કેસર કેરીનો ઇતિહાસ
By-Gujju06-04-2024
કેસર કેરીનો ઇતિહાસ
By Gujju06-04-2024
ફળોના રાજા કેરીની રસપ્રદ વાતો વાગોળતા ઈતિહાસવિદ પરિમલ રૂપાણી જણાવે છે કે, પ્રાચીન કાળમાં જૂનાગઢમાં 100 જાતની દેશી કેરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમાં એક આંબો નામની કેરીની જાત હતી. ત્યાર બાદ સમય જતા માંગરોળ તાલુકાના શેખ હુશેન મીયા રાજાના સમયમાં સાલેભાઈ નામના એક અમીરે હુશેન મીયાને એક નવી જાતની પાતળી રેશા વિનાની કેરી ભેટમાં આપી હતી. જે સ્વાદમાં અત્યંત મીઠી હતી. આ કેરીની મીઠાશથી ખુશ થઈને શેખ હુશેન મિયાએ આ કેરીને આંબડી કેરી એવું નામ આપ્યું હતું. આ આંબડી કેરીના તેમણે પોતાના લાલાબાગના બંગલા તેમજ આસપાસના વિસ્તારમાં વાવેતર કરાવ્યું હતું. ત્યાર બાદ આ કેરીને પ્રતિષ્ઠા વધતા જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ આવંગરસાહેબે ભવનાથની તળેટી પાસેનું દુધેશ્વરનું જંગલ સાફ કરાવીને આંબડી કેરીનું વાવેતર કરાવ્યું હતું.
સમય જતાં ગીરનારી આબોહવા અને પાણીની છતના કારણે ભવનાથની તળેટીમાં વાવેલી આ આંબડી કેરીના ફળમાં ફેરફારો થયાં જેમાં કેરીની લીલાશમાં વધારો થયો સાથે સાથે કેરીનો અંદરનો ભાગ કેસરી થવા લાગ્યો આ બદલાવને લીધે આવંગરસાહેબે આ કેરીને કેસર કેરી નામ આપ્યું હતું.
1 જુન 1932માં આવંગરસાહેબના નેતૃત્વ હેઠળ દુધેશ્વરની આ જમની ઉપર મેંગો પ્લાન્ટેશન નાંખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યભરના પ્રતિષ્ઠિત અમીરોને બોલાવી કેસર કેરી અંગેનો વિચાર ગોષ્ઠિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.
પશ્ચિમ કેરી વિભાગ દ્વારા 1955માં મુંબઈ ખાતે કેરીનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જુનાગઢના બાગાયત વિભાગ તરફથી કેસર કેરી મોકલવામાં આવી હતી. જેમાં જૂનાગઢની કેસર કેરીને સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
ભારતના એ સમયના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ રશિયા ગયા, ત્યારે રશિયાના વડાપ્રધાન નિકીત ખુંશ્રેવ માટે સૌરાષ્ટ્રમાંથી ખાસ કેસર કેરી મંગાવીને સાથે લઈ ગયા હતા. અને તેની સાથે જૂનાગઢની કેસર કેરીની વિદેશમાં પણ ઓળખ ઉભી થઈ હતી. ત્યારથી લઈને આજે પણ કેસર કેરીનો સ્વાદ વિદેશમાં વખણાય છે.
કેસર કેરીના રોપાઓ નર્સરી માં કલમ પદ્ધતિ દ્વારા તૈયાર થાય છે કેસર કેરીના રોપાઓ હાલમાં કેસર કેરીનું વાવેતર જૂનાગઢની સાથે અન્ય વિસ્તારોમાં પણ થવા લાગ્યું છે. જેમાં કચ્છ-ભુજ, વલસાડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. તેમજ કેસર કેરીની કલમો માટે વિસાવદરના હંતાગ ગામે પ્રાઈવેટ નર્સરી બનાવવામાં આવી છે. આ ઉપરાંત તાલાલામાં પણ લોકો કેસર કેરીની કલમોનો ઉછેર કરી રહ્યાં છે.