જીથરો ભાભો Part 2
By-Gujju31-01-2024
જીથરો ભાભો Part 2
By Gujju31-01-2024
જીથરાભાભાને ભૂખ લાગી… પેટ કરાવે વેઠ… એમ જીથરો ગુફામાથી બા’ર નિકળ્યો.. ખાવાનું ગોતવા.. – અમરકથાઓ
એમા એક ભથવારી સીમમાં ભાત દેવા જાય… જીથરાને થ્યુ… ભથવારી પાસે ખાવાનુ માંગી લઉ… જીથરો મારગમાં ઝાડવાના ઢુંવા આડો સંતાણો.. જેવી ભથવારી નજીકના કેડેથી પસાર થઇ કે “હફ” કરતો ઊભો થ્યો..
ભથવારીની માથેથી ભાત પડી ગયુ… બાજુમાં “ડફ” દઇને ભથવારી પડી ગઈ… જીથરો ભાત લઇને ભાગ્યો સીધો નદીની બખમાં… ભાત છોડીને ખાધુ… પછી વિચારવા લાગ્યો હે ભગવાન આ મે શુ કર્યુ ખાવા માટે કેટલા નિર્દોષનો ભોગ લેવો પડશે..?
વળી મનને મનાવ્યુ “હુ ક્યા કોઇને મારૂ છુ, તે બીયને મરી જાય એમા હુ શુ કરૂ ? હુ તો હફ કરૂને ડફ મરે”
આમ જીથરાને જ્યારે ભુખ લાગે ત્યારે માણસ મારે…
ગામમાં એક દરબાર રે… દરબારે ધોબીને બોલાવ્યો અને ઘખવા માંડયા…
“એલા લુગડા કેમ સારા ધોતો નથી ?”
“બાપુ મોળા પાણીએ સારા નો થાય”
“તો નદીએ ધોબીઘાટ છે, ન્યા કેમ જાતો નથી ?”
“નો જવાય”
“કા ?”
“ન્યા જીથરો”
“એલા તમે ધોબી’ય જીથરાથી બીવો ?”
“જીથરો કાંઇ મારો માસિયાય ભાઇ નથી થાતો?
આમ દરબાર અને જીથરા વચ્ચે જ્યા વાતચીત હાલી રહી છે, ત્યા દરબારમાં સકરમામદભાઇ કરીને જમાદાર આવ્યો… એણે જીથરાની વાત સાંભળી.. અમરકથાઓ
જમાદાર કહે : દરબાર મૈને જીથરે કે બારે મે સુના હૈ.. તુમ્હારે હિન્દુ જીથરે કા ભૂત મેરા મુસલમીન કા ક્યા બિગાડ લેગા ? મૈ બહુત ઇલ્મી હુ… જીથરે કો કુત્તે કી તરહ પકડ લાઉંગા
આ સાંભળીને બીજા દરબારીઓ કે’ સાવ સાચી વાત છે એકવાર સકરમામદભાઈ કબ્રસ્તાનમાં માથા વિનાના ખવી હારે લડ્યા છે.. એકવાર સકરમામદભાઇ ગોથુ ખાઇ જાય તો એકવાર ખવીને આળગોઠીયુ ખવરાવી દે.. શુ બથોબથ્થ ધિંગાણુ થયુ.. અંતે ખવીએ હાર કબુલી અને કાયમ માટે કબ્રસ્તાન છોડીને ભાગી ગ્યુ
આવી વાતો સાંભળીને સકરમામદ વધારે તોરમાં આવી ગ્યો… કહે : મુજે જીથરે કા પતા બતાઓ.. મે ઉસે શીશેમે ઉતાર દુંગા…
દરબાર ધોબીને કે : “આ જમાદાર તારી હાર્યે નદીએ ચોકીએ આવે તો તુ લુગડા ઘોવા જા ?”
“હા..બાપુ તો જાઉ… તો હુ નો બીવ..”
સકરમામદ જમાદાર તૈયાર થ્યા.. અસલ અરબસ્તાની ઘોડો… બે બંદુક લીધી… એક દેશી… બીજી જામગરી, બે તલવારૂ બાંધી, જમૈયો, કટારી, છરી-ચાકાનો પાર નહી. એક કાચનો શીશો અને એક કાંટા કાઢવાનો ચિપીયો લીધો. કદાચ જીથરા હારે બથોબથ આવુ અને કાંટામા પડી જાવ તો કાંટા કાઢવા થાય..
ધોબીએ લુગડાનો ગાંસડો બાંધ્યો, સાબુની ગોટી લીધી.
મોર્ય ધોબી અને વાંહે ઘોડા ઉપર સકરમામદ જમાદાર.
આવ્યા નદીએ, નદીનાં કાંઠે વડલાનાં મૂળીયા હારે સાંકળથી ઘોડાને બાંધ્યો…
ધોબી તો સીતારા… સીતારામ… સીતારામ કરતો મંડ્યો લુગડા ધોવા..
સકરમામદના એક હાથમા ખુલ્લી તલવાર, બીજા હાથમા ખાલી શીશો… લઇને નદી કાંઠે આટા મારવા લાગ્યો..
” જીથરા…. તેરી જાત કા જીથરા… બહાર નિકલ.. આજા.. શીશેમે ઉતર જા… બદમાશ જીથરા… તેરી જાત કા જીથરા…. આમ જમાદાર તો મંડ્યો ગાયળુ દેવા..
જીથરો બખમાં બેઠો બેઠો સાંભળે છે… ગાળુ સાંભળે છે.. પણ જ્યા જમાદારે એની સાત પેઢીને ગાયળુ દેવાનુ ચાલુ કર્યુ એટલે જીથરાથી નો રેવાણુ…
ગુફામાં પડેલ ખજુરીનો બત્તો ખભે ચડાવ્યો… અને બા’રો નિકળ્યો… દોટ દીધી હો… ઊભો રે’જે તારી જાતના જમાદાર…
સકરમામદે જીથરાનું આવુ વિકરાળ રૂપ જોયુ.. સાક્ષાત મોત આવતુ દેખાયુ… ત્યાતો “યા અલ્લા”…. હાથમાથી તલવાર પડી ગઇ… શીશો પડી ગ્યો… અને ભાગ્યો…
સીધો કુદકો મારીને ઘોડા ઉપર… પણ ઘોડાને છોડવાનુ ભુલી ગ્યો… અને ઘોડાને થાપટ મારી… પણ અસલ અરબસ્તાની ઘોડો… ઘોડે સડપ… આંચકો માર્યો અને લોઢાની સાંકળ હાર્યે દોઢ હાથનુ મૂળિયુ પણ ઉપાડી લીધુ. ઘોડો ગામ બાજુ તબડક…તબડક…તબડક
પણ ઓલુ સાંકળ હારે દોઢ હાથનુ મૂળિયુ… ઈ આંચકો લાગે એટલે સકરમામદનાં માથામા વાગે… જમાદારને એમ કે મને જીથરો મારે છે…
“જીથરા મુજે મત માર… જીથરા છોડ દે… જીથરા મે તેરા કુત્તા…. જીથરા મુજે મત માર.. મે તેરી ગાય” આમ બોલતો જાય…
સકરમામદને લઇને ઘોડો ઘરે આવ્યો, અને ફળિયામાં પડેલા ખાટલા પર ભફ દઇને પડ્યો… ” બીબી જીથરા.. મુજે બચાઓ, બીબી મુજે બુખાર આ ગયા..”
આમ સકરમામદને તાવ ચડી ગ્યો… બડબડાટ ચાલુ થઈ ગ્યો… લોઠકો માણસ તે મર્યો નહી પણ માંદો પડ્યો..
આ બાજુ નદીએ ધોબીનુ ઘોયુ પાકી ગ્યુ…
આ ઘટના પછી ગામમા સન્નાટો છવાઇ ગયો, કોઇ ઘરની બા’ર નીકળતુ નથી….. વાડી.. ખેતર રેઢા પડ્યા છે..
સીમ એકદમ વેરાન બની ગઇ…
જીથરોભાભો કે આ નો કરવાનુ થઇ ગ્યુ… હવે શુ કરવુ.. ગામને કેમ સમજાવુ કે હુ ભૂત નથી.. પણ જીવતો જીથરો છુ… એને થ્યુ જો સાધુની મંડળી ભેગો દ્વારકા જાત્રા કરવા નો ગ્યો હોત તો આવુ કાંઇ ન થાત… આમ કરતા એને સાધુની યાદ આવી… થ્યુ કે હવે આમાથી મને આ સંતો સિવાય કોઇ બચાવી નહી શકે….
જીથરો ઉપડ્યો સામેગામ…. ન્યા જઇને સાધુના પગમાં પડી ગ્યો… મહારાજ બચાવો.. બચાવો..
સાધુ કે જીથરા તારી આવી હાલત કેમ થઇ ગઇ ? શુ થયુ ?
જીથરાભાભા એ માંડીને બધી વાત કરી… અને કહ્યુ કે ગામવાળાએ મને ભૂત ગણી લીધો છે… મારા કારણે કેટલાય લોકોનો જીવ ગ્યો છે… હવે તમે જ આમાથી મને બા’ર કાઢો…
સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી.. જીથરાને ભોજન અને પાણી આપ્યા… પાણીથી ધમાર્યો…
જીથરાને થોડીક નિરાંત થઇ… સાંજ પડી સાધુઓએ બળદગાડુ તૈયાત કર્યુ… ગાડામાં નીચે ગોદડા નાખ્યા, વચ્ચે જીથરાભાભાને સુવાડ્યો.. ઉપર વળી પાછા ગોદડા નાખ્યા… અને ભજન ગાતા ગાતા જીથરાનાં ગામ પહોચ્યા….
ગામલોકોને જાણ થઈ… કે સાધુની મંડળી આવી છે.. એટલે કહ્યુ મહારાજ અમને જીથરાના ત્રાસમાથી છોડાવો…. સાધુ મહારાજ કહે એટલે તો અમે આવ્યા છીએ… દરબારના ફળિયામાં આખા ગામને ભેગુ કરો
ઘડીકવારમાં દરબારના ફળિયામાં આખુ ગામ ભેગુ થયુ.. પછી સાધુએ શાંતિથી ગામલોકો સાથે વાત કરી બધાને સમજાવ્યુ કે તમે જેને ભૂત ગણો છો એ જીથરોભાભો હજી જીવે છે… એ મર્યો જ નથી… અને અથથિ ઇતિ સુધી બધી વાત ગામલોકોને કરી…
ગામલોકોએ આ સાંભળીને નિરાતનો શ્વાસ લીધો.. પછી મહારાજે હળવેથી ગોદડા વચ્ચેથી જીથરાને બહાર કાઢ્યો…. બધા જીથરાને જોઇ રહ્યા…
જીથરાભાભાએ બધાની માફી માંગી.. કે મે કોઇને માર્યા નથી… પણ હુ હજી કાંઇ કહુ એ પેલા જ બીયને બધા મરી ગયા છે.. મે કોઇને આંગળીએ અડાડી નથી..
ગામવાળા કે ઈ બધુય તો ઠીક તો પછી આ મેડામા બળીને મરી ગ્યુ ઇ કોણ ?
મેડામાં બળીને મરી ગ્યો ઈ મંગળો…
આમ મહિના પછી મંગળાને ઘેર કાણ મંડાણી..
અને જીથરાભાભો પોતાના ઘરે જઇ શક્યા.. અને ગામવાળાને ભૂતથી છૂટકારો મળ્યો…