Saturday, 27 July, 2024

જીવનમાં વાંચનનું મહત્વ નિબંધ 

111 Views
Share :
જીવનમાં વાંચનનું મહત્વ

જીવનમાં વાંચનનું મહત્વ નિબંધ 

111 Views

વાંચતાં આવડતું હોય છતાં પણ જે વાંચતો નથી તે નિરક્ષર જેવો જ છે.

આપણે આપણા અભ્યાસક્રમમાં આવતાં પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણાં માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે. એટલે આપણે આપણાં પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવાં જોઈએ.

પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રસ્કિનના ‘Unto The Last’ નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોએ જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા આપી છે. રામાયણ, ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

સારાં પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી. તે આપણને સાચું માર્ગદર્શન તેમજ સારાં કામો કરવાનું પ્રોત્સાહન આપે છે. તેઓ આપણને સુખદુ:ખમાં સમભાવથી રહેવાનું બળ આપે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે. સારાં પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, દયા, પ્રેમ, ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે.

સારાં પુસ્તકોના વાંચનથી સારું-નરસું અને સાચું-ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે.

સારાં પુસ્તકો આપણા જીવનનું ઘડતર કરે છે, તેમ હલકી કક્ષાનાં પુસ્તકો આપણા જીવનને બગાડે છે. તે આપણને ગેરમાર્ગે દોરે છે. એટલે આપણે સારાં પુસ્તકોની મૈત્રી કરવી જોઈએ. એક લેખકે સાચું જ કહ્યું છે કે, ‘તમે શું વાંચો છો તે મને કહો અને તમે કેવા છો તે હું તમને કહી દઈશ!’ સારાં પુસ્તકોના વાંચનથી આપણે જગત અને જીવનને વિશાળ દષ્ટથી જોઈ શકીએ છીએ.

આજનો યુગ ટેલિવિઝનનો યુગ છે. લોકોમાં પુસ્તકોના વાંચનની રુચિ ઘટતી જાય છે. લોકોનો મોટા ભાગનો સમય ટી.વી.ના કાર્યક્રમો જોવામાં જ પસાર થઈ જાય છે. હવે પુસ્તકોનો ઉપયોગ કબાટની શોભા વધારવા પૂરતો જ રહ્યો છે. પુસ્તકાલયોમાં પણ વાચકોની સંખ્યા ઘટી રહી છે. આમ છતાં, આજેય પણ સારાં પુસ્તકો વાંચનારાઓની કમી નથી. સારાં પુસ્તકોનું મહત્ત્વ તો વધતું જ રહેવાનું છે.

જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *