જીવનજ્યોત જગાવો
By-Gujju20-05-2023
269 Views
જીવનજ્યોત જગાવો
By Gujju20-05-2023
269 Views
જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો
અમને રડવડતાં શીખવાડો … પ્રભુ હે
વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,
અમને ઝળહળતાં શીખવાડો … પ્રભુ હે
ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,
જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો,
અમને મઘમઘતાં શીખવાડો … પ્રભુ હે
ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,
અમને ગરજંતા શીખવાડો … પ્રભુ હે
અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,
સ્નેહશક્તિ બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,
અમને સ્થળ સ્થળમાં વરસાવો … પ્રભુ હે
– સુન્દરમ્