જે કોઇ પ્રેમઅંશ અવતરે
By-Gujju20-05-2023
252 Views
જે કોઇ પ્રેમઅંશ અવતરે
By Gujju20-05-2023
252 Views
જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.
સિંહણ કેરું દૂધ હોય તે, સિંહણ સુતને જરે;
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે … પ્રેમરસ
સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે;
ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે … પ્રેમરસ
સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગરવંશીને વમન કરાવે વેદવાણી ઉચ્ચરે … પ્રેમરસ
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ નવ સરે;
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ન ભરે … પ્રેમરસ
કોટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠ ન ફરે;
દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે … પ્રેમરસ
– દયારામ