Saturday, 27 July, 2024

કાલિયનાગનો પ્રસંગ

283 Views
Share :
કાલિયનાગનો પ્રસંગ

કાલિયનાગનો પ્રસંગ

283 Views

ધેનુકાસુરનો નાશ થયા પછી કૃષ્ણ તથા બલરામ બીજા ગોપબાળોની સાથે વૃંદાવનમાં પાછા ફર્યા. એ પછી કૃષ્ણના જીવનમાં એક બીજો પ્રસંગ બની ગયો – કાલિય નાગ પરની એમની અલૌકિક કૃપાનો.

એ પ્રસંગની પૂર્વભૂમિકા તરીકે ભાગવતમાં એક નાના છતાં પણ મહત્વના પ્રસંગનું આલેખન કરવામાં આવ્યું છે. એ પ્રસંગ પ્રમાણે ભગવાન કૃષ્ણ એક વાર ગોપબાળકો સાથે યમુનાતટ પર જઇ પહોંચ્યા. એ વખતે જેઠ માસ ચાલતો હોવાથી ગાયો તથા ગોપબાળકો તાપથી સંતપ્ત બનીને અકળાઇ ઊઠ્યાં. એમને ખૂબ જ તરસ લાગવાથી એમણે યમુનાના વિષમય પાણીને પી લીધું. એવું પાણી પીતાવેંત એ બધા બેહોશ બનીને ધરતી પર ઢળી પડ્યાં કે મરી ગયાં. એમને એવી દયનીય દશામાં દેખીને ભગવાન કૃષ્ણે એમને પોતાની અમૃતમયી અલૌકિક દૃષ્ટિથી જીવતાં કર્યા. એવી રીતે એમને શ્રીકૃષ્ણ કૃપાથી ફરીવાર ચેતનાની પ્રાપ્તિ થઇ.

પરંતુ એ પ્રસંગે ગોપબાળકોને ખાસ કરીને ભગવાન કૃષ્ણને વિચાર કરતા કરી મૂક્યા. એમને ખબર પડી કે કાલિય નાગે યમુનાના પાણીને વિષમય કરીને આખી યમુનાને બગાડી નાખી છે. કાલિય નાગે યમુનાના કુંડ પર અધિકાર કરેલો. એને લીધે યમુનાનું પાણી દૂષિત બનેલું. એ પાણીના ઉપભોગથી મનુષ્યો, પશુઓ તથા પંખીઓ પણ મૃત્યુ પામતાં. ભગવાન કૃષ્ણ એ માહિતી મેળવીને બેસી રહે તો ભગવાન કૃષ્ણ કેવી રીતે કહેવાય ? એ તો એક આદર્શ સમાજસેવક હતા. સમાજને બનતી બધી જ રીતે, પોતાના જાનને જોખમાં મૂકીને પણ ઉપયોગી થવાની એમની વૃત્તિ તથા પ્રવૃત્તિ હતી. એમનું સમગ્ર જીવન એમના માટે નહોતું, બીજાને માટે હતું. મહાત્માઓ બીજાને માટે જ જીવતા હોય છે અને અલ્પાત્માઓ પોતાને માટે. મહાત્માઓ બીજાને માટે મહેનત કરે છે, વેઠે છે, ને સહે છે અને અલ્પાત્માઓ બીજાને મહેનત કરવા, વેઠવા તથા સહેવા બાધ્ય બનાવે છે. મહાત્માઓ જરૂર પડ્યે બીજાને માટે ફના થઇ જાય છે અને અલ્પાત્માઓ બીજાને પોતાને માટે ફના કરે છે. બંનેની વચ્ચે એવો આભજમીનનો તફાવત છે. કૃષ્ણ વૃંદાવનની ભૂમિ સાથે ભળી ગયા હોવાથી એ ભૂમિનાં સુખદુઃખને પોતાનાં સમજતા અને એને મદદરૂપ થવા તૈયાર રહેતા.

એ કાલિય નાગના વિષમય પ્રભાવમાંથી યમુનાને મુક્ત કરવાનો સુદૃઢ સંકલ્પ કરીને કદંબ વૃક્ષ પર ચઢી ગયા અને ત્યાંથી યમુનાના વિષમય પાણીમાં કૂદી પડ્યા. યમુના કુંડમાં પડીને પાણીને ઉછાળવા લાગ્યા. એનો અવાજ સાંભળીને કાલિય નાગ બહાર નીકળીને કૃષ્ણની પાસે આવી પહોંચ્યો. કૃષ્ણને એનો લેશ પણ ભય ના લાગ્યો એટલે એણે ક્રોધે ભરાઇને એમને ડંખ મારીને શરીરના બંધનમાં બાંધી દીધા. નાગના એ પ્રખર પાશને લીધે કૃષ્ણ તદ્દન નિષ્ચેટ બની ગયા. એ દેખીને કાલિય નાગને આનંદ થયો ને ગોપબાળકો તથા બીજા દર્શનાર્થીઓ દુઃખમાં ડૂબી ગયા. એમને ખબર નહોતી કે ભગવાન કૃષ્ણ નાગપાશમાં બંધાઇને સ્વેચ્છાથી સામાન્ય મનુષ્ય જેવી લીલા જ કરી રહ્યા છે.

સઘળા સમાચાર સાંભળીને નંદ, યશોદા તથા બલરામ યમુનાતટ પર પહોંચી ગયાં. એ સૌને જોઇને ભગવાન કૃષ્ણે પોતાના શરીરને મોટું કરી દીધું. એથી કાલિય નાગ બંધન છોડીને દૂર જતો રહ્યો. પરંતુ ભગવાન સાનુકૂળ સમય જોઇને એના મસ્તક પર ચઢી ગયા, અને નૃત્ય કરવા લાગ્યા. વચ્ચે વચ્ચે પોતાના પાદપ્રહારથી કાલિય નાગની શક્તિનો નાશ પણ કરવા માંડ્યા. નાગના મસ્તકમાંથી લોહી નીકળવા લાગ્યું. એના અંગોપાંગો તૂટીને નબળાં પડ્યાં. એ લોહીની ઊલટી કરવા માંડ્યો અને આખરે પરમાત્માનું સ્મરણ કરીને એમને શરણે ગયો. એની એવી દયનીય દશાને દેખીને એની સ્ત્રીઓ ભગવાન કૃષ્ણને શરણે આવી ને પ્રણામ કરીને, એના જીવનની રક્ષાને માટે પ્રેમપૂર્વક પ્રાર્થના કરવા લાગી.

0                                         0                                    0

ભગવાનને કરાયલી કાલિય નાગની પત્નીઓની પ્રાર્થના નિષ્ફળ ના ગઇ. એને લક્ષમાં લઇને ભગવાન કૃષ્ણે કાલિય નાગને છોડી દીધો. નાગને નવીન ચેતનાની પ્રાપ્તિ થઇ. એણે પણ ભગવાનની પ્રેમપૂર્વક પ્રાર્થના કરી એટલે ભગવાન કૃષ્ણે એને એના જાતિબંધુઓ, પુત્રો અને એની સ્ત્રીઓ સાથે યમુનાને છોડીને સમુદ્રમાં જવાનો આદેશ આપ્યો ને જણાવ્યું કે તું ગરુડના ભયથી રમણક દ્વીપને ત્યાગીને આ સ્થળમાં રહેવા આવેલો તેની મને માહિતી છે, પરંતુ તારું શરીર હવે મારા ચરણસ્પર્શથી વિશુદ્ધ બન્યું હોવાથી ગરુડ તારો નાશ નહિ કરી શકે.

કાલિય નાગે પોતાની પત્નીઓની સાથે ભગવાન કૃષ્ણની દિવ્ય વસ્ત્ર, માળા, મણિ, આભૂષણ, દિવ્ય ગંધ, ચંદન અને કમળોથી પૂજા કરી ને એમને પ્રસન્ન કર્યા. પછી એમને પ્રણામ કરીને રમણક દ્વીપ તરફ પ્રયાણ કર્યું. એ દિવસથી યમુનાનું પાણી અમૃતમય બની ગયું ને સૌ કોઇ એનો નિશ્ચિંત અથવા નિર્ભય બનીને લાભ ઉઠાવવા લાગ્યા.

કાલિય નાગે નાગોના નિવાસસ્થાન રમણક દ્વીપનો ત્યાગ કરેલો એની પાછળ એક કારણ હતું. નાગોએ પ્રત્યેક માસમાં એકવાર ગરુડને એક નાગની ભેટ આપવાનો નિર્ણય કરેલો. એ નાગોમાં કદ્રુના પુત્ર કાલિય નાગે એ પ્રથાનો વિરોધ કરીને ગરુડને ભેટ આપવામાં આવતા નાગોનું ભક્ષણ કરવાનું શરુ કર્યું. એથી ક્રોધે ભરાયલા ગરુડે એના પર આક્રમણ કરવાથી એ બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. એમાં ઘાયલ થયેલા કાલિય નાગે એથી જ એ સુંદર રમણક દ્વીપને છોડીને યમુનાના સુંદર પવિત્ર પ્રદેશમાં આશ્રય લીધો. મહર્ષિ સૌભરિના શાપને લીધે ગરુડ એ સ્થળમાં નહોતો આવી શક્તો. એ શાપની પૂરેપૂરી માહિતી હોવાથી જ કાલિય નાગ ત્યાં નિર્ભયતાથી નિવાસ કરતો.

0                                     0                                           0

ભગવાન કૃષ્ણ કાલિય નાગને નાથે છે એવાં અસંખ્ય ચિત્રો ઠેકઠેકાણે જોવા મળે છે. કવિઓએ એ પ્રસંગમાંથી પ્રેરણા પામીને કવિતાઓ પણ કરી છે. એ ચિત્રો તથા કવિતાઓ ખૂબ જ લોકપ્રિય છે. એમાં કાલિય નાગને સ્થૂળ નાગ કે સાપ તરીકે વર્ણવવામાં આવ્યો છે. એને એવી રીતે વર્ણવવામાં કશો દોષ નથી. એ વર્ણન રોમાંચક અને રોચક લાગે છે. ભગવાન કૃષ્ણની લીલા અચિંત્ય હોવાથી એમને માટે કોઇ પણ કાર્ય કઠિન નથી. તો પણ ભાગવતને તટસ્થ રીતે વાંચવા વિચારવાથી લાગે છે કે કાલિય નાગ વિશેની આપણી પરંપરાગત માન્યતામાં થોડોક ફેરફાર કરવો જોઇશે. કાલિય નાગ મોટા ભાગના માણસો માને છે તેમ સાપ નહોતો પરંતુ મનુષ્ય હતો. મનુષ્યોની આજની પેઠે એ વખતે પણ એક નાગ નામની જાતિ થતી હતી. અને કાલિય નાગ એનો પ્રતિનિધિ હતો. આ માન્યતા અત્યાર સુધી પ્રવર્તી રહેલી બીજી માન્યતા કરતાં જુદી હોવા છતાં વાસ્તવિક છે. એમાં સંદેહ નથી. કાલિય નાગ યમુના તટ પર રહેવા આવેલો અને એ ખૂબ જ તમોગુણી તથા આસુરી પ્રકૃતિનો હોવાથી એને લીધે યમુના દૂષિત બનેલી. એણે એના અમૃતમય કુંડને વિષમય કરેલો. ભગવાન કૃષ્ણે એનો શૌર્યપૂર્વક સફળતાસહિત સામનો કરીને એને એના અસલ આવાસસ્થાનમાં મોકલી દીધો. ભાગવતનું કેટલુંક વર્ણન એ નાગ અથવા સર્પ જાતિનો મનુષ્ય હતો એ હકીકતનું સમર્થન કરે છે. એ વર્ણન આ રહ્યું :

कृष्णस्य गर्भजगतोङतिभरावसन्नं पार्ष्णिप्रहारपरिरुग्णफणातपत्रम् ।
दृष्टवाहिमाद्यमुपसेदुरमुष्य पत्न्य आर्ताः श्लथद्वसनभूषणकेशबंधाः ॥
तास्तं सुव्गिनमनसोङथ पुरस्कृतार्भाः कायं निधाय भुवि भूतपतिं प्रणेभुः ।
साध्व्यः कृतांजलिपुटाः शमलस्य भर्तुरमोक्षेप्सवः शरणदं शरणं प्रपन्नाः ॥

દશમ સ્કંધ પૂર્વાર્ધ, અધ્યાય ૧૬, શ્લોક 3૧ 3૨

‘જેમના ઉદરમાં સમસ્ત વિશ્વ છે એવા ભગવાન કૃષ્ણના ભારથી કાલિય નાગના શરીરની એકેક ગાંઠ ઢીલી પડી ગઇ. એમના પાદપ્રહારથી એનું મસ્તક છિન્નભિન્ન થઇ ગયું. એની એવી દયનીય દશાને દેખીને એની પત્નીઓ અતિશય આતુર બનીને ભગવાનને શરણે આવી. ભયને લીધે એમનાં વસ્ત્રો, ભૂષણો અને એમના અંબોડા ઢીલા પડી ગયેલા.’

‘એ સાધ્વી નાગપત્નીઓ ખૂબ જ ગભરાઇ ગયેલી. પોતાનાં બાળકોને આગળ કરીને ધરતી પર આડી પડીને એમણે સંસારના એકમાત્ર સ્વામી ભગવાનને બે હાથ જોડીને પ્રણામ કર્યા. શરણાગતવત્સલ ભગવાનનું એમણે એમના પતિની મુક્તિ માટે શરણ લીધું.’

એ શ્લોકાર્થને વિચારનાર કોઇપણ સહેલાઇથી નિસ્સંકોચ રીતે કહી શકશે કે એ વર્ણન સર્પિણીઓનું કે નાગણોનું નથી પણ મનુષ્યોનું, માનવસ્ત્રીઓનું છે. એ સ્ત્રીઓના વસ્ત્રો, આભૂષણો અને એમના અંબોડા ઢીલા પડી ગયા છે. સ્થૂળ નાગણોને વસ્ત્રો, આભૂષણો કે અંબોડા ના હોય. એમને માટે સાધ્વી શબ્દ પણ ના વપરાય, બાળકોને આગળ કરીને ક્ષમાયાચના માટે એ ધરતી પર આડી ના પડી શકે, અને બે હાથ જોડીને પ્રણામ પણ ના કરી શકે. એ બધી જ ચેષ્ટાઓ માનવસ્ત્રીઓની જ છે.

એની સાથે એક બીજું વર્ણન જોઇ જઇએ :

दिव्याम्बरस्त्रङमणिभिः परार्द्यैरपि भूषणैः ।
दिव्यगंधानुलेपैश्च महत्योत्पलमालया ॥
पूजयित्वा जगन्नाथं प्रसाद्य गरुडध्वजम् ।
ततः प्रीतोङभ्यनुज्ञातः परिक्रम्याभिवंद्यतम् ॥ (શ્લોક ૬પ-૬૬)

‘કાલિય નાગે સંસારના સ્વામી ગરુડધ્વજ ભગવાન કૃષ્ણની દિવ્ય વસ્ત્રો, પુષ્પમાળા, મણિ, અમૂલખ આભૂષણ, દિવ્ય ગંધ, ચંદન અને ઉત્તમોત્તમ કમનીય કમળોની માળાથી પૂજા કરીને એમને પ્રસન્ન કર્યા. પછી ખૂબ જ પ્રેમ તથા પ્રસન્નતાપૂર્વક એમની પરિક્રમા કરી, એમને વંદીને એમની અનુમતિ મેળવીને રમણીક દ્વીપ તરફ પ્રયાણ કર્યું.’

એ વર્ણનમાં આલેખાયેલી અનેકવિધ સામગ્રીઓના પૂજનપદ્ધતિ તથા પરિક્રમાની ને વંદનની પ્રવૃત્તિ નાગજાતિના પુરુષની અને એની સ્ત્રીઓની છે એ સ્પષ્ટ છે.

એટલે કાલિય નાગ મનુષ્ય હતો એ પુરવાર થાય છે. આપણી પ્રાચીન પરંપરાગત વિચારસરણીમાં આ વિચાર નવો, આશ્ચર્યકારક અને આંચકો આપનારો લાગે એવો હોવાં છતાં મહત્વનો, આવકારદાયક, શાસ્ત્રસંગત તથા સાચો છે એવું સમજતાં વાર નહિ લાગે.

0                                             0                                          0

એ રાતે વ્રજવાસીઓએ અને ગાયોએ વ્રજમાં જવાને બદલે ત્યાં જ યમુનાતટ પર વિશ્રામ કર્યો. ઉનાળાની એ રાતે સૂકાયેલા વનમાં મધરાત સમયે એકાએક આગ લાગી. એ આગે સુતેલા વ્રજવાસીઓને ઘેરી લીધા. એ બધા એના તાપથી તપીને જાગી ઊઠ્યા. એમના ભયનો પાર ના રહેવાથી એમણે ભગવાન કૃષ્ણના શરણે જઇને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી. એ પ્રાર્થનાના પરિણામરૂપે એમને એમની એક બીજી વિશિષ્ટ શક્તિનું દર્શન થયું. જે ભગવાન પોતાની અલૌકિક યોગશક્તિથી ભયંકર ભવાગ્નિને પણ શાંત કરી શકે છે તેમને માટે સામાન્ય અથવા અસામાન્ય દાવાગ્નિને શાંત કરવાનું કાર્ય કઠિન ક્યાંથી હોઇ શકે ? સૌને આકુળવ્યાકુળ જોઇને એમણે એ અસહ્ય આગને શાંત કરી. એ એમની અસીમ શક્તિથી એનું પાન કરી ગયા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *