જીવનમાં ખુશીઓના રંગો આપતી રંગોળી
By-Gujju18-10-2023
જીવનમાં ખુશીઓના રંગો આપતી રંગોળી
By Gujju18-10-2023
નદી એટલે જ નિર્મળ રહે છે કે, એનું પાણી બદલાય છે, છોડ એટલે જ સુંદર દેખાય છે કે, એનું ફૂલ બદલાય છે. સંત એટલે જ પવિત્ર રહે છે કે, એનું સ્થાન બદલાય છે. માનવ એટલે જ મોજમાં રહી શકે છે કે, એમાં વિવિધ રંગ ભરાય છે. જીવનમાં લહેરાય છે.
રંગોળી એ પ્રેમનું પ્રતિક છે. સ્વાગતનું સ્વસ્તિક છે. રંગરૂપી ભાવ છે અને આકૃતિ રૂપી આવકાર છે રંગો વિનાનું જીવન પણ શુષ્ક અને નિરસ છે. રંગ થકી જ જીવન રંગીન છે વરના ગમગીન છે. નિરસ જીવનમાં સરસ, નવરંગ પૂરે એનુ નામ રંગોળી. સાધુ સંતો કે અમૂક અપવાદો સિવાય સમસ્ત માનવ સમુદાય યેનકેન પ્રકારે વિવિધ રંગો સાથે સાહજીકતાથી જોડાયેલો છે.
કુદરત પણ રંગોના શિંગારથી શોભે છે. રંગોના પ્રભાવ અને પ્રભુત્વથી જ પ્રકૃતિ પુલકિત દિશે છે. વર્ષાઋતુમાં તો પ્રકૃતિ સોળે શિંગાર સજે છે. રંગોની બહાર લાવે છે. અને માનવીના તમામ ગમને બહાર કાઢે છે. અને કુદરતના રંગે રંગાયેલો માનવીનો મન મોરલો મદ મસ્ત બનીને નાચે છે. કુદરત પણ સામે મેઘઘનુષના રંગ દવારા પોતાનો પ્રત્યુતર પાઠવે છે ! આમ રંગની ઉમંગ ભરી એક અજબ આલમ છે. અને એટલે જ આપણા આર્ષદષ્ટાઓએ માનવજીવન રંગીન બનાવે, એ માટે પ્રસંગ, પ્રસંગે રંગોળી પૂરવાનો આદેશ કર્યો. અને એટલે જ ભારતવર્ષમાં રંગે ચંગે ઉરના ઉમંગે ઉત્સાહભેર ઉજવાતો દિપાવલીપર્વ રંગબેરંગી રંગોળી વીના અધૂરો ફીકો લાગે.
રંગોળી: આંગણુ લીપી સ્વચ્છ કરી ભાતભાતની ચિત્રોથી જીવનમાં આનંદની રંગપુરણીને વિસરવા ન દેવાય
દિપાવલીના ચહેકતા, મહેકતા મહાપર્વમાં પોતાનું આંગણું લીંપી-ગૂંપી, સ્વચ્છ કરીને ભાત-ભાતની રંગોળી પૂરવાની પ્રથા આપણે ત્યાં પરાપૂર્વથી ચાલતી આવે છે. પરંતુ ક્રમ ભાગ્યે આજના કહેવાતા ભ્રામક આધુનિકતાના અતિરેકમાં, માનવ સ્વ સમય અને નિજાનંદને ખોઈ બેઠો છે. પરિણામે આવા અનેરા આનંદ લેવાન લાભથી આજની ગૃહીણીઓ પણ વંચીત, વિમુખ થઈ ગઈ છે. અને બજારું ગમે તેવા સ્ટીકરો લગાડી , ગૃહની ગૃહલક્ષ્મીઓ રંગોળી પૂર્યાનો આત્મસંતોષ પામે છે ! મોટા ભાગે સ્ત્રીઓ જ રંગોળી કરે છે. રંગોળી કરવામાં મશગુલ માનુનીઓને જોવી એ પણ એક મહામલો લહાવો છે !! દક્ષિણ ભારતમાં રંગોળીને કોલમ કહે છે . જે સુક્ધયા સુંદર કોલમ કરે, તેના માટે મુરતીયાઓની માંગ વિશેષ રહે. આ રંગોળીની કલાનો પ્રતાપ છે. ભીતરના ભાવ કલામાં વ્યકત થાય અને એની યોગ્ય કદર થાય. પારસી બાનુઓ પણ સુંદર રંગોળી પૂરે છે.
એવું કહેવાય છે કે, દિપાવલીના વિશેષ દિવસોમાં વિશિષ્ટ સાત્વિક શકિતઓનું અવની પર અવતરણ થાય છે. તેમને આવકારવા, વધાવવા તથા આસુરી શકિતઓને અંદર પ્રવેશતી અટકાવવા આ દિવસો દરમ્યાન અવશ્ય રંગોળી કરવી જોઈએ. જેથી ઘરમાં સુખ, શાંતિ રહે.
રંગોળી દવારા ‘હ્રીં શ્રીં કર્લી’ કાલી લક્ષ્મી અને સરસ્વતી યાને ઈચ્છાશકિત, કાર્યશક્તિ અને જ્ઞાન શકિતને અંદર આવવા આહવાન કરાય છે. આ ત્રિવેણી સંગમ ઘરમાં સર્જાય તો, ઘર સ્વર્ગ બની જાય ! આમ રંગોળી કેવળ મહેમાનોનું સ્વાગત નથી કરતી પણ ધનલક્ષ્મીને પણ આવકારે છે. જેમ રંગોળી વિવિધ રંગોથી દીપી ઉઠે છે તેમ આપણું જીવન પણ રંગીન અને સંગીન બને અને આખું વર્ષ આનંદ, ઉલ્લાસ, ઉમંગથી પસાર એવો એનો દિવ્ય ભવ્ય ભાવ છે.
