Tuesday, 16 July, 2024

લગ્ન સાથે જોડાયેલા રીવાજોનું ધાર્મિક મહત્વ

427 Views
Share :
લગ્ન સાથે જોડાયેલા રીવાજોનું ધાર્મિક મહત્વ

લગ્ન સાથે જોડાયેલા રીવાજોનું ધાર્મિક મહત્વ

427 Views

ભારતીય સનતાન હિંદુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદભૂત છે. ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે. માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને સોળ સંસ્કારો આપવામાં આવે છે. અને આ સોળ સંસ્કારો પૈકીના એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર.

લગ્ન એટલે માત્ર બંધન જ નહી પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન. લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું જ નહી પરંતુ બે આત્માઓનું મીલન. સમયની સાથે માણસો વિચારો પણ બદલાયા છે એટલે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે. પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી, પરંતુ સંધાય છે. લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવા આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી, પરંતુ તેના ઘરની ગૃહ લક્ષ્મી હોય છે.

આપણા ત્યાં લગ્ન બાદ દિકરાની પત્ની બનીને જે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે છે તેને પુત્રવધુ કહેવામાં આવે છે. પુત્ર વધુ એટલે જેનું મહત્વ પોતાના પુત્ર કરતા પણ વધુ છે તે પુત્ર વધુ.

લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ જરૂરી છે. વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવઈયો, મુશળ ધુંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે? શું રહસ્ય છે? તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે?  આ તમામ બાબતો પર એક નજર કરીએ.

લગ્ન : લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન. લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન.

વરઘોડોઃ વરઘોડો એટલે ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગથીયું.

પોંખણુઃ 

વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવામાં આવે છે. કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોંખે છે તેને પોંખણું કહેવામાં આવે છે. પોંખણામાં ચાર લાકડાની દંડીકાઓ હોય છે જેને રવઈયો, મુશળ, ઘુંસરી અને તરાક કહેવામાં આવે છે. આવો તેના મહત્વ પર પણ એક નજર કરીએ.

 • રવૈયોઃ માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવામાં આવે છે તેમ જીવનને પણ પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવાનો સંદેશ રવૈયા દ્વારા આપવામાં આવે છે.
 • મુશળઃ મુશળ અતિ વાસનાઓને મુશળ અર્થાત સાંબેલાથી ખાંડીને પ્રેમ પ્રગટાવવાનું કહે છે.
 • ઘુંસરીઃ સંસાર રૂપી રથના પતિ અને પત્ની બે ચાલકો છે. આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો તેમનું લગ્ન જીવન સુખમય વીતે છે તે પ્રકારનો સંદેશ ઘુંસરી દ્વારા આપવામાં આવે છે.
 • તરાકઃ લગ્ન જીવન રેંટિયા જેવું છે. પતિ અને પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાકને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે તેમ કહેવાનો ભાવ તરાક દ્વારા આપવામાં આવ્યો છે. આ પ્રકારે જમાઈરાજાને પોંખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલા સાવધાન કરે છે અને વર તેનો જવાબ સંપુટ તોડીને આપે છે.

સંપુટઃ 

કન્યાના માતા દ્વારા વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે. આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી ચેતવણીને હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા અને અરમાનો પર હવે હું નહી ચાલું અહીંયા તેનો ભાંગીને ભુક્કો કરૂં છું, હવેથી અમારા બંન્નેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તેજ પ્રમાણે અમે બંન્ને પતી પત્ની અમારી જીવન યાત્રા કરીશું.

વરમાળા: 

ફૂલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.

હસ્તમેળાપઃ 

હસ્તમેળાપ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ વિધિને પાણિગ્રણ વિધિ પણ કહેવામાં આવે છે અને હસ્તમેળાપ માત્ર હસ્તમેળાપ ન રહીને હૈયામેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને બંન્નેના હૈયામાં એકબીજા પ્રત્યે આત્મીયતા પ્રગટે છે. તો આ સાથે જ જાનૈયા અને માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.

મંગળ ફેરા : લગ્નના ચાર ફેરા

લગ્નના ચાર ફેરા દ્વારા ઋષીમુનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના ચાર ફેરા ધર્મ, અર્થ,કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના ચાર ફૈરા પૈકી ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે. આવો આ ચાર ફેરાના મહાત્મ્યને પણ સમજીએ.

 • પહેલો ફેરો ધર્મનોઃ લગ્નના ચાર ફેરામાં પહેલો ફેરો ધર્મનો હોય છે. સ્ત્રીના પિયરમાં ગમેતે ધર્મનું પાલન કરવામાં આવતું હોય પરંતુ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ પત્ની અનુસરે છે. અને આ સીવાય પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડિલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગા-સંબંધી અને સમાજ પ્રત્યોના ધર્મો પણ પત્ની પતિની આજ્ઞા અને ઈચ્છાસહ પાળે છે.
 • બીજો ફેરો અર્થનોઃ અર્થ એટલે પૈસા. અર્થોપાર્જન કરવાનું પૈસા કમાવવાનું કાર્ય અર્થાત પૈસા કમાઈને ઘરનું અને પોતાના પરીવારનું પોષણ કરવાનું કાર્ય પતિનું હોય છે. એટલે બીજા અને અર્થના ફેરામાં પતિ આગળ હોય છે.
 • ત્રીજો ફેરો કામનોઃ સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે અને લગ્ન જીવન અને વંશવૃદ્ધી માટે સ્ત્રીઓ હંમેશા પતિની પાછળ જ રહે છે.
 • ચોથો ફેરો મોક્ષનોઃ ચોથા અને અંતિમ ફેરામાં ઋષીમુનીઓએ સ્ત્રીને આગળ રાખી છે. સ્ત્રીએ લક્ષ્મી અને શક્તિનું પ્રતિક છે. પહેલાના સમયમાં એવું કહેવાતું હતું એક સ્ત્રી પોતાના પતિનો જીવ બચાવવા માટે યમરાજા પાસે પણ એકસમયે લડી લે. અને એટલે જ કદાચ ઋષીમુનીઓએ લગ્નના ચાર ફેરાની પરંપરામાં મોક્ષના ચોથા અને અંતિમ ફેરામાં સ્ત્રીને આગળ રાખી છે કે કારણકે ઋષીમુનીઓને પણ ખબર હશે કે મોક્ષતો આ દેશની જગદંબાઓ જ આપાવી શકે બાકી કોઈની તાકાત બહારની વાત છે.

પરંતુ મોક્ષ પણ એવી વસ્તુ છે કે જે ઈચ્છા અનુસાર મળતો નથી. એના માટે પણ યોગ્ય કર્મ કરવા પડે છે. મોક્ષ એ તો ધર્મનું નિયમ પાલન, અને ઈશ્વરની સેવા-પુજા અને ભક્તિથી જ પ્રાપ્ત થાય છે અને એમાં સ્ત્રીઓ હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. પતિ, સાસુ, સસરા, અને વડિલો પ્રત્યેનો આદર, સેવા-સમભાવ, ગરીબો પ્રત્યે કરૂણા, સંતાનો પ્રત્યે પ્રેમ અને મમતા આ બધા ગુણોનો શુભગ સમન્વય એટલે સ્ત્રી અને સ્ત્રીમાં રહેલા આવા ગુણોના લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ મોક્ષના ફેરામાં ઋષીમુનીઓએ સ્ત્રીને હંમેશા આગળ રાખી છે.

મંગલાષ્ટકઃ 

લગ્નવિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવદંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓનો આશીર્વાદ આપે છે.

રામ દીવડો: 

કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે આનાથી તેઓ એમ કહેવા માંગે છે કે હે દીકરી ! તેં તારી સેવા, શુશ્રૂષા અને સદ્‍ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે જ સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે. આ પ્રકારની શીખ પોતાની દિકરીને તેની માતા કન્યા વિદાય ટાણે આપે છે.

મા માટલું: 

માં માટલું માતાના પોતાની દિકરી પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે. માતાનો પ્રેમ, માતાની મમતા, અને માતાનો જીવ અજોડ છે. દિકરીની માં પોતાના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતીક સ્વરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા અને મીઠાઈ આ માં માટલામાં ભરે છે.

મા માટલામાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીકરૂપે મગ, ફળના પ્રતીકરૂપે સોપારી, મેવાના પ્રતીકરૂપે ખારેક અને મીઠાઈના પ્રતીકરૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીકરૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે.

સપ્તપદી નું મહત્વ

લગ્નની વિધિમાં સપ્તપદીની રસમ સૌથી મહત્વપૂર્ણ હોય છે. સપ્તપદીની વિધિ જ્યાં સૂધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કન્યા પરણિત નહી પરંતુ કુવાંરી જ ગણાય છે. સપ્તપદીના સાત વચનો હોય છે તેના દ્વારા વર કન્યા અસરપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો આપે છે. લગ્ન એતો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે, સપ્તપદી. આવો સપ્તપદીના સાત વચનો વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ.

 • પ્રથમ વચનઃ પ્રથમ વચનમાં કન્યા આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે હે પતિદેવ ગત જન્મમાં મેં કરેલા અસંખ્‍ય પુણ્યોને કારણે મને તમે આજન્મમાં પતિના રૂપમાં પ્રાપ્‍ત થયા છો. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્‍વ ગણે છે અને આ સૌભાગ્‍યના પ્રતીક પોતાના કપાળે ચાંલ્‍લો કરવાનું શરૂ કરે છે.
 • બીજું વચનઃ સપ્‍તપદીના બીજા વચનમાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે, તેમજ ઉપલબ્‍ધ સાધન સંપન્‍નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહી પરિવારના દરેક સભ્‍યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. સાથે જ તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે.
 • ત્રીજું વચનઃ ત્રીજા વચનમાં કન્‍યા તેના પતિની આમન્‍યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્‍યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે. પત્ની પતીને વચન આપે છે કે હું હંમેશા આપશ્રીને ભાવે તે પ્રકારનું ભોજન અને વ્યંજનો આપને બનાવી આપીશ.
 • ચોથું વચનઃ ચોથા વચનમાં પત્ની વધુ સારા શણગાર-શૃંગાર સજી મન, ભાવ, વિચાર-વાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્‍વચ્‍છતા શણગાર-શૃંગાર વગેરે સ્‍ત્રીના વ્‍યક્તિત્‍વને ભવ્‍યતા બક્ષે છે. આથી સ્‍ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્‍દ્બ પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.
 • પાચમું વચનઃ પાંચમાં વચનમાં કન્‍યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.
 • છઠ્ઠુ વચનઃ સપ્‍તપદીના છઠ્ઠા વચનમાં પત્ની તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા-પિતાની સેવા કરશે તેમજ અન્‍ય સગાં સબંધીઓને આદર સત્કાર કરશે. પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્‍યેની જ નહી, પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્‍યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.
 • સાતમું વચનઃ સાતમા વચનમાં કન્‍યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય અને સાથે જ ધા‍ર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે, પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાત્રી આપે છે. આમ,સપ્‍તપદીમાં કન્‍યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાત્રી આપે છે.

કંકુ થાપાઃ 

દીકરી જ્યારે પિતાનું ઘર છોડી સાસરે જાય તે સમયે કન્યા વિદાય પૂર્વે દિકરી પોતાના પિતાના ઘરની દિવાલ પર કંકુ થાપા મારે છે તેવો રીવાજ આપણા ત્યાં છે. કંકુ થાપા દ્વારા દિકરી પોતાના ભાઈઓને 10 આંગળીઓથી ઘરનો દસ્તાવેજ કરીને આપતી જાય છે. તે સમયે દિકરીએ માથે ઓઢેલું હોય છે. આ રસમ દ્વારા બહેન પોતાના ભાઈઓને કહે છે કે હે ભાઈઓ આજ સુધી મેં આ ઘરનો દર-દાગીનો અને દસ્તાવેજ બધુ સાચવ્યું છે મારે આમાંથી કશી જ વસ્તુનો ભાગ જોઈતો નથી આજે હું મારી દસ આંગળીઓથી તેનો દસ્તાવેજ કરી આપીને તે સંપત્તિની જવાબદારી તમારા શીરે સોંપતી જાઉં છું તેનું જતન કરી તમે તેને સાચવજો અને તેમાં વૃદ્ધિ કરજો.

કન્યા વિદાયઃ 

લગ્નની તમામ વિધી, રિવાજ અને પરંપરા પૂર્ણ થયા બાદ છેલ્લે એક કરૂણ પ્રસંગ આવે છે જેને કન્યા વિદાય કહેવાય છે. લગ્નની આખીય વિધિમાં છેલ્લે કન્યા વિદાયનું પણ એક વિધાન અને રીવાજ હોય છે એટલા માટે દિકરીના લગ્ને કરૂણ મંગલ પ્રસંગ કહેવાય છે. મંગલ પ્રસંગ તો છે જ પરંતુ તેની સાથે તેમાં કરૂણતા પણ ઘૂંટાયેલી છે. 

કન્યા વિદાય એ કદાચ ગામ આખા માટે કન્યાની વિદાય હશે પરંતુ એક પિતા માટે પોતાના કાળજાના કટકાની વિદાય હોય છે. ફુલની જેમ સાચવીને જે દિકરીને મોટી કરી તે દિકરીની વિદાય કરવાની હોય એ ટાણે તો મર્દામર્દ પિતાની આંખમાં પણ આંસુ આવી જાય છે. રાજા નજકે પણ જ્યારે પોતાની દિકરી વૈદેહી એટલે કે સીતાની વિદાય કરી હતી ત્યારે રડ્યા હતા. કન્યા વિદાય બાદ દિકરી હંમેશા માટે પોતાના લોકોને મુકીને પારકાને પોતાના કરવા જતી રહે છે. અને એટલે જ કહેવાય છે કે દિકરો તો એક કુળમાં જ અજવાળું કરે જ્યારે દિકરીઓ તો બે કુળમાં અજવાળા કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *