Saturday, 21 December, 2024

જીથરો ભાભો Part 1

244 Views
Share :
jitharo bhabho

જીથરો ભાભો Part 1

244 Views

જુના જમાનાનુ ગામ. ગામમાં ૫૦૦ માણસની વસ્તી.

એમા જીથરો ભાભો કરીને એક ભાભો રહે. મૂળ નામ શુ ઇ તો કોઇને ખબર નથી, પણ જીથરાભાભાનુ રૂપ એવુ કે નાના છોકરા તો ભાળીને ભાગી જાય. જીથરાભાભાને ત્રણ દીકરા, ત્રણેયને પરણાવી દીધેલા. દીકરા બધા ઠરીઠામ થઇ ગયેલા. સારી ખેતીવાડી.

ચોમાસાની ઋતુ આવી, વાડીમા બાજરો વાવ્યો છે, બાજરો બરાબર જામ્યો. હાથહાથના ડુંડા હિલોળા લે છે. ત્રણેય દિકરાઓએ બાજરાની વચ્ચોવચ ચાર લાકડા ખોડીને એક મેડો બનાવી દીધેલ. અને જીથરો ભાભો મેડા ઉપર બેઠો બેઠો ગોફણ અને પાણાથી પક્ષી ઉડાડે છે.

જીથરો ભાભો બધી રીતે પુરો…. ઊડતા પંખી પાડે એવો, અને સીસમના સોટા જેવો કાળો જાણે કે પાકેલુ જાંબુ જોઇ લ્યો. મેડા ઉપર બેઠો બેઠો જીથરો ભાભો ભજન લલકારે છે.

એમા… એક દિવસ દસ- પંદર સાધુની મંડળી દ્વારકા જાય. સાધુને જીથરા હારે ઓળખાણ. સાધુની મંડળી મેડા પાસે આવી. જીથરા ભાભાને કે ભાભા… સીતા…રામ…

એ… સીતારામ…સીતારામ…

એક સાધુ કે ભાભા અમે દ્વારકા જાત્રા કરવા જાઇ છી, તમારે આવવુ છે ?

જીથરો કે આવુ તો ખરો પણ….. જો આવુ તો આ બાજરાનુ ધ્યાન કોણ રાખે ?
સાધુ જીથરાને સમજાવે છે….

આમ વાતુ હાલે છે ત્યા જીથરાભાભાના ગામનો એક આદમી મંગળો લાકડા વિણવા નિકળ્યો…

મંગળાને બોલાયવો…કે છે મંગળા… અમે જાઇ છી દ્વારકા જાતરા કરવા, તારે પંદર દિ’ મોલનુ ધ્યાન રાખવાનુ અને ઘરેથી આવે ઇ વાળુ-શિરામણ ખાવાનું અને રૂપિયા પાંચ રોકડા બોલ રે’વુ છે….??

મંગળો તો રાજીના રેડ થઇ ગ્યો.. રૂપિયા પાંચ રોકડા અને ભાભાના ઘરનુ તૈયાર ખાવાનું અને બેઠા બેઠા ધ્યાન જ રાખવાનુ છે..ને… એ તો તરત તૈયાર થઇ ગ્યો..

આમ મંગળાને બાજરાનુ રખોપુ સોપીને જીથરો ભાભો સાધુ મંડળી હારે દ્વારકા જાત્રા કરવા રવાના થઈ ગ્યો..

મંગળો મેડા ઉપર ચડ્યો.. મોલમા નજર ફેરવી… અને પછી હોકો સળગાવ્યો… મનમાને મનમા રાજી થાતો થાતો વિચારે, આજ ઘણા દિવસે સારૂ ખાવા મળશે… બાજરાના રોટલા, શાક, ડુંગળીનો દડો… ઘાટી રગડા જેવી છાશ અને માથે ગોળનો ગાંગડો…. આમ વિચારમાને વિચારમા મંગળો ઝોલે ચડ્યો…

આ બાજુ ઘરમા મે’માન આવેલા તેથી દીકરાને વહુને ભાતનુ મોડુ થ્યુ.. ભુખ્યો મંગળો ખાવાના વિચારમા ને વિચારમા સુઈ ગ્યો.. સળગતો હોકો હાથમા રહી ગ્યો..

હોકો મેડાને અડ્યો… મેડાનુ સુકુ ઘાસ ભડ…ભડ કરતુ સળગ્યુ અને પછી મેડો આખો સળગ્યો.. મંગળાને નિકળવાનો ટાઇમ નોર્યો… અને મેડા ભેગો મંગળો બળીને ભડથુ થઇ ગ્યો…

આ બાજુ બહુ ભાત લઇને આવી… મેડો સળગતો જોયો.. રાડ્યુ પાડી પાડીને બધાને ભેગા કર્યા.. બધાએ ભેગા થઇને મેડો ઠાર્યો.. પણ મંગળો બળીને ભડથુ થઇ ગ્યો…. ખબર મળતા ઘેરેથી છોકરા દોડ્યા.. ગામ ભેગુ થ્યુ…

બધાયને થ્યુ કે જીથરો ભાભો બળી ગ્યો… છોકરાઓ રોયા… નનામિ કાઢી… ગામે ખરખરો કર્યો… છોકરાવે બાપા છે એમ માનીને બધી વિધિ પુરી કરી.

ત્રણેય છોકરાએ બે હજાર માણસોને જમાડ્યા.. કારજ પુરૂ કર્યુ… ગામે વખાણ કર્યા કે છોકરાવે કારજ બોવ સારૂ કર્યુ… પણ જીથરો ભાભો તો દ્વારકાની બજારમા હિલોળા લે છે..

આમને આમ વીસ દિ થ્યા…આખી મંડળી જાત્રાએથી પાછી આવી… જીથરાભાભાની વાડી આવી એટલે બધા સાધુ કે ભાભા રામેરામ…અને ભાભા એમનમ ગામમા નો ઘરતા… ધામધુમથી સામૈયા કરાવજો. છોકરાવને બટુકભોજન કરાવજો..

સાધુની મંડળી ગઇ… જીથરો ભાભો હરખાતો હરખાતો ગામમા જવા નિકળ્યો…

એમા નિહાળેથી ભણીને છોકરા ગામમા આવતા’તા છોકરાવે જીથરાને જોયો… આખા ગામને ખબર કે જીથરો ભાભો મેડામા બળીને મરી ગ્યો છે.

એક છોકરો કે એલા આ કોણ ?

જીથરો ભાભો…

બીજો કે ઈ તો મેડામા સળગીને મરી ગ્યો છે

તો પછી આ કોણ ?

રાડ ફાટી ગઇ.. ભૂત… ભૂત… ભાગો ભૂત… જીથરાભાભાનુ ભૂત…

છોકરા ભાગીને ગામમા આવ્યા… વાત કરી… ગામ ભેગુ થ્યુ… બધાય કે ઇ સાચી વાત જીથરો ભાભો હતો એવો અને એમાય બળીને મરી ગ્યો એટલે જીવ અવગતે ગ્યો કે’વાય, જીથરો નક્કી ભૂત થ્યો હશે અને પછી તો બધાએ હાથમા જે આવે તે લાકડીયુ.. ધોકા..કોદાળી.. ખપાળી.. પાણા લીધા… અને જીથરાની વાહે પડ્યા..

જીથરો હરખાતો હરખાતો હાલ્યો આવે છે… મનમાં એમ કે છોકરાવને ખબર પડશે એટલે ધામધૂમથી સામૈયુ કરશે.. પણ જીથરાએ જોયુ કે વાવાઝોડાની જેમ ગામ દોડ્યુ આવે છે.. જીથરો કળી ગ્યો.. જીથરો કે આ કેવુ સામૈયુ ? અબીલ ગુલાલને બદલે ઘૂડની ડમરી ઉડતી આવે છે… તબલાને બદલે લાકડીયુની ઝડી બોલે છે… ભજન કિર્તનને બદલે ગાળ્યુની રમઝટ બોલતી આવે છે..
ગામલોકો કે એલા ભૂત.. ભૂત… ભૂત… મારો.. મારો મારો…

જીથરોભાભો સમજી ગ્યો… મને ગામે ભૂત ગણ્યો લાગેછ.. હવે વાત કરવા ઊભો રહુ તો ટીપી નાખશે.. માટે ભાગવામાં માલ છે… નદી દીમની દોટ દીધી..નદીનો કાંઠો, કાંઠે વડલો કાચોપોચા માણસની ધોળા દિએ છાતીના પાટીયા બેહી જાય એવી ભયંકર જગ્યા.. નદીની ભેખડમાં બે નાડાવા ઉંડી ઉંડી ગુફા હતી.. દોડીને એમા ઘુસી ગ્યો..

ગામલોકોનો જીવ ન્યા જાવામા હાલ્યો નહી.. વળ્યા પાછા..

હવે જીથરો ભાભો બખમા બેઠોબેઠો વિચાર કરે છે કે આ તો ભારે કરી આ તો ઉંધુ બફાણુ… ગામે ભુત માની લીધો… હવે કરવુ શુ ? ભો બીજી ભાળેલ નહી જાવુ કીસે ? ગામ સિવાય કાંઇ જોયેલુ નહી હવે જાવુ ક્યા ? પણ કાંઈ બેહી રે’વાશે..
વિચાર કર્યો, વચલા દીકરાની વહુ બહાદુર છે.. સમજણી છે.. જો એને વાત કરૂ તો કાંઇક રસ્તો નિકળે. આ બાજુ આખા ગામમાં જીથરાભાભાના ભુતની વાત ફેલાઈ ગઈ…

સાંજનું ટાણું થ્યુ… જીથરો ગુફામાથી બા’ર નિકળીને ગામમાં આવ્યો.. પાછળની બાજુથી ઘર પાહે આવ્યો.. વાયડ ઠેકીને પોતાના વાડામા આવ્યો.. અને કોઇ જોઇ ન જાય એટલે છાણાનાં મોઢવામાં સંતાઇને વચલા દીકરાની વહુની વાટ જોવા મંડ્યો એને ખબર કે વહુ રોજ આ ટાણે વાડામાથી છાણા લેવા આવે છે.. એટલે ઈ છાણા લેવા આવે તઇ એની હારે વાત કરૂ.

બરાબર એ જ વખતે સમજુ હોવ વાડામાં છાણાના મોઢવા પાસે છાણા લેવા આવી…

જીથરો કે “હોવબટા સાંભળો હુ જીથરો….”

હજી તો ભાભાનુ વાક્ય પુરૂ થાય ઈ પેલા “ઓઈ બાપા” કે’તાક વહુનુ ઘોયુ પાકી ગ્યુ..વહુનાં પ્રાણ નિકળી ગ્યા…
.
ત્રણેય છોકરા ઘરે… રાડ સાંભળી… સમજી ગ્યા કે બાપો પુગી ગ્યો વાડામા, ત્રણેય છોકરા ડાંગુ લઇને વાડામાં દોડ્યા… જીથરાભાભાએ જોયુ કે હવે ઉભા રે’વામાં સારાવાટ નથી…. ડોહો વાયડ ઠેકી ગ્યો મુઠિયુ વાળીને પાટી મેલી..

બાપ મોર્ય.. છોકરા વાંહે… પણ આંબવા દે ઈ જીથરો નહી… અને પાછો નદીની બખોલમાં ઘરી ગ્યો.. છોકરા પાછા વળ્યા, ઘરે આવીને વહુની દહનક્રિયા કરી… ગામ કે જીથરાએ ઘરનાનો જ ભોગ લીધો…

જીથરો કે ભારે થઇ… હવે શુ કરવુ ? વળી એક બે દિ ગ્યા… પણ પેટ કોઇનું સગુ થાય ? ભુખ લાગી, પેટમા ગલુડીયા બોલે છે… જીથરે વિચાર કર્યો… ગામનાં પાદરમાં રે’તા મંદિરનાં પુજારી ભૈરવગર મહારાજ પાહે જાવ… ઇ આવા ઘણાય ભુત- ભરાડા, જોડીયા કાઢે છે, એટલે મારાથી નહી બીવે…

સાંજનુ ટાણુ થ્યું, આરતી કરીને ભૈરવગર મહારાજ અને માતાજી વાળુ કરવા બેઠા છે, રોટલાનો ખડકલો, ધાબા જેવી ગાય મળે છે એટલે દુધનું બોઘરૂ, ખીચડીનું હાંડલુ, શાકનું તપેલુ અને પાણી ભરેલા લોટા…

એમા જીથરે ખડકીની સાંકળ ખખડાવી..કહ્યુ :

“ભૈરવગર મહારાજ હૈ ?”

“કોણ ?”

“જીથરો…”

“તારા આડો હનુમાન…”

“એ મહારાજ હુ ભૂત નથી ખડકી ઉઘાડો..”

“તારી આડી મહાણની મેલડી..”

“એ મહારાજ તમે સમ દયો’મા … ઉઘાડો… હુ ભૂત નથી મને સમ નહી લાગે…”

માતાજીને બાવાજી ધ્રુજવા લાગ્યા. જીથરાને થ્યુ કે મહારાજ ખડકી નહી ઉઘાડે, જીથરાએ હફ કરીને ખડકીને ખભો માર્યો અને ખડકી કડડડભૂસ કરતી હેઠી.

જીથરાને અંદર જોયો તેનુ વિકરાળ રૂપ જોઇને બાવાજી અને માતાજીનું ઘોયુ પાકી ગ્યુ..
જીથરો કે મરી ગ્યા, આ તો પાપમાં પડ્યો… પણ પેટમાં ગલુડીયા બોલે છે, બધુય સહન થાય પણ ભુખ થોડી સહન થાય ? સામે ભોજન તૈયાર હતુ…

મંડ્યો દાબડવા… મંડ્યો દાબડવા… દુધનુ બોઘરૂ મોઢે માંડ્યુ… ધરાઇને ખાધુ, પછી માથે બે લોટા પાણી ગટગટાવી ગ્યો.. અને કોઇ આવે ઇ પેલા સડેડાટ નદીની કોતરમા જતો રયો..

સવારના પો’રમાં કોઇ દર્શને આવ્યુ… માતાજી અને બાવાજીનું મડદુ જોયુ… ગામ ભેળુ થ્યુ… લોકો કે જીથરા સિવાય બીજા કોઇનુ આ કામ નથી… ગામમા ફફડાટ ફેલાઈ ગયો, જે આખા ગામના ભૂત, જોડીયા, ચુડેલ, ડાકણ, ખવી વળગાડ કાઢતા એનુય જીથરા પાસે કાંઇ ન હાલ્યુ.. તો બીજાનુ શુ ગજુ ??

આમ બે દિ ગ્યા… જીથરાભાભાને ભૂખ લાગી… પેટ કરાવે વેઠ… એમ જીથરો ગુફામાથી બા’ર નિકળ્યો.. ખાવાનું ગોતવા.. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *