Tuesday, 3 December, 2024

કીચકનો મોહ

328 Views
Share :
કીચકનો મોહ

કીચકનો મોહ

328 Views

{slide=Kichaka’s infatuation}

Almost ten months passed in incognito. Pandavas began looking forward to an end of their suffering. In the meanwhile, an unexpected problem surfaced. Kichaka, who was queen Sudeshna’s brother and the commander-in-chief of Virata’s army, got attracted to Sairandhri. Infatuated by Sairandhri’s inimitable beauty, Kichaka desired and proposed her. Kichaka told Sairandhri that it was meaningless for her to waste her life as a maid servant of the queen. She was worthy of stately pleasures and comforts. If she would marry him, he would offer anything that she would asks for. Draupadi, disguised as Sairandhri, negated his offer.
 
Sairandhri warned Kichaka that she was married and it was immoral for Kichaka to desire her. She also warned him that five Gandharvas were protecting her all the time and if Kichaka would not listen to her advise, he would face their wrath and would cause his own fall. However, complete taken over by lust, Kichaka ignored Sairandhri’s warnings and reiterated his proposal.
 

પાંડવોના અને દ્રૌપદીના જીવનમાં પ્રતિકૂળ પ્રસંગોની પરંપરા પેદા થતી.

એમનો જીવનપ્રવાહ પ્રથમથી જ સરળ અને સુખમય નહોતો પરંતુ જટિલ તથા ક્લેશમય હતો.

તો પણ એની જટિલતા કે ક્લેશમયતા એમને સાલતી નહોતી.

એને લીધે એ નાહિંમત, નિરાશ કે નાસીપાસ નહોતા બન્યા.

એમનું ઘડતર જુદી જ માટીમાંથી થયેલું હોવાથી, પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પણ માર્ગ કાઢતાં એ બનતી ધીરજ, આશા, શ્રદ્ધા અને હિંમતથી આગળ વધતા.

એટલે જ જીવનનો કંટકાકીર્ણ માર્ગ એમને માટે કુસુમકોમળ થઇ પડતો.

સુખ અને દુઃખને વધારે મહત્વ આપ્યા સિવાય એ એમના કાર્યની સિદ્ધિને મહત્વની માનતા.

જે મનસ્વી તેમજ કાર્યાર્થી હોય છે તે જીવનમાં આવતાં સુખદુઃખોને ગણકારતો નથી – મનસ્વી કાર્યાર્થી ન ગણયતિ સુખં ન ચ દુઃખમ્ – એ સુપ્રસિદ્ધ, શ્લોકપંક્તિ તેમના જીવનમાં મૂર્તિમંત થયેલી જોવા મળતી.

સામાન્ય અસામાન્ય મનુષ્યોને એમના જીવનમાંથી ઘણુંઘણું શીખવાનું હતું. આજે પણ શીખવાનું છે.

મત્સ્યદેશના વિરાટનગરમાં ગુપ્ત રીતે રહેતાં એમને લગભગ દસ માસ થઇ ગયા.

સેવા કરાવવાને યોગ્ય દ્રૌપદી રાણી સુદેષ્ણાની સ્નેહપૂર્વક સેવા કરતી ભૂતજીવનની સુખમય સંસ્મૃતિઓને યાદ કરીને અતિશય દુઃખી બનીને રહેતી હતી.

એના ઉત્તમ વિશદ વ્યવહારથી રાણી સુદેષ્ણા તો પૂર્ણપણે પ્રસન્ન હતી જ પરંતુ સાથેસાથે અંતઃપુરની અન્ય સ્ત્રીઓ પણ સંતુષ્ટ દેખાતી.

દિવસો પર દિવસો અને મહિના પછી મહિના પસાર થતા ગયા. અજ્ઞાતવાસનો મોટા ભાગનો સમય પસાર થઇ ગયો ત્યારે દ્રૌપદીના જીવનમાં એક અવનવીન, ચિરસ્મરણીય, એના શીલની કસોટી કરનારો અને એની દૈવી સત્વશીલતાની પ્રતીતિ કરાવનારો પ્રસંગ પેદા થયો.

વિરાટરાજનો મહાબળવાન સેનાપતિ કીચક દેવકન્યા જેવી કલ્પનાતીત કાંતિવાળી દ્રૌપદીને દેખીને કામવાસનાનો શિકાર બનીને એને મેળવવાનો મનોરથ કરવા માંડયો.

એણે કામમોહિત બની રાણી સુદેષ્ણા પાસે પહોંચીને કહેવા માંડયુ કે વિરાટરાજના રમણીય રાજભવનમાં મેં આજ સુધી આવી બીજી સુંદરી નથી જોઇ. આ રૂપસુંદરી પોતાના અદભૂત અનુપમ લાવણ્યથી સાક્ષાત્ લક્ષ્મી સમાન લાગે છે. ઉત્તમ પ્રકારની મદિરા જેમ ગંધથી માનવને ઉન્મત્ત કરી દે છે તેમ એ ભામિની પોતાના અલૌકિક સૌન્દર્ય અને આકર્ષણથી મારા ઉરને ઉન્મત્ત કરે છે. મારા મનની શાંતિ માટે એની પ્રાપ્તિ વિના બીજો કોઇ ઉપાય નથી દેખાતો. એણે મારા મનને વશ કર્યું છે. એને માટે દાસીપણું કરવાનું યોગ્ય નથી. એ સર્વશ્રેષ્ઠ સુંદરી મારા સર્વસ્વ પર સ્વામિત્વ ભોગવે તે જ બરાબર છે. અસંખ્ય હાથી, ઘોડા, રથથી સંપન્ન, પુષ્કળ મનુષ્યોવાળા, સુસમૃદ્ધ, વિવિધ ખાનપાનયુક્ત, સુવર્ણ તથા ચિત્રોથી અલંકૃત, મારા મનહર રાજમંદિરને એ સુંદરી ભલે શોભાવે. એ એની પ્રતીક્ષા કરે છે.

સુદેષ્ણા સાથે વાત કરીને કીચક દ્રૌપદી પાસે પહોંચ્યો અને એનાથી સંમોહિત બનીને બોલ્યો કે કલ્યાણી ! તું કોણ છે ? કોની છે ? હે સુંદરમુખી ! તું આ વિરાટનગરમાં આવી ? શોભના ! તારું રૂપ અનુપમ છે. તારી કાંતિ અનુપમ અને તારી સુકુમારતા શ્રેષ્ઠ છે. તારું મુખ ચંદ્રની જેમ નિર્મળ ભાસે છે. તારાં નેત્ર કમળપત્ર સરખાં સુંદર અને સુવિશાળ છે. હે સર્વાંગસુંદરી ! તારા શબ્દો કોયલના ટહુકા જેવા સુમધુર છે. પૃથ્વીમાં મેં તારા જેવી બીજી કોઇ સ્ત્રીને નથી જોઇ. તું કમળનિવાસિની કમળા કે સાક્ષાત્ ઐશ્વર્યદેવતા છે ? તું અનંગના અંગ સાથે વિહાર કરનારી અતીવ રૂપવતી રતિ છે ? તું ચંદ્રની પેઠે પ્રકાશે છે. તારા મુખચંદ્રને જોઇને કોણ કામવશ ના થઇ શકે ?

તારો લાભ ના થતાં હું મરી જઇશ માટે આત્મદાન આપીને મારો ઉદ્ધાર કર. તું સુખ ભોગવવાને યોગ્ય હોવાં છતાં અહીં સુખથી રહિત છે. તારે અહીં દુઃખમાં રહેવાનું હોય નહીં. તેથી મારી પાસેથી અનુપમ સુખની પ્રાપ્તિ કર.

તારું અદ્વિતીય રૂપ નિરર્થક વહ્યું જાય છે. પુષ્પોની શ્રેષ્ઠ સુંદર માળા જેમ પહેર્યા વિના શોભતી નથી તેમ તું શોભના હોવા છતાંયે શોભતી નથી. મારી આગળની સ્ત્રીઓનો હું તારે માટે ત્યાગ કરીશ, અથવા તેઓ દાસીઓ બનશે. હું તારો દાસ થઇને રહીશ. તારે અધીન રહીને વર્તીશ.

દ્રૌપદી બોલી કે સુતપુત્ર ! હું તો હલકા વર્ણની છું. સૈરન્ધ્રી છું. બીભત્સ છું, અને કેશ ઓળનારી છું. વળી પરસ્ત્રી છું. આથી તું જે પ્રાર્થના કરે છે તે અયોગ્ય છે. તારું કલ્યાણ થાવ. પ્રાણીમાત્રને પોતાની પત્ની પ્રિય હોય છે તેથી તું ધર્મનો વિચાર કર. તારે પરસ્ત્રીમાં કોઇ રીતે વૃત્તિ ના કરવી જોઇએ. જે પાપી મનનો મનુષ્ય મોહમાં પડીને મિથ્યા વસ્તુની અભિલાષા કરે છે તે ભયંકર અપકિર્તીને પામે છે અથવા પ્રાણસંકટના મહાભયમાં પડીને મરે છે.

સૈરન્ધ્રીએ એવી રીતે કહ્યું તો પણ કામથી મોહિત થયેલો અતિ નીચ બુદ્ધિનો દુરાત્મા કીચક પરસ્ત્રીગમનમાં રહેલા પ્રાણઘાતક તથા સર્વલોકમાં નિંદાયેલા અનેક દોષોને જાણવા છતાં ઇન્દ્રિયાધીન થઇને દ્રૌપદીને કહેવા લાગ્યો કે તારે લીધે હું મદનથી ઘેરાઇ ગયો છું. હું તારે આધીન છું અને પ્રિય બોલું છું. આમ છતાં તું મને ના પાડશે એટલે તારે પસ્તાવું પડશે. હું જ આ અખિલ રાજ્યનો સ્વામી છું. અને હું જ એનો વસાવનાર છું. વળી પરાક્રમમાં સમસ્ત પૃથ્વીમાં અજોડ છું. રૂપ, યૌવન, સૌભાગ્ય અને શ્રેષ્ઠ તથા સુંદર ભોગોમાં આ પૃથ્વીમાં બીજો કોઇ પુરુષ મારી બરાબરીનો નથી. તું મને ભજ અને અનુત્તમ ભોગોને ભોગવ.

કીચકે સાધ્વી દ્રૌપદીને એવાં અશુભ વચનો કહ્યાં ત્યારે તેનાં વચનોને તિરસ્કારી કાઢતાં તેણે કીચકને જણાવ્યું કે તું ગાંડો થા નહીં, જોજે, આજે જ તારો જીવ ના જાય ! તું જાણી લે કે પાંચ પ્રતાપી પુરુષો મારું ચારે બાજુથી રક્ષણ કરે છે. તું મને કદીય મેળવી શકીશ નહિ, કેમકે તે ગંધર્વ પુરુષો કોપ કરશે તો તારો નાશ જ થશે. મારો અપરાધ કરીને તું પૃથ્વીના પેટાળમાં ભરાઇ જશે, ઊંચે આકાશમાં ઊડી જશે, અથવા સમુદ્રની સામે પાર દોડી જશે તો પણ, મારા ગંધર્વ સંરક્ષકોના હાથમાંથી છૂટી શકશે નહીં. એ આકાશગમનની શક્તિવાળા દેવપુત્રો શત્રુઓનો ઘાણ કાઢી નાખે તેવા છે. પરસ્ત્રીથી દૂર રહેવાની અને તે દ્વારા જીવનને જીવંત રાખવાની દૈવી દૃષ્ટિ તારી પાસે છે જ નહીં.

કીચક વિરાટરાજનો સેનાધ્યક્ષ હતો, અતિશય પરાક્રમી કહેવાતો, તોપણ દ્રૌપદીને દેખીને મોહિત બન્યો એ શું બતાવે છે ? માનવ શરીરશક્તિથી સંપન્ન હોય, મનોબળથી મંડિત હોય, બુદ્ધિમાન હોય, છતાં પણ કેટલીકવાર મનનો સ્વામી નથી હોતો, એને લીધે એ અશુભ તરફ વળે છે, અશુભ કરે છે, અને સમજાવ્યા છતાં પણ નથી સમજી શકતો. જીવનને સંપૂર્ણપણે સુખી અને શાંત બનાવવા માટે માનવે પોતાના આત્મબળને કેળવવું પડે છે. એ બળ કેળવાયા પછી એ અશુભનો શિકાર નથી બનતો. દ્રૌપદી એવા અસાધારણ આત્મબળથી અલંકૃત હોવાથી અશુભ વિચાર, ભાવ, સંકલ્પ કે વ્યવહારથી મુક્ત રહી શકી. કીચક અને દ્રૌપદી જીવનવિકાસની વિરોધાભાસી ભૂમિકાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. માનવ જો કીચકની ક્લેશકારક કામભૂમિકા પરથી આગળ વધીને દ્રૌપદીની દૃઢ મનોબળવાળી ભૂમિકા પર આરૂઢ થઇ શકે તો સુખી બને અને સમાજને પણ સુખી કરી શકે. માનવે શું બનવું, કીચક કે કૃષ્ણા, એ એના હાથમાં છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *