ક્ડવાચૌથની વ્રત કથા – દરેક ભારિતય પત્ની કડવાચૌથના દિવસે વાંચે છે આ કથા
By-Gujju12-10-2023
ક્ડવાચૌથની વ્રત કથા – દરેક ભારિતય પત્ની કડવાચૌથના દિવસે વાંચે છે આ કથા
By Gujju12-10-2023
શરદ પુનમ બાદ જે ચોથ આવે છે તેને કરવા ચોથ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 1 નવેમ્બર કરવા ચોથ છે. જે પત્નીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વ્રતમાં સ્ત્રીઓ સુર્યાસ્ત પહેલાં ચંદ્ર દર્શન અને ત્યાર બાદ પતિનો ચહેરો જોઈને જ ભોજન ગ્રહણ કરે છે. ઉત્તર ભારતમાં કરવા ચોથની ઉજવણી એક મોટા તહેવાર તરીકે કરવામાં આવે છે. ગુજરાતીઓમાં આ વ્રત કરવાની પરંપરા નથી પણ ધીમે ધીમે સમાજ મલ્ટી કલ્ચરલ થઈ રહ્યો છે અને લોકોના રિવાજોમાં પણ પરિવર્તન આવ્યા છે.
કરવા ચોથમાં કથા સાંભળવાનું મહત્ત્વ
કરવા ચોથના દિવસે જે મહિલાઓ પોતાના પતિ માટે ઉપવાસ કરતી હોય છે તેમના માટે કરવા ચોથની વ્રત કથા સાંભળવી અનિવાર્ય છે. કહેવાય છે કે કથા વગરનું વ્રત અપુર્ણ છે. માટે કરવા ચોથના દિવસે સુર્યાસ્ત પહેલાં દરેક વ્રત કરનાર સુહાગણ સ્ત્રીએ આ વ્રતકથા સાંભળવી કે વાંચવી જોઈએ.
કરવા ચોથની કથા
એક વેપારીના સાત દીકરા હતા અને એક દિકરી હતી જેનું નામ કરવા હતું. એકવાર કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષના ચોથના દિવસે શેઠાણી તેમજ તેમની સાતે વહુઓ અને તેમની એકની એક દીકરીએ પણ પોતાના પતિઓ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. રાત્રે વેપાર ધંધો પતાવી વેપારી અને તેના સાતે દીકરા ઘરે આવીને ભોજન ગ્રહણ કરવા બેઠા ત્યારે તેમની બહેન જમવા ન બેઠી. ત્યારે ભાઈઓએ તેણીને ભોજન ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો ત્યારે બહેને કહ્યું કે હજું તો ચંદ્ર પણ નથી નીકળ્યો, ચંદ્ર દર્શન બાદ ચંદ્ર દેવતાને પાણી ચડાવીને જ તેણી ભોજન કરશે.
વેપારીના આ સાત દીકરાઓ પોતાની લાડકી બહેનને ખુબ પ્રેમ કરતા હતા. તે રાત્રે ચંદ્રમાં હજુ નહોતા ઉગ્યા. પણ તેમની લાડકી બહેનને તો ખુબ ભુખ લાગી હતી અને તેણી ભુખની મારી વલખા મારી રહી હતી. છેવટે ભાઈઓથી બહેનને ભુખી રહેતી ન જોઈ શકાઈ. તેમણે તેણીને જમાડવા માટે એક ઉપાય અજમાવ્યો.
સાતે ભાઈઓ ઘરની બહાર નીકળી ગયા અને છેક ગામના પાદરે પહોંચ્યા. તેમણે સૌથી મોટા ઝાડ પર ચડીને ત્યાં એક અગ્નિ પ્રજ્વલિત કરી દીધી. આમ કર્યા બાદ સાતે ભાઈઓ ઘરે આવી ગયા અને તેમણે પોતાની ભુખી-તરસી બહેનને કહ્યું, “બહેન આ તરફ જો, ચંદ્રમાં નીકળી આવ્યા છે. હવે તું તેમને પાણી ચડાવીને ભોજન ગ્રહણ કરી શકે છે.”
બહેનને ખબર હતી કે તેણીની ભાભીઓ પણ આખા દીવસની ભુખી હતી તેણીએ તેમને પણ ચંદ્ર દર્શન કરીને ભોજન ગ્રહણ કરવા કહ્યું. ત્યારે તેની ભાભીઓએ તેણીને જણાવ્યું કે ચંદ્રમાં હજી નથી ઉગ્યા.તારા ભાઈઓ તને ભુખી ન જોઈ શક્યા માટે તને જમાડવાના ઉદ્દેશથી ગામના પાદરના મોટા ઝાડ પર અગ્નિ પ્રગટાવીને આવ્યા છે જે તને ચંદ્રમાં જેવી દેખાઈ રહી છે.
પણ જેમ ભાઈઓને બહેન વાહલી હતી તેમ બહેનને પણ પોતાના ભાઈઓ પર વિશ્વાસ હતો. તેણીએ પોતાની ભાભીઓની વાત પર વિશ્વાસ ન કર્યો અને ભાઈઓના કહ્યા પ્રમાણે ચંદ્ર જેવી દેખાતી અગ્નિ સમક્ષ જળ ચડાવી ભોજન જમી લીધું. જો કે જમતાં પહેલાં ભગવાનની ચેતવણી રૂપે તેણીને તેના પ્રથમ કોળીયા પર છીંક આવી બીજા કોળીયા પર તેમાંથી વાળ નીકળ્યો અને ત્રીજો તેણીએ ખાઈ લીધો અને તેનું વ્રત ભંગ થઈ ગયું. બહેને તો બીચારીએ પુર્ણ ભક્તિથી વ્રત કર્યું હતું પણ ભાઈઓ પર વિશ્વાસ કરીને તેનું કરવા ચોથનું વ્રત ટુટી ગયું હતું. માટે ભગવાન ગણેશ તેનાથી નારાજ થઈ ગયા હતા.
ભગવાન નારાજ થતાં બહેનનો પતિના મૃત્યુના સમાચાર મળે છે. તેણી આ સમાચાર સાંભળીને સ્તબ્ધ રહી જાય છે. છેવટે વેપારીની દીકરીને પોતે ખરેખર વ્રત તોડ્યું હતું તેની જાણ થતાં તેણીને ખુબ પશ્ચાતાપ થયો. પણ તેણી એક પતિવ્રતા સ્ત્રી હતી તેણી કંઈ આમ જ પોતાના પતિનો અંતિમસંસ્કાર થવા દે તેવી નહોતી. તેણી સતત પોતાના પતિના શવ પાસે બેસી રહે છે. સમય જતાં તેના શરીર પર જે ઘાંસ ઉગી નીકળે છે તેને ભેગું કરતી રહે છે. સાથે સાથે તેણી ભગવાનને એકધારી પ્રાર્થના પણ કરતી રહે છે.
આમને આમ એક વર્ષ પસાર થઈ જાય છે અને ફરી પાછો કરવા ચોથનો દિવસ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેણીની સાતેય ભાભીઓએ પણ વ્રત રાખ્યું હતું. ત્યારે તેની ભાભીઓ તેની પાસે આશિર્વાદ લેવા આવે છે ત્યારે કરવાએ જે ઘાંસ ભેગું કર્યું હતું તે પોતાની ભાભીને આપતા આગ્રહ કરે છે “યમ સુઈ લેલો, પિય સુઈ દે દો, મુઝેભી અપની જૈસી સુહાગિન બના દો” પણ બધી જ ભાભી એકબીજા પર ઠેલતી રહે છે. છેવટે છઠ્ઠા નંબરની ભાભી આવે છે ત્યારે કરવા તેને પણ આ જ અરજ કરે છે.
આ ભાભી તેણીને જણાવે છે કે તેણીના સૌથી નાના ભાઈના કારણે તેણીનું વ્રત તુટ્યું હતું માટે તેણીના પતિને પણ તે નાના ભાઈની પત્ની જ જીવીત કરી શકે છે. માટે જ્યારે તે આવે ત્યારે તેને તારે આગ્રહ કરવો અને જ્યાં સુધી તે તારું કહ્યું ન માને ત્યાં સુધી તેણીને ન જવા દેવી.
હવે બધાથી છેલ્લે સૌથી નાની ભાભી કરવાનો આશિર્વાદ લેવા આવે છે. પણ ઘણી અરજ છતાં આ ભાભી પણ તેની વાત નથી માનતી અને ત્યાંથી જવા લાગે છે ત્યારે જ કરવા તેમનો હાથ પકડી લે છે અને તેમને જણાવે છે કે જ્યાં સુધી તેની ભાભી તેના પતિને જીવીત નહી કરે ત્યાં સુધી તે તેમીને છોડશે નહીં. છેવટે સૌથી નાની ભાભીનું મન પીઘળી જાય છે અને પોતાની નાની આંગળી ચીરીને તેમાંથી અમૃત નણંદના પતિના મોડામાં નાખે છે. કરવાનો પતિ તરત જ શ્રી ગણેશ – શ્રી ગણેશ કરતો ઉભો થઈ જાય છે. આમ તેની નાની ભાભીના હાથે તેણીનો પતિ પુનર્જિવીત થાય છે. અને તેણી ફરી સુહાગણ બની જાય છે.
કરવા ચોથના વ્રતમાં સાસુનું અત્યંત મહત્ત્વ છે
- કરવા ચોથમાં સુરજ ઉગ્યા પહેલાં દરેક વ્રત કરનાર સુહાગણ સ્ત્રીએ ફળાહાર કરવાનો હોય છે. અને સાથે સાથે જ વહુને પોતાની સાસુ તરફથી સરગી આપવામાં આવે છે જેમાં સુહાગણનો સામાન એટલેકે વસ્ત્રો, બંગડીઓ, ચાંદલા, સિંદુર તેમજ ફળ, સુકોમેવો, નાળિયેર વિગેરે આપવામાં આવે છે.
- આ સરગીનું કરવા ચોથમાં ઘણું મહત્ત્વ છે. જો સાસુ જોડે ન રહેતા હોય અથવા દૂર રહેતા હોય તો સાસુ વહુને સરગી માટે પૈસા આપી શકે છે જેથી કરીને તેણી સાસુના નામે તે બધો સામાન ખરીદી શકે.
- વહુએ સાસુ દ્વારા મળેલા આ સામનથી જ પોતાની જાતને સજાવવાની હોય છે અને તેમાં મળેલા ફળાહારથી જ વ્રતની શરૂઆત કરવાની હોય છે.
- તમે તમારા સાસુના દીકરા એટલે કે તમારા પતિ માટે વ્રત કરતા હોવાથી તેમના હાથે તેમના જ દીકરાના લાંબા આયુષ્ય માટે તમારા સાસુથી વધારે શુભ કોઈ જ ન હોઈ શકે.
- સાસુ વહુને જે સરગી આપે છે તે તેણીએ સાસુને બાયનાના સ્વરૂપે પાછી આપવી પડે છે. તમારા સાસુ ન હોય અથવા તે વિધવા હોય તો પણ તમારે તે વિધિ તો કરવી જ પડે છે. જો સાસુ ન હોય તો તમે જે સ્ત્રીને પોતાના સાસુ સમાન ગણતા હોવ તેને બાયના આપી શકો છો.