માનવ જયારથી સમજતો, પોતાન ભાવ વ્યકત કરતો થયો ત્યારથી પોતાના મનોભાવ વ્યકત કરવા, પોતાના મનગમતા ચીત્રો રેતી વિ. વિવિધ જગ્યાએ દોરતો. સંસ્કૃતિ અને સંસ્કારનાં ઉત્તથાનની સાથો સાથ તે દિવાલો ઉપર ચીત્રો દોરી ભીતરનાં ભાવ વ્યકત કરતો . આમ ઘીરે ધીરે રંગોળીનો આર્વી ભાવ થયો. એ રીતેમીસર સંસ્કૃતિમાં રંગોળીનો ઉલ્લેખ મળે છે. વાત્સયાનનાં કામસુત્રમાં પણ રંગોળીનો ઉલ્લેખ મળે છે. મહાભારત અને રામાયણમાં પણ ઉત્સવ પ્રસંગે, મંદિરોમાં તેમજ તૂલસી કયારાઓ પાસે રંગોળી કરાયાનો ઉલ્લેખ મળે છે.
ગામડાઓમાં છાણ પાણીનું મિશ્રણ – ખાળો કરી એને આંગણામાં છાંટી ત્યાર બાદ રંગોળી કરવાની પ્રથા આજેય ઘણી જગ્યાએ જીવંત છે. જોવા મળે છે. દક્ષિણ ભારતમાં ઓરિસ્સા તથા કેરળમાં ટપકાઓ મૂકી રંગોળી કરાય છે. મહારાષ્ટ્ર , રાજસ્થાન વિ. અમુક રાજયોમાં આડી ઉભી રેખાઓ અંકિત કરી રંગોળી બનાવાય છે. બંગાળી લોકો બીંબા વડે આખા આંગણામાં અલ્પના (રંગોળી) કરે છે. આ ઉપરાંત દીપ, સ્વસ્તિક , ત્રિકોણ, વર્તુળ વિ . વિવિધ આકારોમાં પણ રંગોળી કરાય છે.
રંગોળીમાં ટપકાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે. જયારે સિધો ત્રિકોણ એ શિવ જેને ઉર્ધ્વમૂખ કહેવાય. અને અર્ધોમુખ ઉાલ્ટો, ત્રિકોણ એ શકિતનું પ્રતિક છે. જયારે ત્રિકોણના ત્રણ બિંદુ એ ત્રણ કાળનું સંકેત કરે છે. વર્તુળ એ સમયનું સૂચન કરે છે .
રંગોળી એટલે જાણે રંગોનો ગુલદસ્તોે તેમાં દરેક રંગનું એક અલગ મહત્વ છે . પોતાનું પ્રભુત્વ છે સફેદ રંગ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક વિવેક સૂચવે છે. ચંદ્રનું પ્રતીક છે. અને શોર્યનું પ્રતીક છે. લાલરંગ શૌર્યનું પ્રતીક છે. ગણપતિનું પ્રીય છે. સૂર્યનું લાગ પ્રતીક છે. ઘરની લાલી બતાવે છે. પીળો રંગ – લક્ષ્મી અને વિષ્ણુને પ્રીય છે. જે તટસ્થતા સ્વસ્થતા બતાવે છે. ગુરૂનું પ્રતીક છે. આ રંગ દવારા ધનલક્ષ્મીને આહવાન અપાય છે. ભૂરો રંગ સુખ સલામતી શુક્રનું પ્રતીક છે. લીલો રંગ હરીયાલી (બુધનું પ્રતીક છે ..) પ્રકૃતિનું પ્રતીક છે . કેસરી રંગ ત્યાગ, સમર્પણનો ભાવ સૂચવે છે.મંગળનું પ્રતિક જાંબુડી રંગ, ઐશ્વર્યના વૈભવ સૂચવે છે. આમ વિવિધ ગુણોથી સભર રમણીય રંગો વડે ગુણીયલ ગૃહિણી ભીતરના ભાવથી પોતાના આંગણમાં રંગોળી સજાવે છે . અને આત્મીયતાથી સહુને આવકારે છે.
સામાન્યત રંગોળી ચોખાના લોટથી પૂરાતી આજે ચોકનો ભૂકો કે ચમકતા આરસના પથ્થરની ભૂકીથી રંગોળી પૂરાય છે. તામીલનાળું મા વિશેષ પ્રમાણમાં આવી રંગોળી જોવા મળે છે.
ઉતરપ્રદેશ અને બિહારમાં લાકડાનો વેર અને રંગેલા ચોખાનો ઉપયોગ થાય છે. કેરાલામાં લીલા પાંદડા વાટીને રંગોળી થાય છે. મહારાષ્ટ્રમાં ગેરૂ અને ખડીમાટી પલાળીને રંગોળી બનાવાય છે. ગુજરાતમાં ચણોઠીના રંગો તથા ચિરોડીના રંગો વપરાય છે. આ ઉપરાંત આભલા , ભૂંગળી વિ. વિવિધ આર્કષક વસ્તુઓ વાપરી અદભૂત મન મોહીલેતી રંગોળીઓ બનાવાય છે. અને એના દવારા ભવ્ય ભાવ વ્યકત કરાય છે. આવકાર અપાય છે.