Monday, 9 December, 2024

કાળયવનનો નાશ

321 Views
Share :
કાળયવનનો નાશ

કાળયવનનો નાશ

321 Views

એને પોતાની તરફ દોડતો દેખીને ભગવાન કૃષ્ણ પણ યુદ્ધભૂમિને છોડીને બીજી દિશામાં દોડવા માંડ્યા. એ દૃશ્ય કેટલું બધું અવનવું અને અદ્દભુત હતું ? ભગવાને બતાવી આપ્યું કે પોતે રણમાં લડવામાં તો કુશળ છે જ પરંતુ રણને છોડીને નાસવામાં પણ ઓછી કુશળતા નથી ધરાવતા. એમનું નાસવાનું પણ સહેતુક અને કલ્યાણકારક હોય છે. આવશ્યકતાને અનુસરીને એ જેવી કરવી હોય તેવી બધી જ લીલા કરી શકે છે.

ભગવાન કૃષ્ણે પોતાની સુનિશ્ચિત લીલા કરતાં દોડી રહેલા અને એમને વહેલામાં વહેલી તકે પકડવાની આશામાં એમની પાછળ કાળયવન દોડી રહેલો. એ વચ્ચે વચ્ચે બોલતો હતો કે યદુવંશમાં ઉત્પન્ન થયેલાએ આવી રીતે કાયરની જેમ ભાગવું ના જોઇએ. પરંતુ કૃષ્ણ તો એને કોઇ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યા વિના દોડ્યે જ જતા હતા. એવી રીતે દોડતાં દોડતાં આખરે એ માર્ગમાં આવેલી પર્વતની ગુફામાં બેસી ગયા. કાળયવન પણ અનેક પ્રકારના આક્ષેપો કરતો એમની પાછળ થોડાક વખત પછી ગુફામાં પ્રવેશ્યો. ત્યાં એણે એક સુતેલા પુરુષને કૃષ્ણ માનીને ક્રોધમાં લાત મારી એટલે એ પુરુષે આંખ ખોલી. એમની રોષ ભરેલી દૃષ્ટિ પડતાં જ કાળયવનના સમસ્ત શરીરમાં અગ્નિની જ્વાળા જાગી અને જોતજોતામાં તો એ બળીને ભસ્મ થઇ ગયો.

એ આખીય ઘટના અણધારી રીતે બની ગઇ. કાળયવનનું એવી રીતે મૃત્યુ થવાનું હતું અને એ એનો ભોગ બન્યો. ગુફામાં સુતેલા અને ગાઢ નિદ્રામાંથી જાગેલા એ પુરુષ ઇક્ષ્વાકુવંશી મહારાજા માંધાતાના પુત્ર રાજા મૂચુકુંદ હતા. એમની ઘોર નિદ્રાની પાછળ એક કારણ હતું. એકવાર અસુરોથી ભયભીત થયેલા ઇન્દ્રાદિ દેવોએ પોતાની રક્ષા માટે એમની મદદ માગી. એથી પ્રેરાઇને એમણે પોતાના પ્રખર પરાક્રમથી એમની રક્ષા કરી. દેવોને જ્યારે સેનાપતિના રૂપમાં કાર્તિકેય મળી ગયા ત્યારે એમને એમણે મોક્ષ સિવાય બીજા કોઇ પણ પદાર્થનું વરદાન માગવા કહ્યું. દેવોની માગણીને માન આપીને એમણે નિદ્રાનું વરદાન માગી લીધું. દેવોએ એ વરદાન આપીને જણાવ્યું કે જે મૂર્ખ તને નિદ્રામાંથી જગાડશે તે તમારી દૃષ્ટિ પડતાંવેંત એ જ ક્ષણે ભસ્મિભૂત થઇ જશે.

કાળયવનના ભસ્મિભૂત થયા પછી ભગવાન કૃષ્ણે રાજા મુચુકુંદને દર્શન આપ્યું. એમને નિહાળીને મુચુકુંદની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમણે સહેજ સાશંક બનીને એમનો પરિચય પૂછ્યો તો એમણે જણાવ્યું કે મારા જન્મ, મારાં કર્મ ને નામ અનંત છે. ધરતીના રજકણોને ગણવાનું કામ કદાચ સહેલું હોય તો પણ એ બધાને ગણવાનું કામ અતિશય અઘરું છે. બ્રહ્માએ અવનીને માટે આંતકરૂપ બનેલા અસુરોનો અંત આણવા મને કરેલી પ્રેમપૂર્ણ પ્રાર્થનાના અનુસંધાનમાં મેં યદુવંશમાં વસુદેવને ત્યાં જન્મ લીધો છે. એટલા માટે વાસુદેવના નામથી પણ ઓળખાઉં છું. અત્યાર સુધી મેં કંસનો અને અન્ય અનેક અસુરોનો અંત આણ્યો છે. મારી પ્રેરણાથી તમારા કેવળ દૃષ્ટિપાતથી થોડાક વખત પહેલાં કાળયવન પણ ભસ્મિભૂત થઇ ગયો. તમે પહેલાં મારી અનુરાગપૂર્ણ આરાધના કરી હોવાથી હું ગુફામાં સ્વેચ્છાથી તમારા પર કૃપા કરવા માટે આવ્યો છું. તમારે જે પણ માગવું હોય તે મારી પાસેથી માગી લો. હું તમને બધી રીતે કૃતાર્થ કરીશ.

ભગવાન કૃષ્ણના શબ્દો સાંભળીને રાજા મૂચુકુંદને ગર્ગાચાર્યે એમના સંબંધમાં કરેલી ભવિષ્યવાણીની સ્મૃતિ થઇ. એમણે ભાવવિભોર બનીને ભગવાન કૃષ્ણને પ્રણામ કરીને સ્તુતિ કરવા માંડી:

विमोहितोङय जन इशमायया त्वदीयया त्वां न भयत्यनर्थदृक् ।
सुखाय दुःखप्रभवेषु सज्जते गृहेषु योषित् पुरुषश्च वंचित ॥

(સ્કંધ ૧0 ઉત્તરાર્ધ અધ્યાય પ૧, શ્લોક ૪૬)

‘પૃથ્વીનાં સઘળાં પ્રાણીઓ ઇશ્વરની અથવા તમારી માયાથી મોહિત બનીને તમારાથી વિમુખ થઇને અનર્થોમાં સપડાઇને તમારું શરણ લઇને તમને નથી ભજતાં. એ સેવે છે તો સનાતન સુખની ઇચ્છાને પરંતુ દુઃખના મૂળ કારણરૂપ દેહ તથા ગેહની મમતામાં પડે છે. સ્ત્રી અને પુરુષ એવી રીતે સાચા સુખથી વંચિત બનીને ભૂલાવામાં પડ્યાં છે.’

‘અજન્મા અને પરમપવિત્ર પ્રભુ ! આ કલ્યાણકારક કર્મભૂમિમાં દેવોને પણ દુર્લભ એવો મનુષ્યજન્મ મેળવીને તમારી ભક્તિનો આધાર લઇ શકાય છે. એ છતાં પણ જે સદ્દબુદ્ધિથી વંચિત થઇને તમારા ચારુ ચરણકમળમાં મનને નથી જોડતાં અને ગૃહાદિમાં આસક્તિ કરે છે તે તૃણના લોભથી અંધારા કૂવામાં પડનારા પશુ જેવા છે.’

*

भवापवर्गो भ्रमतो यदा भवेज जनस्य तर्ह्यच्युत सत्समागमः ।
सत्संगमो यर्हि तदैव सद्दगतौ परावरेशे त्वयि जायते मतिः ॥ (શ્લોક પ૪)

‘સ્વરૂપમાં સદાને સારુ સ્થિતિ કરનારા ભગવાન ! અનાદિકાળના જન્મમૃત્યુરૂપ સંસારચક્રમાં ભટકનારો જીવ જ્યારે એમાંથી મુક્તિ મેળવવાનો અવસર આવે છે ત્યારે સત્સંગની પ્રાપ્તિ કરે છે. અને એ પણ એટલું જ સાચું છે કે જે ક્ષણે સત્સંગ સાંપડે છે તે ક્ષણે સંતોના આશ્રય અને કાર્ય કારણરૂપ સંસારના એકમાત્ર સ્વામી તમારી અંદર એની બુદ્ધિ દૃઢતાપૂર્વક લાગી જાય છે.’

રાજા મૂચુકુંદ ભગવાનની પરિકમ્મા કરી, એમને વંદીને ગુફાની બહાર નીકળ્યા અને ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા. ભગવાન નરનારાયણના નિત્ય નિવાસસ્થાન બદરીકાશ્રમમાં જઇને ભગવાનમાં મન લગાડીને એમણે તપશ્ચર્યા કરવા માંડી.

*

કાળયવનના નાશ પછી ભગવાન કૃષ્ણે મથુરાનગરીમાં આવીને એને ઘેરીને પડેલી સેનાનો સંહાર કર્યો. એમના આદેશાનુસાર એ સેનાની સાંપડેલી સંપત્તિ કે સામગ્રી દ્વારકા તરફ લઇ જવામાં આવતી હતી ત્યારે મગધરાજ જરાસંઘે પોતાની વિશાળ સેના સાથે મથુરા પર અઢારમી વાર આક્રમણ કર્યું. એ જોઇને કૃષ્ણ ને બળરામ સામાન્ય માનવોના જેવી લીલા કરતાં નાસી છૂટયા. જરાસંઘે અહંકારથી ઉન્મત્ત બનીને પોતાની સેના સાથે એમનો પીછો કર્યો. લાંબા સમય સુધી દોડીને થાકી જવાથી કૃષ્ણ ને બળરામ માર્ગમાં આવતા પ્રવર્ષણ પર્વત પર ચઢી ગયા. જરાસંઘે પર્વત પર ઘણીયે તપાસ કરી તો પણ એમનો પત્તો ના લાગ્યો ત્યારે એણે એ પર્વતને ચારે તરફથી સળગાવી મૂક્યો. પરંતુ કૃષ્ણ બળરામ સાથે એ પર્વત પરથી કૂદીને કોઇને પણ ખબર ના પડે તેવી રીતે નીચે આવ્યા અને સુરક્ષિત રીતે દ્વારકાપુરીમાં પહોંચી ગયા. જરાસંઘ એ બંનેને પર્વતની ભીષણ જ્વાળામાં જલેલા સમજી સેના સાથે સર્વોત્તમ સફળતાના ઉલ્લાસ સાથે મગધ દેશમાં પાછો ફર્યો. એને કૃષ્ણના કૌશલની કલ્પના પણ ના આવી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *