Monday, 23 December, 2024

જો હું સૈનિક હોઉં તો નિબંધ

558 Views
Share :
જો હું સૈનિક હોઉં તો

જો હું સૈનિક હોઉં તો નિબંધ

558 Views

મારો જન્મ બનાસકાંઠા જિલ્લાના એક ડુંગરાળ વિસ્તારમાં થયો હતો. હું ભણતો હતો, ત્યારે એક દિવસ મારી શાળામાં સૈનિકદિનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમાં અમારા સાહેબે અમને સૈનિકનું મહત્ત્વ સમજાવ્યું હતું. તે જ દિવસે મેં સૈનિક બનવાનો નિર્ણય કરી લીધો હતો.

એક વાર મને જાણવા મળ્યું કે સૈનિકોની ભરતી થઈ રહી છે. હું પણ એ ભરતી કૅમ્પમાં પહોંચી ગયો. મારું શરીર ખડતલ અને કદાવર હતું; તેથી મારી પસંદગી થઈ ગઈ. પછી અમને સૈનિકશાળામાં આકરી તાલીમ આપવામાં આવી. તેનાથી મારામાં મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત અને હિંમત આવી ગયાં. થોડાક વખતમાં તો મને રાઇફલ, મશીનગન, તોપ, ટૅન્ક વગેરે શસ્રો ચલાવતાં પણ આવડી ગયું. હવે હું યુદ્ધના મોરચે જવા થનગની રહ્યો હતો.

પાકિસ્તાની ઘૂસણખોરો આપણા દેશના કારગીલ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. તેમને પાછા તગેડી મૂકવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અમારી બટાલિયનને કારગીલ મોરચે મોકલવામાં આવી. અમે ઘૂસણખોરોને મારી હટાવવાના કામમાં લાગી ગયા. ઘૂસણખોરોને તગેડી મૂકવામાં અમને ઘણી સફળતા મળી. અમે દ્રાસ વિસ્તારમાં છુપાયેલા ઘૂસણખોરોનો નાશ કરી દીધો હતો. અમે તેમનાં બધાં હથિયારો જપ્ત કરી લીધાં હતાં.

આપણા દેશના નેતાઓએ અને જનતાએ અમારા આ બહાદુરીભર્યા કામથી ખુશ થઈ અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં.

પછી અમે બીજા સરહદી વિસ્તારમાં ગયા. ત્યાં પણ દુશ્મનોની સાથે અમારે ભારે સંઘર્ષ થયો. મે એકલે હાથે ચાર ઘૂસણખોરોને મારી નાખ્યા હતા. ત્યાં તો અચાનક મારા પગે દુશ્મનની મશીનગનમાંથી છૂટેલી એક ગોળી વાગી. ઘાયલ થવાથી હું ઢળી પડ્યો. મને તરત જ લશ્કરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. મારા ઘાયલ પગની ત્યાં ઉત્તમ સારવાર કરવામાં આવી. હવે તો મારો પગ સારો પણ થઈ ગયો છે. હું એકાદ મહિના પછી ફરીથી મારી ફરજ બજાવી શકીશ. હું માભોમની રક્ષા કરવા ઉત્સુક છું.

આપે મારી વાત ધ્યાનથી સાંભળી એનો મને આનંદ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *