Tuesday, 10 September, 2024

કર્ણનો જન્મ

243 Views
Share :
કર્ણનો જન્મ

કર્ણનો જન્મ

243 Views

Sursen (Vasudev’s father) pledged to give his first baby to his cousin Kuntibhoj as he did not had any kids. Kunti, born to Sursen, was thus brought up by Kuntibhoj. Once Sage Durvasa, known for his anger, came to Kuntibhoj’s place. Kunti served him with utmost care and devotion. As a result, Durvasa became very happy. He blessed and gave a mantra to Kunti by which she can call any deity of her choice and get a son!

After Sage Durvasa’s departure, Kunti could not hold her curiosity. She decided to experiment with the mantra given by Sage Durvasa. She invited Sun God and immediately Sun God appeared in front of her. Kunti was frightened. She told that I called you just out of curiosity. I have no intention whatsoever of having a son. In reply, Sun God told her that the mantra can’t be futile. You will have a son. Karna, known as Surya-putra (son of Sun God) was thus born to Kunti. Out of sheer fear of having a son without marriage, she decided to abandon Karna. Karna, first son of Kunti and eldest of Pandavas, thus ended up staying away from his mother. What a misfortune !

વસુદેવના પિતા શૂરસેન સર્વે યદુઓમાં શ્રેષ્ઠ કહેવાતા.

કહેવાતા તો ખરા પરંતુ શ્રેષ્ઠ હતા પણ.

એમને આખી અવની અજોડ અને અનુપમ અવર્ણનીય કહી શકાય એવી, રૂપરૂપના અંબારસમી પૃથા અથવા કુંતી નામની કન્યા.

શૂરસેને પોતાના સંતાન વગરના ફોઇના પુત્ર કુંતીભોજને પ્રથમ સંતાન અર્પણ કરવાની કરેલી પવિત્ર પ્રેમપૂર્ણ પ્રતિજ્ઞા પ્રમાણે એ કન્યાને સત્યવાદી રહીને સમર્પિત કરી.

એ સુકુમારી શૂરસેનના સર્વ પ્રથમ સંતાન રૂપે પ્રગટેલી.

કુંતીભોજને ત્યાં એ બ્રાહ્મણો, વિદ્વાનો અને અતિથિઓની સેવામાં રોકાયલી રહેતી. એને એમના સત્કાર અને સેવાકર્મના અનુષ્ઠાનથી અતિશય સંતોષ અને આનંદ મળતો.

એકવાર એ સેવાભાવી સુકન્યાએ પરમ ધર્મપરાયણ, જિતેન્દ્રિય, ઉત્તમ તપવ્રતવાળા, મહામુનિ દુર્વાસાની સર્વોત્તમ શ્રદ્ધાભક્તિ સહિત સેવા કરીને એમને સર્વ પ્રકારે સંતુષ્ટ કર્યા. ઋષિએ પૂર્ણપણે પ્રસન્ન બનીને એને ભાવિ આપદધર્મનો વિચાર કરીને મંત્ર આપીને જણાવ્યું કે આ મંત્રથી જે જે દેવનું આવાહન કરશે તે તે દેવના પ્રભાવ કે પ્રસાદથી તને પુત્રપ્રાપ્તિ થશે.

મહર્ષિ દુર્વાસાની વિદાય પછી એક દિવસ કુંતીને કુતૂહલવશ થઇને મંત્રપ્રયોગની આકાંક્ષા થઇ આવી. એણે આવાહન કરવાથી એની પાસે ભગવાન સૂર્યનારાયણ આવી પહોંચ્યા.

એમને વિલોકીને કુંતી પરમવિસ્મય પામીને બોલી કે મેં તો કેવળ પરીક્ષા કરવા માટે જ મંત્રનો પ્રયોગ કર્યો છે. એ પ્રયોગ પાછળ કોઇ બીજો આશય નથી. મારા સાહસયુક્ત અસાધારણ અપરાધને માટે મને ક્ષમા કરો.

કુંતીને પોતાના કઠોર સાહસકર્મના ભાવિ પ્રતિકૂળ પરિણામને વિચારીને લોકભય લાગ્યો ને સંકોચ થયો.

સૂર્યનારાયણે એની આગળ સ્પષ્ટતા કરી કે મારી કૃપાથી તને કોઇ પ્રકારનો દોષ નહિ લાગે. એથી ઊલટું, મને કોઇપણ પ્રકારના પ્રયોજન વગર બોલાવવાનો દોષ લાગશે.

સૂર્યનારાયણ સાથેના સમાગમના પરિણામરૂપે કુંતી પુત્રવતી બની. એ પુત્ર પરમપ્રતાપી, સર્વ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ, જન્મથી જ કાયા પર કવચવાળો, સ્વરૂપવાન અને દેવબાળક જેવો દેખાતો. એનું મૃદુ મુખમંડળ નૈસર્ગિક રીતે ધારણ કરેલા, જન્મથી જ વારસામાં મળેલા, કુંડળને લીધે વિશેષ લાવણ્યયુક્ત અને દેદીપ્યમાન બનેલું.

ભગવાન સૂર્યનારાયણે કુંતીને પુનઃ કૌમાર્ય આપ્યું.

કુંતીએ લોકલાજથી બચવા માટે, લોકાપવાદથી ડરીને, પોતાના એ અકાળે પ્રગટેલા પરમપ્રતાપી પુત્રને સરિતામાં વહાવી દીધો. સરિતામાં વહી રહેલા એ સુપુત્રને સૂતપુત્ર અધિરથે પોતાની પત્ની રાધાની અનુમતિથી બહાર કાઢીને ઘેર લાવીને ઉછેરવા માંડ્યો. એ કવચકુંડળાદિ ધન અથવા વસુ સાથે જન્મ્યો હોવાથી એનું નામ વસુષેણ પડ્યું. પાછળથી એ કર્ણના નામથી પ્રસિદ્ધિ પામ્યો.

એ કથા સ્વતંત્ર રીતે વિચારવા જેવી છે. કુમારી માતાઓ આજે પણ થાય છે તેમ ભૂતકાળમાં પણ થતી હશે એવું કુંતીની કથા પરથી કલ્પી શકાય છે. લોકપવાદ આજે નડે છે તેમ તે વખતે પણ નડતો હતો. કુંતીને ભય લાગે કે સંકોચ થાય તે સ્વાભાવિક હતું. તેની કુમારિકા તરીકેની લાગણી કે ભાવનાની કદર કરીને ભગવાન સૂર્યનારાયણે તેની સાથે શરીરસમાગમ ના કર્યો હોત તો સારું હતું. કુંતીએ તેને માટે પ્રાર્થના તથા વિજ્ઞપ્તિ પણ કરેલી. એટલે એ પછી બળજબરી કરવાનો કશો અર્થ ન હતો. તોપણ જે થવાનું હતું તે થયું. કુંતીએ મહર્ષિ દુર્વાસાના મંત્રનો પરીક્ષાત્મક પ્રયોગ કરીને પ્રારંભમાં જ ભૂલ કરી, એ ભૂલના ભોગ માતા-પુત્ર બંનેને બનવું પડ્યું. સરિતામાં લાચારીવશ છોડી દેવાયેલા પુત્રને બીજું બધું મળ્યું પણ માતા અને પોતાની માતાની મમતા તેમજ મીઠી જન્મજાત માવજત ના મળી, તો માતાને માતા બન્યા ને રહ્યા છતાં પણ પોતાના પુત્રનો પ્રેમ ના મળ્યો. કોમળ કાળજાની કેવી કરુણ કથા !

મહાભારતકારે એ કુમારનો વિશેષ પરિચય પ્રદાન કર્યો છે.

વખતના વીતવા સાથે તે પરમપ્રતાપી મહાબળવાન કુમાર કર્ણ સઘળાં શસ્ત્રાસ્ત્રોમાં નિપુણ બન્યો.

એને સૂર્યોપાસના પ્રત્યે પુષ્કળ પ્રેમ હોવાથી, સૂર્યોદયથી આરંભીને મધ્યાહનોત્તર સમય સુધી તે ભગવાન સૂર્યનારાયણને ઉપાસતો રહેતો.

એ જ્યારે મંત્રજપ કરતો ત્યારે જે પણ યાચક આવતા એમને નિરાશ નહોતો કરતો. એવી રીતે એની પરમ દાનવીર તરીકે પ્રસિદ્ધ હતી. બ્રાહ્મણોને માટે એ સર્વસ્વ સમર્પવા માટે તૈયાર રહેતો.

એની દાનપ્રિયતાનો લાભ ઉઠાવીને અર્જુનને મદદરૂપ થવા માટે એકવાર ઇન્દ્રે એની પાસે બ્રાહ્મણનું રૂપ લઇને એના મહામૂલ્યવાન કવચની માગણી કરી. એવી માગણી કર્ણને કાજે ખરેખર હાનિકારક હોવાં છતાં, પોતાની દાનપ્રિયતાની પરંપરાના પરિપૂર્ણ પાલન માટે એણે કવચનું દાન કર્યું.

ઇન્દ્રે એના એ અસાધારણ દાનકર્મથી પ્રસન્ન થઇને એને એક અમોઘ દિવ્ય શક્તિ આપી અને આશીર્વાદ આપતાં જણાવ્યું કે દેવો, દાનવો, માનવો, ગંધર્વો, યક્ષો, નાગો અને રાક્ષસોમાંથી જેને પણ જીતવાની તું ઇચ્છા કરશે તે આ શક્તિની મદદથી જિતાઇ કે મરી જશે.

એ અલૌકિક શક્તિએ કર્ણને અજેય બનાવી દીધેલો.

કર્ણ કુંતીપુત્ર હોવા છતાં કુંતીએ જન્મતાંવેંત જ તેનો ત્યાગ કર્યો હોવાથી પોતાની માતાને નહોતો જાણતો. પાછળથી થયેલા કુંતીના બીજા પુત્રો કે પાંડવો પોતાના ભાઇ છે એવું પણ નહોતો સમજતો. જો જાણતો કે સમજતો હોત તો મહાભારતનો ઇતિહાસ જુદો જ વળાંક લેત. કર્ણ પાંડવોના પક્ષે રહીને, પાંડવોને સવિશેષ પ્રેમથી નિહાળીને, એમને બનતી બધી રીતે મદદરૂપ બનવા તૈયાર રહેત. એ પાંડવવિરોધી કૌરવછાવણીમાં ધકેલાઇ જાત નહીં. એમ બનતાં કુંતીને સૌથી વધારે સુખ થાત. સંતોષ મળી જાત. પરંતુ સૌથી વધારે ક્લેશનો અનુભવ કુંતીને કરવો પડ્યો અને ભૂલનો ભોગ જીવનપર્યંત કર્ણને બનવું પડ્યું. વિધિનું એ વિધાન કાંઇ ઓછું અમંગલ અથવા વિપરીત નહોતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *