જરાસંઘનો નાશ
By-Gujju31-05-2023
જરાસંઘનો નાશ
By Gujju31-05-2023
{slide=Jarasangh killed}
Krishna, Bhim and Arjuna reached the kingdom of Magadh according to their plan. They disguised themselves as Brahmins. Removing hurdles coming their way, they successfully reached Jarasangh’s palace. Krishna told Jarasangh that the two Brahmins accompanying him observe silence until midnight so he should comeback again to see them. After midnight, when Jarasangh returned, he doubted the outlook and intentions of these Brahmins. He asked trio for their true introduction as well as the purpose behind their visit. When the trio did reveal their true identity, Jarasangh asked the reason for their animosity with him. Krishna elaborated that he had captured many kings in prison for no reason, which was against the righteous way and therefore he was worthy of punishment. Krishna also asked him to prepare for confrontation.
Jarasangh accepted their challenge. Since they were without any arm or weapons, Jarasangh opted for one-on-one fight with any one of them. Bhim was their obvious choice. Bhim wrestled with Jarasangh for thirteen days. Finally, with Krishna’s advise, he tore apart Jarasangh in two parts. Jarasangh was killed. Krishna assigned his crown to his son Sahadev. Jubilant people and enslaved kings celebrated their freedom and extended their support to Yudhisthir for Rajsuya yagna. It should be noted that Krishna was never interested in capturing land or even becoming a king though he had opportunity. This particular incident shows Krishna’s unattachment.
જરાસંઘે મહર્ષિ ચંડકૌશિકના વરદાન અને આશીર્વાદને અનુસરીને સકળ સંપત્તિની પ્રાપ્તિ કરીને રાજ્યનું શાસન કરવા માડ્યું.
કૃષ્ણે જ્યારે કંસનો નાશ કર્યો ત્યારે તેને કૃષ્ણની સાથે વેરની ગાંઠ બંધાઈ. એથી અદભુત કલ્યાણકર્મવાળા કૃષ્ણ મથુરા નગરીમાં રહેતા ત્યારે એ મહાબળવાન મગધરાજ જરાસંઘે પોતાના ગિરિવ્રજ નગરમાંથી નવાણું આંટા ઘુમાવીને એક ગદા ફેંકી. એ ગદા નવાણું યોજન દૂર પડી. એને અવલોકીને નગરજનોએ એના સમાચાર શ્રીકૃષ્ણને પહોંચાડ્યા. મથુરાપુરી પાસેનું એ સ્થાન ગદાવસાન તરીકે પ્રસિધ્ધિ પામ્યું.
જરાસંઘના હંસ તથા ડિમ્બક નામના બે બળવાન મંત્રીઓ મરાયા એટલે કૃષ્ણે કહ્યું કે જરાસંઘનો કાળ હવે પાસે છે. સુરો અસુરો એકઠા મળીને પણ એને યુધ્ધમાં જીતી શકે તેમ નથી માટે તેનો પરાજય દ્વંદ્વ યુઘ્ઘથી કરવો જોઇએ એવું લાગે છે. બીજો કોઈ વિકલ્પ નથી દેખાતો. મારામાં નીતિ છે, ભીમમાં બળ છે અને અર્જુન આપણા બન્નેનું રક્ષણ કરનારો છે. ત્રણ અગ્નિઓ જેમ યજ્ઞને સિધ્ધ કરે છે તેમ આપણે મગધરાજને પુરો કરીશું. ત્રણે તે નરપતિને એકાંતમાં મળીશું. ત્રણમાંથી એકાદની સાથે તો તે યુધ્ધમાં ઊતરશે જ. અપમાન, લોભ અને ભુજબળના મદથી તે નિઃસંશય ભીમસેનની સાથે યુધ્ધમાં ઊતરશે. ઘમંડી લોકના મૃત્યુ માટે જેમ યમ સમર્થ છે, તેમ મહાબળવાન અને મહાબાહુ ભીમસેન તેને માટે પૂરતો છે.
