની અથવા વિષયી મનુષ્યો જેવું મહત્વ નથી આપતા. એ એમની નિમ્ન પ્રકૃતિ પર વિજય મેળવી ચુક્યા હોય છે.

જડભરતના શબ્દોને શાંભળીને રહુગણના હૃદયપ્રદેશમાં પ્રકાશ થયો. એને સમજાયું કે જડભરત કોઇ સામાન્ય પુરુષ નથી. એ તરત જ પાલખી પરથી ઉતરીને જડભરતના પગમાં પડ્યો ને ક્ષમા પ્રાર્થનાપૂર્વક કહેવા માંડ્યો કે તમારા સત્ય સ્વરૂપને  સમજી ના શકવાથી હું તમારો અનાદર કરી બેઠો. તમે સાચેસાચ કોણ છો ? દત્તાત્રેય જેવા કોઇક અવધૂત છો ? કોના સુપુત્ર, ક્યાંના નિવાસી છો, અને ક્યા વિશિષ્ટ હેતુથી વિચરણ કરો છો ? તમે પોતે પરમ કૃતકૃત્ય મહાજ્ઞાની કપિલ મુનિ તો નથી ? હું આત્મજ્ઞાનના અવતાર જેવા મહર્ષિ કપિલને આ સંસારમાં શું શરણ લેવા જેવું છે તે પૂછવા માટે જઇ રહ્યો છું. એ કપિલ મુનિ તમે પોતે જ હો તો તો મારું ભાગ્ય ઊઘડી ગયું એમ જ લાગે છે. મારા જેવો ગૃહાસક્ત મંદબુદ્ધિ માનવ તમારા જેવા દિવ્ય યોગીવરની ગતિને કેવી રીતે જાણી શકે ? મેં અહંકારથી ઉન્મત્ત બનીને તમારા જેવા મહાપુરુષનું અપમાન કર્યું તેનું મને દુઃખ છે. તમે સમસ્ત સંસારના મિત્ર, સમભાવથી સંપન્ન અને દેહાધ્યાસથી રહિત છો. મારી ઉપર કૃપાદૃષ્ટિ કરીને મને શાંતિ આપો.

રહુગણની પ્રાર્થનાને લક્ષમાં લઇને જડભરતે એને અનુભવપૂર્ણ આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી એને અભિનવ જ્ઞાન પ્રકાશની પ્રાપ્તિ થઇ. જડભરતના સદુપદેશનો કેટલોક કલ્યાણકારક સારાંશ આ રહ્યો, :

‘મન જો વિષયોમાં આસક્ત થાય છે તો દુઃખ આપે છે ને વિષયોમાં આસક્તિ કરતું નથી તો મુક્તિ પ્રદાન કરે છે. ’

‘મનુષ્ય સર્વે સંગોનો ત્યાગ કરી, ષડરિપુને જીતી, જ્ઞાનની મદદથી માયાને દૂર કરી દઇ, આત્મતત્વને નથી જાણતો ત્યાં સુધી સંસારમાં ભમ્યા કરે છે.’

‘મન જ શોક, મોહ, રોગ, રાગ, લોભ તથા વેરનું કારણ છે અને મમતા પેદા કરે છે. એ મનરૂપી શત્રુને શ્રીહરિના ચરણકમળની ઉપાસનારૂપી શસ્ત્રથી છેદી નાખ.’

જડભરતનાં વચનો રહુગણને માટે અમૃતતુલ્ય થઇ પડ્યાં. એથી એના સઘળા સંશયો છેદાઇ ગયા. એને શુદ્ધતર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ.

જડભરતે રહુગણને બીજો આવશ્યક ઉપદેશ પણ પ્રદાન કર્યો. એ ભાગવતના અમર ઉપદેશોમાંનો એક હોવાથી એને ભાગવતની મૂળ ભાષામાં જ રજૂ કરીએ :

रहुगणैतत्तपसा न याति न चेज्यया निर्वपणाद् गृहाद्वा ।
न च्छन्दसा नैव जलाग्निसूयैर्विना महत्पादरजोङभिषेकम् ॥
(સ્કંધ પ, અધ્યાય ૧ર. શ્લોક ૧ર.)

‘હે રહુગણ ! એ પરમ સત્યરૂપી પરબ્રહ્મની પ્રાપ્તિ મહાપુરુષોની ચરણરજને મસ્તક પર ચઢાવ્યા વિના કેવળ તપ કરવાથી, યજ્ઞયાગનો આશ્રય લેવાથી, અતિથિસત્કારથી, ગૃહસ્થોચિત કર્મોથી, વેદાદિ શાસ્ત્રોના સ્વાધ્યાયથી કે જળ, અગ્નિ અને સૂર્યની ઉપાસના કરવાથી પણ નથી થતી.’

‘મારા પૂર્વ જન્મમાં હું ભરત નામે રાજા હતો. જોવાયલા અને સંભળાયેલા વિષયોના સંગદોષથી મુક્ત હતો. કેવળ ભગવાનની ભક્તિમાં મેં મારા મનને લગાડેલું. પરંતુ મૃગનો સંગ થવાથી મારા જીવનધ્યેયને હાનિ પહોંચી અને મારે મૃગ થવું પડ્યું. ’

‘એવી રીતે મૃગના શરીરની પ્રાપ્તિ થવા છતાં શ્રીકૃષ્ણ ભગવાનની સેવાથી મને પૂર્વજન્મની સ્મૃતિ રહેલી. પૂર્વજન્મની એ સ્મૃતિ આજે પણ કાયમ રહી છે. હવે હું સર્વ પ્રકારના સંગથી રહિત બનીને, ખૂબ જ સાવધાન રહીને, ગુપ્ત રીતે વિચરું છું.’

જડભરતના સ્વાનુભવયુક્ત શબ્દોને સાંભળવાથી રહુગણનો અવિદ્યાજન્ય મોહ મટી ગયો. એને નવી દૃષ્ટિ કે સન્મતિ મળી. જડભરત જેવા લોકોત્તર મહાપુરુષના મેળાપથી કોનું શ્રેય ના સધાય ? સૂર્યનો પ્રકાશ પથરાતાં અંધકાર રહી શકે ખરો ? રહુગણનું જીવન પણ અવનવીન પ્રકાશે પુલકિત બન્યું.

સર્વ જન્મોમાં મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ છે. બીજા સ્વર્ગાદિ લોકોની પ્રાપ્તિ થાય તો પણ શું ? એમાં જડભરત જેવા સત્પુરુષોનો સમાગમ એટલા બધા પ્રમાણમાં નથી થતો. એવા સ્વનામધન્ય પ્રાતઃસ્મરણીય શ્રેષ્ઠ સત્પુરુષોની પવિત્ર પદરજથી મનુષ્યનાં પાપો નાશ પામે છે અને એને ભગવાનની અલૌકિક ભક્તિની પ્રાપ્તિ થાય છે. એવા સત્પુરુષોના સ્વર્ગસુખદ સમાગમથી શું નથી થતું ? એમના શુભાશીર્વાદ સદા સુખમય ઠરે છે.

મનુષ્ય જન્મની સાચી સફળતા સ્વનામધન્ય સાચા સત્પુરુષોના સંસર્ગમાં અને એ દ્વારા સાંપડતી ભગવાનની ભક્તિમાં રહેલી છે. જીવનમાં બીજું બધું જ હોય પરંતુ એ ના હોય તો જીવનની સફળતા, શોભા ને સંપૂર્ણતા અધુરી રહી જાય છે. રહુગણના જીવનની એ ક્ષતિની પૂર્તિ થઇ. એણે જડભરતની પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરી.

જડભરત રાજા રહુગણના જીવનમાં પ્રકાશ પાથરીને શાંતિથી ચાલવા માંડ્યા.

જીવનની તે જ ક્ષણો-પાવન પળો ધન્ય છે જે સંતસમાગમમાં, સંતસેવામાં અને આત્મવિકાસની સાધનામાં પસાર થાય છે; જે જીવનને વિષયાભિમુખ બનાવવાને બદલે વધારે ને વધારે ઇશ્વરાભિમુખ બનાવે છે; અને જે જીવનને અંધકારથી પ્રકાશમાં. અશાંતિમાંથી શાંતિમાં, અસત્યમાંથી પરમસત્યમાં ને બંધનની અવસ્થામાંથી નિર્બંધાવસ્થામાં લઇ જાય છે, તે જ પળો જીવનની સાચી પળો છે. જે પળો વિવિધ વિષયોના સેવનમાં, પ્રમાદમાં અને દુષ્કર્મમાં વીતે છે તે પળો જીવનનો હાસ કરે છે ને જીવનને અંધકારથી ભરે છે. જીવરૂપી પ્રવાસીએ જીવનનો પુણ્યપ્રવાસ ખૂબ જ વિવેકપૂર્વક સંભાળીને કરવો જોઇએ. તો જ તે પ્રવાસ સફળ થાય.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *