Sunday, 22 December, 2024

જુના જમાનાની ઉત્તરાયણની યાદો

2100 Views
Share :
જુના જમાનાની ઉત્તરાયણની યાદો

જુના જમાનાની ઉત્તરાયણની યાદો

2100 Views

અમારા કૈશોર્યકાળથી માંડી કુમારાવસ્થા સુધી અમને જો કોઈ પર્વ પ્રાણથીય પ્યારું પ્રિયતમથીય પ્રિયતમ હોય તો તે ઉત્તરાણનું. ઉત્તરાયણની પતંગો અમને લગભગ ઘેલાં કરી મેલતી. અમારે માટે આ એક એવો તહેવાર હતો જે સુવાંગ અમારો પંડ્યનો જ સિદ્ધ થઈ રહેતો. દિવાળી ગરીબ-તવંગરના ભેદ પાડીને દીપતી. આઠમના ગરબા અમને ગમતા પણ મેળામાં પૈસાને અભાવે મન મેલીને મહાલવાનું ના મળતું. હોળી અમારે માટે માણ્યા કરતાં વધુ તો એને મન ભરીને ઊજવનારાને નીરખવાનો અવસર બની રહેતી ને તાજિયા કુતૂહલનો.

હકીકતે નાતાલ અમારે કાજે ઉત્તરાયણનું નજરાણું લઈ આવતી. દિવાળી ઊતરી રહે, નવું વરસ બેસે અને કારતકનાં વાદળાં જરાક આછરવા માંડે કે અમે આગલા વરસની જીવના જતનથી સાચવી રાખેલી પતંગો કાઢીએ. પતંગોની જેમ જો દોરી પણ સચવાઈ રહી હોય, એકાદ જણો હવાની રૂખ જોઈ એક નવરા મુહૂર્તે પતંગ ચગાવે ને પછી લગભગ અમારી તમામ નજરો નભ ભણી મંડાઈ જાય. એની દેખાદેખી બીજી પતંગ પણ ચગવા માડે એ પછી તો એક કહેતાં ઇકોતર પતંગોથી આકાશ છવાઈ જાય.

ઉત્તરાણને અમે અમારો આગવો તહેવાર એટલા માટે માનીએ કે એમાં મોટેરાંઓનો કોઈ હક-હિસ્સો જ ના હોય, નહીં એમને કશું પૂછવા-ગાછવાનું, નહીં કશા કાલાવાલા ને નહીં કશી સાડીબાર! હકીકતે તો પતંગો ચગવા માંડે ને મોટેરાંને ધ્રાસકા શરૂ થઈ જાય. સામાન્ય રીતે અમારા મહોલ્લાનાં પિંઢેરિયાં ઘરો ઉપર દેશી નળિયાં છાયેલાં હોય. નળિયાં તળે વળીઓ, વાંસના આધાર હોય અને વાંસવળીઓ પર તુવેર-વેણોની સાંઠીમાં હડણ હંચવાળ્યા હોય. આવા હડણ બહુ બહુ તો બે ચોમાસાં ખેંચે. પછી ભેજ ને તડકાને કારણે છીતાઈ જાય.

પણ દર ચોમાસે ઘરોની છત સંચવાળવી ને નળિયાં ચાળવાં મોંઘાં પડે એટલે પછેડી જેટલા પગ લાંબા કરતાં લોક ત્રણચાર વરસે એક વાર છત ઉકેલે. એક જમાનામાં જ્યારે પતંગોનો આટલો આંધળો ઉન્માદ નહીં હોય ત્યારે ચાર-પાંચ વરસો લાગી છત સંચવાતી હશે, પણ પતંગોના પેચમાં ને કપાયેલી પતંગો લૂંટવામાં અમે એટલા પાવરધા ને પૅક બની ગયેલા કે અમને થેગડા ને કૂદકા ભરતા જોઈને એક વારકાં તો વાંદરાંય ડોળા ફાડીને જોઈ રહે!

ભરદોરમાં પેચ જામ્યા હોય તો એકસામટી સો-દોઢસો કીકીઓ એ તરફ મંડાઈ રહી હોય, એમાંથી જે કપાય એનો લટકતો દોરીનો છેડો સૌથી ઊંચે હોય એના જ હાથમાં આવે એટલે મોટેરાં ના-ના કહેતાં રહે, છાજિયાં લેતાં રહે અને એક-એક છાપરાં પર અમે શેરિયાંના ઝંડા લઈને ચડી જઈએ. પતંગ કપાતાની સાથે જ ભાન ભૂલી જઈને પેલાં નળિયાં ઉપર દોડવાનું શરૂ કરી દઈએ! હનુમાન બળતા લાંગુલ સાથે લંકાનું દહન કરવા જે રીતે ઊછળ્યા હશે ને લંકાના એકેએક સદનમાંથી જે ચીસો-ચિત્કારો ને આર્તનાદો ગાજી ઊઠ્યાં હશે એવા જ પણ એથી અર્થના પ્રકારમાં સહેજ જુદા પોકારો અમારા એ પતંગ-લૂંટણના સમે ફળિયાં ગજવી મેલતા.

એમાં અમારા ઓસણા કૂટાતા. રાજિયા ગવાતા, છાજિયાં લેવાતાં ને છેવટે અમારું નખ્ખોદ ભખાતું. કારણ અમે એળ-બેળ જોયા વિના ભોંયે દોડતા હોઈએ એમ છાપરાં ઉપર હડી કાઢતા ને પછી ભરડ-ભરડ ભરડક કરતો નળિયાંનો ભુક્કો બોલાવા માંડતો. દોડવાની ઝડપને કારણે નળિયાં સરખાં ગોઠવાયાં હોય તો ઝીંક ઝીલતાં, ને ભાંગતાં નહીં પણ ખસી તો અવશ્ય જતાં એટલે ચોમાસે ચૂવા ભંગાવવાના ગણેશ મંડાઈ જતા. વળી પેલી છતમાં વાંસ-વળીનો જોગ ના ખાતાં કોઈક વખાના માર્યા એ દિવેલાનો આધાર માંડ્યો હોય ને દોડતાં જો એના પર પગ આવી જાય તો એ ભરડભૂસ ભાંગી જ પડતો.

ટોપલો નળિયાં નીચે તૂટી પડતાં ને કદીકદા એ નળિયાં સાથે એમને માથે કરે વાર્તાવનારાય ભોંયભેળો થઈ જતો. આવે ટાણે ધરાધ્વસ્ત થનારની જે અવદશા થતી તે તો વર્ણનાતીત છે. એ તો એ સારી પેઠનો પહટાયો હોતો, હાથપગ છોલાયા હોતા ને ક્વચિત્ ભાંગ્યાય હોય ને ઉપરથી ઢીંપણપાક પડતો પછી ઓસડિયાં પીવાં પડતાં ને હાથ-પાંગોઠું વછૂટી ગયાં હોય તો ખરી ઉત્તરાયણને ટાંકણે મોઢું વીલું લઈને દહાડો આખો આકાશ તાકીને નેહાકા (નિસાસા) નાખવાના થતા. પરભાર્યા ઘરમાં પડ્યા હોઈએ તો મોટેરાંમાં ખાસ્સો ઝઘડો થઈ જતો ને પછી બે માણસ નક્કી કરે એટલી ખોટ ભરપાઈ કરી આપવાની થતી.

કપાતી પતંગ જતાંની સાથે જ અમારાં માથાં ચટ્ટભરમ થઈ જતાં ને ગગનમાં ગોથાં ખાતી ગુલાંટો મારતી પતંગની અદા ને દિશા ભણી ઊંચાં માથાં રાખી અમે રૂમલાયેલા પાડાની જેમ ગાંડાતૂર બનીને દોડતા, સામે કોણ આવે છે તેનું ભાનબાન ના રહેતું. પરિણામે ક્યારેક કોઈ નારીની છાતી અમારા ધમશેરિયા માથાનું વિઘ્ન બની જતી, ક્વચિત્ અમે જ કોઈ ઝાડ-ઝાંખરામાં ભરાઈ પડતા કે ભેંસ-બળદ સાથે અથડાઈ પડતા. આમ તો અમારાં ઘરોનાં છજ્જાં ને છતો સંકડાશને કારણે એવાં નજીક નજીક હતાં કે એક પરથી બીજા પર જવામાં અમને વાડો કૂદેલા અભ્યાસીઓને ઝાઝું મુશ્કેલ ના પડતુંઃ પણ તેમ છતાંય મહિને- દા’ડે એકાદો અકસ્માત તો બની જ જતો.

અમારો દોડવીર ઇસ્કાહક આમ જ એક વાર છાપરેથી પડીને હાથ ભાંગી બેઠેલો ને પેચ લડાવવાનો અઠંગ ઉસ્તાદ એવો મણિલાલ કપાયેલી પતંગ પકડવાની લ્હેમાં છાપરાં કૂદતો છેક ત્રીજા ફળિયે આવેલા એના બાપના કટ્ટા વેરવી એવા કાનદા ઝવરનું હડણ તોડીને સીધો વચલા મોભારાવાળા ઓરડામાં ભૂસકાયેલો. સીમમાંથી બળ્યોજળ્યો આવેલો કાનદા એ બપ્પોરીવેળાએ ત્રાંસળું મોઢે માંડી કઢી પી રહેલો એ ગાજ ગર્યો હોય એમ સેશ્તર નળિયાંનો ભુક્કો બોલાવતો ડાલા દશનનો ડીચરો પણ આગળ પડ્યો.

કાનદાની આંખ ફાંગી થઈ ગઈ ને પડતાવેંત એ ફાંગી કીકીનો અણસાર પામેલો મણિયો એક પળવારમાં ચેતી ગયો, પછડાટના માર સમાણો એ મૂર્છિત થઈ ગયો, મોઢે ફીણ આવતાં હોય એમ થૂંક છણકોર્યું, એકાદ-બે કણસાટા ખાઈને એ શબવત્ બની ગયો!

ત્રાંસળું પડતું મેલીને કાનદા એની કને ધસી ગયા, ભલે ને એ ભવ-ભવના વેરવીનો બેટડો હોય, પણ હતો આખરકાજ છોરુ! એમણે એને મોઢે-માથે પાણી ચાંટ્યું ને બૂમો પાડીને બે-ચાર જણને એકઠાં કર્યાં. એક જે હડી કાઢીને મણિયાના બાપ મોતી ઉકઈને ખબર કરી. દશમનને ઘેર હગ્ગે દીકરે સત્યાનાશ નોતર્યું એવા ઉકળાટમાં ધૂંઆં-પૂંઆ થતો એ ને એનો ભાઈ કરસન ઉકઈ કાનદાના ઘર ભણી દોડ્યા. વેરવી એવા કાનદાને દીકરાની આસનાવાસના કરતો જોઈને તે મોતી-મીણસમો ઓગળી ગયો. ચાદરની ખોઈ કરીને ચાર જણે મણિયાને કાંધે ઉઠાવ્યો ને લઈ ચાલ્યા સીધા ધર્માદા દવાખાને.

ડૉક્ટર આવ્યા, મણિયાને જોયો. આ પહેલાં કશાક પતંગો મિષેના વાંકે જ બે-એક વાર ભારાડી મણિયો ડૉક્ટરની આંખમાં આવી ગયેલો. પણ એ ડૉક્ટર હતા. એમણે એને તપાસવા માંડ્યો ને મણિયો ભાનમાં આવી ગયો. જાણતો તો હતો જ કે એણે જ એ આદર્યું છે એને કારણે એ પળે કેટલા જણ ચિંતાતુર બનીને એની આજુબાજુ વીંટળાઈ રહ્યા છે. ડૉક્ટર છોલાયેલા જમણા પગને તપાસતા હતા ને એણે મરી જતો હોય એવા દર્દની ચીસ પાડી.

ડૉક્ટર અજાયબીમાં અને મણિયાના દર્દનો પાર નહીં. ડૉક્ટરે એને બેઠો કરવા માંડ્યો તો એ પોકારી ઊઠ્યો કે એનાથી જમણો પગ મંડાતો જ નથી. ડૉક્ટર સમજી ગયા. ટોળે વળેલા સૌ સામે એમણે વેધક નજર નાખી એ પછી કંપાઉન્ડરને બોલાવીને મણિયાના જમણે પગે ને હાથે જડબેસલાક પ્લાસ્ટર મારી દીધાં. રૂપિયા પચાસ મોતી ઉકઈને ઊભા ઊભા ઓકવા પડ્યા જે ૧૯૪૭ના એ જમાનામાં પાંચસો જેવા હતા.

ખાટલામાં સુવાડીને મણિયાનું સરઘસ ઘરભેગું થયું. કણસ્યા ને ઊંહકારા ભર્યા વિના મણિયાનો છુટાકારો નહોતો.

વળતે દિવસે સુકાઈ ગયેલા પ્લાસ્ટરમાં ભીચડાયેલ હાથ ને પગ કહ્યું ન કરે. સૌ મજૂરીએ ગયેલા અને અમે બેત્રણ વિશ્વાસુ જણ એની પથારીએ વીલાં મોઢાં લઈને બેઠેલા ત્યારે એ બોલી ઊઠેલોઃ

‘મારું હાહરું મારી બનાવટે જ મનં મારી નાંછ્યો. ડાક્તરે હાહરે જબરું વેર વાળ્યું.’

એ ઉતરાણે તે હાથે ને છતે પગે મણિલાલ ઓશિયાળા બનીને આકાશ તાકી રહેલા. એમનાં કર્યાં એમને બરાબરમાં કનડી રહ્યાં હતાં.

ઉતરાયણ અમને વહાલેશરી લાગવાનું મસમોટું કારણ પાછું એ હતું કે અમને અભાવ ના સાલવા દેતી. પહોંચ ના હોય એવા દોરી-પતંગ લૂંટીનેય હરખ પૂરો કરતા ને મારા જેવો એક આનાનો કાગળ લાવી એની છ ફૂદીઓ બનાવે. એમાંથી બબ્બે પૈસા લેખે બે આનાનો નફો થાય. એ એમ જ બે-ચાર રૂપિયાનો વેંત કરીને હું અને બીજા અનેક દોસ્તો દિલ ભરીને માંજા ઘસતા અને પતંગોનો આનંદ લૂંટતા.

એ જમાનામાં અમારા ગામમાં એક બબુભાઈ મુખી, બીજા મોતી શિકારી છેક મોટી ઉંમરેય ઉતરાણ ઊજવતા. એ બેના પેચ જામે ત્યારે અમે કટાવ કહેતા. એ જામે ત્યારે એમની પતંગો સે’રી લેતી લેતી આંખોથી ઓઝલ થઈ જતી. બબ્બે ત્રણ-ત્રણ ને ચાર-ચાર રીલ ભરેલી ફીરકીઓ ખલાસ થઈ જતી. ને પછી કઈ કપાતી એની ખબર પણ ના પડતી. મહદંશે બંને કપાઈ જતી અને એ પેચ જોનારા દિવસો લગી એનાં સ્મરણો વાગોળ્યા કરતાં.

અમારા ગામમાં આમ તો પતંગો ઉડાવવાના બીજા અનેક માહેર; પણ એક છનિયો ગોલો, બીજા ઘરરગડ ને ત્રીજો અમારો મણિલાલ, એ ખરા પતંગબાજ લેખાતા. એમની ચગાવેલી પતંગ જવલ્લે જ કપાય. ને એ પરસ્પર જો પેચ લડાવતા તો આકાશમાં પતંગોના આડા-તીરછા વ્યૂહ દર્શનીય બની રહેતા.

આમાંનો છનિયો ગોલો એકવડા કદ-કામવાળો સહેજ શ્યામળો જવાનિયો તો પ્રથમ ખેંચ મારીને કાપવાની કળા લઈ આવેલો. સે’રીમાં કલાકો લગી પેચ ટકી રહે અને દોરી ખૂબ બગડે, જ્યારે આડી કે ઊભી ખેંચમાં ગણતરીની સેકંડોમાં સામેની પતંગના બાર વાગી જાય.

છનિયાએ આ રીતે ભરદોરમાં ખીલેલી મુખીની પતંગને નીચેથી પેચ લઈને ત્રણ વામની ખેંચમાં જ્યારે અર્ધી રેલે કાપી નાખેલી ત્યારે સૌ દંગ બનીને જોઈ જ રહેલા. એ પછી તો મુખીએ છનિયાની પતંગ કાપવા ઘણાં ઘણાં હવાતિયાં મારેલા પણ કાબેલ ગોલો જંગ જીતી ગયેલો તે એટલે સુધી કે મુખી ખુદ અને શાબાશી આપવા દોડી ગયેલા.

એ પછી તો આકાશમાં છનિયાનું જ એકચક્રી રાજ ચાલવા માંડેલું. એ હંમેશાં અડધિયો કે ચોથિયો ચડાવે. પતંગની એની પરખ અજાયબ. એની પતંગ હવાની રૂખથીય ઝાઝું છનિયાનું આદર્યું માને. પોતાની પતંગને એ ઊંચે ને ઊંચે ચડાવતો જાય ને દોરી છોડતો જ જાય, એ પછી ધાર્યો ગોથ લગાવીને એ તીરછી કાટ ખેંચવાનું શરૂ કરે. એ એકસામટી એના એ તીરછા કટાવમાં દસ-બાર પતંગો આવી જાય ને એકેએકની છુટ્ટી થઈ જાય.

ગોલો અજેય ને અપ્રતિહત બની રહે. પછી તો લગભગ એવી વાયકા થઈ ગયેલી કે ગોલાને કોઈ પહોંચે જ નહીં. નખ જેવડા છોકરડાએ આપણી પતંગોનું પાણી ઉતારી નાખ્યું એમ માનીને મુખીને મોતી જેવા મોટારાંઓએ પતંગો ઉડાવવાનું પરહરી મેલ્યું.

એ કાળે દોરીના આટલા પ્રકાર પંકાયઃ સાંકળ આઠ, સાંકળ બે, ગિન્ની અઢાર, ને કેલિકો વીસ. આમાં સૌથી મોંઘી સાંકળ આઠ. પાવરધા ને ઉસ્તાદો એને એવો માંજો ઘસે કે એ તલવારની ધાર સરીખી બની જાય. આવડત હોય અને સાંકળ આઠ કે સાંકળ બે પિવડાવે. આ પિવડાવવી એટલે કે માંજો કરવાનું એનું આગવું શસ્ત્ર. એ કોઈને કહે નહીં. એની લૂગ્દી વધી હોય તો એ માટીમાં ભેળવી દે. હાંડલી પણ તોડી નાખે. ના પકડાય, ના એને પહોંચાય.

આ લખનારની પહોંચ ત્યારે બહુ બહુ તો ડોકા ચાળીસ પાવડા છાપની. ઘોડાની ડોકાવાળી છાપની ગરગડી પરની પાતળી દોરી પિવડાવીને હુંય મનગમતા પેચ લડાવું. એક વાર એમ જ મારે ને છનિયાની લાગી ગઈ.

એ ખેંચ મારવાનો એ હું જાણું, ખેંચમાં ખેંચનારની ઝડપથી આપણી ઢીલ ઓછી હોય એટલે આપણી કપાઈ જ જાય. છનિયે નીચેથી ખેંચ મારી કે મેં મારો પિલ્લો છુટ્ટો મેલી દીધો. એક તો મારી પતંગ હલકી ને ઢીલ ફરકી ચાલી. છનિયાની ખેંચમાં એક આંચકો આવતાંની સાથે જ એનો ચોથિયો કપાઈ ગયો ને મારા મિત્રોએ મને ઊંચકી લીધો. બસ એ દિવસથી પેચ લડાવવાની બાબતમાં આપણો સિક્કો જામી ગયો. ને છનિયાને પૂરો પડનાર એક માથાનો મળી ગયો એ વાતેય આપણે પંકાતા ચાલ્યા. છનિયો ગોલો ખુદ આવીનેય મારી દોરીને ‘કમાલ, કમાલ’ કહેતો ગયેલો.

પતંગોનાં ત્યારે ચોથિયો, અડધિયો, પોણિયો ને ઢાલ આ ચાર નામ તો પ્રચલિત ખરાં જ; પણ ફુદ્દી, આધાશીશી, પ્યાલદાર, મથ્થઈ, પાવડિયા, આંખોદાર, ધારારી, ચમરી, ત્રિરંગી ને પંચાલી નામો તો ખાસ અમે ચાલતાં કરેલાં.

ઉતરાણના મળસકાથી ‘એ કાપ્પી…’નું હુડદંગ શરૂ થતું તે છેક સૂરજ આથમ્યા લગી અણથંભ-અણથક ચાલ્યા કરતું. એમાં જો કદીક પવન પડી જતો કે દિશાફેર કરી દેતો તો એનો કરનારો અમારો મહાન અપરાધી ઠરી જતો. ભગવાનને તે દા’ડે અમારા ભણીથી એટલું તો સાંભળવાનું મળતું કે એ બીજા દા’ડાની વાસી ઉતરાણનો દા’ડો સુધારી દેતો.

ઉતરાણ પત્યા પછી બહુ બહુ તો અમે બેથી ત્રણ દા’ડા વાસી લ્હાવા લેતા પણ પછી મોટેરાં અમારું ચાલવા ન દેતા. એટલે ઉત્તરાયણની સંધ્યા પૂર્ણ થાય ને અમે કોઈ પ્રિયમાં પ્રિય સ્વજન અવસાન પામ્યું હોય તેવા ઘેરા વિષાદમાં મુકાઈ જતા.

‘હવે તો પ…હો…ર આવશે ઉતરાણ…!’ એવા અમારા નિઃશ્વાસમાં આવતી ઉતરાણ વહેલેરી મહિના છલાંગતી આવે એવી અમારી મંશા રહેતી.

આજે એ પ્રાકૃત આનંદ નથી રહ્યો. લગભગ આયખાના પાંત્રીસસમા વર્ષ સુધી મેં પતંગો ઉડાડી. હવે તો માત્ર આકાશ તાકું છું ને ક્યાંય અમારા છનિયા ગોલા કે મણિયાની પતંગની અદા જોવા મળે છે કે કેમ — એ માટે નેજવાં ખેંચ્યા કરું છું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *