Saturday, 27 July, 2024

કૌશિકની કથા

221 Views
Share :
કૌશિકની કથા

કૌશિકની કથા

221 Views

{slide=Story of Kaushik}

An interesting story is elaborated in the 205th chapter of Van Parva. Accordingly, Sage Kaushik was seated in meditation one day when a bird threw off on the sage. Sage Kaushik became angry and looked at the bird. The bird was annihilated in an instant. Sage Kaushik repented for this incident as he never intended to kill the bird.
Later, Sage Kaushik went in the town for alms. A lady asked him to wait as she was serving food to her husband. It took a while for the lady to return. Finally, when she appeared with alms, Sage Kaushik could not hide his anger. The lady told him that serving her husband was more important than giving him alms. She added that she had a valid reason and she would not fear Sage Kaushik’s wrath, whose mere glance annihilated the bird.  She further advised Sage to shrug of his anger as true Brahmin would never get angry. She advised Sage Kaushik to visit Mithila and see Dharmavyadh for the correct interpretation of dharma. Sage Kaushik realized that the lady was right and there was no reason for his anger. He was also surprised by lady’s utterances about the bird. Sage Kaushik left the place and headed to Mithila to see Dharmavyadh.

મહાભારતના વનપર્વના બસો પાંચમા અધ્યાયમાં કેટલાક નોંધપાત્ર વિચારોને રજૂ કરવામાં આવ્યા છે. તે વિચારોને વારંવાર વિચારવા કે વાગોળવા જેવા છે. આ રહ્યો એમનો સારાંશ :

“પતિવ્રતા સ્ત્રીઓનો મહિમા અવર્ણનીય અને અપાર છે. સઘળી પતિવ્રતા સ્ત્રીઓ સન્માનનીય છે. એ ઇન્દ્રિયોને સદા સંયમમાં રાખે છે, મનનો નિરોધ કરે છે, અને પતિને દેવની પેઠે માનીને તેના જ ચિંતનમનનમાં મગ્ન રહે છે.

“માતાપિતાની આશાને સફળ કરનારો પુત્રજ ધર્મજ્ઞ કહેવાય છે.”

“માતાપિતાને જે નિત્ય પ્રસન્ન રાખે છે તે આ લોક કે પરલોકમાં યશ કે સનાતન ધર્મને પ્રાપ્ત કરે છે.”

“સ્ત્રીઓને માટે કોઇ યજ્ઞક્રિયાની, શ્રાદ્ધની કે ઉપવાસોની આવશ્યકતા નથી. તેમની પતિસેવાથી તે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે.”

વનપર્વમાં એવા વિચારોનું પ્રતિપાદન કરનારા કથા-પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે.

એ કથા પ્રસંગોનો પરિચય કરવા જેવો છે.

કૌશિક નામે એક ગૃહત્યાગી એકાંતવાસી બ્રાહ્મણ નવયુવાન.

વેદાધ્યયન કરનારો, તપસ્વી, ધર્મપરાયણ.

કોઇ કારણે માયાળુ માતાપિતાની અને સંસારની જવાબદારીઓને છોડીને બહાર નીકળી ગયેલો. ભિક્ષાન્ન પર નિર્વાહ કરી રહેલો.

એણે શિક્ષાદિ અંગો અને ઉપનિષદો સાથે વેદોનું અધ્યયન કરેલું.

એ બધું હોવા છતાં એના મન અને એની ઇન્દ્રિયો પર એનો પૂરો અધિકાર નહોતો એથી એનું મન અસ્વસ્થ રહેતું. અને પરમાત્માના ચિંતનમનનના અંતરંગ અભ્યાસક્રમમાં અનાયાસે નહોતું લાગતું.

એકવાર એ વહેલી સવારે પોતાના નિત્યકર્મમાંથી નિવૃત્ત થઇને એક વૃક્ષની નીચે બેસીને વેદપાઠ કરી રહેલો ત્યારે એ વૃક્ષ પર બેઠેલી કોઇક બગલીએ એની ઉપર વિષ્ટા કરી.

એથી અતિશય ક્રોધે ભરાઇને એણે એનું અમંગલ કરવાની કામનાથી પ્રેરાઇને એના પ્રત્યે દૃષ્ટિપાત કર્યો તો એના આશ્ચર્ય સાથે એ બગલી વૃક્ષ પરથી નિષ્પ્રાણ થઇને નીચે પડી. બગલીને એવી રીતે જડ બનીને જમીન પર પડેલી પેખીને કૌશિકને થયું કે મારાથી આજે એક અમંગલ કામ થઇ ગયું. એને પોતાની અસામાન્ય આત્મશક્તિનો પ્રથમવાર જ ખ્યાલ આવ્યો.

સમય પર તે પાસેના ગામમાં ભિક્ષા લેવા માટે પહોંચ્યો.

એક ઘર પાસે પહોંચીને એણે ભિક્ષા માટે માગણી કરી એટલે ઘરની બહાર વાસણને ઉડકનારી ગૃહિણીએ એને થોડા વખત માટે રાહ જોવાની સૂચના આપી. એ વખતે બહારથી એના પતિનું આગમન થતાં એને સત્કારીને એણે ભોજન કરાવવા માંડયું. એ દરમિયાન પેલા તપસ્વી કૌશિકને ભિક્ષા આપવાની વાતનું વિસ્મરણ થયું.

થોડા વખત પછી એને યાદ આવતાં એ ભિક્ષા લઇને બહાર આવી ત્યારે કૌશિકે ક્રોધે ભરાઇને એને ઠપકો આપ્યો. તે સ્ત્રીએ સ્વસ્થતાપૂર્વક સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે મારે મન મારા પતિ મહાદેવ છે. તે ભૂખ્યા અને થાકેલા આવેલા એટલે હું એમની સેવામાં રોકાયલી. એમની સેવાનો અનાદર કરવો એ અધર્મ કહેવાય.

એ સ્પષ્ટીકરણની અસર કૌશિક પર કશી ના પડી. એની ઉત્તેજના અખંડ રહી. એ ઉત્તેજનાને વશ થઇને એણે જણાવ્યું કે તેં બ્રાહ્મણોને હલકા પાડીને તારા પતિને શ્રેષ્ઠ માન્યો છે. ગૃહસ્થ ધર્મની વાત કરીને તું બ્રાહ્મણનું અપમાન કરે છે. ઇન્દ્ર પણ બ્રાહ્મણોને પ્રણામ કરે છે તો પછી સામાન્ય માનવી તો પ્રણામ કરે એમાં કહેવાનું શું ? તું જાણતી નથી કે બ્રાહ્મણો તો અગ્નિ જેવા હોય છે. તે સમસ્ત સૃષ્ટિને પણ બાળીને ખાખ કરી શકે છે.

સ્ત્રીએ કહ્યું તમે અકારણ ક્રોધ કરી રહ્યા છો. હું કાંઇ વનના વૃક્ષ પરની પેલી બગલી નથી કે તમારા ક્રોધાગ્નિથી ભસ્મીભૂત બની જઉં. માટે શાંતિ રાખો. હું પંડિત તથા દેવતુલ્ય બ્રાહ્મણોની અવજ્ઞા નથી કરતી. એમના ઓજસને હું જાણું છું. તમારે મને ક્ષમા પ્રદાન કરવી જોઇએ.

મને તો જે ધર્મ પતિસેવાથી યુક્ત છે તે જ રુચે છે. મારે માટે સર્વ દેવોમાં મારા સ્વામી જ પરમદેવ છે. હે દ્વિજોત્તમ ! હું કશા પણ ભેદ વિના તેમની સેવા કરવાના ધર્મને પાળું છું. હે બ્રાહ્મણ ! પતિસેવાનું કેવું ફળ છે તે તમે જુઓ. તમે રોષથી બગલીને બાળી નાખી છે એ મેં જાણી લીધું છે. હે દ્વિજવર ! ક્રોધ મનુષ્યોના શરીરમાં રહેલો શત્રુ છે. જે ક્રોધ અને મોહને છોડે છે તેને જ દેવો બ્રાહ્મણ જાણે છે. જે આ લોકમાં સત્યવચનો કહે છે, જે ગુરુને સંતોષ આપે છે, અને પોતાની હિંસા થયા છતાં જે સામાની હિંસા કરતો નથી, તેને દેવો બ્રાહ્મણ જાણે છે. જે જિતેન્દ્રિય છે, ધર્મપરાયણ છે, સ્વાધ્યાયનિષ્ઠ છે, પવિત્ર છે, અને જેણે કામ તથા ક્રોધને વશ કર્યા છે, તેને દેવો બ્રાહ્મણ કહે છે. જે ધર્મજ્ઞ અને વિદ્વાનને આ જગત આત્મવત્ લાગે છે, અને જે સ્વધર્મોને આચરે છે, તેને દેવો બ્રાહ્મણ જાણે છે. જે વેદનું અધ્યયન અને અધ્યાપન કરે છે, જે યજ્ઞ કરે છે અથવા કરાવે છે, તેમજ જે યથાશક્તિ દાન આપે છે, તેને દેવો બ્રાહ્મણ કહે છે. જે દાનશૂર દ્વિજશ્રેષ્ઠ બ્રહ્મચારી રહીને વેદાધ્યયન કરે છે, અને સહજ પણ અસાવધ ના થતાં સ્વાધ્યાયમાં તત્પર રહે છે, તેને દેવો બ્રાહ્મણ કહે છે.

સ્વાધ્યાય, ઇન્દ્રિયદમન, સરળતા અને ઇન્દ્રિયનિગ્રહ બ્રાહ્મણોનો શાશ્વત ધર્મ છે. તેમાં પણ ધર્મજ્ઞ મનુષ્યો સત્ય અને સરળતાને જ પરમધર્મ કહે છે.

આપ ધર્મજ્ઞ છો, સ્વાધ્યાયપરાયણ છો, અને પવિત્ર છો. છતાં ધર્મને યથાર્થ રીતે જાણતા નથી, એવું મારું માનવું છે.તમે જો પરમધર્મને જાણવા માગતા હો, તો મિથિલાપુરીમાં જાવ. એ ધર્મવ્યાધ માતપિતાની સેવા કરનારો છે, સત્યવાદી છે, જિતેન્દ્રિય છે, અને મિથિલામાં રહે છે. તે તમને ધર્મ વિશે સમજાવશે. મારાથી વધારે પડતું બોલાયું હોય તો તેને માટે મને ક્ષમા કરજો.

એ શબ્દોને સાંભળીને કૌશિકનો ક્રોધ શાંત થયો.

એને થયું કે આ સ્ત્રીને મારી વાતની – બગલીને ભસ્મ કરવાની વાતની, માહિતી આટલે દૂર રહેવા છતાં, અત્યારે ને અત્યારે કેવી રીતે મળી ? એ સાચેસાચ પરમ તપસ્વિની છે. મારે માટે પ્રણમ્ય તથા પૂજ્ય છે. એનો પ્રતાપ આવો પ્રખર છે તો એ જેમને ગુરુતુલ્ય ગણે છે અથવા સન્માનીય સમજે છે તે ધર્મવ્યાધનો પ્રતાપ કેવો હશે ? એમને મારે અવશ્ય મળવું જોઇએ.

એ સ્ત્રીની રજા લઇને એ ત્યાંથી ચાલી નીકળ્યો.

એ કથાપ્રસંગ સ્ત્રીધર્મની મહાનતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. સ્ત્રીને માટે ઘર મંદિર છે. એ પોતાના કર્માનુષ્ઠાનને કે ધર્મને વફાદાર રહે તો ઘરમાં રહીને સિદ્ધિ તથા શાંતિ પામી શકે છે. એવો ગર્ભિત ધ્વનિ એ કથાપ્રસંગમાં રહેલો છે. એ ધ્વનિ ઝીલવાની આવશ્યકતા છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *