Sunday, 22 December, 2024

જળકમળ છાંડી જાને બાળા

338 Views
Share :
જળકમળ છાંડી જાને બાળા

જળકમળ છાંડી જાને બાળા

338 Views

જળકમળ છાંડી જાને બાળા – ચાર અલગ સ્વરમાં

MP3 Audio

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે … જળકમળ

કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? … જળકમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારિયો … જળકમળ

રંગે રૂડો, રૂપે પુરો, દીસંતો કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો … જળકમળ

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો … જળકમળ

શું કરું નાગણ હાર તારો ? શું કરું તારો દોરિયો ?
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ? …જળકમળ

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવિયો … જળકમળ

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુ:ખ આપશે,
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ

બેઉ કર જોડી વિનવે, સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ

થાળ ભરીને નાગણ સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો … જળકમળ

 – નરસિંહ મહેતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *