કૃષ્ણનું અલૌકિક દર્શન
By-Gujju29-04-2023
કૃષ્ણનું અલૌકિક દર્શન
By Gujju29-04-2023
કૃષ્ણે દુર્યોધનને બનતી બધી રીતે સમજાવી જોયો. બીજા હિતચિંતકોએ પણ સમજાવી જોયો. તોપણ દુર્યોધન માન્યો નહિ.
એમણે પોતાને પકડવાની યોજના ઘડી છે એ જાણીને, કૃષ્ણે જણાવ્યું કે તું મને એકલો અને અસહાય સમજીને કેદ કરવાની ઇચ્છા રાખે છે પરંતુ તારી ઇચ્છા સ્વપ્ને પણ પૂરી નહિ થાય. હું એકલો અથવા અસહાય નથી. સઘળા પાંડવો, અંધકો, આદિત્યો, યાદવો, રુદ્રો, વસુઓ, અને મહર્ષિઓ મારા જ આશ્રયે રહેલા છે.
એવું કહીને શ્રીકૃષ્ણે મુક્તહાસ્ય કર્યું.
એ વખતે એમના અંગપ્રત્યંગમાંથી વીજળી જેવા રૂપવાળા, અગ્નિની જ્વાળા જેવા અંગૂઠા સમાન આકૃતિવાળા, તેજસ્વી દેવો પ્રકટ્યા.
એમના લલાટમાંથી બ્રહ્મા, વક્ષઃસ્થળમાંથી રુદ્ર, બાહુમાંથી લોકપાલ, મુખમાંથી અગ્નિ અને અન્ય અંગોમાંથી આદિત્યો, સાધ્યો, વસ્તુઓ, અશ્વિનીકુમારો, ઇન્દ્રસહિત વાયુઓ, વિશ્વદેવો, યક્ષો-ગંધર્વો તથા રાક્ષસો પ્રકટ થયા.
બે બાહુમાંથી બળરામ અને અર્જુનનો આવિર્ભાવ થયો.
પીઠમાંથી યુધિષ્ઠિર, ભીમ, નકુલ તથા સહદેવ પ્રકટ્યા.
અસાધારણ શસ્ત્રાસ્ત્રોથી અલંકૃત અંધકો અને પ્રદ્યુમ્ન જેવા યાદવો એમના અગ્રભાગમાંથી પ્રકટ બન્યા.
એમના બાહુઓમાં અનેક આયુધો દેખાયાં.
એમના નેત્રોમાંથી, કાનમાંથી, નાકમાંથી અને રોમરોમમાંથી મહાભયંકર ધુમાડાના ગોટાઓની સાથે અગ્નિની અનંત જ્વાળાઓ નીકળવા લાગી.
શ્રીકૃષ્ણના એવા ભયંકર રૂપને નિહાળીને રાજાઓનાં ચિત્ત આકુળવ્યાકુળ થઇ ગયાં અને તેમણે નેત્રોને બંધ કરી દીધાં. તે વખતે માત્ર દ્રોણ, ભીષ્મ, મહાબુદ્ધિમાન વિદુર, મહાભાગ્યશાળી સંજય અને તપોધન ઋષિઓએ આંખને બંધ કરી નહીં; કારણ કે જનાર્દન ભગવાને તેમને વિશ્વરૂપ જોવા માટે દિવ્ય દૃષ્ટિ આપેલી. એ સભાસ્થાનમાં માધવનું એ મહાન અસાધારણ આશ્ચર્ય જોઇને દેવોનાં દુંદુભિઓ વાગવા લાગ્યાં અને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા માંડી.
ધૃતરાષ્ટ્રે પ્રાર્થના કરી કે તમે મારા ઉપર કૃપા કરો. હું આપનાં દર્શન કરવાની ઇચ્છા રાખું છું. તમારું દર્શન થયા પછી મારાં નેત્રો પાછાં જતા રહે એવી પણ હું માગણી કરું છું. કારણ કે તમારું દર્શન કર્યા પછી તે નેત્રોથી હું બીજાને જોવાની ઇચ્છા નથી કરતો.
શ્રીકૃષ્ણે ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમને બે નેત્રોની પ્રાપ્તિ થાવ.
એવું કહેતાંની સાથે જ ત્યાં મોટું આશ્ચર્ય થયું. વિશ્વરૂપના દર્શનની ઇચ્છાથી ધૃતરાષ્ટ્રને વાસુદેવની કૃપાથી બન્ને નેત્રો પ્રાપ્ત થયા.
સભામાં બેઠેલા ધૃતરાષ્ટ્રને નેત્રો પ્રાપ્ત થયેલા જોઇને ઋષિઓ અને રાજાઓ આશ્ચર્ય પામ્યા અને મધુસૂદનની સ્તુતિ કરવા લાગ્યા.
તે સમયે આખી પૃથ્વી ચલિત થઇ ગઇ, સમુદ્ર પણ ખળભળી ઊઠ્યો. અને રાજાઓ પરમ આશ્ચર્ય પામ્યા.
તે પછી શત્રુઓનું દમન કરનારા શ્રીકૃષ્ણે પોતાના દિવ્યદેહને તથા તે દિવ્ય, અદભુત, ચિત્રવિચિત્ર સંપત્તિને સમેટી લીધી અને એ ઋષિઓની આજ્ઞા લઇને, સાત્યકિ તથા કૃતવર્માના હાથને પકડીને સભાસ્થાનમાંથી બહાર નીકળ્યા. નારદ જેવા ઋષિઓ પણ ત્યાંથી અંતર્હિત થઇને ચાલ્યા ગયા.
રથમાં બેસીને પ્રયાણ કરવા તૈયાર થયેલા શ્રીકૃષ્ણની પાસે પહોંચીને મહારાજા ધૃતરાષ્ટ્ર બોલ્યા કે પુત્રો ઉપર મારો કેટલો પ્રભાવ છે તે તમે તમારી નજરે જોયું છે. તમારે માટે કશું અજાણ્યું નથી. હું કુરુકુળમાં ઉત્પન્ન થયેલાઓમાં સલાહસંપ થાય એવી ઇચ્છા રાખું છું. અને યત્ન પણ કરું છું. છતાંય મારી આ અવસ્થા છે.
કૃષ્ણે કરાવેલા એમના અલૌકિક દર્શનના એ પ્રસંગ પરથી પ્રતીતિ થાય છે કે એમની શક્તિ અસાધારણ હતી. કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં અર્જુનને કરાવેલા અલૌકિક વિરાટ વિશ્વરૂપદર્શનના અનુભવ પહેલાંનો એ અલૌકિક અનુભવ એમની અનંત આત્મશક્તિ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
એ શક્તિની સહાયતાથી એમણે ધૃતરાષ્ટ્રની પ્રાર્થનાને લક્ષમાં લઇને એમને દૃષ્ટિનું કામચલાઉ વખતને માટે પણ દાન કર્યું. તોપણ એ ધૃતરાષ્ટ્રને, દુર્યોધનને તથા કૌરવોને પાંડવોને ન્યાય કરવા માટે તૈયાર ના કરી શક્યા. એના પરથી કૌરવોની ઘોર જડતા, સંકુચિતતા તથા સ્વાર્થવૃત્તિનો ખ્યાલ આવે છે. દુર્યોધનના અમર્યાદ અહંકારની, અજ્ઞાનની અને અધર્મની કલ્પના પણ સહેલાઇથી કરી શકાય છે.