Sunday, 22 December, 2024

કમનસીબ કપૂરચંદ

144 Views
Share :
કમનસીબ કપૂરચંદ

કમનસીબ કપૂરચંદ

144 Views

દિલ્હી શહેરમાં કપુરચંદ નામનો એક શ્રીમંત વેપારી રહે. તેના વિશે લોકોમાં એવી માન્યતા ફેલાયેલી હતી કે સવારના પહોરમાં કપૂરચંદનું મોટું જે જુએ તેનો આખો દિવસ ખરાબ જાય. તેને ખાવાનું પણ ન મળે! 

એક વાર બાદશાહ અકબરને આ વાતની ખબર પડી. તેને થયું : કપૂરચંદ ખરેખર આવો છે કે નહિ તેની ખાતરી કરવી જોઈએ. અકબરે બીજા દિવસે વહેલી સવારે કપૂરચંદને બોલાવ્યો. બાદશાહ જાગીને તેના શયનખંડની બહાર આવ્યો કે કપૂરચંદને જોયો. તેણે તેને આવકાર આપ્યો. એટલામાં એક દાસી હાંફળી-ફાંફળી ત્યાં આવી. તેણે કહ્યું, “માલિક, બેગમસાહેબા એકાએક બિમાર પડ્યાં છે. આપને બોલાવે છે.” 

બાદશાહ સીધો જનાનખાનામાં ગયો. જોયું તો બેગમ તાવથી ધ્રૂજતી હતી. તેણે તરત હકીમને બોલાવ્યો, આ દોડાદોડીમાં દસ વાગી ગયા. સવારના નાસ્તાનો સમય ચાલ્યો ગયો હતો. 

અકબર જનાનખાનામાંથી બહાર આવ્યો કે એક મંત્રી રાજ્યના અગત્યના કામ માટે એમની રાહ જોતો ત્યાં ઊભો હતો. કામ ખૂબ અગત્યનું હોવાથી અકબર તેની સાથે રાજદરબારમાં ગયો. ત્યાં બીજા મંત્રીઓ સાથે કામની ચર્ચા કરી. આ દરમિયાન એક હજૂરિયાએ આવીને કહ્યું. “ હજૂર, ભોજન માટે આપની રાહ જોવાય છે.”

અકબરને હવે જ ખ્યાલ આવ્યો કે જમવાનું ઘણું મોડું થઈ ગયું હતું. તે જમવા બેઠો, પણ ભોજન ઠંડું થઈ ગયું હતું. તેણે રસોઈયાને બોલાવીને ધમકાવ્યો, નવી સ્વાદિષ્ટ રસોઈ કરી લાવવાનો હુકમ કર્યો. ભૂખ, થાક અને દોડાદોડીને લીધે અકબરના પેટમાં ચૂંક આવવા લાગી. તેણે હકીમને બોલાવ્યો. હકીમે આજનો દિવસ ન ખાઈને હોજરીને આરામ આપવાનું કહ્યું. 

રાત્રે પથારીમાં પડ્યાં-પડ્યાં અકબર આજના દિવસનો વિચાર કરવા લાગ્યો. તેને થયું, આજે સવારે કપૂરચંદનું મોટું જોયું હતું તેનું જ આ પરિણામ! મારા જેવા બાદશાહને, પણ ભૂખ્યા રહેવું પડ્યું! આ માણસ શહેરના લોકો માટે ખતરનાક છે. તેણે અમલદારને બોલાવી હુકમ કર્યો, “કપૂરચંદને ગિરફતાર કરીને આવતી કાલે ફાંસીએ ચડાવી દો.” 

અમલદારો બીજા દિવસે કપૂરચંદને ફાંસીના માંચડા તરફ લઈ જતા હતા. બન્યું એવું કે એ વખતે બિરબલ ત્યાંથી પસાર થતો હતો. કપૂરચંદ તેને જોતાં જ તેના પગમાં પડ્યો. તે બોલ્યો, “બાપજી, હું વગર વાંકે માર્યો જાઉં છું . મને બચાવો.” 

બિરબલે બધી વાત જાણી લીધી. પછી તેને ફાંસીના માંચડે લટકાવે તે પહેલાં શું કરવું તેની સૂચનાઓ આપી. ફાંસીના માંચડે પહોંચ્યા પછી અમલદારે કપૂરચંદને પૂછ્યું, “બોલ તારી છેલ્લી ઈચ્છા શી છે?” કપુરચંદે બાદશાહને રૂબરૂ મળવાની ઈચ્છા દર્શાવી. એ જ વખતે બાદશાહ જાતે ત્યાં આવી પહોંચ્યો. કપૂરચંદ તેના પગમાં પડી બોલ્યો, “જહાંપનાહ, આપે સવારમાં મારું મોઢું જોયું તેથી આપને તકલીફમાં મુકાવું પડ્યું, પણ આપ મારો તો વિચાર કરો! મેં પણ સવારે આપનું મોઢું જોયું હતું. આપને તો આખા દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, પરંતુ મારે તો જિંદગી ગુમાવવી પડી! માલિક, આપનું મોં જોનારનું તો નસીબ ખુલી જવું જોઈએ, તેને બદલે … જો મને ફાંસી મળે તો લોકો શું કહેશે ?” 

અકબર એકદમ વિચારમાં પડી ગયો. તેણે તેને સજામાંથી મુક્ત કર્યો. પછી હસતાં-હસતાં પૂછ્યું, “કપૂરચંદ, સાચું કહેજે, તને આવું કહેવાનું બિરબલે શીખવ્યું હતું ને!” 

કપૂરચંદે હા પાડી. પોતાને મુક્ત કરવા માટે તેણે બાદશાહનો આભાર માન્યો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *