Wednesday, 11 September, 2024

કૃદંત 

411 Views
Share :
કૃદંત

કૃદંત 

411 Views

કૃદંત એટલે શું? અને તેના પ્રકાર

ક્રિયાપદ જેવાં દેખાતાં હોવા છતાં સંજ્ઞાવિશેષણ કે ક્રિયાવિશેષણની કામગીરી કરતાં ક્રિયાપદરૂપોને ‘કૃદંત’ કહે છે. કૃદંતો ક્રિયાપદની માફક વાક્યનો અર્થ પૂર્ણ કરતાં નથી.

  1. સૌએ ગમતાં ગીત ગાયાં. [વિશેષણ તરીકે]
  2. ભણવા – કરવાનું તને કંઈ સૂઝતું જ નથી. [સંજ્ઞા તરીકે]
  3. મારાથી તે દૂર નાસતો ફરે છે. [ક્રિયાવિશેષણ તરીકે] 

કૃદંતને સમજવા નીચેની બાબતો યાદ રાખો : 

  1. કૃદંત એ ક્રિયારૂપો કે ક્રિયાદર્શક પદો છે. તે કર્તા, કર્મ, વિશેષણ કે ક્રિયાવિશેષણની કામગીરી બજાવે છે. 
  2. કૃદંત ક્રિયાપદ તરીકે આવે કે ન પણ આવે . 
  3. કૃદંત સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ તરીકે આવે છે. કૃદંત જ્યારે વાક્યમાં કર્તા , કર્મ કે અન્ય વિભક્તિમાં આવે ત્યારે એ સંજ્ઞા તરીકે વપરાયું છે એમ કહેવાય.

કૃદંતોના પ્રકાર :

કૃદંત વાક્યમાં જે પ્રકારની કામગીરી બજાવે છે તેને આધારે તેના પ્રકારો પાડવામાં આવ્યા છે :  કૃદંતના મુખ્ય 6 પ્રકાર છે.

  1. વર્તમાનકૃદંત
  2. ભૂતકૃદંત
  3. ભવિષ્યકૃદંત
  4. વિધ્યર્થકૃદંત
  5. હેત્વર્થકૃદંત
  6. સંબંધક ભૂતકૃદંત કે અવ્યયીભાવ ભૂતકૃદંત

આ બધાં કૃદંતો મોટે ભાગે સંજ્ઞાનાં વિશેષણો તરીકે વપરાય છે. હેત્વર્થકૃદંત અને સંબંધક ભૂતકૃદંત કે અવ્યયીભાવ ભૂતકૃદંત  બંને પ્રકારનાં કૃદંતો અવ્યય કે ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. 

વર્તમાનકૃદંત :

વર્તમાનકૃદંત – ‘’ પ્રત્યય + લિંગચિહ્નવાળું: તો, તી, તું, તાં): વાંચતો, વાંચતી, વાંચતું, વાંચતાં.

વર્તમાનકૃદંત કોઈ પણ કાળની ચાલુ ક્રિયા (થતી ક્રિયા) દર્શાવે છે.  નીચેનાં ઉદાહરણો જુઓ:

  • પૂરીઓ વણતાં વણતાં મેં કહ્યું. 
  • નસીબ દોડતું રહે છે તો વટ પડતો રહે છે.
  • ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું. 
  • આ રળિયામણી લાગતી જગ્યા પહેલાં કેટલી ગંદી હતી ? 
  • રસભરેલાં પીળાં મહુડાં ચાખતાં ચાખતાં થયેલી એ વાત અમનેય ગમી ગયેલી. 

ભૂતકૃદંત :

ભૂતકૃદંતના બે પ્રકાર છે : ભૂતકૃદંતના બે પ્રકાર છે : આ પ્રકાર ટેવદર્શક ભૂતકાળની ક્રિયા બતાવે છે. 

  1. ’ પ્રત્યય + લિંગચિહ્નવાળું: યો, ઈ, યું, યાં) : વાંચ્યો, વાંચી, વાંચ્યું, વાંચ્યાં  
  2. ’ કે ‘એલ’ + લિંગચિહ્નવાળું કે લિંગચિહ્ન વગરનું : લો, લી, લું, લાં, લ) : વાંચેલો, વાંચેલી, વાંચેલું, વાંચેલાં, વાંચેલ. 

ભૂતકૃદંત : ભૂતકૃદંત કોઈ પણ કાળની પૂરી થયેલી ક્રિયા દર્શાવે છે. ભૂતકૃદંતનો પ્રયોગ સહાયકારક ક્રિયાપદ સાથે કે તેના વગર થાય છે. સહાયકારક ક્રિયાપદ વગર તે ભૂતકાળ જ દર્શાવે છે.

 નીચેનાં ઉદાહરણો જુઓ 

  • ભણેલી સ્ત્રી સુખમાં ગમ્મત આપે છે.
  • સ્ત્રી રસોડાસંબંધી કામમાં ગૂંથાયેલી હોય છે.
  • આ વૃક્ષો વિશાળ શતરંજફલક પર મુકાયેલાં પ્યાદાં જેવાં છે.
  • સ્વામીજીના સૂચનથી પ્રભાવિત થયેલા મને નિર્ણય કર્યો છે. 

ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે : (ક) સાદું ભૂતકૃદંત અને (ખ) પરોક્ષ ભૂતકૃદંત.

સાદું ભૂતકૃદંત : (પ્રત્યય ‘ય’ વ્યક્ત લિંગવાચક છે.) નીચેનાં ઉદાહરણો જુઓ: 

  • તે બોલ્યો
  • નિશા બોલી 
  • તે બધાં બોલ્યાં

પરોક્ષ ભૂતકૃદંત : (પ્રત્યય ‘લ’, ‘એલ’) નીચેનાં ઉદાહરણો જુઓ: 

  • મેં તેને ફૂલ આપેલ
  • દિશાને મેં ચોપડો આપેલો
  • આપેલી દ્રાક્ષ કોણે ખાધી ?

ભવિષ્યકૃદંત :

ભવિષ્યકૃદંત : ‘નાર’ પ્રત્યયવાળું (ખાનાર, ખાનારું, ખાનારી, ખાનારાં) રૂપ ભવિષ્યકૃદંત તરીકે ઓળખાય છે. ભવિષ્યકૃદંત હંમેશાં ભવિષ્યકૃદંત બતાવતું નથી. એ કોઈ પણ કાળની અપેક્ષિત ક્રિયા દર્શાવે છે. ક્રિયાપદ તરીકે એ સહાયકારક સાથે આવે છે. 

દા. ત., એની પાછળ ખાનાર કોઈ નથી. લિંગચિહ્નવાળું કે લિંગચિહ્ન વગરનું નારો, નારી, નારું, નારાં, નાર નીચેનાં ઉદાહરણો જુઓ 

  • તું ખાવાનું મોકલનાર કોણ ? 
  • એમ કહેનાર જગતમાંથી બધા પરવારી ગયા હોય એમ લાગે છે. 
  • ટાઇમટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે.
  • તેને વખાણનારું મંડળ તદ્દન અજ્ઞાની હતું.

વિધ્યર્થકૃદંત કે સામાન્ય કૃદંત  :

વિધ્યર્થકૃદંત કે સામાન્ય કૃદંત: આ કૃદંત વિધિ એટલે કે ફરજ યા કર્તવ્યનો અર્થ બતાવે છે. (પ્રત્યય : વો, વી, વું, વાં

આ કૃદંત કોઈ કાળ દર્શાવતું નથી. નીચેના ઉદાહરણો વાંચો : 

  • હવે કરવું શું ? 
  • વિદ્યાર્થીઓએ નિયમિત સવારે વહેલાં ઊઠવું
  • હંમેશાં સ્વાધ્યાય કરવો
  • સારાં પુસ્તકો વાંચવા
  • લખવું-વાંચવું એ કંઈ કેળવણી નથી. 

હેત્વર્થકૃદંત :

હેત્વર્થકૃદંત : આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે અને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી.

નીચેનાં ઉદાહરણો જુઓ : 

  • વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે. (શા ઉદ્દેશથી જાય છે ? રમવાના ઉદ્દેશથી) 
  • ગરીબો પાસે ખાવા અન્ન નથી, પહેરવાને કપડાં નથી ને રહેવાને ઘર નથી. (અન્નનો શો હેતુ છે ? ખાવાનો કપડાંનો શો હેતુ છે ? પહેરવાનો અને ઘરનો શો ઉદ્દેશ છે ? રહેવાનો)

સંબંધક ભૂતકૃદંત કે અવ્યયીભાવ ભૂતકૃદંત :

આ કૃદંત ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળની (થયેલી, થતી કે થનાર) ક્રિયાની પૂર્વેની (પહેલાં થઈ ગયેલી) ક્રિયા દર્શાવે છે અને આ કૃદંતની ક્રિયાને તેની પછી જે ક્રિયા થવાની છે તેની સાથે સંબંધ હોય છે, એટલે આને ‘સંબંધક ભૂતકૃદંત’ કહે છે. વળી, ભૂતકાળની ક્રિયા દર્શાવતું આ કૃદંત અવ્યય તરીકે વપરાય છે, એટલે આને ‘અવ્યયીભાવ ભૂતકૃદંત’ પણ કહે છે. 

નીચેનાં ઉદાહરણો વાંચો : 

  • તેણે પર્વત પર ચઢીને પ્રકૃતિનું સૌંદર્ય જોયું. 
  • તેણે જાણી-જોઈને મને ખાડામાં નાખ્યો. 
  • તે એમની નજીક આવીને ઊભો રહ્યો. 
  • પરોઢિયે ઊઠી, નહાઈ-ધોઈ કરવાં સૌ કામ તમામ.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *