જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ નિબંધ
By-Gujju03-10-2023

જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ નિબંધ
By Gujju03-10-2023
“પ્રમાણિકતા” આ શીર્ષક જેટલું બોલવાથી અને સાંભળવાથી આપણા મન પર અસર કરી જાય છે. તે ખરેખર અદ્ભુત અને અવિશ્વસનીય છે. જ્યારે પણ આપણે પ્રામાણિકતા શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ખરેખર કોઈ પણ વ્યક્તિ હોય પછી ભલેને તે ગમે તેટલો અપ્રામાણિક હોય, ભ્રષ્ટાચારી હોય, દુરાચારી હોય પણ એકવાર તો તેના મનમાં પ્રામાણિકતા લહેર દોડી જાય છે.
જેવી રીતે એક વિદ્યાર્થીને સૌથી વધુ મહેનત કરવાની અને વાંચવાની ઈચ્છા એના પરીક્ષાના પરિણામ ના દિવસે થાય છે, પછી આખું વર્ષ એ વાંચે અથવા તો ન વાંચે ૫રંતુ તે દિવસે તો એને એવું થાય છે કે હવે હું આગળના વર્ષે ખૂબ જ મહેનત કરીશ અને આગળ નો નંબર લાવવાનો પ્રયત્ન કરશ. આપણે જ્યારે પ્રામાણિકતાની વાતો કરીએ ત્યારે આપણને જે તે તો જીવનમાં હંમેશાં પ્રામાણિકતાના રસ્તા પર ચાલવું જોઈએ એવો વિચાર આવે જ છે.
પ્રામાણિકતા શાળામાં શીખવવામાં આવતી આદર્શ કેળવણી તો છે જ પરંતુ એનાથી વિશેષ પણ એ આપણને આપણા જીવનમાંથી મળતી અનુભવોની યાદીમાંથી વધુ મળે છે. જેમ ફૂલ ગમે તેટલું સુંદર હોય પણ એમાં સુગંધ ના હોય તો એની કિંમત ઓછી થઈ જાય છે, તે જ રીતે વ્યક્તિ ગમે તેટલો મોટો કેમ ના હોય પરંતુ પ્રામાણિકતા જો તેના જીવનમાં ન હોય તો તેમનું જીવન વ્યર્થ જ કહેવાય છે.
આજ ના યુગે માણસને લોભી બનાવી દીધો છે. આજે માણસ પોતાના દુઃખોથી જેટલો દુઃખી નથી એનાથી વધારે બીજાના સુખથી દુખી જાણાય છે. માણસ ધન, વૈભવ, વિલાસ ની આશામાં પોતાની પ્રામાણિકતા ભૂલી અપ્રામાણિક રસ્તા પર ચાલી જાય છે.
જેનું નુકસાન એ તો ભોગવે છે પરંતુ એની સાથે એમનો પરિવાર કુટુંબ અને સમાજ પણ ભોગવે છે. અપ્રામાણિકતા થી મેળવેલું ધન, પ્રતિષ્ઠા, વૈભવ ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય છે. એ તેને બાહ્ય રીતે સુખી બતાવશે પણ આંતરિક રીતે તો એને દુઃખી જ કરતી હોય છે.
આજે આપણે જોઈએ તો અપ્રામાણિકતા આવવાનું સૌથી મોટું કારણ માણસોમાં એકબીજામાં વધી રહેલી ઈર્ષા, અદેખાઈ ની ભાવના જ માણસને અપ્રામાણિકતા તરફ જવા માટે પ્રોત્સાહિત કરતી હોય છે. તેથી માણસે હંમેશા ”સંતોષી નર સદા સુખી” ના મંત્ર સાથે ચાલવું જોઈએ. એવું નથી હોતું કે માણસે પ્રમાણિકતા ના બનવુ હોય પરંતુ તેના પર હાવિ થયેલો લોભ, ઇષ્યા તેને અપ્રામાણિકતા તરફ જવા માટે દોરી જાય છે.
પ્રામાણિકતાની બીજી પરિભાષાની વાત કરીએ તો પ્રામાણિકતા એ વ્યક્તિના સ્વભાવ અને તેના મનના વિચારો પર ઘણો આધાર રાખે છે. પ્રામાણિકતા એટલે ફક્ત વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની જ પ્રામાણિકતા એવું નથી, પરંતુ વ્યક્તિની કુદરતના અન્ય પ્રાણીઓ પ્રત્યે પણ હોવી જોઈએ જે એમના વિચાર અને સ્વભાવ પર આધારિત હોય છે.
પ્રામાણિકતા એ એક એવો રસ્તો છે કે એના પર કોઈ પણ પ્રકારની ભીડ હોતી નથી. પરંતુ એ રસ્તો જેટલો સરળ દેખાય એટલો સરળ હોતો નથી. તેના પર વ્યક્તિની સહનશીલતા, નૈતિકતા ની પરીક્ષા થાય છે. જેવી રીતે જે તાળું હથોડા મારવાથી પણ નથી તૂટતું એ તાળું એક નાની સરખી ચાવીથી ખૂલી જાય છે, કારણ કે એ ચાવી તાળાના હૃદયમાં જઈને તેને સ્પર્શ કરે છે, તેવી જ રીતે વ્યક્તિ પણ ગમે તેટલો ધનવાન, વૈભવશાળી હશે પણ તે ત્યારે જ બીજાના હૃદયમાં તાળું ખોલી શકશે જ્યારે તેની પાસે પ્રામાણિકતાની ચાવી હશે.
પ્રામાણિક બનવું અને પ્રામાણિકતા દાખવવી વ્યક્તિમાં રહેલું એક આંતરિક તત્વ છે. અંતમાં એટલું જ કહેવું છે કે ”આપણી પ્રામાણિકતા એ કોઈના પર કરેલો ઉપકાર નથી પરંતુ આપણે પોતે જ પોતાને આપેલા એક ઉપહાર છે.”