યુધિષ્ઠિર બોલ્યા કે તમે તો પાંડવોના નાથ છો. અમે તમારે આશ્રયે છીએ. તમે જે કહો છો તે યોગ્ય જ છે. કેમકે જેમનાથી લક્ષ્મી મોં ફેરવીને બેઠી હોય છે, તેમની આગળ તમે રહેતા નથી. હવે એવું કરો કે જેથી એ કાર્ય જલદી પાર પડે.
પછી શ્રીકૃષ્ણ, ભીમ તથા અર્જુન મગઘરાજને મળવા નીકળ્યા. તેમણે તેજસ્વી સ્નાતક બ્રાહ્મણનો વેશ લીઘો. મિત્રજનોને તેમને મનોહર વચનોથી અભિનંદન આપ્યાં. કુરુદેશથી નીકળીને તેઓ કુરુજાંગાલની વચ્ચે થઈને રમણીય સરોવરે ગયા. પછી કાલકૂટ પર્વતને વટાવીને તેમણે અનુક્રમે ગંડકી, મહાશોણ, સદાનીરા તથા એકપર્વતની નદીઓને પાર કરી. રમણીય સરયુ નદીને ઊતરીને તેમણે પૂર્વકૌશલ દેશ જોયો. ત્યાંથી આગળ વઘીને મિથિલા, માલા અને ચર્મણ્વતી નદીએ પહોંચ્યા. પછી ગંગા અને શોણને પાર કરીને પૂર્વ દિશા તરફ વળ્યા અને મગધદેશની સીમમાં આવ્યા. છેવટે નિરંતર ગોધનથી ભરેલા, જળથી છલેલા, સુંદર વૃક્ષોવાળા, ગોરથગિરીએ પહોંચીને તેમણે મગધની રાજધાનીમાં પ્રવેશ કર્યો.
નગરમાં પહોંચીને એમણે ગઢ પરની ભયંકર ભેરીઓને ભાંગી નાખી, તથા સ્મરણચિહન રૂપ સુદ્રઢ બુરજનો નાશ કર્યો. માર્ગે મળેલા માળી પાસેથી માળાઓ લઈ લીધી. એમણે આખરે જરાસંઘના વિશાળ રાજભવનમાં પ્રવેશ કરયો.
રાજા જરાસંઘે એમને અવલોકીને એમનું વિધિસહિત સન્માન કર્યું.
કૃષ્ણે કહયું કે મારી સાથેના આ બંને પુરુષો વ્રતધારી હોવાથી મધરાત પહેલાં લેશ પણ બોલશે નહીં એટલે એમને યજ્ઞશાળામાં ઉતારો આપીને જરાસંઘ રાજપ્રાસાદમાં ગયો.
મધરાત પછી જરાસંઘ પાછો આવ્યો.
કૃષ્ણે, અર્જુને અને ભીમે એને આશીર્વાદ આપ્યા એટલે એણે એમને જણાવ્યું કે તમે સ્નાતક બ્રાહ્મણોનો વેશ લીધો છે તે મને બરાબર લાગતો નથી. તે વેશ કૃત્રિમ છે. સ્નાતકનું વ્રત રાખનારા બ્રાહ્મણો માળાને અને અંગરાગને અકારણ ધારણ નથી કરતા. તમે ફૂલમાળાને ધારણ કરી છે પરંતુ તમારા હાથ પર ધનુષની પણછને ચઢાવ્યાની નિશાની પડેલી છે. તમે ક્ષાત્ર તેજવાળા દેખાતા હોવા છતાં તમને બ્રાહ્મણો તરીકે ઓળખાવો છો એ ખરેખર આશ્ચર્યકારક છે. તમે ચૈલકય પર્વતના શિખર પ્રદેશને ભેદીને, આડમારગનો આશ્રય લઈને, નગરમાં છળપૂર્વક પ્રવેશ કર્યો છે અને હવે મિથ્યા પરિચય પ્રદાન કરો છો તે હું જાણું છું. તો હવે તમારો સાચો પરિચય પ્રદાન કરો અને તમારા શુભાગમનનું કારણ કહો.
કૃષ્ણે સ્પષ્ટીકરણ કરતાં કહયું કે બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય ત્રણે સ્નાતકનું વ્રત લઈ શકે છે. વળી પુષ્પધારીને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોવાથી અમે પુષ્પ ધારણ કરીએ છીએ. ધીરપુરૂષો શત્રુઓના ભવનમાં આડા મારગેથી અને મિત્રના ગૃહમાં મુખ્ય દ્વારથી પ્રવેશતા હોય છે.
જરાસંઘે જણાવ્યું કે મેં તમારી સાથે કદી પણ વેર કર્યું હોય એવું મને નથી લાગતું. મેં તમારું કોઈ દિવસ કોઈ પ્રકારનું અશુભ કર્યું નથી, છતાં પણ તમે મને તમારા અમિત્ર માનો છો એ અતિશય આશ્ચર્ચકારક છે. મેં તમારો કે કોઈનો કોઈ અપરાધ નથી કર્યો .
કૃષ્ણે શાંતિપૂર્વક કહયું કે તેં ક્ષત્રિયોને ખુબ જ હેરાન કર્યા છે. એવા અસાધારણ અપરાધને લીધે તું નિરપરાધી નથી. કેદ કરેલા રાજાઓનું તું શંકરને બલિદાન આપવા ઈચ્છે છે. એથી ભયંકર દોષ અથવા અપરાધ બીજો કયો હોઈ શકે ? યજ્ઞમાં માનવોનું બલિદાન અપાતું હોય એવું કયાંય જોયું કે સાંભળ્યું નથી. અમે તને અધર્મમાંથી પાછો વાળવા અને ધર્મની રક્ષા કરવા આવ્યા છીએ. ક્ષત્રિયો તરીકેનું અમારું એ કર્તવ્ય છે. એને માટે યુધ્ધને માટે પણ તૈયાર છીએ.
કૃષ્ણે પોતાનો, અર્જુનનો અને ભીમનો પરિચય આપ્યો એટલે જરાસંઘે પોતાના સુપુત્ર સહદેવનો રાજ્યાભિષેક કરવાનો આદેશ આપ્યો.
સેના વિનાના પુરુષ સાથે સેના સિવાય એકલા જ યુધ્ધ કરવું જોઈએ એવી પ્રસ્થાપિત પરંપરાગત નીતિમાં માનનારા અને એવી નીતિના પાલનનો આગ્રહ રાખનારા જરાસંઘે તે ત્રણમાંથી ભીમ સાથે યુધ્ધ કરવાનું નકકી કર્યું, એણે માથા પરના મુગટને ઉતારી વાળને બાંધીને દ્વંદ્વ યુધ્ધને માટે તૈયારી કરી.
એણે ભીમને આગળ આવવા જણાવ્યું એટલે કૃષ્ણનું માર્ગદર્શન મેળવીને ભીમ આગળ આવ્યો.
કેવળ હાથરુપી શસ્ત્રવાળા, નરોમાં સિંહસરખા, એ ઉભય વીરોએ એકમેકના હાથને સ્પર્શીને તરત જ પાદાભિનંદન કર્યું.
રોષે ભરાયેલા સિંહની જેમ એમણે પરસ્પર દ્વંદ્વયુધ્ધ કરવા માંડ્યું. બંને પ્રતિસ્પર્ધીઓ મલ્લવિદ્યામાં કુશળ હોવાથી હાથની અને અન્ય અંગોની મદદથી કુસ્તી કરીને એકમેકને હંફાવવાની અને હરાવવાની કોશીશ કરવા લાગ્યા. એમના દ્વંદ્વયુધ્ધને નિહાળવા નગરજનો હજારોની સંખ્યામાં એકઠાં થયેલાં.
કારતક મહીનાના પ્રથમ દિવસથી આરંભાયેલું એ ભયંકર દ્વંદ્વયુદ્ધ રાતદિવસ, આહાર વિના, એકધારું તેર દિવસ સુધી ચાલ્યા પછી, જરાસંઘને ચૌદસને દિવસે થાક લાગ્યો ત્યારે કૃષ્ણના સૂચન પ્રમાણે ભીમે એનો નાશ કરવાનો સંકલ્પ કર્યો.
એણે જરાસંઘને ઉઠાવીને ચારે તરફ ભમાવવા માંડયો. એણે એને સો ચક્કર ખવડાવીને નીચે પૃથ્વી પર પટકીને તેની પીઠને ઘૂંટણોની મદદથી ભાંગી નાખી. એ પછી એને પગથી પકડીને એના બે ચીરા કરીને ભયંકર ગર્જના કરી.
રાત પડતાં એ ત્રણે વીરોએ એના શબને ઉપાડીને રાજભવનના વિશાળ દ્વાર પાસે મુકી દીધું.
કૃષ્ણે જરાસંઘના ધ્વજવાળા રથને તૈયાર કરી, એમાં ભીમ અને અર્જુન સાથે વિરાજીને કારાવાસમાં ક્લેશ વેઠતા રાજાઓને મુક્ત કર્યા, અને ગિરિવ્રજની બહાર પ્રયાણ કર્યું.
નગરની બહારના સુવિશાળ સપાટ પ્રદેશમાં નગરજનોએ એ ત્રણેનું સમુચિત સ્વાગત કર્યું. કારાવાસમાંથી છૂટેલા રાજાઓએ પણ એમને વિધિપૂર્વક પૂજીને પોતાની કૃતજ્ઞતાને પ્રગટ કરી.
કૃષ્ણે રાજાઓને રાજસૂય યજ્ઞ કરવાની મહેચ્છાવાળા યુધિષ્ઠિરને સર્વ પ્રકારે સહાયતા કરવા માટે જણાવ્યું એટલે સઘળા રાજાઓએ એવી સહાયતા માટે વચન આપ્યું .
કૃષ્ણે જરાસંઘના સુપુત્ર સહદેવનો વિધિપૂર્વક રાજયાભિષેક કરાવીને ઇન્દ્રપ્રસ્થની દિશામાં પ્રયાણ કર્યું.
ઇન્દ્રપ્રસ્થમાં પહોંચ્યા પછી યુધિષ્ઠિરે કૃષ્ણેને સત્કારી પૂજીને અભિનંદન આપ્યા. અર્જુન તથા ભીમને પણ સત્કાર્યા. નિર્ઘારિત સમયે કૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા.
જરાસંઘના નાશથી પાંડવોની પ્રતિષ્ઠા વધી ગઇ. કૃષ્ણની નિર્મમતા અને નિઃસ્વાર્થ સેવાભાવના પુનઃ પ્રગટ થઇ. એ ધારત તો જરાસંઘના નાશ પછી મગધનરેશ બની શકત; પરંતુ એવી ઇચ્છા પણ એમને ન હતી. સહદેવને મગધનરેશ બનાવી, પ્રકારાન્તરે એના હૃદયને જીતી લઇને, પોતે તો સમાજના સ્વાર્થરહિત સાચા સેવક જ રહ્યા. એમણે સંપત્તિસંગ્રહ, સત્તાપ્રાપ્તિ કે સાસંરિક સુખોપભોગ કશાની આકાંક્ષા ના રાખી એમના જીવનની એ વિશેષતા સેવાક્ષેત્રમાં રુચિ રાખનારા ને પડેલા સૌ કોઇને માટે પ્રેરણાત્મક છે. એની પ્રેરકતા આજે પણ ઓછી નથી થઇ. ભવિષ્યમાં પણ ઓછી નહિ થાય.