Saturday, 23 November, 2024

જન્માષ્ટમી વ્રત કથા

140 Views
Share :
જન્માષ્ટમી વ્રત કથા

જન્માષ્ટમી વ્રત કથા

140 Views

જન્માષ્ટમી વ્રત વિધિ: શ્રાવણ વદ ૮ ના દિવસે સવારે દાતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરવું. સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ભગવાન શ્રીકૃષ્ણની કથા વારતા સાંભળવી. ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સુગંધિત ચંદન તથા પુષ્પોથી પૂજન કરવું. વિવિધ વાજિંત્રો સાથે ભજન કરવાં. બીજે દિવસે બ્રમ્હાભોજન કરાવી પારણાં કરવાં.

કૃષ્ણ જન્માષ્ટમી વ્રત કથા

મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ.

ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દૃષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી. રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો.

પવનરેખા કાંઈ સમજી નહિ ને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો. નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું, આ કંસ કાળનેમીનો અવતાર હતો.

કંસમાં જન્મથી જ રાક્ષસનાં લક્ષણો હતાં. આઠ વર્ષની વયે તો તે મગધદેશમાં ગયો અને જરાસંધ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો. આવો તે બળવાન હતો.

કંસના કાકા દેવકને એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળીપોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વસુદેવ નામના યાદવ સાથે તેનાં ધામધૂમથી લગ્ન થયાં.

આજે કંસના આનંદનો પાર ન હતો. તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો.

રથ થોડે દૂર ગયો, ત્યાં આકાશવાણી થઈ : ‘હૈ કંસ ! આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે.’ આટલું સાંભળતાં કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેને થયું,

જો હું દેવકીને મારી નાંખુ તો તેને બાળક ક્યાંથી થશે ! તેણે ઝટ ખડગ કાઢ્યું અને દેવકીને મારવા ગયો. ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી-હત્યાનું પાપ લાગશે.

તમને દેવકીના બાળકનો ડર લાગતો હોયતો દેવકીને મારવાનું કારણ શું ? તેને જેટલાં બાળકો જન્મશે તેટલાં હું તમોને આપતો જઈશ.

વસુદેવની વાત કંસને ઠીક લાગી. પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે, કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું ? ઝટ તેણે રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન-બનેવીને કારાગૃહમાં પૂર્યાં.

કંસના પિતા ઉગ્રસેન કાંઈ ‘હા, ના’ કહે તે પહેલાં તેમને પણ ગાદી ઉપરથી ઊઠાડી મૂકી કારાગૃહમાં પૂર્યા. આમ કંસ પોતાના પિતાના જીવતાં જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ.

થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં. તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો ! આમ દેવકીના એક પછી એક છ પુત્રોનો કંસે નાશ કર્યો.

આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું.

દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો, દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની. દેવો ગોવાળિયાઓ બન્યા.

દેવકી સાતમી વાર સગર્ભા થઈ, તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો.

આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને નવમાસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાંખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષાવતાર ગણાય છે. દેવકી આઠમીવાર સગર્ભા થઈ.

ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આજ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો.

દેવકી ને વસુદેવ કારાગૃહમાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાંની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો.

પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા.

વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહનાં લોખંડી બારણાં ઉઘાડાં રહી ગયાં હતાં. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દૃષ્ટિ કરી, તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો.

તેઓએ બાળક-કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનામાં પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું.

આજે તેમના શરીરમાં દૈવી શક્તિનો સંચાર થયો હોય તા તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો, ઘૂઘવતી યમુના જાણે શાંત બની ગઈ !

વસુદેવ ક્ષેમકુશળ ગોકુળમાં નંદરાજાને ઘરે ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું.

જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેને શ્રદ્ધા હતી કે, તે છોકરી છે એટલે કંસ નહિ મારે.

વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા. વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી કારાગૃહનાં બારણાં બંધ કરી દીધાં. વાત સાંભળી દેવકીને નિરાંત વળી.

સવારે કંસને ખબર પડતાં એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી. વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું : ‘રાજન્ ! દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહિ આવે.’

કંસે કહ્યું : ‘વસુદેવ ! તમારું કહેવું ખરૂં છે, પરંતુ બતાવો તો ખરા ! વસુદેવે વહાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરી જોઈ ખડખડાટ હસી પડ્યો.

અને બોલ્યો : ‘વસુદેવ ! હું મૂરખો નથી કે હાથે કરીને કૂવામાં પડું ! આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી…

પણ આ શું છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતાં જતાં બોલી : ‘કંસ ! ઈશ્વરલીલા તું શું સમજી શકે ? મૃત્યુ ટાળવા તેં અનેક બાળહત્યાઓ કરી, પણ મૂર્ખ ! તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઊછરી રહ્યો છે !’

આ દૈવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસમિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ-મથુરાનાં બાળકોને મારી નાંખવાનું કામ સોંપ્યું.

પૂતના માસીરૂપે નંદરાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણનેસ્તનપાન કરાવવા ખોળામાં લીધા પરંતુ કૃષ્ણે પોતાને સાટે નાગને સ્તનપાન કરાવ્યું, ઘડીકમાં પૂતના મૃત્યુ પામી.

કંસની આખી યોજના ફોગટ ગઈ. ત્યાર પછી કંસે બકાસુર, ધૈનુકાસુર, કેશી, આધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો.

કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી, છેવટે તેણે અક્રૂરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા.

ગોપીઓની વિદાય લઈ અક્રુરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાતજાતની યુક્તિઓ કરી રાખી હતી.

કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો. તે વેળા કંસે કુવલયાપીડ નામના મદોન્મત્ત હાથીને છૂટો મૂક્યો.

હાથી ને પોતાના સામે ધસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતુશળને ઉખાડી લીધો અને એ જ જંતુશળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો.

ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી. તેણે ચાણુર અને મૂષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. કૃષ્ણે મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો.

આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું. કૃષ્ણને મારવાનું કાવત્રું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો.

વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા.

કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રૂજી ગયો, છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો, કૃષ્ણ પાસે આવ્યા, ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા.

કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મૂષ્ટિપ્રહાર કર્યો ! કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મૂષ્ટિપ્રહારોથી તેનો પ્રાણ લીધો.

કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રીકૃષ્ણના જયધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું.

કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા. પોતાનાં માતા પિતાને મુક્ત કર્યાં. દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યાં, તેમના આનંદનો પાર રહ્યો નહિ.

કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધનમુક્ત કરી રાજ્યલોભ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા. ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી, દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી.

મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી, અર્જુનને ગીતા રૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાનાં બળ, બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો.

આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે સમગ્ર ભારતમાંથી આતતાયીઓનો નાશ કર્યો. તેઓ વિષ્ણુના આઠમા અવતાર હતા અને જન્મ પણ આઠમના દિવસે થયો હતો, આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે.

જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *